વ્હાલનું પ્રતિબિંબ
વ્હાલનું પ્રતિબિંબ
“પપ્પા તમે આંખો ખોલતા નહીં હો! હું સંતાઈ જાઉં પછી જ આંખો ખોલજો, જુઓ પપ્પા... તમારી આંખો સહેજ સહેજ ખુલ્લી છે.”
“હા બેટા, હું આંખો નહીં ખોલું, તું સંતાઈ જાય પછી જ ખોલીશ. બસ!”
“પપ્પા, હું સંતાઈ ગઈ છું, હવે મને શોધવા આવો.”
****
મેડિકલ કોલેજની ખુશનુમા સવારનું દૃશ્ય. કોલેજની બહાર આવેલા બગીચાના લીલાછમ ઘાસમાં હજુ ઝાકળની ભીનાશ વર્તાતી હતી. ખીલેલા ફૂલોની આછી ખૂશ્બુ ચોમેર પ્રસરીને વાતાવરણને મહેંકાવી રહી હતી. ક્યાંક રંગબેરંગી પતંગિયાઓની ઊડાઊડ તો ક્યાંક ભ્રમરોનું ફૂલ રસપાન વાતાવરણને એકદમ આહલાદક બનાવી રહ્યું હતું. કોલેજની ફર્શ એકદમ ચમકતી અને સ્વચ્છ હતી. એવામાં તમામ વિદ્યાર્થીગણનાં પગલાં લેક્ચર હૉલ તરફ તેજ ગતિએ વધી રહ્યા હતાં. આજે ડૉ. અનિમેષનું લેક્ચર હતું. વિદ્યાર્થીગણમાંથી કોઈને પણ આજનું લેક્ચર મિસ નહોતું કરવું. કેમ કે ડૉ. અનિમેષ બરફ જેવા સોલિડ લાગતાં કોઈ પણ મુદ્દાને પીગળાવી એકદમ પ્રવાહી બનાવી દેતા અને આ પ્રવાહી જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓ આસાનીથી પી શકતા. ક્લાસ શરૂ થાય એની પહેલાં જ સૌને પોતપોતાના સ્થાને જમાવટ કરી લેવી હતી કેમ કે ડૉ. અનિમેષ શિસ્તના પણ એટલા જ આગ્રહી હતા. એકવાર એમનું લેક્ચર ચાલુ થાય અને લેક્ચર હૉલનો દરવાજો બંધ થાય તો કોઈની હિમ્મત નહોતી કે એ દરવાજો ખોલીને અંદર આવી શકે.
પણ આજે અચાનક લેક્ચર હૉલનો દરવાજો ખૂલ્યો અને બહારથી કોઈએ મૃદુ સ્વરે પૂછ્યું” મે આઇ કમ ઇન સર?”
સૌ વિદ્યાર્થીઓ સ્તબ્ધ. હૉલમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. બધાને મનમાં થયું કે જે પણ છે આજે એની આવી જ બની!
ત્યાં જ ડૉ. અનિમેષે રોષપૂર્વક પ્રતિ સવાલ કર્યો “હૂ ઇઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ? વોટ ઇઝ યોર નેમ?”
ત્યાં એક સુંદર નાજુક અને નમણી આકૃતિ લેક્ચર હૉલમાં પ્રવેશી. તેને જોઈ ડૉ.અનિમેષની આંખોમાંનો રોષ જાણે ગાયબ થઈ ગયો, નજર તેના પર ઠરી ને સ્થિર થઈ ગઈ અને એક જ મીટે થોડીવાર માટે તેને નીરખતા રહ્યા.
“સર માય નેમ આશ્લેષા. સોરી ફોર ગેટિંગ લેટ. ઇટ વિલ નેવર હેપન અગેન.” આશ્લેષાના સ્વરમાં આજે મોડા પડ્યાનો ભારોભાર અફસોસ વર્તાતો હતો.
“ઓકે, ટેક યોર સીટ.” ડૉ. અનિમેષે આછા સ્મિત સાથે પરવાનગી આપી.
