STORYMIRROR

Pravina Kadakia

Others

2  

Pravina Kadakia

Others

ઉપલો માળ

ઉપલો માળ

5 mins
15.2K


     માતા અને પિતાની છત્રછાયા વગર સોમો ઉછર્યો હતો. બે ભાઈઓમાં સોમો નાનો. સોમાને મોટોભાઈ ખૂબ ચાહતો અને હરખાતો. બંને વચ્ચે ઉંમરમાં ઝાઝો ફરક હતો. ઘણાં વર્ષે સોમાની માને દિવસ ચડ્યાં હતાં. તેથી માએ મુખ ભાળ્યું ન ભાળ્યું ત્યાં તો ગામતરે ગઈ.

     "આ સોમો છે ને તેનો ઉપલો માળ ખાલી છે." નાનપણથી આ વાક્ય સાંભળીને સોમો મોટો થયો હતો. પિતાને રાજ રોગ થયો હતો. સોમાના જન્મ પહેલાં જ પિતા આ ફાની દુનિયા છોડી જતા રહ્યા હતાં. માને આ ઘા કાળજે લાગ્યો હતો. સોમાને જન્મ આપી, મોટાભાઈને હવાલો સોંપ્યો. પિતા સારા એવા પૈસા મૂકીને ગયા હતાં. પ્રેમાળ ભાઈએ તેનો એક પણ પૈસો દબાવ્યો નહીં. ભાભી નવી પરણેલી હતી. લગ્નને બે વર્ષ માંડ થયા હતાં ત્યાં, દિયર મોટો કરવાનો આવ્યો. વેઠ ઉતારે, સોમાનો ભાઈ બધું સમજે પણ શું કરે? નવી પરણેતરને નારાજ કરવાનું પાલવે તેમ ન હતું. સોમો ધૂળમાં રમી મોટો થયો. જ્યારે ભાભીને પોતાના બાળકો થયા ત્યારે વગર પૈસાનો નોકર, 'દિયર' મળી ગયો. જે નાના ભત્રીજા અને ભત્રીજીનું ધ્યાન રાખતો. તે ભણે કે નહીં તેની ભાભીને કોઈ ચિંતા ન હતી. આ જીવનામાં જેનું કોઈ ન હોય તેનો બેલી ભગવાન. સોમો વગર માસ્તરે પહેલે કે બીજે નંબરે ઉત્તીર્ણ થતો. જ્યારે ભત્રીજા અને ભત્રીજી બબ્બે માસ્તર ભણાવવા આવે તો પણ માંડ માંડ ધક્કા મારીને પાસ થતાં. ગમે તેટલી હોશિયારી સોમામાં હોય છતાં પણ, 'તેનો ઉપલો માળ ખાલી છે' એવું ભાભીએ તેના મગજમાં ઠસાવી આપ્યું હતું. હા, સોમાને કોઈ અવળચંડાઈ ગમતી નહીં. ભાભીની સામું બોલતો નહી. ભાભી કહે તે બધાં કામ કરી આપતો. બને ત્યાં સુધી શાંત રહેતો. જાણે તેના મોઢામાં મગ ન ભર્યા હોય! કાવાદાવાથી સો જોજન દૂર સોમો ભણવામાં પાવરધો નીવડ્યો. નવરાશની પળમાં માળિયે ચડીને ચોપડીઓનો થોથાં વાંચતો હોય.

