અહમ્ ને એમ ઓગાળીએ
અહમ્ ને એમ ઓગાળીએ
1 min
27.2K
આ અહમને પછી એમ ઓગાળીએ,
જેમ ઝાકળ વડે સૂર્ય અજવાળીએ.
મન મૂકી ચંદ્રને ઊગતો ભાળીએ,
ને શરમથી પછી પાંપણો ઢાળીએ.
આ તરફ સીમ છે, તે તરફ છે સડક,
બોલ મન, આ ચરણ, કઈ તરફ વાળીએ?
પંખી ઊડી ગયું, આભને પામવા,
તોય, ટહુકો હજી, ગૂંજતો ડાળીએ.
દોડ છે, હોડ છે, ને સતત, ભીંસ છે,
એક ક્ષણ, થોભીને, જાત પંપાળીએ.
કોણ, ક્યાં, શું કરે, ના કરે, કે કરે,
આપણે આપણો ધર્મ સંભાળીએ.
ગામ, દેરી, નદી ઓટલે બા ઊભી,
છે બચી, જે મૂડી, ચાલ, મમળાવીએ.
