Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Children Stories Crime Fantasy

4  

Mrugtrushna Tarang

Children Stories Crime Fantasy

ન્યાયિક પરીક્ષા

ન્યાયિક પરીક્ષા

7 mins
199


      એક ઉપવનને કિનારે વસતા નગરમાં લોકો સુખ શાંતિથી રહેતા હતાં.

      એકે કાળે દુષ્કાળ પડતાં ખેડૂતોને ધન અર્જિત કરવા બીજા ઉપાયો કરવા માટે વિચારવાનું થયું.

      રામદિન નામે એક ખેડૂતને દેશાંતરે જઈ વ્યાપાર કરવાનો વિચાર સ્ફુર્યો. યોગાનુયોગે વ્યવસ્થા પણ થઈ ગઈ. એટલે વીસેક કિલોનું વજનદાર લોખંડી ત્રાજવું ઠેર ઠેર લઈ ફરવું શક્ય બનાવવા કરતાં શાહુકાર પાસે સાચવવાની વ્યવસ્થા કરવા રામદિન ખેડૂત, રામચરણ શેઠ પાસે ગયો.

      દેશાન્તરે વ્યાપાર કરવાની પોતાની યોજના બાબતે ભોળા મને રામદિને શેઠને બધી જ વાત વિસ્તારથી કરી. વાટાઘાટો કર્યા બાદ વીસેક કિલોનું વજનદાર ત્રાજવું શેઠ રામચરણ પાસે અમાનત સ્વરૂપે મૂકી નિશ્ચિન્ત થઈ એજ દિવસે રામદિન વ્યાપાર અર્થે દેશાંતરે નીકળી ગયો.

      કપરો સમય વાયરા વહેતો મૂકી એ પણ એની સાથે વહી ગયો. મહિનાઓનાં કપરા પરિશ્રમ બાદ રામદિન સારું એવું ધન અર્જિત કરી શક્યો. અને, પોતાનાં ગામથી દૂર આટલાં બધાં મહિનાઓથી દૂર રહીને ઘર-દ્વાર યાદ આવતાં પોતાને ગામે જવા નીકળ્યો.

      ઘણાયે દિવસોની પગપાળા યાત્રા બાદ અંતે એ સુખરૂપ પોતાને દેશ પહોંચ્યો હતો. ઘરે જઈ આરામ કરી નિરાંતે શેઠ રામચરણ પાસે જઈ પોતાનું વજનદાર લોખંડી ત્રાજવું લાવી અહીં જ વ્યાપાર કરવાનો વિચાર આવતાં રામદિન દિવસોનો થાક ઉતારવાનું ટાળી સીધો જ શાહુકારને મળવા નીકળી પડ્યો.

      સાંજ કોરે રામદિન શાહુકાર રામચરણને મળવા એની પેઢીએ ગયો. પેઢી પર શેઠને ન જોતાં તે એમનાં કોઠાર તરફ આગળ વધ્યો.

      એક ફ્રર્લાંગ દૂર આવેલ શેઠનાં અનાજનાં કોઠાર પાસે પહોંચતા સુધીમાં સંધ્યાકાળ થવા આવ્યો હતો. ધૂળથી રંગાયેલો રામદિનનો સવારનો થાક બેવડાઈ ગયો.

      શેઠ રામદિનને પોતાની તરફ કોઠાર પાસે આવતો જોઈ ગભરાઈ ગયો. ભોળા રામદિનને ફસાવવાની યોજનાઓ ઘડવા માટે નક્કી કરેલું બહાનું અહીં કોઠારમાં નહીં ઉપજાવી શકાય, એ વિચારે પોતે જ એની તરફ ઝડપભેર દોડવા લાગ્યો.

      "રામ રામ શેઠ ! સૌ સારાં વાનાં ખરા ને !"

      "બાકી બધું તો સારું જ પણ એક વાતનું દુઃખ ઘણું મોટું..."

      "શેઠ, તમારાં દુઃખની કહાણી કોઈ બીજા દિવસે સાંભળું... તમે વહેલી તકે મારું વજનદાર લોખંડી ત્રાજવું મને પહોંચતું કરો એટલે હું મારો વ્યાપાર શરૂ કરી શકું." રામદિને સરળ ભાષામાં પોતાનાં આગમનનું પ્રયોજન સ્પષ્ટ કર્યું.

