વાટાઘાટ
વાટાઘાટ
શુટબુટ પહેરી, ઠાટબાટ જમાવી, આજે હું અને મારું ઘર બંને પાર્ટીના મૂડમાં હતા. જેટલો પ્રોફેશનલી શણગાર મેં મારી કાયાને આપ્યો હતો તેટલો જ આજે મારા ઘરને પણ આપ્યો હતો. અને ભાઈ, કેમ ન આપું પાર્ટી! આજે મારા જીવનનો એક નવો પડાવ શરૂ થવાનો હતો. લાંબા અંતરાલ બાદ હું આજે સફળતાના શિખરો ઉપર વધુ એક નવી મંજિલ પાર કરવાનો હતો. ઘણાં વર્ષો હીરા ઉદ્યોગમાં નામ અને દામ કમાયા બાદ આજે હું ટેકસટાઇલ વિભાગમાં મારી મૂડીનું રોકાણ કરીને વધુ ધન કમાતો હતો. સુરતમાં ઘણાં જાણીતાં ઉદ્યોગપતિમાં મારી ગણનાં થવા લાગી હતી.
બસ, એ જ ખુશીમાં આજે મેં મારા સ્નેહીજનો, મારા કુટુંબીજનો, હિતેચ્છુઓ તેમજ ખાસ મારા પ્રતિસ્પર્ધીઓને બોલાવી મારી ઠાટબાટ બતાવવા જ આ પાર્ટીનું આયોજન કર્યું હતું. દરેકે મારા નિમંત્રણને માન આપી આવ્યા હતા. ઘરમાં પાર્ટીનો માહોલ છવાયો હતો. હું મારી સફળતાથી એટલો ખુશ હતો કે તેની ખુશી કોઈને વર્ણવી શકાય તેમ નહતી. એટલે જ હું એકાંતમાં મારી ખુશી અનુભવવા મારું કપકેક હાથમાં લઈને રૂમ પાસેની બાલ્કનીમાં ઉંભો રહ્યો.
કેક ખાતા-ખાતા મારી નજર બાલ્કનીની નીચે ગઇ. ખબર નહિ કેમ, મને થોડો આંચકો અપાવતી ગઇ. એક ગરીબ બાળક સામેની દિવાલના ખૂણે કચરાપેટી પાસે બેઠો હતો.જાણે કોઈની રાહ જોતો હોય. ત્યાં જ મારા ઘરનો નોકર કાળી કોથળીમાં કંઇક લઈ આવ્યો અને કચરાપેટી પાસે મૂકીને જતો રહ્યો. એ બાળક ઝડપથી એ પ્લાસ્ટિકની કોથળી ખોલવા લાગ્યો. અંદરથી ખાલી, થોડા ભરેલા કપકેક કાઢીને તેમાંથી ખાવા લાગ્યો. એ દ્ર્શ્ય જોઇ મારા હાથમાં રહેલ કપ કેક મુકાઈ ગયો. ઘરની આસપાસની ગંદકી સાફ કરતાં કરતાં થોડું વધેલું કેક મોંમાં મૂકતા જતો હતો.અંહી, વાટાઘાટ કપકેકનો હતો કે મજબુરીનો એ સમજાતું નહતું !
