STORYMIRROR

Pravina Kadakia

Others

3  

Pravina Kadakia

Others

ઉમંગની હેલી પ્રકરણ (૧૧)

ઉમંગની હેલી પ્રકરણ (૧૧)

4 mins
14.7K


અમિતા અને મુકેશ વચ્ચે વાટાઘાટ દ્વારા સુમેળ સંધાયો. અવનિ અને અવિ ખૂબ ખુશ હતાં. બન્ને જણાને હૈયે ટાઢક થઈ. મમ્મીની પ્રગતિ અને જીંદગીમાં આગેકૂચ બાળકો હવે ધીરે ધીરે નિષ્ફિકર થવા લાગ્યા. અવનિ સાસરીમાં ભળી ગઈ હતી. અવિને હવે બસ એક વર્ષ બાકી હતું. જોઈએ આગળ શું કરવું તે હજુ નક્કી કર્યું ન હતું. અમિતાની તિક્ષ્ણ બુદ્ધિ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠામાં મુકેશ ઘસડાતો ગયો. પોતાની આવડત પર મુસ્તાક હમેશા વિચારતો આ સ્ત્રી જીવનને કેટલી મધુરતાપૂર્વક જીવી રહી છે. જુવાની બાળકો અને પ્રેમાળ પતિ સાથે ગુજારી. જીંદગીના સંધ્યા ટાણે મારી સંગે આરામથી જીવી શકશે. મુકેશને પોતાને પણ ઘર ગૃહસ્થી મળી. પ્રેમાળ પત્ની પામ્યો. જીવનની હરપળ જીવવા તલપાપડ થઈ ગયો. એકલો હતો. કોઈની રોકટોક નહી. મન ફાવે તે કરવું. સાચું ખોટું કોણ કહેનાર હતું ? પૈસા કમાવામાં આવડત વાપરી હતી. એટલું ચોક્કસ કહેવું પડશે, બેઈમાની કરી ન હતી. ઈમાનદારી પૂર્વકનો જીવનનો રાહ આજે અમિતા સુધી દોરી ગયો. એક વાત ખુલ્લા દિલે કબૂલતો, અમિતા જેવી આવડત ન હતી. ઘણીવાર બાઘા જેવો થતો ત્યારે અમિતા વહારે ધાતી. અમિતાની ચકોર નજર સમજતી આ ભાઈ અહી કાચા છે. એમાં સંજોગો જવાબદાર હતા. તેથી અમિતા જ્યારે કાર્ય હાથ ધરતી ત્યારે પૂછે એટલા જવાબ આપતો. તેને ખબર હતી ડહાપણ કરીશ તો બફાઈ જશે. તેની ઉદાર વૃત્તિ અને પાગલપણું અમિતાને ગમતું. હવે ઘણોખરો વખત અમિતા મુકેશને ઘરે સાથે ગાળતી. લગ્ન ક્યારે કરવા તે હજુ નક્કી કરવાનું બાકી હતું.

લગ્ન પહેલાંના દિવસોમાં મળતો પ્રેમ ખુલ્લા દિલે માણી રહી હતી, મુકેશનું ધ્યાન રાખનાર બન્ને જણાને ઘરમાં અમિતા શેઠાણીની હાજરી ખૂબ ગમતી. અત્યારે તો માત્ર બહેનના સંબોધનથી કામ ચલાવતાં. શેઠનો મિજાજ એકદમ ફરી ગયો હતો. શેઠ અમિતાની હાજરીમાં બન્ને જણા પર રૂઆબ ન છાંટતા સાલસ ભાષામાં વાત કરતાં. કાંઈ પણ પૂછે તો મુકેશ કહેતો, 'બહેનજી સે પૂછો.' આવા લાડ, આ ઉંમરે! અમિતા પોરસાતી. તેને મળતાં માન અને સનમાન તેને ગમવા લાગ્યા. મુકેશ તેને લેવા કાયમ ગાડી મોકલતો. આજે અમિતાને એવો વિચાર આવ્યો કે આનંદથી પુલકિત થઈ ગઈ. 'ચાલો આજે બાળકોને લઈને રાણીબાગ જઈએ.' મુકેશ ચમક્યો. કોણ જાણે છેલ્લીવાર ક્યારે ત્યાં ગયો હતો. ખૂબ મગજ કસ્યું. યાદ આવ્યું તેના મમ્મી અને પપ્પા બન્ને ભાઈ બહેનને લઈને ૫૦ વર્ષ પહેલાં ગયા હતાં. ત્યારે આઈસક્રીમ ખાધો હતો. વાંદરાને કેળા ખવડાવ્યા હતા. તે વિચારી રહ્યો, આનો શું જવાબ આપવો. આ ઉમરે રાણીબાગ! 'હા, જો ગાડી અને ડ્રાઈવર નીચે છે. તમે બધાં ફરી આવો. ત્યાં સુધીમાં ક્રિકેટ મેચ ખતમ થઈ જશે. ખૂબ મજેદાર રમત ચાલે છે. ભારતને જીતવાની આશા છે. મારે છેલ્લો બોલ કોણ ફટકારે છે તે જોવો છે.' અમિતા મલકાઈ રહી. તેને ખબર હતી, રાણીબાગ મુકેશ નહી આવે. તેને તો માત્ર જવાબ કેવો આપે છે તેમાં રસ હતો. મુકેશ મનમૌજી, બાળકો સાથે બધે જવા બંધાયેલો ન હતો. 'ગાડી અને ડ્રાઈવર નીચે ઉભા છે. બાળકોને મજા કરાવી તમે સહુ પાછા આવો.' અમિતાને કોઈ વાતે બંધન ન હતું.

