આ જિંદગી
આ જિંદગી
થોડી છે હદની અંદર, થોડી બહાર છે,
આ જિંદગી જુઓ તો એક ડાન્સબાર છે.
તક-તક થતી-થતી શું એ તાર-તાર છે,
આંખો તમારી કેવી રૂઆબદાર છે!
તાકાત કોની છે કે મુફલિસ મને કરે,
મારો હૂઝૂર કેવો અહીં માલદાર છે!
મરવું જ હો તો લાખો બ્હાના મળી જશે,
જીવવું જ હો તો જીવન બહુ શાનદાર છે.
જુદા થયાં તો પત્રો પાછાં દઈ ગઈ,
એક બેવફાય કેવી ઈમાનદાર છે!
વાંચી ગઝલ અમારી ફિક્કાં પડી ગયાં,
કહેવાય છે, એ લોકો બહુ જાણકાર છે.
તારી પસંદગી છે, વિકલ્પ બે જ છે,
હુંકાર છે ને બાજુમાં ઓમકાર છે.
ભોંકાય છે હમેશા બૂઠ્ઠાંપણું અહીં,
પંપાળતુ રહે છે, જે ધારદાર છે.
છુપાઉં લાખ તોયે પકડી જ લે 'નિનાદ',
એની આ આંખ છે કે કોઈ રડાર છે?