     મોટાભાઈના નસીબ સારાં, ધંધામાં બરકત આવી ખૂબ કમાયા. સોમો ભણ્યો પણ ઘણું. નાનપણથી ભાભીને જોઈ હતી. ભાભી તો તેની મા હતી. પોતાની ઉપેક્ષા પણ અનુભવી હતી, છતાં ભાભીમાને પ્યાર કરે. મોટાભાઈને વંદન કરે. કદી તેમણે સોમાને ખસ કહ્યું ન હતું. ભાભી ભલે ગમે તે કરે, ભાઈ સોમાને લાડ કરવામાં કમી ન રાખતો. એક વાત તેના મગજમાં જડબેસલાક બેસી ગઈ હતી. 'સ્ત્રી' પ્રત્યે કોઈ સંવેદના અનુભવતો નહીં. ભણીગણીને કમાતો થયો. નોકરી પર તેની સાથે કામ કરતી શીલાને તે ખૂબ ગમતો. શીલાને તેની સંસારિક બાબતની કાંઈ ખબર ન હતી. સોમાના શાંત સ્વભાવને કારણે ખૂબ કુણી લાગણી બતાવતી. બંને સાથે એક કેબિનમાં બેસતાં. કામકાજ હોય ત્યારે સાથે કરતાં. સોમો સ્ત્રીઓ પ્રત્યે ઉદાસ કેમ છે તે જાણવા મથતી. સોમો વિચારતો બધી સ્ત્રીઓ, 'ભાભી જેવી ન હોય' છતાં પણ કામ પૂરતી વાત.

     એક વખત સાથે ચા પીતાં, શીલા બોલી, 'મારી ઓરમાન મા કેમે કરી રાજી નથી થતી. બધો પગાર પણ લઈ લે છે. પિતાજી તેને કશું કહી શકતાં નથી.' સોમો હવે નાનો ન હતો, કે આ વાક્યનો અર્થ ન સમજે. તેને શીલા પ્રત્યે લાગણી થઈ. કામ પર ઘણી સ્ત્રી મિત્રો તેની આજુબાજુ આંટા મારે પણ તેને કોઈ ફરક ન પડતો.  હમણાંથી શીલા તેના વિચારોમાં ડોકિયા કરી જતી. શીલાને અંદાજ આવી ગયો હતો, આશા બાંધીને બેઠી હતી. એક વખત તો બંને ભાઈ કામ માટે બહાર ગયા હતાં ત્યારે પ્રેમથી મોટાભાઈએ વાત છેડી. 'સોમા, શું તું ક્યારેય ઘરસંસાર નહી માંડે?" 'મોટાભાઈ મને તમે પિતા કરતાં વધારે પૂજ્ય છો. હવે હું નાનો કીકલો પણ નથી. આદરથી કહું છું, આપણે આ વાત ન કરીએ તો કેવું?" શીલા વિષે અત્યારે કાંઈ કહેવું તેને યોગ્ય ન લાગ્યું. મોટોભાઈ સમજી ગયો. તેના નાના ભાઈ સોમાનું જીગર, ખૂબ આળું થઈ ગયું છે. મા વગરનો ઉછર્યો છે. તે બાળપણ વિસારી શકતો નથી. હા, તેની જિંદગી ખૂબ સોહામણી છે. ભલેને, બંને ભાઈ એક ઘરમાં તો સાથે રહે છે. તેને તેના નસીબ પર છોડી દેવો જોઈએ. ત્યાર પછી તેમણે આ વાતનો ઉલ્લેખ કયારેય ન કર્યો.

     પૈસાનો વરસાદ ચારે તરફથી હતો. ક્યારેય પૈસો તેના દિમાગ પર બેસી રાજ ન કરતો. હવે તેને ઘરકામ યા બાળકોનું કોઈ કામ કરવું ન પડતું. મોટાભાઈએ બંગલમાં, 'ઉપલો માળ' તેને માટે ફાળવ્યો હતો. હવે તે બરાબર સમજતો થઈ ગયો હતો, 'ઉપલો માળ ખાલી છે'. તેનો અર્થ પણ જાણતો હતો. છતાં તેણે કોઈ અસંતોષ ન દર્શાવ્યો. તેને થતું ભાભીએ તેને ભણવા તરફ પ્રેર્યો હતો. જો કદાચ ભાભીએ પ્યાર આપ્યો હોત ,તો તે આજે આ સ્થાને કદાચ ન હોત. તેના આંસુ પુસ્તકોએ લુછ્યાં હતાં. મોટાભાઈનાં બાળકોમાંથી નવરો પડતો ત્યારે ચોપડાં લઈ કાતરિયામાં ભરાતો. મોટાભાઈના બંને બાળકો પરણી ઠરીઠામ થયાં. દીકરો લાખ મનાવ્યા છતાં પિતા સાથે ધંધામાં ન બેઠો. પ્રેમ લગ્ન કરીને, પત્નીનો ચડાવ્યો અમેરિકા ભેગો થઈ ગયો. બંને બહુ કમાતાં નહીં, પણ ગુજરાન ચાલતું. તેની પત્ની થોડું ભણેલી હતી તેથી બેંકમાં નોકરી કરતી.

