ભેંસ
ભેંસ
દૂધ ગરજે તમે મને પ્રેમથી પાળો
મહિષ કુંવર અમારો વર્ણથી કાળો
કાળો અક્ષર ભેંસ બરાબરના શાને?
અભણ નથી હું ભલે છું શ્યામ વાને
નિશાળે જવાથી જ શું આવે છે બુદ્ધિ?
રોકુ છું અનિયંત્રિત વનસ્પતિ વૃદ્ધિ
દૂધ રાખું હું તમારા માટે સાચવી
ભેંસ આગળ જ ભાગવત વાંચવી
હું શું નથી સમજતી તમારી બોલી?
તેથી તમારી વાતો લાગે છે પોલી
ભેંસ અને ભાજી વધુ પાણીએ રાજી
હું વસૂકું તો બગડશે તમારી બાજી
લોકવાયકા જેની લાઠી તેની ભેંસ
કહો જોઈએ અક્કલ બડી કે ભેંસ?
મોંછડી ભેંસ અને નછરવી છોડી
શીંગડા વગર લાગે છે ભેંસ બોડી
કહેવત છે મૂઈ ભેંસનાં મોટા ડોળા
મર્યે કરી કિંમત તમે સાવ ભોળા
ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
બિન આયોજન શું ભેંસ વાગોળે?
કહો કેમ ભરોસાની ભેંસ પાડો જણે
કઈંક પ્રાણી અમને તો હાથી ગણે
ઊંટ જોઈને અમે દોડીને ભાગીયે
કપાસિયા જોઈને ખાવા લાગીયે
દૂધ ગરજે તમે મને પ્રેમથી પાળો
અમને અભણ ગણવાનું જરા ટાળો.