જિંદગીની બાંધણી સમજી લીધી...
જિંદગીની બાંધણી સમજી લીધી...
ચોતરફથી જિંદગીની બાંધણી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.*
ઊગવાને, ડૂબવાની ફિલસૂફી સમજી લીધી,
શું કરું ફરીયાદ? લીલા આગવી સમજી લીધી.
મેં હજી ક્યાં કોઈપણ રણઝણ સ્વીકાર્યું પણ હતું,
કે તમે મારી નજરને ઝાંઝરી સમજી લીધી.
એક બાળક, જિંદગીભર, એટલે બાળક રહ્યો,
મોટપણની સૌ રમત અંતાક્ષરી સમજી લીધી.
તુંય મીરા જેમ એ રસ્તે પછી પ્હોંચી શકત,
પણ તેં વ્હેતી વાંસળીને ભૂંગળી સમજી લીધી.
ઝાંઝવાં છે નામ બીજું આ ખુશીનું આમ તો,
દોડતાં પ્હેલાં મેં પૂરી તાવણી સમજી લીધી.
સહેજ એમ જ પર્વ બાબત મેં જરા પૃચ્છા કરી,
ખુશ થવાની એણે શાને માગણી સમજી લીધી?
* સ્મરણ : મરીઝ