     ભાભીને હવે દિયરની કિમત સમજાઈ. સોમાએ પોતાના સૂવાના રૂમમાં મકાનનું પેઈન્ટિંગ ભીંત ઉપર મઢાવીને મૂક્યું હતું.  જેમાં ત્રણ માળ સુંદર સજાવેલા હતાં અને ઉપલો માળ માત્ર બારી-બારણાં દર્શાવતાં. આમ પણ પોતે મકાનનાં ઉપલા માળ પર ખૂબ શાંતિથી રહેતો. ઓછામાં ઓછી જરૂરિયાત સાથે. સાદગી તેનો જીવન મંત્ર હતો. એક વાર ચોમાસામાં મુશળધાર વરસાદ પડ્યો. સોમો બિમારીનો ભોગ બન્યો. ત્રણ દિવસથી નીચે ઉતરી ઘરની બહાર ગયો ન હતો. નોકર આવીને ખાવાનું કે ચા આપી જતાં. ભાભી તો દીકરો ગયા પછી ઠંડી થઈ ગઈ હતી. દીકરી પણ પરણીને સાસરે ગઈ. ઘરમાં ત્રણ મોટાં રહેતાં. કોણ કેટલાંમે માળે છે તે ફોન ઉપરથી જાણી લેતાં. મોટોભાઈ બે દિવસ ખબર કાઢવા આવ્યો. પછી ફોન કરી સોમાની તબિયતની ભાળ રાખતો.

     ગઈ કાલે રાતના બારે મેઘ ખાંગા થયા હતાં. આખી રાત વરસાદ ધુમ વરસ્યો. જાણે વાદળમાં કાણું ન પડ્યું હોય! સોમાને તો ઘેનમાં કાંઈ ખબર ન પડી. મકાનમાં પાણી ભરાણાં. પહેલો માળ આખો પાણીમાં. ભાઈ અને ભાભીને તરતાં ન આવડતું. ઊંઘમાં ખલેલ ન પડી કે શું બંને જણા નિંદરમાં કાયમ માટે પોઢી ગયાં. સવારનાં પાંચ વાગે સોમાને મકાન ઉપર હેલિકોપ્ટર આંટા મારતું જણાયું. માંડ માંડ ઊભા થઈને પોતાના ઉપલા માળની નાની અગાસી પર બહાર આવ્યો. હેલિકોપ્ટરવાળાએ કહ્યું, 'હમ સીડી ડાલતે હૈ, તુમ ઉસે પકડર ઉપર આ જાઓ. તુમ્હારા પૂરા મકાન પાનીમેં ડૂબ રહા હૈ. અપની જાન બચાલો.'' સોમો કહે, “મારા ભાઈ અને ભાભી નીચે પહેલે માળે સૂતાં છે.” “વો લોગોંકે બચનેકી કોઈ ઉમ્મીદ નહીં હૈ." છેલ્લી નજર મકાનનાં 'ઉપલા માળ' પર નાખીને સીડી ચડી તે હેલિકોપ્ટરમાં આવી ગયો.


Rate this content
Log in