Falguni Parikh

Others Inspirational

3  

Falguni Parikh

Others Inspirational

વેદિકા

વેદિકા

8 mins
7.3K


અથથી ઈતિના અથાગ મૂરતનો કંડાર તું 'નારી',
પ્રેમબંદિની, સમર્પણી -પુરુષના અધૂરપતા પૂર્ણ કરતી,
ઊર્મિઓના ઉલ્લસી કાવ્યનો ગંધાર તું 'નારી'!

સ્ત્રી જન્મે એક બાળકીના રૂપમાં -પછી અનેક સંબંધોની ગરિમા સાચવતી એ સંબંધોને જોડીને પરિવારનું નામ આપે છે! આવી સ્ત્રી, મમતાની મૂરત, ત્યાગની દેવી. છતાં સમાજમાં આજે પણ તેનું સ્થાન કેમ મહત્વનું નથી?

કનક, આરવ મહેતા સાથે લગ્ન કરી મુંબઈથી અમદાવાદ આવી. આરવ મહેતા, અમદાવાદનાં ધનાઢય પરિવારનો દીકરો. મહેતા પરિવારનો બિઝનેસ ખૂબ મોટો હતો. આરવ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બિઝનેસ સંભાળતો હતો. લગ્નના શરૂનાં મહિનાઓ હનીમૂન, હરવા ફરવામાં ઝડપથી પસાર થઈ ગયા.

આરવે બિઝનેસમાં એક નવું સોપાન સર કર્યું. તેમના બિઝનેસની એક શાખા લંડનમાં સ્થાપિત કરી. આરવ, લંડન - ઈન્ડિયાનાં બિઝનેસમાં વ્યસ્ત રહેવા લાગ્યો. સફળતા મળતા બિઝનેસને વધુ સમય આપવા લાગ્યો. આમ કરવા જતાં એ વર્કોહોલિક બની ગયો. એક પ્રેમાળ પતિ ભૌતિકવાદી બિઝનેસમેન કયારે બની ગયો, ખુદને ખબર ન રહી! દિવસો સુધી બિઝનેસ માટે બહાર રહેતાં કનક ઘરમાં એકલી પડી. એકલતા અને ખામોશી તેના સાથી બની ગયાં. મધુસુદન મહેતાએ આ વાતની ટકોર દીકરાને કરી. દીકરો લાચાર હતો!

કનક ખુદને કામમાં વ્યસ્ત રાખવાની નાકામ કોશિશ કરતી હતી. એ સમયે કીટી પાર્ટી દ્વારા તેની મુલાકાત માલિની દેસાઈ સાથે થઈ. તેઓ ખૂબ ટૂંકા ગાળામાં ગાઢ સખીઓ બની ગઈ. માલિની એક સામાજિક કાર્યકર હતા, તે એક એન.જી.ઓ. ચલાવતા હતા.

“કનક ફ્રી હોય ત્યારે અમારા એન.જી.ઓ. આવી ત્યાંના બાળકોને સમય આપતી હોય તો? તારા સાથનો લાભ અમારા બાળકોને મળે!” “માલિની તારી વાત સાચી છે પણ ઘરમાં પૂછીને તને જવાબ આપું!” “કેમ ઘરમાં પૂછવાનું? શું તું તારી મરજીથી કોઈ નિર્ણય ના લઈ શકે?” માલિનીએ હસતા હસતા કહ્યું. “અરે, માલિની એવું નથી. આરવ કામ અર્થે બહાર હોય છે. મમ્મી – પપ્પાજી ઘરમાં હોય છે. બસ, જસ્ટ એમને પૂછીને કામ કર્યું હોય તો સારું.” હસતા હસતા કનક બોલી.

