Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

યાદોની સવારી

યાદોની સવારી

5 mins
7.6K


મારી લાડકી કુંવરી ઘરમાં આવે એટલે ઘર ધમધમી ઉઠે. ઈશ્વર કૃપાથી બે સુંદર બાળકો છે. દીકરી પહેલી તેથી આંખનો તારો. આખા ઘરમાં ક્યાંય પણ અડકવાની તેને પરવાનગી આપી છે. દાદીને પૂછવાનું પણ નહી. વર્ષોથી સાચવેલા ખજાના પર તેનો હક. હવે ઉનાળાની રજાઓ હતી. દાદી પાસે અઠવાડિયું રહેવા આવી હતી.

ખૂણામાં પડેલો પટારો આજે ખોલવો પડ્યો. પૌત્રીએ જીદ કરી દાદીમા, આ પટારામાં શું છે? મારે જોવું છે. હવે આંખની કીકી જેવી આ વહાલેશરીને શું નારાજ કરવી.  ખોલ્યો અને અંદરથી આળસ મરડીને મારી બધી સ્મૃતિઓ મને ઘેરાઈ વળી. પટારો કોને ખબર ક્યારે છેલ્લે ખોલ્યો હતો. ભંડાકિયામાં હતો એટલે ધુળ તો નહોતી બાઝી પણ એવો કદરૂપો હતો ને કે ખોલવાનું મન ન થાય. મારી વહાલી તો અંદરથી રબરની ઢીંગલી લઈને દોડી ગઈ. એ ઢિંગલી પાછળ મારું મન દોડ્યું. એવું તો શું હતું એ ઢીંગલીમાં કે મને પચા વર્ષ પહેલાના જીવનમાં હાથ ઝાલીને ડોકિયુ કરવા લઈ ગઈ. એ ઢીંગલી મને મારી સહેલી ઈંદુએ વર્ષગાંઠ પર ભેટ આપી હતી. મને ખૂબ પ્યારી હતી.

શું નિર્દોષ એ જીવન હતું. શાળાએ જવાનું. આવતાંની સાથે પહેલું ઘરકામ પુરું કરી, થેલો તૈયાર કરી તેની જગ્યા પર મૂકી દેવાનો. ‘તોફાની રાણી’નું ઉપનામ પામેલી હું, બસ એક આ વાતમાં ચોક્કસ હતી. મમ્મી આપે એ નાસ્તો કરી ચાલીમાં રમવા દોડી જાંઉ. મારી સહેલી હતી, ઈન્દુ. સાથે પગથિયા રમીએ. દોરડાં કૂદીએ. થાક્યા હોઈએ તો બેઠા બેઠાં પાચિકા કે કોડી રમીએ.  સાથે રમતા અને શાળાએ ચાલીને જતાં. આજે તે શાળામાં આવી ન હતી એટલે  સાંજે તેને ઘરે પહોંચી ગઈ. સવારે મોડું થતું હતું એટલે મારા મોટાભાઈ મને ઘોડાગાડીમાં બેસાડી શાળામાં મૂકવા આવ્યા હતાં. આખો દિવસ ઈંદુના જ વિચાર આવતા હતાં.

'અરે, આજે શાળામાં તે કેમ ન આવી?'

સાંજે એના ઘરે ગઈ તો ઈંદુ ખાટલામાં સૂતી હતી. હું ગભરાઈ. શું થયું? ઈંદુ મને જોઈને રડી પડી.  એને પાણી આપ્યું, ચાલ આપણે બન્ને મારી ગલેરીમાં જઈને બેસીએ. તેના પપ્પાએ હા પાડી. દોડીને અમે બન્ને ભાગ્યા.

‘એક વાત કહું?' ઈંદુ બોલી.

‘હા.’

‘મારી મમ્મી ભાગી ગઈ.'

‘શું?'

મારાથી ઉદગાર નીકળી ગયો.

‘હા, અમારી બાજુવાળા અશ્વિન અંકલ સાથે..’

‘ક્યારે?'

‘ગઈ કાલે રાતના.’

‘એટલે, તું શાળાએ નહોતી આવી?'

‘મારા, પપ્પા પણ દુકાને નહોતા ગયા.'

