STORYMIRROR

Dr Nilesh Thakor

Others

3  

Dr Nilesh Thakor

Others

વિયોગ – સંયોગ

વિયોગ – સંયોગ

7 mins
29.2K


“શર્વિલ, ઊઠી જાઓ, જુઓ સવારનાં સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડું થશે.” રસોડામાં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકાએ બૂમ મારીને બેડરૂમમાં સૂઈ રહેલા પોતાના પતિને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમથી થોડો ઊઠી જવાનો હતો! એ જાણતો હતો કે પોતે નહીં ઊઠે તો નિર્મિકા નજીક આવીને પોતાની બંગડીઓની ખનકથી ઉઠાડવા બેડરૂમમાં આવશે. અને બસ નિર્મિકા આવી. આવતાં જ શર્વિલે નિર્મિકાને પ્રેમથી પોતાના આશ્લેષમાં જકડી લીધી.

“શું શર્વિલ તમે પણ, સવાર સવારમાં મસ્તી જ સૂઝે છે તમને!” નિર્મિકાએ શરમથી આંખોની પાંપણને ઢાળી દીધી.

”પત્નીને પ્રેમ કરવો એ પણ ગુનો છે?” શર્વિલની આંખોમાં પ્રેમ વરસતો હતો.

“હવે, જલ્દી તૈયાર થાઓ, તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” નિર્મિકા શર્વિલના આશ્લેષમાંથી નીકળવા મથામણ કરી રહી હતી.

બસ આવા જ નિર્મિકાના મીઠા સંવાદ સાથે શર્વિલની સવાર થતી. શર્વિલ ખૂબ જ ખુશ હતો. બસ હજુ

થોડા દિવસો પહેલાં જ શર્વિલના નિર્મિકા સાથે લગ્ન થયાં હતાં. નિર્મિકા પણ થોડા જ દિવસોમાં શર્વિલની પૂરક બની ગઈ હતી.

રસોડામાં શર્વિલનું ટિફિન ભરતાં ભરતાં નિર્મિકા એક ક્ષણ માટે શૂન્યમનસ્ક થઈ ગઈ. શર્વિલ હજુ નાહીને તૈયાર થઈને આવે ત્યાં સુધી તો નિર્મિકાએ પર્સ, રૂમાલ, મોજાં અને ટિફિન બધું જ તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલાં ચુંબનથી શર્વિલને વિદાય આપી પોતાના ફ્લૅટની ગૅલૅરીમાં ઊભી ઊભી શર્વિલને નીરખી રહી હતી.

સપ્તરથ પર આરુઢ થઈને સૂર્યરાજાની સવારી આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. શીત હવાની લહેરખી નિર્મિકાના ગાલ પર રહેલા વાળને ઉડાડતી હતી. નીચે રોડ પર રિક્ષા, સ્કૂટર, બસ, કાર અને રાહદારીઓ રઘવાયાં થઈને દોડી રહ્યાં હતાં. આમેય સુરત શહેર વ્યસ્ત શહેરોમાનું એક શહેર હતું. ત્યાં જ નિર્મિકાની નજર દૂર એક આશરે 3 વર્ષની નાની બાળકી પર પડી. એ સુંદર મજાની ઢીંગલી પોતાના પપ્પાની આંગળી ઝાલીને ધીમે ધીમે ડગ માંડી રહી હતી, એટલામાં જ એ ચાલતાં ચાલતાં પડી ગઈ અને આંખમાંથી મોતી સરતાં જ હતાં કે એના પપ્પાએ એને ગાલ પર પપ્પી આપી ઊંચકી લીધી. નિર્મિકાને એના પપ્પાની યાદ આવી ગઈ અને એની આંખો પર બાઝેલાં મોતીઓએ એનો પુરાવો આપી દીધો. એવું નહોતું કે સાસરે કોઈ વાતની ખોટ હતી,

એથી વિરુધ્ધ સુરત શહેરની પ્રતિષ્ઠિત કોર્પોરેટ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉ.શર્વિલની અનહદ પ્રેમવર્ષામાં એ ભીંજાઈ રહી હતી, પણ ચિંતા પપ્પાની થતી હતી. પપ્પા હવે એકલા હતાં.

****

“નિર્મિકા, આજે કદાચ એક મેડિકલ અસોસિએશન મિટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિસેસ ટાઇમમાં પપ્પાને મળી આવીશ અને એમની તબિયત પણ પૂછતો આવીશ. તને સાથે જ લઈ જાત પણ બધા મિત્રો જોડે એમની જ કારમાં જવાનું છે.” શર્વિલે સોફા પર મોજાં પહેરતાં પહેરતાં ટિફિન પૅક કરી રહેલી નિર્મિકાને સાદ પાડીને કહ્યું.

શર્વિલ આજે પપ્પાને મળવા જશે એ વાતથી જ નિર્મિકાની આંખોમાં ચમક આવી ગઈ.

“પપ્પાને ત્યાં જવાના છો? જજો જ, ટાઇમ લઈને, અને ઊભા રહો આ ગાજરનો હલવો બનાવ્યો છે એ પૅક કરી આપું છું. પપ્પાને બહુ ભાવે છે.” નિર્મિકાની આંખોમાં ખુશી નીતરતી હતી.

