વારી ગયા
વારી ગયા
અનિકેતને હોસ્પિટલમાંથી આવતા મોડું થઈ ગયું. નીકળવાની તૈયારીમાં હતો ત્યાંજ, એક ઈમરજન્સીનો કેસ આવી ગયો. ડોક્ટરની જીંદગીમાં દર્દીને પ્રથમ સ્થાન હોય છે. એવા પણ કિસ્સા અનેક સાંભળ્યા છે, અનુભવ્યા છે કે પૈસા પાછળ દિવાના ડૉક્ટરો દર્દીને કોઈ મહત્વ આપતા નથી. એવા ડોક્જેટરો જેલ ભેગા પણ થયા છે. તેમની ડોક્ટરીના પરવાના રદ થયા છે. કેટલી જુવાન સ્ત્રીઓએ બાળકના જન્મ ટાણે જાન પણ ગુમાવ્યા છે.
એક વાત સત્ય છે, ડોક્ટર ભગવાન નથી. પણ તેમની બેદરકારી જ્યારે કોઈનો જાન લે તે તો અસહ્ય બને. આજે અનિકેતને વહેલાં નિકળવું હતું પણ ઈમરજન્સીનો કેસ આવ્યો તેથી રોજ કરતાં પણ મોડું થયું. અંકિતા ખૂબ સમજુ હતી. જ્યારે પતિ અને પત્ની વચ્ચે મનમેળ હોય છે, ત્યારે ગેરસમજણ ઉભી થવાના પ્રસંગ ઓછા ઉભા થાય છે. આ મનમેળ સાચા પ્રેમની નિશાની છે. જીવન પર વિશ્વાસ અને સ્નેહનું કવચ છે. બાકી પિયરનું અભિમાન આણામાં લઈને આવે એ ઘરમાં શાંતિ દીવો લઈને શોધવા જવી પડે.
આજે ઘરમાં નાના ફુલશા દીકરાની પહેલી વર્ષગાંઠ હતી. અસીમ, ચહેરાનો નાક નકશો પિતાનો અને રૂપ માનું લઈને આવ્યો હતો. બન્ને તરફથી પ્રથમ બાળક હતું. (દાદા તેમજ નાનાને ત્યાં). મહેમાનોની ભીડ હતી. યજમાન જ ગેરહાજર હતા. એમ તો ન કહેવાય બાળકના પિતા સિવાય ઘર ભર્યું હતું. સંજોગો એવા હતાં કે કોઈ કશું જ બોલી ન શકે. અંકિતાએ પરિસ્થિતિ સંભાળી લીધી. ડો.અનિકેતે, માતા અને પિતા સાથે રહેવાનો પોતાનો ઈરાદો લગ્ન પહેલાં અંકિતાને જણાવ્યો હતો. લગ્ન પછી મનદુઃખ ન થાય તેને માટે પહેલેથી ચોખવટ સારી એમ તે માનતો. નાનો ભાઈ હજુ કોલેજમાં હતો. તેણે કાંઈ નક્કી કર્યું ન હતું કે આગળ શું કરવું છે.
પારો અને પ્રેમલ બન્નેએ ખુલ્લા દિલે વહુને અને દીકરાને સ્વિકાર્યા હતા. પારોનો પડ્યો બોલ અંકિતા જીલતી. પારો, અંકિતાની વિચારસરણીને અનુરૂપ નવું નવું બધુ અપનાવતી. નાનકા અસીમની વર્ષગાંઠ નિમિત્તે, અંકિતા સવારથી બચ્ચાના લાલન પાલનમાં મશગુલ હતી. તેમાં અનિકેતના આવવાના કોઈ એંધાણ દેખાતા ન હતાં.
‘મમ્મી આજે તમારે બધી બાજી સંભાળવી પડશે. પાર્ટીમાં આવેલા સર્વે મહેમાનોની જવાબદારી તમારી.’
‘બેટા જો અસીમ મારી પાસે રહેતો હોય તો તું પાર્ટીનો દોર હાથમાં લઈ લે.'
‘મમ્મા, આટલા બધા મહેમાનોને જોઈ અસીમ થોડો બેચેન છે. તેને મારે વહાલથી સાચવવો પડશે. બપોરે સુવડાવીશ તો સાંજના રમકડાથી રમશે. મહેમાનોને હસતો રમતો અસીમ ભાળી આનંદ આવશે.’
પારો અને પ્રેમલે પાર્ટી માટે અને મહેમાનોની આગતા સ્વાગતા માટે બધી તૈયારી કરી. અંકિતા, અસીમને તેની આયા સાથે લઈને ટપ ટપ ફરતી હતી. તેને ખબર હતી મમ્મી અને પપ્પા પાર્ટીમાં ચાર ચાંદ લગાવશે. અસીમનો કાકુ તો નાનકાને ખૂબ લાડ લડાવતો. આજે રજા હતી એટલે કોલેજ જવાની વાત ન હતી. અસીમ તો કાકુનો દુલારો હતો. અસીમના નાના, નાની, મામા અને મા
સી પણ આવી પહોંચ્યા હતા. આજનું મુખ્ય આકર્ષણ અસીમ હતો.
