બેઘર
બેઘર
બધું જ પત્યું,
બાનાં ગયાં પછી
જો કે, એમ પણ કહેવાય કે
હવે જ બધું શરુ થયું, બાનાં ગયા પછી.
અત્યાર સુધી બા માટે નહીં દોડેલાં એવાં અમને તો,
બાની નનામી પાછળ ઠેઠ સુધી,
દોડવું હતું પણ એમ કંઈ-
બાહ્મણે અગિયારમું, બારમું, તેરમું કરાવતાં
એકવાર રાંધેલા ચોખાના પિંડ બનાવી
એને દર્ભ દ્રારા કપાવતાં કહેલું-
હવે તમારો બા સાથેનો નાતો પૂરો-
ગર્ભનાળ સાથેનો નાતો શું આટલો બધો
કાચો હોય શકે ખરો?
સૂતકની છેલ્લી વિધિ પૂરી કરતાં એ બોલેલાં
હવે તમને કોઈ નડતર નહીં નડે
હવે બધાં જ ઋણાનુંબંધમાંથી મુક્ત
બા અને નડતર?
ઋણાનુબંધ અને મુક્તિ?
અટકણોને ભીતર દાબી ભારે હૈયે
બાનાં જર્જરિત ઘરને કાયમ માટે તાળું મારેલું
પણ ત્યારે કયાં ખબર હતી કે-
હવે પછી
અમે
શહેરનાં આલિશાન બંગલામાં રહીશું
અને
છતાં
અમે
સાવ ઘર વગરનાં
બેઘર !