શર્વિલે નોંધ્યું હતું કે જ્યારે જ્યારે નિર્મિકા ટિફિન પૅક કરીને આપતી હતી ત્યારે ત્યારે એની આંખો જાણે કશુંક કહેવા માંગતી હોય એવો ભાસ થતો હતો, પણ એ આંખોને નિર્મિકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે શર્વિલ એની આંખો કળી શકતો નહોતો. પરંતુ આજે નિર્મિકાની આંખોમાં એવું કોઈ જ ગૂઢ આવરણ નહોતું, ખૂબ જ ખુશ હતી. એનો હાથ હાથમાં લઈને બોલ્યો, “ હા ડિયર, હું સ્યોર પપ્પાને મળીને જ આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એ પણ કહીશ કે પપ્પા તમે તમારી પરીની બિલકુલ ચિંતા ના કરશો. એ એના સાસરે પણ પરી બનીને જ રહેશે.”

****

જ્યારે જ્યારે નિર્મિકા શર્વિલ માટે ટિફિન પૅક કરતી ત્યારે ત્યારે પપ્પાની યાદ આવી જતી અને એ શૂન્યમનસ્ક થઈ જતી. પોતે 12 વર્ષની હતી ત્યારથી જ પપ્પા માટે એ જ રસોઈ બનાવતી, પણ હવે પપ્પા પાસે કોઈ નહોતું. મમ્મીની અચાનક વિદાય પછી નિર્મિકા એ જ ઘરની સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. પપ્પાએ પણ પોતાની એકની એક લાડકવાયીને પ્રેમથી ઊછેરી હતી. પણ હવે...

****

“બેટા, પરી મારા ચશ્માં ક્યાંક મૂકાઇ ગયા છે, જરા શોધી આપને?” હાથમાં છાપું લઈ બહાર હીંચકા પર બેસતાં બેસતાં નટવર કાકાએ ઘર તરફ બૂમ મારીને કહ્યું. જ્યારે કોઈ પ્રતિસાદ ના આવ્યો ત્યારે નટવરકાકાને યાદ આવ્યું કે પરી તો હવે પોતાના સાસરે હતી. રિટાયર્ડ જીવન જીવતાં નટવરકાકાના હૃદયમાં દીકરીને સારું ઘર મળ્યાનો સંતોષ હતો. એ પરીના રૂમમાં જતાં, પરીના હોવાનો અનુભવ કરતાં. એના કપડાં, સ્કૂલ અને કોલેજની ચોપડીઓ, એની બેગ બધું જ જેમનું તેમ સચવાયેલું હતું જેવું એ મૂકીને ગઈ હતી. એના રૂમમાંથી એની કોઈ પણ વસ્તુ આઘી પાછી ના થાય તેનું એ ખાસ ધ્યાન રાખતાં, ક્યારેક ક્યારેક એની યાદ આવતી ત્યારે ત્યારે એનું આલ્બમ જોઈ લેતા.

****

“શર્વિલ કુમાર, આવો આવો, બસ તમારી જ રાહ જોતો હતો, પરીનો ફોન આવી ગયો હતો કે તમે આવશો.”

નટવરકાકા ચહેરા પર આકાર લેતી ખુશીઓની રેખાઓ શર્વિલને સ્પષ્ટ દેખાઈ રહી હતી. શર્વિલે પણ સ્મિત આપી ઘરમાં પ્રવેશ કર્યો.

“હા, પપ્પા, પરીને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પાને મળવા જઈશ. અને હા પપ્પા લો આ પરીએ તમારા માટે ગાજરનો હલવો મોકલ્યો છે.”

“પરી બેટાએ મોકલ્યો? મારી પરી મજામાં તો છે ને?” નટવરકાકા હાથમાં ગાજરનાં હલવાનો ડબ્બો પકડતાં પકડતાં જાણે પરીની આંગળી ઝાલી હોય એવો અનુભવ કરતાં હતાં.

“હા, પપ્પા, પરી એકદમ મજામાં છે, હવે ઉતરાણ પર અમે બંને સાથે આવીશું.” શર્વિલે જરા હળવાશથી કહ્યું.

“શર્વિલ કુમાર તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. હું બનાવીને જ રાખત, પણ પછી ચા ઠંડી થઈ જાત તો મજા ના આવત.” હર્ષપૂર્વક નટવરકાકાએ કહ્યું.

“અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો.”

“અરે હોતું હશે, શર્વિલ કુમાર, તમે લગ્ન પછી આમ પહેલી વાર સાસરે આવ્યા છો, અને મારે પણ ચા પીવાની બાકી જ છે, આપણે બંને સાથે ચા લઈશું બસ!” સંવાદ પૂરો થયો ના થયો નટવરકાકા એટલામાં તો રસોડામાં પહોંચી પણ ગયા.

