અંધકારના કવિ
અંધકારના કવિ
અંધકારના કવિ અમે તો અંધકારને વરિયે !
અંધકારનાં સાથળ ઉપર ઠીક પડે તે કરિયે
અંધકાર તો દરિયો
અંધકાર તરવરિયો
અંધકાર સાંવરિયો
અંધકારની છાતી ઉપર અંધકાર પાથરિયે !
અંધકારની ચાબૂક ઝાલી રથમાંથી ઉતરિયે !
અંધકાર તો ખણખણ
અંધકાર તો ધણણણ
અંધકાર તો જણણણ
અંધકાર ને ક્યાં છે કાંઠા ભીતરમાં પરહરિયે !
અંધકારના આલિંગનમાં આવોને મધદરિયે !
અંધકાર તો હુક્કો
અંધકાર જળકુક્કો
અંધકાર નિજભુક્કો
અંધકારના છીએ પ્રવાસી તડકામાં થરથરિયે !
અંધકારની લિપિ ઉકેલી બાંધી દઈ ઘુઘરિયે !
અંધકાર ખીસકોલી
અંધકાર ઘરખોલી
અંધકાર રંગોલી
અંધકારની પાંખો વચ્ચે આંખોનું જળ ભરિયે !
અંધકારની આંગળીયેથી ક્યાં જઈને ફરફરિયે !
અંધકારના કવિ અમે તો અંધકારને વરિયે !
અંધકારનાં સાથળ ઉપર ઠીક પડે તે કરિયે !