આશ્લેષાનું સૌંદર્ય દરેક વિદ્યાર્થીના મનમાં તો વસી જ ચૂક્યું હતું, આજે ડૉ.અનિમેષના મનમાં પણ આશ્લેષા વસી ગઈ. તમામ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ વધુ અચંબામાં મૂકાઈ ગયા. ડૉ.અનિમેષ એ એમના સ્વભાવ અને પ્રકૃતિથી તદ્દન વિરુધ્ધ વર્તન કર્યું હતું અને એમના મુખમાંથી એક પણ ઠપકાનો સૂર આશ્લેષા માટે ના નીકળ્યો! પછી તો પૂછવું જ શું? કોઈને કોઈ બહાને ડૉ.અનિમેષ આશ્લેષાની નજદીક જતાં. એને ના સમજણ પડે એ મુદ્દાની છણાવટ કરી સમજાવતાં અને આશ્લેષા તુરંત જ સમજી જતી. બંને કેન્ટિનમાં પણ સાથે કોફી પીવા જતાં. ક્યારેક ડૉ. અનિમેષ આશ્લેષા માટે પોતાના હાથે ટિફિન પણ બનાવી લાવતાં અને બંને સાથે લહેજતથી જમતાં. આશ્લેષાના જન્મ દિવસે તો ડૉ.અનિમેષ આશ્લેષા માટે ગિફ્ટ અને કેક બંને લઈ આવ્યાં અને ધામધૂમપૂર્વક આશ્લેષાના જન્મ દિવસની ઉજવણી કરી, એમની આંખોમાં હર્ષ છલકાઈ રહ્યો હતો. આશ્લેષાને પણ ડૉ.અનિમેષનો સાથ ગમતો.
હવે તમામ ખૂણે એક જ ચર્ચા થવા લાગી, ડૉ. અનિમેષ અને આશ્લેષાના સ્નેહ સંબંધની. વિદ્યાર્થી અને સ્ટાફગણમાં ગણગણાટ શરૂ થઈ ગયો, પણ સ્ટાફગણમાં કોઈની હિમ્મત નહોતી ડૉ. અનિમેષ સાથે આ બાબતે ચર્ચા કરવાની. ડૉ. અનિમેષ જ્યાંથી પણ પસાર થતાં ત્યાં એમની પીઠ પાછળ વિદ્યાર્થીઓમાં કાનાફૂસી થતી, જે કયારેક ડૉ.અનિમેષના કાને અથડાતી અને ડૉ. અનિમેષ સહેજ પણ પરવા કર્યા વગર નિજ મસ્તીમાં મશગુલ રહેતાં. એક દિવસ ડૉ. અનિમેષ પગથિયાં ચડીને જઈ રહ્યાં હતાં, ત્યાં જ એમના કાને એ જ મૃદુ અવાજ પડ્યો. ડૉ.અનિમેષ આશ્લેષાનો અવાજ એક જ ક્ષણમાં પારખી ગયાં. આશ્લેષા પોતાના વિશે જ વાત કરી રહી છે એ વાતનો ખ્યાલ આવતાં જ એમના પગ થંભી ગયાં. આશ્લેષાએ પોતાની સખીને કઇંક કહ્યું અને એ શબ્દો ડૉ. અનિમેષને શૂળની જેમ હૃદયમાં ભોંકાયા, કારમો આઘાત લાગ્યો અને મન ત્યાં જ વ્યગ્ર અને ઉદાસ થઈ ગયું. આંખો બંધ થઈ અને આંખના ખૂણેથી એક અશ્રુનું ટીંપું સરી પડ્યું. હૃદય ભારેખમ થઈ ગયું.
****
ડૉ.અનિમેષ એ ભારેખમ હૃદયે પોતાના ઘરનાં દરવાજાનું લૉક ખોલ્યું અને ઘરમાં પ્રવેશતાં જ મુખમાંથી શબ્દો સરી પડ્યા, “બેટા સંતાઈ ગઈ છે ને? હું આવું છું તને શોધવા!”
જેનો કોઈ જ પ્રત્યુત્તર ના આવ્યો.