હવે આઠ વર્ષની ઈંદુને મૂકીને જતાં તેની મમ્મી નો જીવ કેમ ચાલ્યો હશે?  અરે, જેણે જન્મ આપી પોતાનું પય પાન કરાવ્યું હતું. પ્રથમ હાલરડું ગાઈ સુવડાવી હતી. માતા અને બાળક બન્નેનો જન્મ દિવસ એક જ હોય છે! એવી બાળાને ત્યજી તેની માતા કેવી રીતે આંખ લડાવી, પતિને તેમજ બાલકને તરછોડી જતી રહી હશે?  ઈંદુના પપ્પા બોલતા ઓછું પણ ખૂબ પ્રેમાળ હતાં. રોજ અમારા માટે પિપર લાવે અને તેની મમ્મીને માટે ગજરો. ઈંદુ પહેલા ખોળાની દીકરી હતી. ત્યાર પછી એની મમ્મીને બીજું બાળક થયું પણ ન હતું. ઈંદુને કેવી રીતે રડતી બંધ કરવી. મારી મમ્મી સરસ બદામનું દૂધ આપી ગઈ. અમને બન્નેને ખૂબ ભાવતું. રડી રડીને થાકેલી ઈંદુને દૂધ પીધા પછી ઉંઘ આવી ગઈ.

ઈંદુ તેની મા વગર ખૂબ ઝુરતી. તેને તાવ પણ આવી ગયો. તાવમાં મમ્મી, મમ્મી કરીને લવારા કરતી. તાવ ઉતરવાનું નામ પણ લેતો ન હતો. અને દસ દિવસની ટુંકી માંદગીમાં તે વિદાય થઈ ગઈ હતી. તેના વગર હું પણ ખૂબ રડી. મારી મમ્મી વહાલ કરતી. પપ્પા પણ મને ખૂબ પ્રેમથી રાખતાં. ત્રણેક મહિના પછી અમે મોટા ફ્લેટમાં રહેવા ગયા અને ઇંદુની યાદ ધીરે ધીરે ભુંસાઈ ગઈ. મારા બાળ માનસને તે વખતે તો બહુ ખબર ન પડી.

આજે ભૂતકાળ મારી સમક્ષ ખડો થઈ ગયો. મારું મગજ કહ્યું નહોતું કરતું, કઈ રીતે કોઈ મા પોતાના બાળકને આમ મૂકીને પોતાના પ્રેમી સાથે લગ્ન પછી ભાગી ગઈ હશે. તેના હ્રદયે આંચકો નહી અનુભવ્યો હોય?’ પછી તો ખબર પણ ન પડી તેમનું શું થયું. નવા ઘરમાં અને નવી શાળામાં મિત્રો સાથે હું હળી ગઈ.

એક વખત અચાનક ઈંદુના પિતા અમારે નવા ઘરે આવ્યા હતાં. મારા મમ્મી અને પપ્પાની સલાહ લેવા.

‘કંચનબહેન આજે સવારે હું ઓફિસે જવા નીકળતો હતો ત્યારે ઈંદુની મા પાછી આવી’.

મારી મમ્મી તો સડક થઈ ગઈ. ’હવે શું લેવા આવી હશે? દીકરી તો ગઈ.’ મારી મમ્મીની આંખમાં પાણી આવી ગયા. અચાનક તેના મુખેથી આવા ઉદગાર નિકળી ગયા. તેને ખબર હતી, ઈંદુને હું ખૂબ ચાહતી હતી. અમે બન્ને સાથે રમીને મોટા થયા હતાં. 

‘ઈંદુના પપ્પા પૂછે નહી ત્યાં સુધી કશું બોલે તેવા ન હતા. તેમની અંદર આસક્તિ ન હતી. હા, મારી મમ્મીને અને મને પ્રેમ ખૂબ કરતાં. હું તો હવે આ જગ છોડી જતી રહી. મમ્મી ચાર મહિને પાછી આવી. મારા પપ્પાનો સ્વભાવ મરતાં ને મર પણ ન કહે. આ વખતે મુંઝાયા. અમારા કુટુંબ સાથે સારાસારી હતી એટલે મુંઝવણનો ઉકેલ શોધવા અને સલાહ સાંભળવા આવ્યા હતાં. આવતાંની સાથે મને વહાલ કર્યું અને મારા માટે કેડબરી લાવ્યા હતાં તે આપી. મને ઈંદુની યાદ આવી. મેં તેમને વહાલ કર્યું.

