કેન્સર સામે જંગ

કેન્સર સામે જંગ

4 mins
193


કેન્સર સામે જંગ. જયાબેન સ્વભાવે ખૂબ હસમુખા. નાની નાની વાતમાં પણ ખુલ્લા મનથી હસી લે. અમે એકજ એપાર્ટમેટમાં એકજ ફ્લોર પર અને એકજ દિવાલે રહેતા. અઢાર વર્ષ સાથે જ રહ્યા. જયાબેન આમ તો હાઉસ વાઇફ. એસ.એસ.સી. સુધીજ ભણેલાં પણ એમનું જ્ઞાન આવડત અને રહેણી કરણી જોઇને લાગે કે તેણે કોલેજ તો કરીજ હશે. અમે પડોશી તો ખરા પણ એકદમ ઘર જેવો સબંધ પણ ખરો. જયાબેન તેમની અંગત વાત પણ મારી સાથે શેર કરે. હું શિક્ષિકા તરીકે નોકરી કરું એટલે સમય થોડોક ઓછો મળે. પણ સાંજે શાળાએથી આવું એટલે કલાક તો અમે રોજ ચોકમાં બેસીએ. મારે કંઇ કામ હોય તો મદદ પણ કરે. જયાબેન સ્વભાવે આનંદી એટલે તેમની સાથે થોડો સમય બેસીએ તો પણ સઘળું ટેન્શન દૂર થઇ જાય. તેમના પતિ બહુ ઊંચી પોસ્ટ પર સરકારી નોકરી કરતા હતા. એટલે પૈસે ટકે ખૂબ સુખી.


પહેલા તો તેઓ સંયુક્ત ફેમીલીમાં રહેતા હતા. જયાબેન તેમના સાસુ અને બે દિયર. પણ કોઇ કારણસર તેઓને માનસિક બીમારી લાગુ પડી. એ દરમ્યાન તેમના પતિની બદલી પણ થઇ. તેમણે જયાબેનની ઘણી દવા કરી. જયાબેન આ બીમારીમાં પાંચેક વર્ષ હેરાન થયાં. પણ પોતે બહુ હિંમતવાળા આથી તેમાંથી બહાર આવી ગયા. પછીથી પોતે બહુ ધ્યાન રાખતા. એકદમ નિયમિતતા જાળવે. સમયસર જમવાનું અને સાથે વીટામીન્સ મળે એવી વાનગી જ લેવાની. આખો દિવસ હસવાનું, બધા સાથે હળીમળીને રહેવાનું અને નિખાલસ સ્વભાવ, આથી બધાની સાથે ભળી જાય. મારી તો ખાસ બહેનપણી. ગામમાં ખરીદી કરવા પણ સાથેજ જઇએ. અને ઘણીવાર તો એકસરખાજ કપડાં લઇએ. ઘણાં વર્ષ આમ વીતી ગયા. તેમનો એક દીકરો, એણે કોલેજ પૂરી કરી. મારી બંને દીકરીઓ અને એક દીકરો પણ મોટા થઇ ગયા. અને બહાર અભ્યાસ માટે ગયા. અમારો સબંધ હજુયે એટલોજ મજબૂત અને તાજગીસભર હતો. હજુયે અમે નિયમ મુજબ સાંજે કલાક ચોકમાં બેસતા.


બે-ત્રણ દિવસથી એ રોજ કહેતા મને જમણા હાથનો ખભો બહુ દુ:ખે છે. અને એક દિવસ તો બહાર પણ ન નીકળ્યા, મેં બોલાવ્યા તો કહે, આજે તો ખભો બહુ દુ:ખે છે. સાંજે ડોક્ટરને બતાવી આવીએ. ગયા વર્ષે પણ મને દુખતો હતો દવા લીધી તો સારું થઇ ગયું હતું. મેં કહ્યું સારું આજેજ જઇ આવો. બીજા દિવસે સાંજે હું ઘરે આવી તો તેમનું ઘર બંધ હતું. હું પણ કામમાં હતી. પણ રાત્રે જયાબેનના પતિનો ફોન આવ્યો કે અમે અમદાવાદ છીએ. જયાને કેન્સર છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે.! અમે તો આ સાંભળીને એકદમ નવાઇ પામ્યા. હું તો માનવા જ તેયાર ન હતી. પણ અત્યારે લાંબી વાત થાય તેમ પણ ન હતી. પણ મારી આંખોમાંથી ઊંઘ અદ્રશ્ય થઇ ગઇ.