માલિનીની સંસ્થામાં પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાશે એ વિચારી કનક ખુશ હતી. ઘરમાંથી એ કામ માટે પરમીશન મળી જતાં માલિનીને ફોનથી ખુશખબર જણાવ્યા. માલિની ખુશ થતાં બોલી, “વેરી ગુડ ડિઅર! તે જોઈ છે એ કયાં આવી છે? કાલે બપોરે બાર વાગ્યે આવી રહેજે.”

બીજે દિવસે કનક ત્યાં પહોંચી. નાના નાના બાળકોને ત્યાં રમતા, હસતાં, ધમાલ કરતા નિહાળી કનકને આનંદ થયો. માલિનીએ બાળકો વિષે કહયું, “મોટાભાગનાં બાળકો અનાથ છે, મંદ બુધ્ધિના છે.” કનકને વિશ્ચાસ ન આવ્યો. “માલિની હું દરરોજ આ બાળકોને મારો થોડો સમય આપીશ.”

એ પછી કનકનો નિત્યક્રમ બની ગયો. કહે છે બાળકોની દુનિયા ખૂબ અલગ હોય છે! તેમના મૃદુ સ્પર્શથી ઉજજડ છોડ પર ફૂલ ખીલી ઊઠે છે! એવા કુદરતના અનમોલ રતન છે! જે ભગવાનની પ્રસાદી રૂપે છે! કનકની જિંદગીમાં ઉલ્લાસ, ઊજાસ પથરાયો. તે મુરઝાયેલી ડાળ સમાન હતી. બાળકોનાં મૃદુ સ્પર્શથી નવપલ્લવિત થઈ ઊઠી હતી. અને જયારે એ પ્રેગનેન્ટ બની, એ સમાચારે મહેતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ. આરવને આ ખુશીના સમાચાર કનકે આપ્યા ત્યારે આરવ બોલ્યો, “માય લવ, જોજે પહેલો દીકરો જ આવશે, બિલકુલ મારા જેવો.” ગર્વથી કહયું! “અને દીકરી આવી તો?” કનકે ડરતા ડરતા પૂછયું. “દીકરી આવી તો?” જવાબ આરવ ગળી ગયો પણ તેનો કહેવાનો ભાવાર્થ કનકને સમજાઈ ગયો.

સમય પસાર થતો હતો, આવનાર બાળકની કલ્પનામાં આખો પરિવાર ડૂબેલો રહેતો! બધાની ખુશી નિહાળી કનક ખુશ થતી હતી. પૂરા નવ માસે, કનકે- દીકરાને બદલે એક સુંદર દીકરીને જન્મ આપ્યો! સીસ્ટરે આ વધાઈ આરવને આપી, ત્યારથી તે બદલાઈ ગયો. દીકરીને જોવા ના જતા સીધો ઓફિસ જતો રહ્યો. મધુસુદન મહેતા અને કોકિલાબેનની કાકલૂદીની કોઈ અસર તેના પર ન થઈ.

કનકને ડર હતો એજ બનીને રહયું. દીકરીના જન્મથી બંને વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ. કનકે દીકરીનું નામ 'સુગંધા' રાખ્યું! સુગંધા તેના જીવનમાં સુગંધ પ્રસરાવવા આવી હતી! આરવ સુગંધા પ્રત્યે ઓરમાયું વર્તન કરતો હતો એ જોઈ ઘરના બધા દુ:ખી થતાં હતા. સુગંધા હવે નાના ડગલે ચાલતી અને કાલીઘેલી ભાષામાં બોલતી થઈ. તેની કાલીઘેલી ભાષામાં બોલતી ત્યારે ઘરમાં આનંદ છવાઈ જતો, એના મધુરા શબ્દોની અસર આરવના પાષણ હ્રદયને કેમ અસર કરતા નહોતા?

