અષાઢી ધાર
અષાઢી ધાર
રૂડી આષાઢી ધાર
આભેથી ઊતરી રૂડી આષાઢી ધાર,
હૈયામાં વાગે ઝાંઝરના ઝણકાર...
ઓ રે ભીના વરસાદ!
તારો અણધાર્યો આવ્યો સાદ,
માટીની મહેકે ધબકાર...
આભેથી ઊતરી રે રૂડી આષાઢી ધાર!
નેવેથી ટપકે છે મોતી જેવાં પાણી,
મન મારું બોલે કૈં અણબોલી વાણી!
સીમમાં ગૂંથાતી હરિયાળી ભાત,
આજે તો પૂછવી છે મનની રે વાત.
વાયા છે વાયરા ને મધમીઠા સાદ,
ઓ રે ભીના વરસાદ...
ટહુકે છે મોરલો ને ગહેકે છે દાદુર,
ઉમટ્યો છે હૈયામાં વહાલના પૂર!
ટીપે ટીપે રે તારો અડકો હિલોળ,
હૈયાના તાર આજે થાય રે ચકડોળ.
આજ નથી છાપરું ને આજ નથી ઓટ,
હરખની આજે રહી નહીં ખોટ!
આભેથી ઊતરી રેરૂડી આષાઢી ધાર...
-દિનેશ નાયક 'અક્ષર'