      લોભ અને લાલચે શેઠને કાળક્રમે વધુ ને વધુ દુષ્ટ બનાવી દીધો હતો, જેનાંથી અનભીજ્ઞ રામદિન પણ શેઠની કુટિલ નીતિમાં અટવાશે જ એવી ખાતરી સાથે શેઠે રામદિનને જણાવ્યું, 

      "માફ કરજે ભાઈ રામદિન, ખૂબ સાચવણી સાથે તારું એ વજનદાર લોખંડી ત્રાજવું મેં મારાં અનાજનાં કોઠારમાં મૂક્યું હતું. અને દેર સવેર જોઈ પણ લેતો કે એ સલામત તો છે ને ! પણ,..."

      "પણ શું શેઠ ?" રામદિનનું મન શેઠનાં ઉચ્ચારીત શબ્દો પર વિશ્વાસ મૂકવા સહમત નહોતું થઈ રહ્યું.

      "પણ, એક મોટો છછુંદર અનાજનાં કોઠારમાં ક્યારે ઘુસી ગયો એ સમજાયું જ નહીં... અને.."

      "અને શું શેઠ ! વાતોની જલેબી ન બનાવો શેઠ, હૃદય બેસતું જાય છે.. જે હોય તે જરા સ્પષ્ટ કહેશો તો સારું રહેશે."

      "ભાઈ રામદિન, વાત તો ફાફડા જેવી સીધી જ છે, બસ, ઘટના થોડી અટપટી અને જલેબી જેવી ગોળ ગોળ તને ન લાગે એટલે પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો."

      રામદિને કેવળ હકારમાં ડોક હલાવી વાત ઈશારાથી પૂર્ણ કરવાની આજીજી વ્યક્તિ કરી.

      "ભાઈ રામદિન ! અનાજનાં કોઠારમાં ઘુસી ગયેલા એ છછુંદરે ત્યાં રહેલું સઘળું જ ખાઈ મોટો ઓડકાર ખાધો. એનાં એ ઓડકારનો ગગનભેદી નાદ સાંભળી હું ત્યાં દોડતો દોડતો ગયો અને જે જોયું એ જોયા બાદ તને વર્ણન કરવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે !" દુઃખી ભાવ ચહેરા પર લાવી ખૂબ સુંદર રીતે શેઠ રામચરણે અભિનય દ્વારા ખેડૂત રામદિનને મૂર્ખ બનાવવાની પોતાની યોજનાને અંતિમ રૂપ આપ્યું.

      "શેઠ, છછુંદર તમારું સઘળું અનાજ આરોગી ગયો એમાં મારાં લોખંડી ત્રાજવા સાથે શું લેવાદેવા !?"

      "ભાઈ રામદિન, તું સમજ્યો નહીં... છછુંદરે અનાજ સાથે તારું એ ત્રાજવું પણ ખાઈને એવો ગગનભેદી ઓડકાર ખાધો'તો, કે એ સાંભળી અને ત્યાર બાદ એ જોઈને જ તો હું બેશુદ્ધ થઈ ગયો. એ તો ભલું થાય મારાં નાના દિકરા સુમનચરણનું કે એ દોડીને વૈદ્યરાજને બોલાવી લાવ્યો અને મારો જીવ તાળવે બેસવા પહેલાં જ હું બચી ગયો."

     રામદિને તુર્ત જ ઉદ્ગાર કાઢ્યો - "શેઠ, આ તો બહુ જ ખોટું થયું !"

     "શું કહ્યું ! હું બચી ગયો એનું તને દુઃખ છે ! તું મારાં મરવાનો વિચાર ધરાવે છે, એ જાણી હું ઘણો દુઃખી થઈ ગયો ભાઈ !!"

     "આ શું બોલ્યા શેઠ! હું અને તમારું અહિત ઈચ્છું ! એ કદાપિ સંભવ નથી."

     નાટકીય અંદાજમાં રામદિને શેઠ પ્રત્યેની પોતાની લાગણી તથા સંવેદના જાહેર કરી.

     શેઠ રામચરણ પણ મૂરખ રામદિનની સંવેદનામાં વહેવા લાગ્યો.

     "મારાં કહેવાનો ભાવાર્થ એવો હતો કે, છછુંદરનાં ગગનભેદી ઓડકારથી તમારી તબિયત બગડી એ ખોટું થયું." રામદિને દાવ ફેંક્યો.

     બે હાથ જોડી પ્રણામ કરવાના આશય સાથે રામદિન પોતાનાં ઘર તરફ પ્રયાણ કરવા પગ ઉપાડી થોડો આગળ વધ્યો અને ક્ષણભરમાં જ પાછો ફર્યો.

     રામદિનને પાછો ફરતો જોઈ શાહુકાર રામચરણનાં હૈયામાં ફાળ પડી.