સુગંધા શાળાએ જતી થઈ. એ કાયમ પપ્પા માટે હજારો સવાલો મમ્મીને કરતી. કનક પાસે એના કોઈ સવાલનો જવાબ નહતો. બસ, કનક સુગંધાની મમ્મી અને પપ્પા બનીને બંને ફરજો નિભાવતી હતી. આરવને કોઈ અસર ન થતી. સુગંધા  ધીરે ધીરે જાણવા લાગી હતી, તેના પપ્પા તેને નફરત કરે છે - પણ શા માટે? તેની ખબર નહોતી.

એક દિવસ શાળાએથી પરત ફરતાં તેમની સ્કૂલવાનને અકસ્માત થયો. એ અકસ્માતમાં બારીના કાચ સુગંધાના ચહેરામાં ઘૂસી ગયા. તે લોહી લૂહાણ બની ગઈ. હોસ્પિટલ લઈ ગયા. જયાં તેની સારવાર કરવામાં આવી. એ દરમિયાન તે બેભાન અવસ્થામાં પપ્પા પપ્પા પુકારતી રહી, પણ પપ્પા?  આરવ એક વખત પણ તેને જોવા હોસ્પિટલ ન આવ્યો. હોસ્પિટલથી સુગંધાને ઘરે લાવ્યા. ચહેરાના ઘાવ રુઝાય ગયા. પરંતુ નાજુક હ્રદય પર પડેલા ઘાવને કારણે સુગંધા પથ્થરની મૂરત સમાન સ્થિતપ્રજ્ઞ બની ગઈ. જેના કુંજરવથી આખો બંગલો ચહેકતો હતો. ત્યાં શબ્દો મૂંગા બની ગયા. દિવાલો ખામોશ બની ગઈ.

“આરવ, પ્લીઝ એક વાર તમારી દીકરીને માથે હાથ ફેરવી એને વહાલ કરો. મને આશા છે એ..!” “પ્લીઝ સ્ટોપ ધીસ કનક. મેં તને કહયું ને એ મારી કોઈ લાગતી નથી. એ તારી દીકરી છે, તારે એની સાથે જે કરવું હોય એ કર..” “ઓ.કે. આરવ, તમે કેમ આટલા પાષણ હ્યદયના બની ગયા?” આરવની ચૂપકી એ પછી કદી ન તૂટી.

કનક દિવસ રાત સુગંધાની દેખભાળ કરતી. જુદા જુદા ડોકટરોને બતાવ્યું, પરિણામ શૂન્ય આવ્યું. માલિની સુગંધાની ખબર કાઢવા આવી ત્યારે ઈન્ટરનેટ, ગૂગલ પર આ બિમારી માટે સર્ચ કરવા કહ્યું. કદાચ કોઈ સમાચાર મળી આવે.

કનક જયારે સમય મળે ત્યારે ગૂગલ પર સર્ચ કરતી. થોડા દિવસની મહેનતનાં અંતે એક આર્ટિકલ એને લગતો મળી ગયો. જેમાં ઉપચાર તરીકે 'સંગીતનું માધ્યમ' દર્શાવ્યું હતું! 'સંગીત' વાંચતા કનકને આશ્ચર્ય થયું! આખો આર્ટિકલ ઝડપથી વાંચી ગઈ. એ આર્ટિકલમાં સંગીતના જુદા જુદા રાગોની મદદથી આવા જટિલ રોગોના દર્દીઓ સાજા થયા છે! કનકને આ વાંચતા જણે સ્વર્ગ મળી ગયું એટલી ખુશી થઈ! એક માતાની મમતા અને શ્રદ્ધાની આજે જીત થતી હતી. પોતાની દીકરી માટે એકલે હાથે ઝઝુમતી કનક, ખુશીથી ઝુમી ઊઠી હતી.

