વેકેશન
વેકેશન
રવિની સ્કુલમાં આજે છેલ્લી પરીક્ષા હતી. ગણિતનું પેપર આપીને સ્કૂલથી પાછા ફરી રહેલા રવિનો હરખ સમાતો ન હતો. આજથી વેકેશન શરૂ થશે એવી કલ્પના માત્રથી એનું મન ખુશીથી ઝૂમી રહ્યું હતું. એને થયું કે ક્યારે ઘરે જાઉં અને દફતર એક બાજુ મૂકી અને મિત્રો સાથે બેસીને મોબાઈલ પર નવી ગેમ ડાઉનલોડ કરુ. હવે તો આખો દિવસ કોઈપણ રોકટોક વિના આરામથી એસી ચાલુ કરી અને રૂમમાં બેસી અને બસ મોબાઈલ પર ગેમ રમ્યા કરીશ અને પછી રોજ સાંજે મોલમાં જઈને મિત્રો સાથે ફરીશ, પછી મુવી જોઈશું અને પછી ડિનરમાં પીઝા બર્ગર ખાઈને પાછા ઘરે. પછી રાત્રે મોડે સુધી બેસીને ટીવી જોવાનું અને સવારે આરામથી મોડા ઊઠવાનું. કેટલી મજા આવશે ? વિચારતા વિચારતા રવિ ઘર તરફ જઈ રહ્યો હતો. એ જેવો ઘરે પહોંચ્યો એની મમ્મીએ એની બધી ખુશી પર ઠંડુ પાણી ફેરવી નાખ્યું, એમ કહીને કે આ વેકેશન દરમિયાન એ લોકોએ પોતાના ગામ જવું પડશે.
વાત એમ હતી રવિના નાનાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને નાની ગામમાં એકલા જ હતા માટે એની મમ્મીએ એમની મદદ કરવા માટે ત્યાં જવાનું હતું. રવિ પોતાના નાનાનો ખૂબ જ લાડકો હતો. નાનાના તબિયતના સમાચાર સાંભળીને એને પણ ખૂબ જ દુઃખ થયું પરંતુ સાથે સાથે પોતાનું આખું શાળાનું વેકેશન એને ગામમાં વિતાવવું પડશે એ વિચારીને એને ખૂબ જ ગુસ્સો આવ્યો. એના ગામમા નેટવર્ક કનેક્શન ખૂબ જ નબળું હતું અને અધૂરામાં પૂરું નાનાના ઘરે ટીવી પણ નહોતું. મોબાઈલ અને ટીવી વગર જીવન કેટલું નિરર્થક થઈ જશે એ વિચારમાત્રથી રવિ એકદમ હતાશ થઈ ગયો. બીજે દિવસે સવારે એની ઈચ્છાની વિરુદ્ધ એ પોતાની મમ્મી સાથે ગામ જવા નીકળી ગયો. લગભગ બે-ત્રણ કલાક પછી એ લોકો લોકો ગામ પહોંચી ગયા. એણે જેવો ગામમાં પગ મૂક્યો એ જાણે કોઈ અલગ જ દુનિયામાં પહોચી ગયો હોય એવો એને અહેસાસ થયો.
ચારે બાજુ મોટા મોટા ખેતરો અને હરિયાળી દેખાતા હતા. જેવા એ લોકો નાની ના ઘરે પહોંચ્યા નાની અને નાના બંને ભાવુક થઈ ગયા. નાની એ રવિ ને ખૂબ જ વહાલ કર્યું અને પછી પ્રેમથી જમાડ્યો. ભોજન કર્યા બાદ મુસાફરીનો થાક ઉતારવા માટે રવિ પોતાના શહેરનું ઘર અને મિત્રો યાદ કરતા કરતા નિરાશ થઈને સૂઈ ગયો. થોડા સમયમાં તો એના રુમની બારીની બહાર છોકરાઓનું ઘોંઘાટ સંભળાયો. જેવી રવિની આંખો ખુલી એણે જોયું એની સામે પડોશમાં રહેતી એની મમ્મીની બહેનપણીનો છોકરો સુરેશ એને રમવા માટે બોલાવતો હતો. રવિ ને એની સાથે રમવા જવાની બિલકુલ ઈચ્છા ન હતી પરંતુ એની મમ્મી અને નાનીના આગ્રહને કારણે એ રમવા જવા માટે તૈયાર થઈ ગયો. સુરેશ એનો હાથ પકડીને રમવા માટે બહાર લઈ ગયો. જેવા બંને ઘરની બહાર નીકળ્યા સામે છોકરાઓનું ટોળું એની રાહ જોતું હતું. પછી બધા ભેગા થઈને સંતાકૂકડી અને પકડદાવ જેવી રમતો રમ્યા અને રમતા રમતા ક્યારે સાંજ પડી ગઈ એની ખબર જ ના પડી. શહેરમાં ગીચ વસ્તીની વચ્ચે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતો રવિ પહેલી જ વખત આ રીતે