     "બોલો રામદિન, શું થયું પાછું ?"

     "કંઈ નહીં શેઠ. આ તો દેશાંતરેથી સીધો જ આપને ત્યાં આવ્યો'તો ત્રાજવું લેવા, તો વિચાર્યું કે હવે ઘરે જઈ ફરી પાછો નદીએ ન્હાવા જઈશ તો મોડું થઈ જશે. આપ જો તમારા દીકરાને સાથે મોકલો તો મારો સરંજામ પણ સચવાઈ રહે અને હું સંધ્યાકાળની વિધિ પણ સમયસર પાર પાડી સ્નાનાદિ પતાવી વહેલો પરવારી શકું."

     રામદિનને આટલો મોટો મૂરખ જાણી શેઠની લાલસા એનું ધન લૂંટવાની યુક્તિ કરવા લાગ્યું.

     "હાં, હાં, કોઈ વાંધો નથી. આમેય માણસ જ માણસને વેળા કવેળા કામે લાગે ને !" જવાબ વાળવા સાથે શેઠે પોતાનાં નાના દીકરાનાં કાનમાં કેટલાક શબ્દોની શિખામણ ભરી. અને ઈશારાથી 'આવજો' ય કહ્યું.

     કાચી પગદંડીએ ચાલતાં ચાલતાં ઘણો લાંબો સમય પસાર થઈ ગયો. નદી કિનારે આવી રામદિને શેઠનાં દીકરાને પોતાનું ઉપરણું અને ધોતી સાચવવા આપી નદીમાં ધબાક દઈને ભૂસકો માર્યો. બે થી ત્રણ વખત ડૂબકી ય લગાવી સૂર્ય નમસ્કાર કરી મંત્રોચ્ચાર ભણવા લાગ્યો.

     સંધ્યાકાળની પૂજા વિધિ પતાવી નદીને કાંઠે આવી જોયું તો શેઠનાં દીકરાને ત્યાં હાજર ન જોઈ રામદિન શેઠનો મનસૂબો સમજી ગયો..

     આસપાસ નજર ફેરવી તો ચોરપગલે સુમનચરણ રામદિનનાં ધનનું પોટલું લઈ કોઠાર તરફ ભાગી રહ્યો હોય એવું જણાયું.

     દોઢ પગે દોડીને અડધા કિલોમીટર દૂર ગયેલ સુમનચરણને રામદિને પકડી લીધો... હાથાપાઈમાં શેઠનાં દીકરાને ફોસલાવીને ભૂગર્ભમાં સ્થિત શિવજીના મંદિરમાં એને ધ્યાનસ્થ અવસ્થામાં કેદ કરી એ શેઠને મળવા ન જતાં પોતાનાં ઘર તરફ વળ્યો.

     દૂરથી રામદિનને એકલો આવતો જોઈ શેઠ રામચરણને પોતાનાં દીકરા વિશે શંકા ઉદ્દભવી.

    રામદિનને બંને હાથે ઢંઢોળી શાહુકાર બરાડી ઉઠ્યો, "મારો દીકરો ક્યાં રામદિન ?"

     "હું નદીમાં ન્હાવા માટે ઉતર્યો ત્યારે એક ભૂખી સમડી જાણે ક્યાંથી ઊડતી ઊડતી આવી ને ત્યાં કિનારે બેઠેલા આપના પુત્રને લઈ ક્ષણભરમાં ક્યાં અલોપ થઈ ગઈ ખબરેય ન પડી."

     રામદિનનું ઉપરણું પકડીને હચમચાવી રહેલો શાહુકાર રામચરણ જોર જોરથી બરાડવા લાગ્યો...

     "શું ધડ માથા વગરની વાતો કરે છે રામદિન ? કદી જોયું છે કે કોઈ સમડી આવડા મોટા બાળકને તેડીને લઈ જાય !"

     "મેં ઘણી કોશિશ કરી સુમનચરણને શોધવાની; પણ, એ ક્યાંય જડ્યો નહીં એટલે મનેય થયું કે એ એકલો એકલો કંટાળ્યો હશે એટલે તમારે ત્યાં આવી ગયો હશે એટલે હું પણ તમને મળ્યા વગર મારે ઘરે જવા નીકળ્યો. પણ, જ્યારે તમે મને પૂછ્યું ત્યારે સમજાયું કે એ ભ્રમ નહોતો, સાચું હતું. 

     હું ખૂબ જ દિલગીર છું..."