હવે અમદાવાદમાં કલાસીકલ સંગીત શીખવતા હોય એવા ગુરૂજીને શોધવાના હતા. શોધખોળના અંતે એવા ગુરૂજી મળી ગયા. રૂબરૂ મુલાકાત લીધી અને દીકરીની કફોડી હાલત વિષે માહિતી આપી. એ ઋુજ હ્રદયના ગુરૂજી બોલી ઉઠ્યા, “બહેન ચિંતા ન કરો, સંગીતમાં એ જાદુ છે તે પથ્થરને પીગળાવી શકે છે! આ તો માસુમ કળી છે! હું તમારી દીકરી માટે મદદ કરીશ.” “તમારી ફી કેટલી?”  કનકે જયારે એમને પૂછયું, ત્યારે શ્રી. બકુલ ત્રિપાઠી હસીને બોલ્યા, “બહેન મારી ફી એટલીજ, તમારી દીકરી હસતી રમતી થાય!” બકુલજીનાં શબ્દો સાંભળી કનકને મનમાં આરવ અને બકુલજીની તુલના થઈ ગઈ! કેટલો તફાવત છે બંનેની વિચારસરણીમાં!

કનક રોજ સુગંધાને લઈ ગુરુજીને ત્યાં જવા લાગી. ગુરૂજી સુગંધાને નજદીક બેસાડી 'પિયાનો' પર જુદા જુદા રાગો વગાડતા. શરૂમાં કોઈ અસર સુગંધા પર ન થઈ, કનક હિંમત હારવા લાગી હતી, ગુરૂજીને પૂરી શ્રદ્ધા હતી સંગીત પર!

સંગીતે અસર બતાવવી શરુ કરી. પથ્થરની મૂરત બની ગયેલી સુગંધાની આંગળીઓમાં થોડી અસર થઈ રહી હતી. એ જોતા બંનેને આશા બંધાઈ. ધીરે ધીરે સંગીતના સપ્ત સૂરોની અસર સુગંધાના મન - હ્રદય પર પડવા લાગી. તે નોર્મલ થવા લાગી. હવે તે ખુદ ગુરૂજી પાસે બેસીને પિયાનોનાં કી- બોર્ડ પર સહજતાથી આંગળીઓ ફેરવવા લાગી. કનકની ખુશી સમાતી નહોતી. આખરે એક માતાની મમતાની જીત થઈ હતી!

સુગંધા સંપૂર્ણ સ્વસ્થ થતા, કનકે તેનો અભ્યાસ ઘરે શરૂ કરાવ્યો. ચહેરો બેડોળ બની જવાને કારણે લોકો પોતાની દીકરીને મજાકનું સાધન ન બનાવે એ માટે ઘરે અભ્યાસ શરુ કર્યો.

સુગંધા અભ્યાસ અને સંગીતમાં પારંગત થવા લાગી. શાળાના વાર્ષિકમહોત્સવમાં આચાર્યને કહીને સુગંધાનો પોગ્રામ રખાવ્યો. સુગંધાનાં મનની ઈચ્છા કનક જાણતી હતી. આરવને એ માટે કહ્યું, “આરવ આપણી દીકરીના માટે પ્લીઝ એક વાર તમે આવો, એ પછી એને ચાહે એટલી નફરત કરજો. અમે તમને કદી નહીં કહીએ.” કોઈ જવાબ ન આપ્યો આરવે.

બધાની કૃતિઓ રજૂ થઈ એ બાદ છેલ્લે સુગંધાનો વારો આવ્યો. જયારે તેનું નામ બોલ્યાં, એ મમ્મી અને ગુરૂજી સાથે સ્ટેજની પાછળ હતી. લોકો સમક્ષ આવતા ખચકાતી હતી. કનકે હિમંત આપી એને લોકો સમક્ષ લાવી. તાળીઓનાં ગડગડાટથી લોકોએ તેને વધાવી લીધી. ગુરૂજીને પગે લાગી, પિયાનો પરનાં કી-બોર્ડ પર આંગળીઓના સ્પર્શથી સંગીતના સૂરને છેડયા. એક પછી એક જુદા જુદા રાગો ને સજાવ્યા. ત્યાર પછી એક ગીત રેલાવ્યું,

“મેં તુજે બતલાતા નહી, 
પર અંધેરેસે ડરતા હૂઁ મેં માઁ, 
તુજે સબ હૈ પતા - મેરી માઁ!”