બાળકો સાથે રાણીબાગમાં ખૂબ આનંદ આવ્યો. વાંદરા જોઈ તેઓ ખૂબ નાચ્યા. આઈસક્રીમ ખાવાની મજા માણી. અમિતાને થાક લાગ્યો હતો તેથી બે કલાકમાં પાછા આવ્યા. બાળકોને તેમના ઘરે ઉતારીને આવી હતી.

મુકેશ ભલે મેચની છેલ્લી ઓવર જોતો હતો. દિલમાં અમિતાના નામની માળા જપતો હતો. ક્યારે આવશે તેના માટે અધિરાઈ આવી ગઈ હતી. હાશ, તું આવી ગઈ.' 'કેમ મને યાદ કરી..' 'અરે, ભલે ને મેચ જોતો હોંઉ તું બાજુમાં બેસે તો મને ગમે.''તો પછી મારી સાથે કેમ ન આવ્યા?' 'રાણીબાગ એ તો કાંઈ જવાની જગ્યા છે?' 'બાળકોને તો એ બહુ ગમે.' 'શું તને હું નાનો કીકલો લાગું છું?' 'ના, તો તમને ક્યાં જવું ગમે?' 'ક્લબમાં.' 'તો ચાલો રાતના ડીનર ત્યાં પાકું.' 'કયા રંગની સાડી પહેરુ?' 'ક્લબ' માત્ર નામ જ સાંભળ્યું હતું. અમૂલખ સાથે કોઈ વાર જવાનો પ્રસગ સાંપડ્યો ન હતો, અમિતાને મન ક્લબમાં માત્ર જુવાનિયા ડાન્સ કરવા જાય. ત્યાં બેસીને દારૂ ઢીંચે. આધેડ વયના ત્યાં જઈ થોડું વાઈન યા કોલ્ડ ડ્રિંક પીએ સરસ મજાનું ડીનર જમે એવો એ તેને ખ્યાલ જ ન હતો. મુકેશ મુઝાયો. હવે કયા રંગની સાડી પહેરું એ પ્રશ્નનો જવાબ શું આપવો! અમિતા જે પણ પહેરે તેમાં આકર્ષક લાગતી. 'એક ખાનગી વાત કહું..' ચમકવાનો વારો અમિતાનો આવ્યો, છતાં પણ હિમત એકઠી કરીને બોલી,'હા.'  'તું જે પણ પહેરે છે ને એમાં સુંદર લાગે છે.' મુકેશે ઠાવકા શબ્દો વાપર્યા, તેને ખબર હતી ગમે તેવી ભાષા અમિતાને નહી ચાલે. અમિતાને મુકેશનો જવાબ ગમ્યો. તેને સ્પષ્ટ ખ્યાલ હતો, મુકેશ આ બાબતનો અનુભવી નથી. તે ખૂબ કાચો હતો. સાથે દિલદાર હોવાને કારણે તેની અણાઅવડત ઢંકાઈ જતી.

આમ પાણીની જેમ પૈસા વેરતો મુકેશ અમિતાના હૈયા પર રાજ કરતો. અમિતાની સંગમાં જેમ વધારે આવતો ગયો તેમ એની બુદ્ધિ સતેજ થતી ગઈ. જુવાનીમાં જે ગાડી ચૂકી ગયો હતો તે ગાડી આ ઉમરે ખૂબ તેજ ચાલતી હતી, હમેશા પોતાને શું જોઈએ છે, શું ગમે છે તેમાં રાચતો. નોકરો તેનું બરાબર ધ્યાન રાખતાં. નોકરોને મોં માગ્યા પૈસા અને પ્રેમ મળતા. શેઠને રિઝવવા તેઓ હરપળ તૈયાર હોય.  મુકેશને અમિતાને શું ગમે, શું ન ગમે તેનો ખ્યાલ રાખવા તકેદારી રાખવી પડતી. અમિતા આ વાત ખૂબ જાણતી. ધીરે ધીરે તેને મુકેશને કેળવવો પડશે! અત્યાર સુધીની આખી જીંદગી એકલરામ હતાં. હવે અમિતા અને તેની સાથે બાળકો મુકેશને વાર લાગશે! મુકેશ શબ્દો ખૂબ સાચવીને બોલતો. પ્રેમ દર્શાવવામાં જરા પણ કંજૂસાઈ ન કરતો. સ્ત્રીને શું ગમે અને શું ન ગમે, એની તેને કોઈ ગતાગમ ન હતી. હવે શું મારે આ ઉમરે આ બધું શીખવું પડશે? 

 


Rate this content
Log in