હું કોઇ દિવસ માનતા કે એવી વાતોમાં ન માનું પણ જયાબેનના સમાચાર સાંભળી અચાનક બોલાઇ ગયું. તેઓ સાજા થઇને ઘરે આવે એટલે એમની સાથેજ ગણેશના મંદિરે ચાલીને દર્શન કરવા જઇશ. જયાબેનનું ઓપરેશન થઇ ગયું, સ્તન કેન્સર હતું પણ સ્તન કાઢવાની જરૂર ન પડી. તેમની સાથે તેમના કુટુંબીજનો પણ હતા. હા એમણે એમના બંને દિયરને દીકરાની જેમ સાચવ્યાં હતાં અને ધંધે પણ લગાડ્યાં હતા. એમના સંતાનોને ભણાવ્યા પણ હતા. આજે તેઓ તેમની સાથે હતા. જયાબેનને એક અઠવાડિયા પછી ઘરે લઇ આવ્યા. હું દોડીને મળવા ગઇ. તેમનું શરીર સાવ નંખાઇ ગયું હતું પણ મનોબળ એકદમ દ્રઢ હતું.. મને કહે, "હું હવે એકદમ સ્વસ્થ છું. તમારા ભાઇ અને ઘરના બધા ડરી ગયાં હતાં. મેં માંડ સંભાળ્યા. ઓપરેશન થિયેટરમાં જતી વખતે એ બધાની આંખમાં આંસુ હતા. મેં હસતાં-હસતાં કહ્યું મને કશુંજ નથી થવાનું. અને કંઇ થાય તો પણ મેં ભરપુર જીવી લીધું છે. તમે મને હસતાં મોઢે અંદર મોકલો". આમ કહીને મારી સાથે હસવા લાગ્યા. અને કહ્યું આ ગાંઠ તો નીકળી ગઇ હવે ડોઝ લેવાના બાકી છે. હું મનોમન તેમની હિંમતને દાદ આપતી રહી. જયાબેન હવે એકદમ સ્વસ્થ થઇ ગયા. પણ ઘરમાં બધાના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું. બધા જાણતાં હતા કેન્સરના ડોઝ બહુ વસમા લાગશે. વાળ પણ જતાં રહેશે. પણ જયાબેન એકદમ તૈયાર હતા. જાણે કેન્સરને ભગાડવા એની સામે જંગ માંડ્યો હતો.


પહેલો ડોઝ લઇને આવ્યા. ફરી હું તેમને મળવા ગઇ. શરીર એકદમ કાળું પડી ગયું હતું. અને જાણે શરીરમાંથી ચેતન હણાઇ ગયું હોય એવું લાગતું હતું. ધીમે ધીમે બધાં વાળ પણ ખરી ગયાં. જે વાળનું તે ખૂબ જતન કરતાં હતાં. તે બધાંજ જતાં રહ્યાં. થોડાક વિચલીત થઇ ગયાં હતાં. બીજો ડોઝ લેવાની ના પાડતા હતાં પણ પછી ફરીથી હિંમતથી બોલ્યા, હું આમાંથી બહાર નીકળીનેજ રહીશ. ઘરનાં બધાં કહેવા લાગ્યાં હવે દીકરાના લગ્ન કરી નાખીએ. પણ જયાબેન મક્કમતાથી બોલ્યા, મારે મારા એકના એક દીકરાના લગ્ન એમ ઉતાવળથી નથી કરવા. હું સાવ સાજી થાવ પછી ખૂબ ધામધૂમથી કરવા છે. અને જો મને કંઇ થાય તો પણ પછી તમે બધાં ધામધૂમથીજ લગ્ન કરજો. આવી બધી વાત એ મારી સાથે કરે.


જયાબેનની બધીજ ટ્રીટમેન્ટ પુરી થઇ ગઇ. ડોક્ટરના કહેવા મુજબ એકદમ નિયમિત ખોરાક અને દવા બંને લીધા. ધીમે ધીમે એકદમ સ્વસ્થ થઇ ગયા. એકાદ વર્ષમાં તો પહેલાં જેવાજ તંદુરસ્ત થઇ ગયા. કોઇને લાગેજ નહિ કે તેમને કેન્સર હશે. ફક્ત દવાથી સારા થાય એવી શક્યતા ઓછી હતી. ડોક્ટરો પણ તેમની હિંમત અને દ્રઢ મનોબળથી અચંબિત હતા. તેમની હિંમત જોઇને ખૂબ ખૂશ થયાં. અને બીજાને ઉદાહરણ આપતા. કે જો બધાં દર્દીમાં આવી હિંમત હોય તો ગમે તેવા કેન્સરને હરાવી શકે છે. આજે જયાબેન એકદમ તંદુરસ્ત અને આનંદથી જીવે છે. હા અમે ચાલીને દૂર મંદિરે દર્શન પણ કરી આવ્યા.! હવે તેઓ મેગાસીટીમાં દીકરા સાથે રહે છે. અને પૌત્રીને રમાડે છે. આ વાતને દસેક વર્ષ થઇ ગયા છે. તેમનું જીવન મારા માટે ખરેખર પ્રેરણારૂપ છે. બંને બીમારી સામે લડત આપી આજે તેઓ ખૂબ સંતોષથી જીવે છે.


Rate this content
Log in

Similar english story from Inspirational