વેશભૂષા
વેશભૂષા
"મમ્મી, શુક્રવારે અમારી સ્કુલમાં 'વેશભૂષા' હરિફાઈ છે. તો મારા ટીચરે મને એલિયન બનવા કહ્યું છે. તે હેં મમ્મી, આ એલિયન એટલે શું ?" સાત વર્ષના નકુલે દિવ્યાને પૂછ્યું.
ઘડીક વાર તો દિવ્યા વિચારમાં પડી ગઈ. આટલા નાના છોકરાને એલિયન વિશે કેવી રીતે સમજાવવું ? અચાનક એને ઋતિક રોશનની ફિલ્મ કોઈ મિલ ગયા યાદ આવી. એને થયું કે લેપટોપ ચાલુ કરી નકુલને ફિલ્મ જોવા બેસાડી દઉં અને હું મારું કામ કરું. પછી થયું ના, ના, એ બરાબર નથી. છેવટે એણે એક ઉપાય વિચાર્યો.
એણે પોતાનું ઑફિસનું કામ થોડી વાર બાજુ પર મૂકી દીધું. પોતે કોમ્પ્યુટર ભણી હતી એનો ફાયદો શું ? એણે પોતાના કોમ્પ્યુટર પર ગુગલ પર સર્ચ કર્યું અને એલિયન વિશે, સ્પેસ વિશે માહિતી શોધી કાઢી. પહેલાં પોતે એનો બરાબર અભ્યાસ કર્યો. ત્યારબાદ એણે એ જ બધી માહિતી એનીમેશન પર શોધી કાઢી. બાળકને અઘરી માહિતી જો એના જેવા બનીને શીખવાડો તો તેમને જલ્દી યાદ રહી જાય.
"નકુલ, અહીં આવ, બેટા. જો હું તને એલિયન વિશે સમજાવું." દિવ્યાએ નકુલને બૂમ પાડી કહ્યું. નકુલ તો ખુશ થઈ ગયો. એ તો મમ્મીની બાજુમાં ડાહ્યો થઈ ગોઠવાઈ ગયો. ત્યાર પછી દિવ્યાએ એને એલિયન, સ્પેસ, ઉડતી રકાબી, જુદા જુદા ગ્રહો પરના વાતાવરણની સરસ માહિતી આપી. નકુલને તો ગમ્મત સાથે જ્ઞાન મળ્યું એટલે મજા પડી ગઈ. એ તો ખુશ થઈ ગયો.
"મમ્મી, આપણે એલિયનનો ડ્રેસ લાવવો પડશે ને ?"
"હા, બેટા, કાલે તું સ્કુલથી આવે પછી આપણે ભાડે ડ્રેસ લઈ આવીશું."
શુક્રવારે વેશભૂષા હરિફાઇમાં નકુલને એલિયનના ડ્રેસ અને એલિયનને અનુરૂપ સુંદર એકટીંગ કરવા બદલ પ્રથમ ઈનામ મળ્યું.