મારી મમ્મીના ઉતાવળિયા સ્વભાવને કારણે જે ઉદગાર નિકળ્યા હતાં તેનો મારા પપ્પાએ વાળીને સુંદર જવાબ આપ્યો.

‘ભાઈ, એ તો પાછી આવી, તમારું મન શું કહે છે?’

ઈંદુના પપ્પા અચકાયા. મમ્મી સાથે દસ વર્ષનો સંગ માણ્યો હતો.  ભૂલ તેમની પત્નીએ ખૂબ મોટી કરી હતી. ભૂલની સજા પણ ભોગવી ચૂકી હતી. પેલો પ્રેમી તેને તરછોડી ભાગી ગયો હતો. તેને બરાબર ઘાયલ કરી હતી.  અશ્વિને પ્રેમ જતાવીને મારી મમ્મીનું જીવન બરબાદ કર્યું. મમ્મીએ પોતાની વહાલસોઈ દીકરી ઈંદુ પણ ગુમાવી હતી. હવે જ્યારે તેની આંખ ખૂલી ત્યારે પાછી પોતાને ઘરે આવી. જે ઘર તેણે જ આંધળુકિયા કરી ત્યજ્યું હતું. ‘જે ઘરમાં પતિની સાથે લગ્ન કરીને રહેતી હતી. તેના મુખ પર કાલિમા જણાતી હતી. દીકરી ખોયાનું દુઃખ તેનું અંતર કોરી ખાતું હતું.  ્કોને ખબર દુનિયામાં ક્યાં કોઈ નહી સંઘરે તેની તેને ખાત્રી હતી. અદાચ પુત્રી પ્રત્યેનો પ્રેમ તેને પાછી ખેંચી લાવ્ય હતો. હવે તો ખૂબ મોડું થઈ ગયું હતું. 

ઈંદુના પપ્પા ખૂબ ધીર અને ગંભીર પ્રકૃતિના હતાં. તેઓ બોલ્યા,’મારું મન કહે છે, ભલે તે પાછી આવી. કદાચ અમારી વચ્ચે પહેલાં જેવો સંબંધ હાલના સંજોગો પ્રમાણે પુનઃસ્થાપિત નહી થાય. પણ તેને રહેવા માથે છાપરું તો હશે. તે ક્યાં ઘર ઘર ઢુંઢતી ફરશે. કોણ તેની કેવી હાલત કરશે. એક નિરાધાર અબળા સમજી ઘરમાં પાછી ફરી છે તો તેને રાખવામાં મને વાંધો નથી.' તેમના શબ્દોમાંથી સજ્જનતા ટપકતી હતી. 

મારા પપ્પા, તો આવો જવાબ સાંભળી સજ્જડ થઈ ગયા. ઈંદુના પપ્પા તેમને માનવના સ્વરૂપમાં ઈશ્વર જેવા જણાયા. આટલું  બધું સહ્યું છતાં પણ એ માનવીએ પોતાના સદવર્તન, લાગણી  અને ઉદારતાનું પ્રદર્શન કર્યું. તેમના દિલમાં કોઈ કડવાશ નથી. તેમણે પોતાની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. એણે ભલે અજુગતું પગલું ભર્યું હતું. પણ સામે બેઠેલી વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા હતાં. તેના ફળ સ્વરૂપ એક કુમળી ફુલશી દીકરીએ ઘરનું આંગણું સોહાવ્યું હતું. દસ વર્ષનો સહવાસ તેની સાથે માણ્યો હતો.'

અચાનક દાદી,‘આ ઢીંગલીના કપડાં ખૂબ જૂના છે. તું મને નવા બનાવી આપીશ? દાદી આ વખતે મારા જેવા ચણિયા ચોળી ઢીંગલી માટે બનાવજે ને..'

મારી લાડલી ઢીંગલી લઈને પાછી આવી અને હું વર્તમાનમાં આવી ઉભી રહી.


Rate this content
Log in