પોતાની પુત્રી જ્યાં સંતાઈ જતી એ જગ્યાએ જઈ ડૉ.અનિમેષ ઊભા રહ્યાં પણ ત્યાં કોઈ નહોતું. જ્યારે પણ આમ મન ઉદાસીની સીમાઓને વટાવતું ત્યારે ત્યારે ડૉ.અનિમેષ ભૂતકાળમાં સરી પડતાં અને વર્તમાનનો ભેદ ભૂલી જતાં. આજે પોતાની ચાર વર્ષની પુત્રી અર્નીની એમને બહુ યાદ સતાવી રહી હતી. એ પોતાની પુત્રીના રૂમમાં ગયાં. પંદર વર્ષથી પોતાની પુત્રી અર્નીનો રૂમ જેમનો તેમ સાચવેલો હતો. એના રમકડાં, એની ઢીંગલીઓ હજુય જેમની તેમ સચવાયેલી હતી. જેની પર હાથ ફેરવી આજે અર્નીને એમની નજદીક અનુભવી રહ્યાં હતાં. એક ઢીંગલીને જોઈ તો એમની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયાં કેમ કે એ ઢીંગલીને લાવીને અર્નીને જ્યારે આપી હતી ત્યારે અર્ની ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એને એના પપ્પાના ગાલ પર એક પ્રેમ ભરી પપ્પી આપી હતી. અનાયાસે જ ડૉ.અનિમેષનો હાથ ગાલ પર એ પ્રેમભરી પપ્પીને અનુભવી રહ્યો હતો, જાણે ગઈ કાલની જ વાત ના હોય! ત્યાં જ એમની નજર અર્નીની નોટબુક્સ પર પડી, એ નોટબૂક ખોલીને જોયું તો એને લખેલી એબીસીડીમાં શાહી સુગંધ હજુય અનુભવાતી હતી અને એમની નજર સમક્ષ હોમવર્ક કરતી અર્ની જીવંત બની ગઈ. અર્નીની તિજોરીમાંથી એ કપડાંને પોતાની છાતીએ લગાવતા અને ભીની થયેલી આંખો સાથે ફરી જેમના તેમ ગડી વાળીને સાચવીને પાછાં તિજોરીમાં મૂકી દેતાં.
આમ પોતાની પત્ની અને ચાર વર્ષની પુત્રી અર્નીના એક ગમખ્વાર કાર અકસ્માતમાં થયેલા મૃત્યુ પછી ડૉ. અનિમેષને એકાકીપણું સતત સાલતું રહેતું. પોતાની પત્ની કરતાં ય વધુ અર્નીની યાદ ડૉ. અનિમેષને ભાંગી નાખતી. અચાનક આજે આશ્લેષા દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો ફરી કાને પડ્યા અને હૃદય વધુ ભાર તળે દબાઈ ગયું, છાતીમાં ડૂમો ભરાઈ ગયો અને આંખોમાંથી અશ્રુઓએ પોતાનો રસ્તો શોધી લીધો.
****
આશ્લેષાના મન અને આંખો બંને ઉચાટ સાથે કોલેજમાં ડૉ.અનિમેષને શોધી રહ્યા હતાં. ત્રણેક દિવસથી ડૉ.અનિમેષે કોલેજમાં દેખા નહોતી દીધી એટલે ત્વરિત આશ્લેષા ઉચાટ મન સાથે ડૉ.અનિમેષ મળવા એમની ઓફિસ પહોંચી ગઈ. ડૉ.અનિમેષ ઓફિસમાંય નહોતા, પણ એમના ટેબલ પર એક ડાયરી પડી હતી. આશ્લેષા પામી ગઈ કે એ ડૉ.અનિમેષની એ પર્સનલ ડાયરી હતી. પહેલા તો એને મન થયું કે કોઈની પર્સનલ ડાયરીને ના વાંચે પણ એની જિજ્ઞાસા એને એમ કરતાં રોકી ના શકી અને એ એક પછી એક ઝડપથી ડાયરીનાં પાનાં ને ઊથલાવતી રહી. ડાયરીમાં લખેલા કેટલાંક વાક્યો એના નજર આગળથી પસાર થઈ રહ્યા હતાં.
“બેટા અર્ની આજે તારી અને તારી મમ્મીની પુણ્યતિથી છે. બેટા તારી બહુ યાદ આવે છે.
બેટા આમ સાવ એકલો મૂકી ને તમે અને તારી મમ્મી જતાં રહ્યાં, આવું કરાય?”
“બેટા અર્ની એવી તો તું ક્યાં સંતાઈ ગઈ કે હજુ પણ હું તને શોધી નથી શકતો, બેટા તું જીતી ગઈ હવે બહાર આવી જા.”
“બેટા આજે તારો રૂમ સાફ કર્યો તારી નોટબૂક્સ, તારી ઢીંગલીઓ, તારા રમકડાં અને હું બધા તારા વગર સૂના પડી ગયા છીએ.”
“બેટા આજે બહુ નવાઈ લાગી, તારું જ પ્રતિબિંબ મારી સામે આવીને ઊભું રહ્યું. તું બેટા આજે હોત તો આશ્લેષા જેવી જ દેખાતી હોત.”
“બેટા, હવે મને એકલું નથી લાગતું. આશ્લેષાની આંખોમાં હું તને શોધું છું અને તું જાણે મને જોતી હોય એવો આભાસ થાય છે. બેટા આશ્લેષામાં મને મારા વ્હાલનું પ્રતિબિંબ એટલે કે બેટા તું દેખાય છે.”
