ઉમંગની હેલી પ્રકરણ (૩)
ઉમંગની હેલી પ્રકરણ (૩)
પ્રકરણ- 3
ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવનિ અને અવિ ચિંતા મુક્ત થયા. આલોકના મુકેશમામા આમ તો ખૂબ વાચાળ હતા. છતાં પણ અજાણી સ્ત્રી સાથે વાત કરતાં ક્ષોભ થાય એ સમજી શકાય. ભલભલા ભડવીર જ્યારે પહેલી વાર કોઈ સ્ત્રીને મળે, જે પાછી જાજ્વલ્યમાન હોય તો ત ત પ પ થઈ જાય. એમાંય જ્યારે વર્ષો થયા ઘર ગૃહસ્થીનો અંદાઝ ન હોય! સ્ત્રીની સાથે પનારો પડ્યો ન હોય! અચાનક અજાણી સ્ત્રી સાથે મુલાકાત અને વાતચીતનો પ્રસંગ આવી ચડે! સંકોચ થાય એ સ્વાભાવિક છે. મુકેશમામા સુંદર અને સુ્ઘડ અમિતાબહેનને જોઈ ઝંખવાયા. કોઈ પણ સ્ત્રી યા પુરૂષ ગમે તે ઉંમરે એકબીજા સમક્ષ આદરભાવથી પેશ આવે જે સમજી શકાય તેવી વાત છે. અમિતાબહેન લેખન કલામાં પારંગત થતાં હતાં તેથી તેમનામાં વાચાળતા આવી હતી.
જ્યારે નજર અને નજારો બદલાયો ત્યારે થોડા લજવાઈ ગયા. મુકેશમામાએ પોતાની હિંમત એકઠી કરવાનો ઠાલો પ્રયાસ કર્યો. અમિતાબહેને નોંધ લીધી.
બાળકોને ખૂબ ઉમંગ હતો. મમ્મી, પપ્પા વગર એકલી થઈ ગઈ હતી. દાદીમાએ પણ સમય આવ્યે ચાલવા માંડ્યું. અવિ પોતાના ભવિષ્યનાં સ્વપ્ના જોતો હતો. તેણે સુંદર સાથીની પસંદગી કરી હતી. મમ્મી હજુ માંડ '૫૫' વર્ષની હતી. આ સમય છે, જ્યારે સ્ત્રીને સંગી સાથીની ખોટ સાલે. લેખન કળાએ અમિતાબહેનને ખૂબ સહારો આપ્યો હતો. દીકરી અવનિ, હંમેશા મમ્મીની પડખે હોય. તેમને સમજાવવામાં અને મુકેશમામાના પરિચયમાં આવી. તેમની સાથે મુલાકાત ગોઠવવામાં અવનિ અને આલોકનો ફાળો મુખ્ય હતો. પિતાની લાડલી અવનિ રાતના મમ્મીના વિચારોમાં ખોવાઈ ગઈ. સ્વપ્નામાં 'પપ્પા, પપ્પા' કરીને ચિલ્લાઈ ઊઠી. 'પપ્પા, હું તમારી લાડલી, જો ખોટું કરતી હોંઉ તો બે તમાચા ધરી દેજો!'
'બેટા, મને તારા પર ગળા સુધી વિશ્વાસ છે'! પપ્પાની ગેરહાજરી હતી છતાં પણ અવનિને કાનમાં કોઈ કહી ગયું! 'પપ્પા, તમે જુઓ છો મમ્મી તમારા ગયા પછી ખૂબ બદલાઈ ગઈ છે, બહારથી કઠણ લાગે છે. ભીતરમાં ખૂબ કુણી થઈ ગઈ છે.' જાણે આ જીવનમાં તે નિઃસહાય ન હોય. મારાથી મમ્મીનું આવું મુખ જોઇ શકાતું નથી. મમ્મીએ તમારી સાથે ખૂબ પ્રેમ ભરી જિંદગી ગુજારી હતી. હું હવે પરણી મારા સંસારમાં મગ્ન છું. પપ્પા, અવિને પણ સુંદર જીવનસંગિની મળી ગઈ છે. અવિ અને આશની કૉલેજમાં સાથે ભણે છે. ભવિષ્યનાં સુનહરા સ્વપ્નાં જુએ છે.
આ સમયે મને લાગ્યું કે, મમ્મીને પણ કોઈ સાથી મળે તો તેની બાકીની જિંદગી નિરસ ન થાય.