‘બસ હવે અડધા કલાકમાં હું હોસ્પિટલમાંથી નિકળીશ’. અનિકેત ફોન ઉપર અંકિતાને કહી રહ્યો હતો.
‘અંહી બધી વ્યવસ્થા સુંદર છે. તું ઉતાવળ કરીશ નહી. સંભાળીને ગાડી ચલાવજે.‘ અંકિતા અનિકેતને પ્રેમથી કહી રહી હતી.
‘એક વર્ષનો અસીમ બરાબર ચાલતો હતો. તેના મનગમતું ગીત વાગે ત્યારે નાચવાની મઝા લુંટતો. સહુને મનોરંજન પુરું પાડી રહ્યો હતો.'
‘મમ્મી તમે અસીમને જુઓ, હું મહેમાનોનો ખ્યાલ રાખું છું. હમણા જરા એ રમવામાં મશગુલ છે.’
પારો, અસીમ પાસે આવી. તેની નાની અને બન્ને વાતે વળગ્યા. બાળકોથી ઘેરાયેલો અસીમ નાચતા નાચતાં પગમાં ગાડી આવતા પડ્યો.’
તેના રડવાના અવાજ સાંભળી અંકિતા દોડી. અસીમ ખૂબ રડતો હતો. તેને માથામાં વાગ્યું હતું. પાર્ટીમાં સોપો પડી ગયો. પારો દોડીને રૂમાલમાં બરફ લઈને આવી. અસીમના ઘા ઉપર અંકિતા બરફ લગાવી રહી હતી.
‘અનિકેતના ફોનની ઘંટી વાગી. કાકુએ ફોન ઉપાડ્યો. વાત કરી.
‘જલ્દી તેને લઈને હોસ્પિટલમાં આવો.'
પ્રેમલે ડ્રાઈવરને ગાડી દરવાજા પાસે લાવવાનું કહ્યું. ગાડીમાં અંકિતાના ખોળામાં અસીમ શાંત પડ્યો હતો. તેની સારવાર કરી, અનિકેત બધા સાથે ઘરે આવી પહોંચ્યો. નાના બાળકને ઉંઘમાં દુધ પિવડાવી સુવાડ્યો. ઘા જરા ઉંડો હતો. પણ તરત જ કાળજી પૂર્વકની સારવાર મળી ગઈ તેથી વાંધો ન આવ્યો.
અસીમને સુવડાવી, નેનીને તેની પાસે બેસાડી અંકિતા બહાર જ્યાં પાર્ટી ચાલતી હતી ત્યાં આવી. જાણે કશું બન્યું નથી તેમ અંકિતા અને અનિકેત મહેમાનો સાથે વર્તન કરી રહ્યા. અનિકેત ડોક્ટર હતો, તેને ખબર હતી ઘા મામુલી છે પણ બાળક ખૂબ નાનું છે. ઉંઘમાં આરામ જલ્દી થઈ જાય. બન્ને જણ જાણતા હતાં જે થઈ ગયું તેમાં કોઈ ફરક પડવાનો નથી. શામાટે પોતાના બાળકની વર્ષગાંઠ નિમિત્તે આવેલા મહેમાનોને ઓછું આવે? દાદા, દાદી, નાના અને નાની જીવ બાળતા હતાં. દાદી અને નાની બન્ને ત્યાં હતાં. કોઈ પણ અકસ્માત આવતા પહેલાં સંદેશો પાઠવતો નથી. હવે બાળક છે. રમતાં રમતાં પડી ગયો. વાતનું વતેસર કરવામાં કોઈને લાભ નહી સહુને નુકશાન હતું.
અનિકેતે દાદી અને નાનીને સમજાવ્યા,’ચિંતા નહી કરો. સવાર સુધીમાં અસીમ રમતો થઈ જશે.’
આમ પણ તેના સુવાનો સમય થઈ ગયો હતો. તે સુતો હતો તેથી અનિકેત અને અંકિતા મહેમાનો સાથે આનંદ માણી રહ્યા હતાં. અનિકેતે અંકિતાને કહ્યું,’ઘા છે પણ ચિંતા કરવા જેવું નથી. બાળકો તો આમજ મોટા થાય. આપણને પણ નાનપણમાં વાગતું હતું!’
દાદી અને નાનીના કાને આ વાત પડી, તેમના બાળકોની સમજ પર વારી ગયા.
કાકુ વારે વારે જઈને અસીમની ખબર કાઢી આવતો. અસીમ તો શાંતિથી મુખ પર મલકાટ સાથે ગાઢ નિંદ્રામાં હતો.