શર્વિલ બેઠક રૂમમાં સોફા પર બેઠાં બેઠાં નિર્મિકાના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ નીરખી રહ્યો હતો, એટલામાં એની નજર ટીપોઈ નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. કુતૂહલતાપૂર્વક એને ચિઠ્ઠી જોઈ તો એ પામી ગયો કે અક્ષરો નિર્મિકાના હતાં અને એ ચિઠ્ઠી નિર્મિકાએ લગ્નનાં દિવસે એના પપ્પાને ઉદ્દેશીને લખી હતી. જિજ્ઞાસાપૂર્વક શર્વિલ વાંચી રહ્યો હતો.

પ્રિય પપ્પા...

આવતીકાલથી હું આ ઘરમાં નહીં હોંઉ, તમારી તબિયતનું ધ્યાન રાખજો, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ બંનેની દવાઓ સમયસર લેજો. બધી જ દવાઓ ટીવી નીચેનાં કબાટમાં મૂકી છે, બધી દવાઓ પર કઈ દવા ક્યારે લેવાની છે એ મેં લખી દીધું છે. કબાટનાં ઉપરનાં ખાનામાં તમારા બધા જ ધોયેલાં શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે અને હા તમારા ચશ્માં ના મળે તો પહેલાં ટીપોઇની નીચે છાપાં પર જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણાં ઘરની બહારની બાલ્કની પર જોજો.

ધાબાની ટાંકીનો કોક ધાબા પર નહીં નીચે રસોડાનાં બારણાં પાછળ છે, ટાંકી છલકાઈને ઊભરાઈ જાય તો ઉપર દોટ ના મૂકતાં...

દાઢી કરવાની ટ્યૂબ હમેંશા તમારા શેવિંગ કરવાનાં પાઉચમાં જ મૂકજો, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકનાં નાના બાસ્કેટમાં નહીં...

મારો નંબર તમારા મોબાઇલમાં પરીના નામે સેવ કર્યો છે એટલે નિર્મિકાના નામે નામે શોધતા નહીં અને

તોય મારો નંબર મેં રસોડામાં લગાવેલા કેલેંડર પર મોટા અક્ષરે લખ્યો છે.

તમારી અને મમ્મીની યાદ આવશે એટલે તમારી જાણ બહાર હું આપના લગ્નનું આલ્બમ લઈ જાઉં છું. અને હા પપ્પા કાલથી રસોડામાં રસોઈ બનાવવા હું નહીં હોંઉ, તમને જે આવડે એ થોડું થોડું બનાવી લેજો. રસોડાનાં મસાલિયામાં મે અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બી જીરું લખેલી ચબરખી મૂકી છે. એવું જ મીઠાની અને સોડાની બરણીઓમાં પણ કર્યું છે.

મારી આંખોમાં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા સાથે વિતાવેલી એક એક પળને અને નાનપણમાં તમારા ગાલ પર મેં વ્હાલપૂર્વક આપેલી એક એક પપ્પીની યાદોને મનમાં ભરીને લઈ જાઉં છું. તમારી યાદ આવશે પપ્પા...

લવ યુ પપ્પા

તમારી લાડલી પરી...

શર્વિલ ચિઠ્ઠી પૂરી કરતાં જ લાગણીશીલ બની ગયો. દરરોજ ટિફિન આપતી વખતે નિર્મિકાની આંખોમાં રહેલા ગૂઢ આવરણ પાછળ પોતાના પપ્પાની ચિંતાને આજે શર્વિલે કળી લીધી હતી.

****

ડોરબેલ વાગતાં જ નિર્મિકાએ દરવાજો ખોલ્યો અને ખોલતાં જ શર્વિલને જોઈને ખુશ થતાં થતાં કહ્યું “પપ્પાને મળ્યા શર્વિલ? એ મજામાં તો છે ને?”

હજુ શર્વિલ કઈં જવાબ આપે એ પહેલાં એના હાથમાં રહેલી બેગને જોતાં જ નિર્મિકાએ આશ્ચર્યપૂર્વક ફરી પાછી સવાલોની ઝડી વર્ષાવી “ આ બેગ કોની છે? કોઈ મહેમાન આવ્યું આપણાં ઘરે?”

શર્વિલે બેગ નીચે મૂકી નિર્મિકાના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો. “માફ કરજે, તારી આંખોને કળતાં સહેજ મોડું થયું, પગલી પ્રેમ કરું છું તને, એકવાર પણ કહ્યું હોત... જો કોણ આવ્યું આપણાં ઘરે, હવે એ મહેમાન બનીને નહીં પણ સદાય આપણાં સાથે જ રહેશે.”

નિર્મિકાએ જોયું તો એના પપ્પા સીડીઓ ચડીને આવી રહ્યા હતાં. નિર્મિકા શર્વિલને ભેટી પડી. કોઈ સંવાદ ના કરી શકી, પણ આંખોમાં આવેલા આંસુઓ સઘળું વ્યક્ત કરતાં હતાં.

પપ્પાને આવતાં જ નિર્મિકા ભેટી પડી. શર્વિલ ઘણા અરસાના વિયોગ બાદ આજે રચાયેલા પિતા-પુત્રીનાં મિલનનાં સુખદ સંયોગને લાગણીશીલ બની નીરખી રહ્યો હતો.

 

 

 


Rate this content
Log in