પપ્પા એટલે મેં, અવિ અને આલોકે આવું વિચાર્યું છે... ''બેટા તું નહીં માને, જતી વખતે મને તારી મમ્મીની ખૂબ ચિંતા હતી. તમારા આ પગલાંએ મને ખૂબ શાંતિ આપી છે. મારી ઉંમર કાંઈ જવાની ન હતી. પણ એ તો પેલા ચિત્રગુપ્તના હાથમાં છે. તારી મમ્મી, એ મુકેશમામાની સાથે સુખી થાય. મને ભૂલી શકે તો સારું! તને ખબર છે, મમ્મીને મારા વગર ઘડીભર ચાલતું ન હતું. અમે બંને એકેબીજાનાં પૂરક હતાં. મારું કામ ઘર ચલાવવા માટે મહેનત કરવાની અને તારી મમ્મી કુશળતાપૂર્વક વહિવટ કરે. મારી મા, તારી મમ્મીના બે મોઢે વખાણ કરે. હું દીકરો થઈને તેનું ધ્યાન રાખું તેના કરતાં વહુ થઈને તેણે દાદીનું ગૌરવ વધાર્યું. તેથી તો મારા અંતિમ શબ્દો હતા, બાળકો તમારી મમ્મીનું ધ્યાન રાખજો. તેનામાં કાબેલિયત છે. તેની સાથે વાત કરનાર કોઈ રહ્યું નહીં"
અવનિ આમ સ્વપ્નાંમાં પપ્પા સાથે ગૂફ્તગુ કરી રહી હતી. સારું હતું કે શનિવાર હતો એટલે રજા હતી. આલોક સાથે બહાર જવાનો વિચાર હતો.
'બેટા અવિ પણ નથી આવવાનો અને તારું પણ નક્કી નથી તો હું રાતના રસોઈ નહીં બનાવું'. અવનિને લાગ્યું તેનો બનાવેલો પ્લાન બરાબર કામ કરશે. અવનિ અને આલોકે નક્કી કર્યું હતું આજની સાંજ મમ્મી, મુકેશમામા સાથે પસાર કરે. સાંજને ટાણે રોજની જેમ અમિતાબહેન સામે બગીચામાં ફરવા નીકળ્યાં. સુંદર સંધ્યા ખીલી હોય, આકાશ સુનહરા રંગોથી ઊભરાતું હોય તેની મજા માણવી ગમતી. રોજ બાગમાં ફરવા જતાં તેને કારણે બહેનપણીઓ થઈ હતી. તેમની સાથે વાતો કરતાં ચાલવાની મઝા માણે. કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ ન પડે. સુંદર સંધ્યા ખીલી હોય! તાજી હવા ફેફસામાં ભરી જાણે બીજા દિવસનો ઉમંગ નવી કોઈ વાર્તાનું બીજ જોડે લાવવા હંમેશાં તત્પર રહેતાં. જો કોઈ કારણસર સાંજના બાગમાં ફરવા ન જઈ શકે તો તેમને બેચેની લાગતી. પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ કેળવ્યો હતો.
દરરોજ સાંજે બગીચામાં ફરવા જવું, નિત્ય ડૂબતા સૂરજને નિહાળી આકાશમાં પથરાયેલા રંગો સાથે દોસ્તી કરવી અમિતાને ખૂબ ગમતું. કયા ઝાડને નવી ડાળ ફૂટી, કયા વૃક્ષને કૂંપળ બેઠી બધું નિરીક્ષણ કરતાં. અરે, પક્ષીઓ ઓછા યા વત્તા જણાય તો આજુબાજુ નજર નાખતાં. કુદરત સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. વાદળાં દોડાદોડ કરે તો મુખ પર મલકાટ, ગડગડાટ કરે તો ડરી જતી અમિતા... કુદરતનું સાંન્નિધ્ય માણી ખુશ થતી. એકલતાનો સાથી કુદરત અને તેનો મીઠો સંગ જાણે આદત પડી ગઈ હતી. નિરાશાજનક વિચારોને નજીક ઢુંકવા ન દેતી. હૈયામાં તાજી હવા ભરી મુખને પ્રસન્ન રાખવું ગમતું. તેને ખબર હતી હસવામાં દુનિયા સાથ આપશે, રડવામાં નહીં! બાળકો સુખી હતાં. અવનિને સુંદર સાથી મળ્યો હતો. અવિની બહેનપણી ખૂબ સુંદર, ઋજુ હતી.
આજે ઘરે જવાની ઉતાવળ ન હતી. ધાર્યા કરતાં વધારે સમય થઈ ગયો. અંધારું અવનીને આલિંગે તે પહેલાં ઘરે પહોંચવા પગ ઉપાડ્યા. ઘરે પાછા ફરતા હતા ત્યાં આંખો ન માની શકે તેવું દૃશ્ય નજરે પડ્યું. મુકેશમામાને આંગણામાં ઊભેલા જોયા. પહેલાં જરા લજવાયા પછી હિમ્મત એકઠી કરી પોતાની જાત પર કાબૂ મેળવી બોલ્યા, 'તમે અંહી ક્યાંથી'?'