“બેટા આજે તારી બહુ યાદ આવી અને તને ભાવતો શીરો બનાવી આશ્લેષા માટે લઈ ગયો અને જ્યારે મેં મારા હાથથી એને શીરો ખવડાવ્યો તો જાણે એવું લાગ્યું કે હું તને ખવડાવી રહ્યો છું અને આજથી પંદર વર્ષ પહેલાં હું તને ખવડાવતો હતો એ ક્ષણોને ફરીથી આજે હું જીવ્યો.”
“ બેટા આજે બીજી નવાઈની વાત એ કે તારો અને આશ્લેષાનો જન્મ દિવસ પણ એક જ છે. તારી મનભાવતી કેક આજે આશ્લેષા પાસે લઈ ગયો અને આશ્લેષા અને તારો જન્મદિવસ મેં ખુશીસભર ઉજવ્યો. આજે બેટા હું તારા જન્મદિવસે ખૂબ જ ખુશ છું.”
“બેટા અન્યો શું વિચારે છે એની મેં કદીયે પરવા નહોતી કરી, પણ આજે આશ્લેષાના મુખે આવા શબ્દો સાંભળીને મારું હૃદય ચિરાઈ ગયું. બેટા આજે બહુ જ ઉદાસ છું, હવે મારે નથી રહેવું આ દુનિયામાં. મારે પણ હવે તારા અને તારી મમ્મી પાસે આવવું છે.”
ત્યાં જ આશ્લેષા લાગણીશીલ બની ગઈ અને આંખોનાં બંને ખૂણા ભીના થઈ ગયા.
પોતાની સખી સમક્ષ ઉચ્ચારેલા પોતાના શબ્દો યાદ આવ્યા, “જોયું? ડૉ. અનિમેષ કેવા લટ્ટુ છે મારા પાછળ! એટલે પરીક્ષાની મને કોઈ ચિંતા નથી. એમને હું બધું પૂછી લઇશ.”
પોતાના શબ્દો પર આશ્લેષા આજે ભારોભાર પસ્તાઈ રહી હતી. ડૉ. અનિમેષની પિતાતુલ્ય સ્નેહ વર્ષાને સમજી જ ના શકી. સમજે પણ કઈ રીતે? પોતે ચાર વર્ષની હતી ત્યારે જ આશ્લેષાના પિતાએ આ સૃષ્ટિમાંથી ચીરવિદાય લીધી હતી. એક પિતા વગરની છોકરીને પિતાના પ્રેમની વ્યાખ્યા ક્યાંથી ખબર હોય? પણ આજે આશ્લેષાના મનમાં ડૉ. અનિમેષ રૂપે એના પિતાએ પુનઃ જન્મ લીધો હતો.
આંખોના બંને ખૂણા લૂછી ડૉ. અનિમેષની માફી માંગવા એ બહાર આવી અને ત્યાંથી પસાર થતાં એક અન્ય પ્રોફેસરને ડૉ.અનિમેષ વિષે પૂછી લીધું.
“ બેટા તને નથી ખબર? ડૉ.અનિમેષને આજે સવારે જ હૃદય રોગનો હુમલો આવ્યો છે અને આપણી જ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં દાખલ છે.”
એક પળનો વિલંબ કર્યા વગર આશ્લેષા ડૉ.અનિમેષની પથારી આગળ પહોંચી ગઈ. હજુ ડૉ.અનિમેષ બેભાન હતાં. એમની કાળજી અને દેખરેખમાં આશ્લેષાએ કોઈ કસર બાકી ના રાખી.
ભગવાનને આશ્લેષા પ્રાર્થના કરી રહી હતી, “તમે એકવાર મારા પિતા છીનવી લીધા, મેં કોઈ જ ફરિયાદ ના કરી, પણ હવે બીજીવાર તો મારી સાથે આવું ના કરો, પ્લીઝ!”
અને જાણે ભગવાને આશ્લેષાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હોય એમ ડૉ.અનિમેષ હવે ભાનમાં આવી રહ્યા હતાં અને આશ્લેષાની આંખો હર્ષ સાથે ભરાઈ ગઈ. આંખો ખોલતાં જ ડૉ.અનિમેષે આશ્લેષાને જોતાં કહ્યું “બેટા આશ્લેષા!”
ત્યાં જ આશ્લેષા ડૉ.અનિમેષને ભેટી પડી અને સહેજ ભીના સ્વરે કહ્યું “ પપ્પા, આશ્લેષા નહીં અર્ની!”