હોલમાં હાજર નાના મોટા બધાની આંખોમાં આંસુ આવી ગયા! ખુદ સુગંધા ગીત વગાડતા રડતી હતી! તેની બેચેન નજર એકને શોધતી હતી. ગીત સમાપ્ત થતાં તાળીઓનાં ગડગડાટથી લોકોએ તેને વધાવી લીધી! કનક, ગુરૂજી, પ્રિન્સીપાલ તેને સ્ટેજ પર આવી બિરદાવતા હતા ત્યાં સુગંધાની નજર મેઈન ડોર પર પડી. તેના પપ્પાને અંદર દાખલ થતા નિહાળી તેનાં મુરઝાયેલા ચહેરા પર સ્મિતની લહેર ઝળકી ઉઠી. “પપ્પા – પપ્પા..” કહેતાં બધાને છોડી તેમની તરફ ભાગી. કનક, ગુરૂજી આ પિતા – પુત્રીનું અનોખું મિલન જોઈ રહ્યાં. આરવે દીકરીને ઉંચકી લીધી. ગળે લગાડી ખૂબ વહાલભર્યા ચુંબનોથી તેને નવડાવી દીધી!

આરવ સુગંધાને ઉંચકીને સ્ટેજ પર આવ્યો. કનકને આશ્ચર્ય થતું હતું. સુગંધાને નીચે ઉતારી ગુરૂજીને પગે લાગતા બોલ્યો, “ગુરૂજી તમે આ બધાનાં સાચા હકદાર છો! મારી આંખો પર અજ્ઞાનતાનાં પાટા હતા, દીકરો જ કુળદીપક હોય એમ માનનારો હું. મારો માળો વિખેરાતો જતો હતો, મારી જીદને કારણે.” કનક આ સાંભળીને હેરાન હતી. આરવ બોલ્યો, “કનક, ગુરૂજી મારી ઓફિસ આવ્યા હતા. તેમણે ઉચ્ચરેલા એ વાકયો, ખૂબ અસર કરી ગયા. તેમણે કહ્યું, ‘માતાનું વહાલ એ આકાશ જેવું છે, જે બાળકનાં જીવનમાં સદા છવાયેલું રહે છે! પરંતુ પિતાનું વહાલ બાળક માટે સ્નેહરૂપી ઢાલ છે, જે તેના જીવનને મુશ્કેલીઓથી બચાવી નિખારે છે! તમારી દીકરી પથ્થરમાંથી સજીવ થઈ શકી, તેને હીરાની માફક તરાસવાનું કામ એક પિતાનું છે! તમે તમારી જવાબદારી નહી વિસરો એવી મને ખાતરી છે!’ બસ, આજે હું તમારી સામે છું.” હસતા હસતા આરવ બોલ્યો.

સુગંધા પપ્પાની આંગળી છોડતી નહોતી. ગુરૂજીનો હૃદયથી આભાર માની આજે એક પરિવાર ભેગો થયો હતો!

કહે છે, એક સ્ત્રી મનમાં નકકી કરી લે એ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ સફળતા પ્રાપ્ત કરે છે!

વેદિકા હવન કુડની અગ્નિમાં જેમ સુખડને નાખવાથી વાતાવરણ શુધ્ધ થાય છે; તેમ કનક - સુગંધાની જિદંગીરૂપી વેદિકામાં સંગીત અને પ્રેમે તેમનાં જીવન ફરી મહેકાવ્યા!

પુરૂષોના વર્ચસ્વવાળી આ કઠોર દુનિયામાં સ્ત્રીનું અસ્તિત્વ શું છે એ, કનક - સુગંધાએ હિંમત હાર્યા વગર સાબિત કર્યું!


Rate this content
Log in