Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leena Vachhrajani

Children Stories Fantasy

4  

Leena Vachhrajani

Children Stories Fantasy

કદનો ફેર

કદનો ફેર

4 mins
181


ચંદાએ રમકડાંની ટોકરી ખૂણામાં મૂકી. ઓઢણીથી મોં લૂછીને પવાલાથી પાણી પીધું. “હા. . શ ! હવે પાંચ મિનિટ બેસું પછી રોટલા ઘડું, શાક બનાવું ત્યાં સજ્જન આવશે. આજે તો મિલમાંથી બોનસ આપશે એમ કહેતો હતો. આ દિવાળીએ તો ચાંદીનાં કડલાં લઈશ. મારે ક્યાં છોકરાં છે તે એના માટે રાખવાનું છે !”

ચંદાની જરાતરા આંખ ભીની થઈ પણ ગળું ખંખારીને ઊભી થઈ ગઈ. એક ઓરડીમાં રસોડાથી માંડીને ડ્રોઈંગ-ડાઈનિંગ બધું હતું. જમણે ખૂણે ચોરસ ટૂકડો રસોડું હતો. ચંદાએ ડબ્બામાંથી રોટલાનો લોટ તાંસકડામાં કાઢ્યો ત્યાં રમકડાની ટોકરીમાં ખખડાટ થયો. ચંદાને વહેમ પડ્યો પણ અવગણીને પાણીનો વાટકો ભર્યો. ત્યાં ફરી અવાજ આવ્યો, “ચંદા એ ચંદા. . ”

“કોણ ?”

“અરે ટોકરીમાંથી મને બહાર કાઢ. હું અંદર ગુંગળાઈ મર્યો. ”

હવે ચંદાને સહેજ ડર પણ લાગ્યો. તોય હિંમત કરીને ટોકરી પાસે ગઈ તો બધાં રમકડાં વચ્ચે એક નાનકડો હાથ હલતો દેખાયો. હવે ચંદા રીતસર બી ગઈ હતી. એ ઘરની બહાર નીકળવા જતી હતી ત્યાં ફરી પેલા હાથે ઈશારો કર્યો અને અવાજ આવ્યો,“અરેરે હું લિલિપુટ છું. મને બહાર કાઢ. આમાં મરી જઈશ. ”

ચંદાએ હવે ધ્યાનથી જોયું. સહેજ રમકડાં આઘાંપાછાં કર્યાં. ત્યાં તો કૂદકો મારીને લિલિપુટ બહાર આવી ગયો. ચંદા બે ડગલાં પાછળ ખસી ગઈ. “તું ન ગભરા. મારી વાત સાંભળ. ”

હવે ચંદાએ નજર માંડીને નિરીક્ષણ શરુ કર્યું. સામાન્ય માનવની હથેળી જેવડી જ ઉંચાઈનો માનવ સામે ઊભો હતો. માત્ર કદ સિવાય માણસ જેવો જ હતો. એને બહુ જ નવાઈ લાગી રહી હતી. “તું ? આમ સાવ આવડો કેમ ? આવું કેવી રીતે બને ?”

“હા બને બને ચંદા બને. અમારા ટાપુ પર બધા આટલા જ કદના માનવ છે. અમારી જિંદગી બહુ રાજીખુશી વિતતી હતી ત્યાં એક દિવસ એક શિકારી શિકારની તલાશમાં ભૂલથી અમારા ટાપુ પર આવી ચડ્યો. એણે અમને જોયા. અને એના કપટી મગજમાં એક ક્રુર વિચાર ફરક્યો. એણે મારા જેવા મારા બે મિત્રો સહિત મને કેદ કરી લીધો અને તમારા જગતમાં લઈ આવ્યો.