ગામના ખુલ્લા મેદાનોમાં રમ્યો હતો. આવી રીતે ખુલ્લા મેદાન અને ખેતરોમાં રમવાનો એને એક અનેરો આનંદ આવ્યો. મોડી સાંજે બધા સાથે રમીને એ, બીજે દિવસે પાછો રમવા આવવાનું વચન આપીને પોતાના ઘરે આવ્યો. એ જેવો ઘરે પહોંચ્યો નાની એના માટે ગરમ-ગરમ રોટલી અને કેરીનો રસ બનાવી રાખ્યા હતા. રવિ પેટ ભરીને ભોજન કર્યું અને થાકી ગયો હોવાના કારણે એને સમયસર ઊંઘ આવી ગઈ. રાત્રે વહેલો સૂઈ ગયો હોવાથી એની આંખ સવારે વહેલી જ ખૂલી ગઈ. સવારમાં ગામનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. જેવો એણે ફ્રેશ થઈને દૂધ નાસ્તો કર્યો, બહારથી સુરેશે એને બોલાવ્યો. સુરેશના પિતાની આંબાવાડી હતી જ્યાં આજે બધા મિત્ર ત્યાં ઉજાણી કરવા માટે ભેગા થવાના હતા. સુરેશ રવિ ને પણ એની સાથે લઈ ગયો. ત્યાં પહોંચી ને બધા એ સાથે મળીને ખૂબ જ મજા કરી. રવિ એ પણ બધા સાથે મળીને ઝાડની ડાળી પર લટકીને કેરીઓ તોડી અને ઝાડની ડાળી પર દોરીથી બાંધેલા હિંચકા પર બેસી ને ખૂબ જ ગમ્મત કરી. બપોરનો સમય થયો એટલે સુરેશ ના ઘરેથી એની મમ્મી બધા માટે જમવાનું મોકલાવ્યું અને બધાએ ઘટાદાર ઝાડ નીચે ઠંડકમાં બેસીને ભોજન કર્યું. ઉનાળાની બપોરે પણ ઝાડ નીચે ઠંડો પવન લહેરાતો હતો. ઉનાળાની બપોરે પણ એસી વિના આટલી ઠંડક લાગી શકે એવું રવિએ જીવનમાં પહેલી જ વાર અનુભવ્યું. ભોજન કરીને બધા પાછા ફર્યા. ખુશખુશાલ રવિ એ ઘરે પહોંચીને પોતાની મમ્મી સાથે પોતાના ગામના નવા મિત્રો સાથે થયેલા અનુભવોની બધી વાતો કરી. એ બધા જ મિત્રોમાં એટલું અપનાપન હતું કે રવિને અહીંયા કોઈ સાથે બિલકુલ અજાણ્યું નહોતું લાગતું. અહીંયાના વાતાવરણમાં ખુબ જ સરસ રીતે ગોઠવાઈ ગયેલા રવિને જોઈને એની મમ્મીએ પણ રાહતનો શ્વાસ લીધો. બસ પછી તો આ રોજનું થઈ ગયું. રોજ ખુલ્લા મેદાનોમાં મસ્ત થઈને જાતજાતની રમતો રમવી અને ઘરનો તાજો ખોરાક ખાવો, રાત્રે સમયસર સૂઈ જવું અને પછી સવારે સમયસર ઊઠી જવું. મોબાઈલ અને ટીવી વગર જેને જીવન જાણે અશક્ય લાગતું હતું એ જ રવિ મોબાઈલ અને ટીવીને બિલકુલ જ ભૂલી ગયો. રવિની દિનચર્યા એકદમ જ નિયમિત થઈ ગઈ અને એની તંદુરસ્તીમાં પણ સુધારો દેખાવા માંડ્યો. રવિ પહેલાં કરતાં પણ ખુશ લાગવા માંડ્યો જે જોઈને એની મમ્મી પણ એકદમ નિશ્ચિંત થઈ ગઈ. જોતજોતામાં તો રવિને ખબર પણ ના પડી અને વેકેશનનો મહિનો સમાપ્ત થઈ ગયો. એના નાનાની તબિયત પણ સુધરી ગઈ અને રવિ અને એની મમ્મીએ પાછા શહેર ફરવાનો સમય થઈ ગયો. પહેલા જે રવિને ગામ આવું જ ન હતું એ જ રવિને હવે અહીંયા આવ્યા પછી કુદરતના સાનિધ્યમાં સાત્વિક આનંદ લીધા પછી ફરી શહેર નહોતું જવું. વેકેશનની મજા આટલી સરસ પણ હોઈ શકે એ તો હવે ક્યારેય વિચાર્યું જ નહોતું. પરંતુ શહેર જઈને ફરી પાછું સ્કૂલ જવું પણ એટલું જ જરૂરી હતું. પરંતુ આ વખતે એણે નિર્ણય લઈ લીધો હતો કે હવે દરેક વેકેશનમાં એ પોતાના ગામ આવશે અને એના બધા જ મિત્રોને એ વાતનું વજન આપી અને શહેર પાછો ફર્યો, એક નવો અનુભવ પોતાની સાથે લઈને !
