બાળ રમતો
બાળ રમતો
મુકત મને બેફિકર બનીને વિહર્યાં જે ઉપવન,
એ હતું આ જીવન કેરું અણમોલું બાળપણ !
સંતાકૂકડી ને થપ્પો એવું રમતા બનીને લહેરી,
દોડા-દોડી ને ભાગમભાગે ગુંજી ઊઠતી શેરી !
દોરડા કૂદી અવનવી રીતે, જાણે કરતાં કસરત !
સાઇકલ શીખવાની કેવી, જાગે જોને હસરત !
મૉઈદાંડીયો, લખોટીઓ તો છોકરાંઓ જ રમે,
છોકરીઓને કુંડાળા દોરી કૂદવાનું કેમ ના ગમે ?
ટાઢમાં ઠરતી ભૂરી કૂતરીને કોથળો સૌ ઓઢાડી,
શિરો દઈએ ભૂરીને પછી ગલુંડિયાં ખૂબ રમાડી !
ઉનાળે વેકેશનમાં સૌ ચઢી બેસતાં આંબાડાળે,
સાદ સામો દઈ કોયલને કૂહુહુ કૂહુહુ નાં ઢાળે !
વરસતા વરસાદે ન્હાવાનું, એય અનોખી મજા,
આવે વરસાદ સવારમાં, નિશાળે જવાની રજા !
ધૂળ, રેતીને ગારા સાથે રમીરમીને થયાં'તાં મોટા
એલર્જી ને ઇન્ફેક્શનના ડર નાં હતાં કોઈ ખોટા !
રમતનો જુસ્સો, ન જોવા મળતી હવે બાળરમત,
બાળપણાને લાગી આજે તો ઈન્ટરનેટની મમત !