ઘરે એકલો હતો. થયું, જો તમને વાંધો ન હોય તો આપણે સાથે બહાર જમવા જઈએ.'
અમિતાબહેનને શું જવાબ આપવો તે તરત સુઝ્યું નહીં.
કિંતુ વિવેક ન ચૂક્યાં. 'અરે, તમે અંદર તો આવો.
હું બગીચામાં સાંજના સમયે લટાર મારવા ગઈ હતી. સહુ પહેલાં બંને જણા બેસીએ અને લીંબુનું શરબત પીએ.'
શું બોલવું તે બંને જણને સમજ પડતી નહીં. ઉંમર હતી '૫૫'ની પણ જાણે એમ લાગતું હતું બંને જણા મુગ્ધા અવસ્થામાં ન હોય ? આખરે અમિતાબહેને વાતનો દોર સાધ્યો, 'મને તો રોજ સાંજના બાગમાં ન જાઉં તો ચેન ન પડે.'
મુકેશમામા હિંમત કરીને અમિતાબહેનને દ્વારે આવીને ઊભા તો ખરા. તેમને તો 'ભાવતું હતું ને વૈદે કીધું.' જેવી વાત થઈ. મુખ પર ભલે હાસ્ય છલકતું હતું, પણ દિલ કાંઈક જુદું વિચારી રહ્યું હતું. જુવાનીમાં કરેલા તાયફા અને તોફાન નજર સમક્ષ ધસી આવ્યા. એક વખત તો માયા નામની માનુનીએ પ્રસાદ પણ ચખાડ્યો હતો. આ તો હવે ૬૦માં બે કે ત્રણ બાકી હતાં એટલે સો ચુહા મારીને બિલ્લી હજ કરવા આવી છે. બહેનને તેમની બધી વાતની ખબર ન હોય એ સ્વાભાવિક છે. હવે ખંધઈ કરતાં સમજણ પરિપક્વ થઈ હતી. અમિતા સાથે જો સંબંધ શરૂ કરવો હોય તો તેમાં સચ્ચાઈનો રણકો હોવો જરૂરી છે. આવી સુંદર વ્યક્તિત્વવાળી બાઈની આભાથી અંજાયા હતાં. દ્વારે આવીને ઊભા, પણ હવે શું કરવું તે સમજ પડતી ન હતી.
શબ્દો મુખમાંથી બહાર નિકળતા ન હતા. એકલતા સતાવતી હતી. જીવનની ઢળતી સંધ્યાએ દિલ હૂંફ માંગતું હતું. કોઈ મિત્ર બને તેવી ખેવના હતી. અમિતાબહેનનું આકર્ષક વ્યક્તિત્વ કામણ કરી ગયું. પોતાનો ભૂતકાળ મલિન તેમ જ અનાકર્ષક હતો. એ વાત છાની રાખવામાં માલ હતો. અમિતા દિલની સાફ અને ગુણિયલ સ્ત્રી હતી. તે કળી ગયા હતાં. દરવાજે ઊભા ઊભા આવા બધા ખ્યાલોને કારણે પગ ઘરમાં મૂકતાં સંકોચ થયો. અમિતાબહેને મુખ પર હાસ્ય રેલાવી કહ્યું, 'અહીં સુધી આવ્યા જ છો તો ઘરમાં આવતાં ક્ષોભ શાને કરો છો.' વાતો કરીશું અને મન હશે તો ગરમ ભજીયાં અને ચા બનાવીશ. ભજીયાંનું નામ પડતાં મુકેશમામાની મ્હોંની ભૂગોળ બદલાઈ ગઈ. ભજીયાં તેમની મનભાવન વાનગી હતી. તે પણ કોઈ ખૂબ સુંદર સ્ત્રી બનાવે અને ગરમ ખવડાવે તો તેની પાસે સ્વર્ગનું સુખ પણ ફિક્કું લાગે. જેની સાથે અમૃત સમાન આદુ, ફુદીનો અને ઈલાયચીની ચા!
લગભગ કુદકો મારીને મુકેશમામા ઘરમાં પ્રવેશ્યા. તેમના આવા દીદાર જોઈ અમિતાબહેન ખડખડાટ હસી પડ્યા. એક સેકન્ડ મનમાં અમૂલખભાઈ ઝબકી ગયા. વિચાર તરત ખંખેરી નાખ્યો. કોને ખબર કેમ તે પણ આ પળ માણવા ઉત્સુક હતી.
