Pravina Kadakia

Others

2  

Pravina Kadakia

Others

ઉમંગની હેલી પ્રકરણ (૫)

ઉમંગની હેલી પ્રકરણ (૫)

8 mins
7.4K


પ્રકરણ (૫)

 

     મુકેશ સાથે ડિનરની મોજ માણ્યા પછી ઘરે આવી. અમિતાને ઘરમાં પુરૂષ માણસની હાજરી ગમી. આજની સાંજ સુનહરી લાગી. અવનિ તેને સંસારમાં વ્યસ્ત હતી. અવિ પોતાના ભવિષ્યની બાબતમાં સજાગ હતો. તેને જે પણ કરવું હોય તેની પૂરતી સ્વતંત્રતા હતી. લેખનકળાની પ્રવૃત્તિ અમિતાને સદી ગઈ હતી. ઉપરા ઉપરી બે નવલકથાને જે આવકાર મળ્યો તે એના માટે ઘણા આનંદના સમાચાર હતા. પતિ ગુમાવ્યા પછી જિંદગી આવા સુંદર મુકામે લાવશે તે માનવા તૈયાર ન હતી. એકલી  મનમાં વિચારી રહી. જુવાનીના દિવસોમાં ઘર સંસારમાં ગૂંથાયેલી અમિતા આજે અલગ જિંદગી જીવવા શક્તિમાન બની છે. આ પ્રભુની કૃપા નહીં તો બીજું શું. અવનિના માર્ગદર્શને જીવનને નવો વળાંક સાંપડ્યો. અવનિ બે બાળકોની માતા બન્યા પછી અઠવાડિયામાં ત્રણેક વાર તેને ઘરે જઈ રાહત આપવાનો પ્રયત્ન કરતી. અવનિનું ઘણું કામ મમ્મીના હિસાબે સરળ બનતું. દૃષ્ટી એટલી બધી બદલાઈ ગઈ હતી કે અમિતાને જીવનની ઘટમાળમાંથી નવા મુદ્દા મળતાં.

     અમિતામાં આવેલા ફેરફારને કારણે અવનિના દિલને ટાઢક મળતી. મનમાં ને મનમાં તે ઇચ્છતી કે મમ્મી મુકેશમામા સાથે ફરીથી સંસાર વસાવે. પપ્પાને ગયે પાંચ વર્ષ થયા હતાં. બહારથી કઠણ દેખાતી મમ્મી અંદરથી કુસુમવત છે, તેની તેને બરાબર ખબર હતી. અમિતાની દિનચર્યા ખૂબ સુંદર હતી. સવારના પોતાનું પ્રાતઃકર્મ, રસોઈ, ઠાકોરજીની સેવા અને યોગના આસનો કરતાં એક વાગી જતો. સમય મળ્યે થોડું ચાલવાનું પણ રાખ્યું હતું. એક વાત તેના દિમાગમાં બરાબર ઠસી ગઈ હતી. સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન જેવું ધન કોઈ નથી! ઓછા-વત્તા પૈસા હશે તો જીવન ગુજરશે. પણ જો માંદગી ઘર ભાળી જાય તો તેનાથી છુટકારો મુશ્કેલ છે. પતિની માંદગીના દિવસો તેને બરાબર યાદ હતા. કાવેરીમાની ચાકરી ખડે પગે કરી હતી. હવે સંજોગો અલગ છે. અવનિનો ઘરસંસાર અને અવિનું ભણતર. ઈશ્વરકૃપાથી હજુ સુધી તબિયતમાં ખાસ વાંધો આવ્યો ન હતો. તેનામાં બાળકોને સહાય કરવા માટે પૂરતી શક્તિ હતી. ઉપરથી આ લખવાનું સુંદર કાર્ય. આજે ક્યાંય જવું ન હતું. લખવા માટે કોઈ વિચાર દિમાગમાં સ્ફુરતા ન હતાં. અચાનક ગઈ કાલે રાતના અવનિને ત્યાં મુકેશમામા મળી ગયા હતા તેમનો વિચાર ઝબક્યો. વિચાર કાઢવાનો પ્રયાસ કરતી હતી ત્યાં વધારે ને વધારે તેમના વિચારોમાં ખોવાઈ જવાનું ગમ્યું. 'અરે, આ તો પાપ કહેવાય!’ શું પતિ હયાત ન હોય ત્યારે પર પુરૂષનો વિચાર, 'છટ છે તને!' અમિતાને પોતાની જાત પર ઘૃણા થઈ આવી. અમૂલખનો પ્યાર યાદ કરતાં આંખોમાં આંસુ ધસી આવ્યા.