એણે શહેરના મોટા મ્યુઝિયમના પાલક સાથે વાતચીત કરીને અમને પૈસા લઈને વેચી દીધા. એ મ્યુઝિયમમાં અમને પોપટના પિંજરા જેવા પાંજરામાં કેદ કરીને લોકો સમક્ષ પ્રદર્શનમાં મૂકી દેવામાં આવ્યા. અજીબોગરીબ દૂનિયાની અજાયબી જોઈને મ્યુઝિયમમાં લોકોનો ધસારો થવા લાગ્યો. અમને પાંજરામાં હેરાન કરવા લાગ્યા. અમારું દુ:ખ કોઈ સમજતું નહોતું. એક દિવસ મારી સાથે બે મિત્રો હતા એમણે આ ત્રાસથી દમ તોડ્યો. મનેય મરેલો સમજીને પોલીસની બીકથી અમારાં પાંજરાં ખોલીને એ શયતાન રખેવાળે અમને ત્રણેયને ઉકરડામાં ફેંકાવી દીધા.

હું રાતના અંધકારમાં મારી જાતને બચાવતો બચાવતો તું જ્યાં રમકડાંની ટોકરી લઈને બેસે છે એ ઓટલા સુધી પહોંચી ગયો. સવારે તેં ટોકરી મૂકી એમાં ફડકતા જીવે સંતાયો. તારી નજર ન પડી એટલે અહીયાં સુધી પહોંચી ગયો. હવે તું મને મારા ટાપુ સુધી મૂકી જાય તો તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. ”

બે હાથ જોડીને ઊભેલા નાનકડા જીવ પર ચંદાને બહુ દયા આવી. “નાનકા તું ચિંતા ન કર. સજ્જનને આવવા દે. કાંઈ રસ્તો કરીશું. ”

ચંદાએ લિલિપુટને એક થાળીમાં બેસાડ્યો કે જેથી એને હાલતાંચાલતાં કોઈથી નુકસાન ન થાય.

રાત્રે બોનસ અને પગાર લઈને આવેલા ખુશખુશાલ સજ્જનને ચંદાએ ધીરેથી લિલિપુટની વાત કરી અને થાળી એની સામે લાવીને મૂકી. પહેલાં તો સજ્જન આ અજાયબ માનવને જોઈને હેબતાઈ જ ગયો. પછી ધીરે ધીરે ચંદાએ વાત કરી ત્યારે સ્વસ્થ થયો. પાણી પીતાં પીતાં એણે ચંદાને કહ્યું,“પણ આપણે જવું કેવી રીતે ? એ ટાપુ પર પહોંચાય કેવી રીતે ?”

તરત લિલિપુટે કહ્યું, “રસ્તો હું બતાવીશ. માત્ર મને તમે મૂકી જાવ. ”

ચંદાને એ નાનકડા જીવને બચાવવા પોતાનાં કડલાંની કુરબાની આપવી પડશે એ વિચારે જીવ બળ્યો પણ તરત જાતને ટપારી,“મુઈ, આટલી સ્વાર્થી થઈ ગઈ ? તારે છોકરું હોત તો એના માટે આવો વિચાર કરત ?”

અને બે દિવસ બાદ પડોશીને ચંદાને પિયર જાય છે એમ કહીને સજ્જન અને ચંદા બંને લિલિપુટને એક સરસ હવાની અવરજવર રહે એવા ડબરામાં પોચી ગાદી પાથરીને બેસાડીને ટાપુ જવા નીકળ્યાં.

લિલિપુટના બતાવેલા રસ્તે પંદર દિવસે એ લોકો ટાપુ પર પહોંચ્યાં. નાવમાંથી ઊતરતાં જ આભાં બની ગયાં. હજારોની સંખ્યામાં લિલિપુટ જેવા માનવ વસતા હતા. સામાન્ય માનવજીવન જેવી જ વ્યવસ્થા હતી. ઘર, રસ્તા, દુકાનો બધું જ માત્ર કદમાં નાનું.

લિલિપુટ એમને પોતાના ઘર તરફ લઈ જવા માગતો હતો પણ પોતાના પગ નીચે નિર્દોષ માનવ કચડાઈ જાય એ બીકે બંને સમુદ્ર કિનારેથી જ પાછાં વળી ગયાં. એ નાનકડા માનવની ડબડબી ગયેલી આંખ અને ચહેરા પરની ખુશી જોઈને ચંદાને દિવાળીની ભેટ મળી ગઈ હોય એટલો આનંદ થયો.


Rate this content
Log in