     રામદિનનો અભિનય જોઈ રામચરણનો પિત્તો ગયો. ભવાં ઊંચા ચઢી ગયાં અને એલફેલ બોલવાનું એણે શરૂ કરી દીધું. લોકોનાં ટોળેટોળા વધવા લાગ્યાં. વાત વણસી ગઈ અને રાજા સુધી પહોંચી.

     શાહુકારે પોતાનાં નાના દીકરા સુમનચરણનાં ગાયબ થવા વિશેની ફરિયાદ રાજા પાસે નોંધાવી એટલે રાજાએ ખેડૂત રામદિનને એ બાબતે પૂછ્યું.

     રામદિને પણ શેઠને જણાવી હતી એમજ ઘટિત ઘટના વિસ્તારથી રાજાને જણાવી. અને ન્યાયની ગુહાર આદરી.

     રાજા તથા રાજસભામાં બેઠેલાં સર્વ જણને રામદિનની કથની પર અવિશ્વાસ જન્મ્યો, એટલે રાજાએ રામદિનથી સાચું કારણ જણાવવાનો આગ્રહ રાખ્યો.

     રામદિન પણ એજ તાગમાં હતો કે રાજા થકી એની કથની પર સવાલ ઊભો થાય અને એ પોતાની વાત માંડીને કરવા પામે.

     "કેમ શક્ય ન હોય કે, સમડી ઊંચકી જાય શેઠનું બાળક !!!?

     અગર, વીસેક કિલોનું વજનદાર ત્રાજવું ખવાઈ જાય જો ઉંદરથી,

     તો,

     નક્કી સંભવ છે, સમડીનું બાળકને તેડી અલોપ થઈ જવું !!!"

     - રાજા તથા સભાસદો મ્હોમાં આંગળા નાંખી રહ્યાં, સાંભળી રામકહાની ! રાજા દ્વારા વિસ્તારથી બનેલી ઘટનાનું વિવરણ કહેવાની ફરજ બંને ને પાડવામાં આવી.

     સહુ સભાગણ કાન દઈ સાંભળવા થયા તૈયાર,

     એટલે, અતઃ થી ઈતિ સુધીનો ઘટનાક્રમ રામદિને રાજસભામાં ગાઈ સંભળાવ્યો.

     કથની રામદિનની સાંભળી, રાજાએ શાહુકારને એનો પક્ષ મૂકવાનો આપ્યો આદેશ...

     અને રાજશિક્ષાનાં ભય હેઠળ શેઠ રામચરણે પોતાની નબળાઈ તથા લોભી વૃત્તિની માંગી માફી...

     રાજદરબારમાં બેઠેલાં સર્વ જણને પોતાનાં રાજમાં આવાય લોકો રહે છે એ જાણી ખૂબ દુઃખ થયું.

     રાજ આદેશ કર્યો પસાર - 

     શાહુકારને આપ્યો ઠપકો અને ખેડૂત રામદિનને ફસાવવા માટે શિક્ષા કરવાનું વિચાર્યું. મંત્રી મંડળ સાથે એ બાબતે ચર્ચા વિચારણા થઈ અને શાહુકાર રામચરણને અપાયો આદેશ -

     "રામદિનને એનું પોતાનું લોખંડી ત્રાજવું તુરંત પાછું આપવું -

     તથા,

     જે માનસિક પીડા અપાઈ એનાં વળતર રૂપે રામદિનનો વ્યાપાર સેટ કરવામાં શેઠનાં સંપૂર્ણ પરિવારે રામદિનને શારીરિક તેમજ માનસિક રીતે મદદરૂપ થવું."

     રાજાદેશ માનવો જ રહ્યો. ઊલમાંથી ચૂલમાં પડવાનો એ કપરો અનુભવ શાહુકારને સબક શીખવી ગયો.

     લેતીદેતી રાજા સામે જ પૂર્ણ કરવામાં આવી.

     એક હાથ લોખંડી વીસેક કિલોનાં વજન વાળું ત્રાજવું શેઠે રામદિનને સોંપ્યું,

     કે,

     બીજાં હાથે સિપાહી દ્વારા શિવજીનાં ભૂગર્ભ મંદિરમાંથી તેડી લાવવામાં આવેલ શેઠનો નાનો દીકરો સુમનચરણ શાહુકારને સોપાયો.

     એ સાથે સમગ્ર પ્રજાને પણ મળી એક શીખ -

     "કરવો નહીં કદીયે લોભ કે લાલચ...

     છળવું નહીં કોઈનેય મજાકમાં પણ...

     નહીંતર, ઘસાવું પડે છે જેણે તેણે

     યેનકેન પ્રકારેણ...        


Rate this content
Log in