     અમૂલખભાઈના અવસાન પછી અમિતામાં ઘણા ફેરફાર આવ્યા. પહેલાં સસરા, પછી પતિ અને અંતે સાસુમાના ગયા પછી દુનિયામા એકલા રહી પોતાનો જંગ જીતવા અમિતા કટિબદ્ધ બની. હવે અવનિ ઝાઝો સમય આપી શકતી નહીં. તેણે વિચાર્યું, ભલું થજો મારું મૃત્યુ કાલે આવે, પણ તેનું કોઈ ઠેકાણું નથી. અમિતાએ પોતાનામાં વિશ્વાસ મૂક્યો. દરેક કાર્ય કરતાં પહેલાં તેના સારા અને માઠા બંને પરિણામોને ત્રાજવે તોળતી થઈ ગઈ. શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરતી. જાણે શરીરમાં ઉર્જાનો સંચાર થતો હોય તેવું તેને લાગતું. હવેનું જીવન વ્યર્થ ન જાય તેની તકેદારી રાખવાની શરૂ કરી. જ્યારે અવનિના બાળકોને રમાડતા હતાં ત્યારે મુકેશ, જેણે જીવનમાં કદી બાળકોને હાથમાં પણ ન લીધાં હોય તે કેવો ગુલતાન થઈ ગયો હતો. અમિતા ઘડી ભર બાળકને જોતી તો ઘડી ભર મુકેશને. કોણ જાણે કેમ તેને મુકેશમાં અમૂલખ દેખાયા. જાણે પોતાની વહાલસોઈ દીકરીના બાળકોને ઉમંગ ભેર રમાડી રહ્યા ન હોય. એક વાર મુકેશના હાથમાંથી બાળકને લેતાં સ્પર્શ થયો. કોને ખબર કેમ એ સ્પર્શ અમિતાના અંગમાં રોમાંચ ફેલાવી ગયો. જાણે અજાણ્યે મુકેશને તેનો અંદાજ  આવી ગયો હતો. માનવું પડશે કે એ બાબતમાં પરણ્યા ન હોવાં છતાં મુકેશમામા અમિતાથી વધારે અનુભવી લાગ્યા. અમિતા અમૂલખની ઊણપ અનુભવી રહી. આ ઉંમરે જીવનમાં બધું હતું, વહાલસોયા પતિના સહવાસ વગર. તેને થયું જીવનમાં આ તો ઉંમર છે. પતિ અને પત્ની એક બીજાનો સંગ માણે. જીવનનાં કાર્યો સાથે કરે. પ્રવૃત્તિની પગડંડી પર પદાર્પણ કરી ઉન્નતિના ગુંબજને સર કરે! આજે પ્રગતિના રસ્તે પ્રયણ તો કર્યું છે, પણ સાથીનો સાથ ક્યાં? સફળતાનો ભાગીદાર ક્યાં? એકલતા સતાવી રહી. મનને મનાવ્યું. પણ દિલ છે કે માનતું નથી. જીવનની શરૂઆતના વર્ષો બાળકો અને કામકાજમાં એવા પસાર થઈ ગયા કે હર પળ માણવાનો સમય ઓછો પડતો. હા, મધુરો સહવાસ જરૂર ગમતો. પ્રેમ પાંગરતો અને મહેક જીવનમાં રેલાવતો. આજે બધું છે ત્યારે સાથીની ગેરહાજરી જણાય છે. 'જોકે ગેરહાજરીમાં હાજર તેનું નામ સાથી' જ્યારે અમૂલખની યાદ આવતી ત્યારે સામે મુકેશ જણાતો.

     અમિતાને થતું આમાં શું કુદરતનો સંદેશો છે. બાકી આટલા વર્ષો પછી આવી વ્યક્તિ આવી મળે. જેણે જીવનમાં કદી સંસારનું સુખ માણ્યું નથી. આ ઉંમરે જેને પૈસાની કોઈ કમી નથી. મુકેશનું તેના તરફ પ્રેમાળ વર્તન ઊડીને આંખે વળગે તેવું હતું. આનો અર્થ ન સમજે એવી અમિતા નાદાન ન હતી. મનમાં તેને ગમતું પણ ખરું. જ્યારે મુકેશ સાથે મુલાકાત થઈ છે ત્યારે, હર સમયે અમિતાનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું છે! "શું આ ઇશારા ઝીલવા તેનું મન તૈયાર હતું? તેના હૃદયમાંની અમૂલખની પ્રેમાળ મૂર્તિને ખસેડી શું તે મુકેશને તે સ્થાન આપવા તૈયાર હતી?" આજે અમિતા મુકેશમામાના વિચારમાં ગરકાવ થઈ ગઈ. ઊઠીને માટલાનું ઠંડુ પાણી પીધું. તેને ફ્રિજના પાણીથી શરદી થતી હતી. શાંતિથી હિંચકે બેઠી. મા, હમેશા હિંચકે બેસી ઠાકોરજીની માળા બનાવતાં. હિંચકે બેઠી એટલે યાદ આવ્યું અમૂલખને હિંચકો ગમતો નહીં. પણ પોતે બેસે એટલે કહે, 'અઢેલીને બેસ હું હિંચકે તને ઝુલાવીશ.' હજુ પણ દોરી બાંધેલી લટકતી હતી. મુખ પર હાસ્ય ફરકી ગયું. પાછી વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ. એકલતા સતાવતી હતી. લખી લખીને કેટલું લખે? નવો વિષય પણ સારો મળવો જોઈએ. ચીલાચાલુ વાર્તામાં બહુ મઝા ન આવતી. નજર અને કાન ખુલ્લા રાખતી. આજુબાજુના દૃશ્યો, કોઈની મનગમતી, યા કરૂણ વાત હોય. સમાજમાં અન્યાય નજર સામે જણાતો હોય એ બધા મુદ્દા સરસ રીતે સાંકળી વાર્તા લખવાની હવે આદત પડી ગઈ હતી.

     અચાનક એવો વિચાર આવ્યો કે હસવું ખાળી ન શકી.' શું આલોકના મામા એનામાં રસ ધરાવે છે?' બંને જણા આધેડ વયના હતા. અમિતા એકલી અને મુકેશે પરણેલા ન હતાં. છેલ્લી ચારેક મુલાકાત વખતનું તેમનું વર્તન કશી વાતની ચાડી ખાતું હતું. આખરે તે પણ સ્ત્રી હતી. વર્ષોથી એકલી. પ્રવૃત્તિમય જિંદગી છતાં ફુરસદ ઘણી હતી. ધીરે ધીરે એવા નતીજા પર આવી કે, 'જો મુકેશને રસ હોય તો વાત વિચારવા જેવી ખરી!'  ત્યાં પોતાની જાતને અરીસામાં જોવાનો ગાંડો વિચાર આવ્યો. અરીસા સામે આવીને ઊભી રહી. ઉંમર પ્રમાણે પ્રતિભા જણાય છે. પુરૂષોને આકર્ષી શકાય તેવં ઘણું બધું ભર્યું છે. આ ઉંમરે કદાચ શારીરિક ભૂખ કરતાં મૈત્રીની આવશ્યકતા વધારે યોગ્ય છે. થોડાં ઘણા છમકલાં પણ જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ટકાવવા જરૂરી ખરા.

     વિચારોમાં ગૂંથાયેલી હતી ત્યાં લખવાનો વિષય મળી ગયો. આ વખતની વાર્તાનો વિષય હતો, 'પુનર્લગ્ન.' વિષયમાં નવું કાંઈ ન હતું. માત્ર નવા દૃષ્ટિકોણથી વાત સમાજને સમજાવવાની હતી. આખરે 'સમાજ' એટલે શું? આપણે જ બનાવેલા નિયમોનું પાલન આપણા દ્વારા થવું જોઈએ. મનવીઓના સમુહને સમાજ કહેવાય. હવે તો સમાજની વ્યાખ્યા કેટલી બધી વિસ્તરી ગઈ છે. ક્યાં ૬૦નો દાયકો જ્યારે જ્ઞાતિ બહારના લગ્ન પણ સંભવ ન હતાં. અરે ફેલોશીપમાં ભણતી અમિતાની બહેનપણીએ જ્ઞાતિ બહારના લગ્નને કારણે આપઘાત કર્યો હતો. અમૂલખ અને અમિતા બંને તેમના માતા અને પિતાને ઓળખતાં હતાં. સમજાવવામાં નિષ્ફળતા મળી હતી. 'આજે ૨૧મી સદીમાં એની સીમાને કોઈ સિમાડો નથી.' અમિતાને જ્યારે અવનિના લગ્ન કરવાના હતા ત્યારે આ પ્રશ્ન ઊભો થયો હતો. સમજુ માબાપ બાળકોની ખુશીમાં ખુશ રહે છે. ત્યાર પછી તો પરદેશીઓ સાથેના લગ્નને પણ પ્રેમે આવકાર્યા. 'મિંયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી.' એથી આગળ સમાન જાતિના લગ્ન કાયદેસર કર્યા. હવે તો એમ લાગે છે ધરતીનો છેડો આવી ગયો છે. અરે સગાં ભાઈ અને બહેનના બાળકો પણ પરણ્યા! 'ના એવું કાંઇ નથી' અમિતા લગભગ ચિલ્લાઈ ઊઠી. તેના વિચારો અટકવાનું નામ લેતા નહીં. બેફામ બનીને વિચારોની દુનિયામાં વિહરી રહી. કેટલી યોનીમાં ફર્યા પછી અંતે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. શા માટે એ અવતાર એળે જવા દેવો. ભલું થજો રાજા રામમોહન રૉયનું જેમણે ભારતમાંથી સતી થવાનો રિવાજ નાબૂદ કર્યો. જો પુરૂષો પત્નીના ગયા પછી ટૂંક સમયમાં પરણી જતા હોય તો સ્ત્રીઓ કેમ નહીં? તેનું અંતર મન બળવો કરી ઊઠ્યું. હા, જો કોઈ સ્વેચ્છાથી ન પરણે તો તે તેની મરજી. બાકી પરણે તો કશું ખોટું નથી ખૂબ પુણ્યનું કાર્ય છે.

     અમિતા વિચારોની દુનિયામાંથી બહાર આવી. શું થાય છે? અરે, આ પેટમાં ગલુડિયા બોલે છે. યાદ આવ્યું સવારથી માત્ર ચા અને ટોસ્ટ ખાધા હતાં. ઘડિયાળમાં સાંજના ચાર વાગી ગયા હતાં. ગઈકાલે બનાવેલો સુપ અને કટલેટ્સ ગરમ કરીને ખાવા બેઠી. ટી.વી. ચાલુ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવાની મઝા માણી. તેને ખૂબ શ્રદ્ધા હતી, 'ભારતનું કલ્યાણ'  આ માનવી જરૂર કરશે'. તૈયાર થઈને બગીચામાં લટાર મારવા જવાનો વિચાર કર્યો. બહાર જવાનું એટલે સરસ તૈયાર થવાનું. તેની સાડીઓ કદાપી ખૂબ મોંઘી ન હોય. આવડતને કારણે જે પણ પહેરે તેમાં દીપી ઊઠે. અરીસામાં જોયું ને પાછા બાજુમાં અમૂલખ દેખાયા. 'આ તો તમારો મનગમતો રંગ છે'.' તમને યાદ છે જયપુરથી આ બાંધણી લીધી હતી. બાંધણી અને લહેરિયા અમિતાને બચપનથી ખૂબ ગમતા. 'એકાએક કોને રીઝવવા હું તૈયાર થઈ' શું સ્ત્રી તૈયાર થઈને બહાર નીકળે તો કાયમ કોઈને રીઝવવા? એવો ભદ્દો વિચાર કેમ આવ્યો? આ પ્રકારનું વિચારવું યોગ્ય નથી. જો સ્વમાં વિશ્વાસ, શ્રદ્ધા અને ઉમંગ ટકાવી રાખવા હોય તો આ પાયાની વાત છે. જિંદગી ખતમ નથી થતી. જીવન સરતું રહે છે. સમય આવે બધાની ગાડી વિરામ સ્થળે આવી અટકવાની છે. એક પળનો પણ વિલંબ નહીં થાય. મીઠી યાદો, બાળકોનો હર્યોભર્યો સંસાર જીવન જીવવા માટે પૂરતાં છે.

     અમિતા વિચારમાં ગરકાવ થઈ ગઈ. અમૂલખના ગયા પછી જીવન અલગ રંગ બતાવતું હતું. તેને કદી પોતાના ભૂતકાળ વિષે ફરિયાદ ન હતી. જીવનની આ નવીન બાજુએ દિલમાં ઉમંગ જગાડ્યા. જેનો સ્વપનામાં પણ વિચાર ન સ્ફૂર્યો હતો એ હકીકત બની આનંદનુ પ્રદાન કરી રહ્યા હતા. મનોમન તેનો આનંદ અનુભવી હરખાઈ ઉઠતી. તેના દિલના ભંડાકિયામાં સૂતેલી ઈચ્છાઓ પૂર્તિ માટે થનગની રહી. અવનિને મમ્મીની આ બાજુ ગમી. તેને થયું, 'મારામાં રહેલી આ ભાવના મમ્મીને કારણે છે.' ભલે મારી મા જીવનને માણે, પિતા સાથેનું પ્રકરણ હવે બંધ થઈ ગયું છે. જીવનમાં ક્યાં, ક્યારે, કેવી રીતે માનવી પ્રગતિના સોપાન સર કરી શકે તે અનિશ્ચિત છે. જો સંજોગો અનૂકુળ હોય તો તેમાં ક્શો બાધ નથી. અમિતા કટીબદ્ધ થઈ. મનને મક્કમ કર્યું. ત્રિભેટે આવી ઉભેલી અમિતાએ પોતાનો મનગમતો માર્ગ અપનાવવા નિર્ધાર કર્યો. નજર સમક્ષ હસતો મુકેશનો ચહેરો આવી ગયો. અમિતા શરમાઈ ગઈ. ત્યાં તો તેણે મુકેશનો લંબાયેલો હાથ જોયો! વિચારોમાં ગરકાવ અમિતાએ મુકેશના લંબાવેલા હાથમાં પોતાનો હાથ થમાવી દીધો. સાહસ વિચારોમાં કર્યું હતું, પણ હકીકતમાં અમિતા આખી શરમથી પાણી પાણી થઈ ગઈ. બે હાથ વચ્ચે મુખને છુપાવી દીધું. અમિતાના મુખારવિંદ પર સંતોષની આભા પ્રસરી રહી. તેને પોતાનો રાહ સ્પષ્ટ પણે નજર સમક્ષ જણાયો. તેમાં કઈ રીતે આગળ વધવું એ વિચાર માગી લે તેવી વાત હતી. મુકેશના મનમાં એ વસી ગઈ છે એ સત્ય તેણે તારવ્યું હતું. છતાં પણ ઉતાવળ કરવાની જરૂર ન હતી. મુકેશ વિષે વધારે જાણવું હતું. વગર વિચાર્યું કશું કરવું નહીં કે પછી પસ્તાવાનો સમય આવે. અમૂલખનું પડખું ૨૫ વર્ષ સેવ્યું હતું. પુરૂષના સ્વભાવથી તે થોડી પરિચિત હતી. કોઈ પણ બે વ્યક્તિ સમાન ન હોય તેનું તેને ભાન હતું. મુકેશને કરીબથી જાણવા કમર કસી.

ક્રમશઃ


Rate this content
Log in