અમિતાને અંદાજ આવી ગયો હતો. તે તો અનુભવી હતી. શરબત પીવાને બહાને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું. જે મુકેશમામાને ગમ્યું. ચાવી દીધેલ પૂતળાંની માફક તેની પાછળ ઘસડાયા. ખબર નહીં કેમ હોંશ હવાસ ગુમાવી બેઠા. પોતે ગુમરાહ થયા છે એવું અમિતાને ન લાગે એટલે અચાનક બોલી ઉઠ્યા, 'હા ચાલ, શરબત પીને આપણે "કૉપર ચીમનીમાં'’ ડિનર લેવા જઈએ.
અમિતાએ માત્ર એ રેસ્ટોરન્ટનું નામ સાંભળ્યું હતું. અમૂલખના રાજમાં બહાર જવાનું બહુ ઓછું બનતું. સીધું સાદું જમનારો અમૂલખ જ્યારે બહાર જમીને આવતો ત્યારે ઝાડા થઈ જતા. જ્યારે પણ બહાર જવાનું બોલે ત્યારે કહેશે,"તને મહેનત ન કરવી હોય તો ખીચડી બનાવ. દહીં તો ઘરમાં છે. હું પાપડ શેકીશ અને ઝીણા કાંદા તેમ જ ટમેટાનું સુંદર કચુંબર બનાવીશ. જેને કારણે મારા પેટને ટાઢક વળે. અમિતાને તથા બાને પણ ખીચડી ખૂબ ભાવતી. બાળકો ભલે રવિવારે બહાર જાય, તેઓ તો ઘરમાં બેસી જમતા અને સાંજે ફરવા નીકળતા. ચોપાટીના દરિયા કિનારે આવી બાંકડા પર બેસી આભનાં તારા ગણતાં.
આજે 'કૉપર ચીમની'નું નામ સાંભળી અમિતા ચમકી. ભજીયાં અને ચહાનું આમંત્રણ આપ્યું છે તો બીજીવાર ખાઈશ. યાદ રાખજે, મને ભજીયા ખૂબ ભાવે છે. આજે મન થયું છે, પણ ના રવિવારની રાતે રસોડામાં રજા.' અમિતાને આ વાત ખૂબ ગમી. લીંબુંનું મજેદાર શરબત બનાવી પીધું. આખા દિલમાં ઠંડક થઈ. 'તમે પાંચ મિનિટ ટી.વી. જુઓ, હું તૈયાર થઈને આવું.'
સારું. પાંચ મિનિટમાં સરસ મજાની બૉર્ડરવાળી સાડી પહેરીને અમિતા બહાર આવી. એકીટશે મુકેશમામા તેને જોઈ રહ્યા. આ સ્ત્રી, ભલે આધેડ ઉંમરની હોય પણ તેનું વ્યક્તિત્વ ખીલવવામાં કુશળ છે. મનમાં પાકો નિર્ણય કર્યો. બસ આની સાથે સંબંધ બાંધી બાકીનું જીવન ખૂબ માણીને જીવીશ! ગાડી તો લાવ્યા ન હતા, અમિતા અંદર હતી ત્યારે 'બ્લૂ કેબ'વાળાને ફૉન કરી બોલાવી લીધો હતો.
અમિતાની સામે દિલગીરી પ્રગટ કરતાં મુકેશામામા બોલ્યા, "માફ કરજો, આજે ગાડી લાવ્યો નથી, ડ્રાઈવર ચાર વાગે જતો રહ્યો. મન થયું એટલે ટેક્સી કરી અહીં આવી ચડ્યો.’’
''અરે, કાંઇ વાંધો નથી.’'
એના અવાજમાંનો રણકો મુકેશમામાને સ્પર્શી ગયો. કોણ જાણે અમિતાની કોઈ પણ વાત એમને ખૂબ ગમતી. મનમાં શેખચલ્લીના મહેલ બાંધતા હતાં. પૂર્ણ વિશ્વાસ હતો આ સ્ત્રીના દિલને જીતી મારા હૃદયની અને ઘરની રાણી બનાવીશ. જુવાનીમાં જે ટ્રેન ચૂકી ગયા હતાં તે અત્યારે સ્ટેશન પર આવીને આહવાન આપી રહી હતી. દાદર ઉતરીને નીચે આવ્યા. ટેક્સીવાળો રાહ જોતો હતો. ઈશારામાં સમજાવી દીધું. 'બહાર ખડે રહના પૈસા મિલેગા!' બંને જણ 'કોપર ચીમની'માં દાખલ થયા.
વધુ આવતા અંકે...
