સાજણા
સાજણા
પરોઢના પહેલા કિરણોના આછેરા એ તેજ-લિસોટે,
દૂર ક્ષિતિજે રણઝણ થાતો પી લીધો અંધાર સાજણા...
સેથાનું સિંદૂર રેલાતાં રજની રૂમઝૂમ રૂમઝૂમ ગાતી,
સૂરજને ના જાણ થવા દે એવો છે ધબકાર સાજણા...
ઘૂઘવતો ને ઘુઘવાતો કંઈ વીંટળાતો એ
નાનકડી વિરડીમાં વાયુ વીજળી વેગે આવે,
સૂરજનું અજવાળું ઢાંકી વાતુ કરતો
છલછલ થાતો અમલ કટોરો લાવે,
સરક સરકતા સૂસવાટાને કલકલ વહેતાં ઝરણાંના નાદે
ચાંદાનું અજવાળું ઝીલો ખોબામાં પળવાર સાજણા...
તમરાની આંખોમાં થાતાં ઝીણા ઝીણા મૌન ઇશારે
હળવા - હળવા અણસારામાં પગલાં પાડે,
આછેરી ઓગળતી માદક રંગમધુરી પળને
ઝીલી લેવા એક જ તાર વગાડે,
સહિયારો એ સાદ સજાવી આકાશે જઈ શબદ ઊઘાડી
ઘૂંટડે ઘૂંટડે ભરચક પીધો રંગકસુંબી સાર સાજણા...