ફૂટી ગઈ
ફૂટી ગઈ
1 min
6.9K
વિશ્વાસે, જેના હું રહી છેક જ ફૂટી ગઈ,
ને તોય તીણી કચ્ચરો, કેવી ગળી ગઈ!
હું કોઈની ન થૈ શકી, ના કોઈ મારું તોય,
આ વિશ્વ બાથમાં ભરી મનભર જીવી ગઈ.
મારાં સુધી જવા મને રસ્તો મળ્યો છતાં,
હું કેમ ત્યાંય પહોંચીને પાછી વળી ગઈ.
ક્યારેક ચાહું લાખ કે અઢળક લખું–ભૂસું,
શાહીમાં મારી વાત જો, કેવી ડૂબી ગઈ!
મળવાનું સ્વપ્ન જ્યાં પછી પ્હોંચે તરસ સુધી,
સાકારવાને રણ મળે તો રણ સુધી ગઈ.
વર્ષોથી બંધ જે હતી બારી ખૂલી કે તૂર્ત,
ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગઈ.