Pravina Kadakia

Others

2  

Pravina Kadakia

Others

ઉમંગની હેલી પ્રકરણ (૧)

ઉમંગની હેલી પ્રકરણ (૧)

9 mins
7.0K


     અમિતા અને અમુલખના બે સુંદર બાળકો. આજે આંગણે શરણાઈ ગુંજી રહી હતી. અવનિના લગ્નની કંકોત્રી સગા વહાલાંને પહોંચાડી અમિતા શાંતિથી બેઠી. દિલમાં દીકરી વિદાય લેશે તેનો ગમ, પણ આલોકને પરણી સુખી સંસારમાં પગરણ માંડશે તેનો આનંદ પણ છવાયો હતો. અમુલખભાઈને દીકરી હૃદયનો ટુકડો આજે અલગ થવાનો તેનો ગમ, તેમ જ  હૈયે આનંદ આલોકને પરણી સુખી થવાની. અવનિને ખાસ ફરક ન પડ્યો. દાદીમા દીકરીના લગ્નને કારણે ફુલ્યા સમાતા ન હતાં. દીકરી તો સાસરી શોભાવે તેમાં સહુને આનંદ થાય. વાજતે-ગાજતે આલોક જાન લઈને આવ્યો અને અવનિને પરણી વિદાય થયો. આલોકના મમ્મીએ દીકરા-વહુની આરતી ઉતારી કંકુનાં પગલાં પડાવ્યાં. ચારેકોર મંગલતા પ્રસરી રહી. ઉમંગભેર પ્રસંગ ઉજવાયો, વરઘોડિયા 'હનીમુન’ માટે નૈનિતાલ જવા રવાના થયા.

     'ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે. '

    'હા, ચહકતું બુલબુલ હવે ઉડી ગયું'. અમુલખભાઈ તૈયાર થઈ કામે જવા નીકળ્યા. તબિયત થોડી ઢીલી રહેતી હતી.

     'તમારી દવા બરાબર લીધી ને?

'હા'.

     આલોક અને અવનિ ખૂબ સુંદર જોડું, પ્રભુએ ફુરસદે ઘડ્યા હતા. એ તો અવની આજે આલોક સાથે સુખી છે. તેની ગઈ કાલ ખૂબ અસ્તવ્યસ્ત હતી. આલોકને અવનીની સરળતા તેમ જ સુંદરતા ગમી ગયા અને જીવનનો રાહ બદલાઈ ગયો. હસમુખો આલોક હંમેશા અવનીની આસપાસ આંટા મારતો. એક કૉલેજમાં, અરે!  એક જ ક્લાસમાં હતાં. અવની પહેલી હારમાં બેસતી અને આલોક છેક છેલ્લે. જેને કૉલેજની ભાષામાં 'લૉર્ડ ઓફ ધ લાસ્ટ બેંચ' કહેવાતું. ભણે કદાચ પણ છોકરીઓને જોવામાં અને દિવા સ્વપ્નમાં રાચવાની મઝા માણે. જોકે, આલોક હોંશિયાર હતો એટલે તેના અભ્યાસમાં વાંધો આવતો નહી. આલોકે તેને જીવનની રંગીન બાજુ બતાવી. અવનિના જીવનમાં ઉમંગની છોળો ભરી રહ્યો હતો. અવની તેની કૉલેજમાં સાથે અરે એક જ ક્લાસમાં સાથે ભણતી હતી. બંનેની મુલાકાત કૉલેજના એક પ્રોગ્રામમાં થઈ હતી. સુંદર અવની પોતાની પરિસ્થિતિથી માહિતગાર હતી. મમ્મીની ચિંતામાં વધારો થાય એવું એક પણ કદમ ઊઠાવતી નહીં. છેલ્લા વર્ષના વાર્ષિક પ્રોગ્રામનાં નાટકમાં આલોક અને અવનિનું મુખ્ય પાત્ર હતું. નાટક જુવાન છોકરા-છોકરીને મનપસંદ વિષય લઈને બનાવ્યું હતું. "આપણે એકબીજાનાં કોણ?" નામ ઉપરથી તેની કથાનો વિષય કલ્પી શકાય. નાટકના મંચ ઉપર એવો આબેહૂબ અભિનય હતો કે બંનેનું કામ ખૂબ વખણાયું. જુવાન હૈયાને એકબીજાની નજીક સરવા માટે આનાથી વધારે કયું સુંદર કારણ હોઈ શકે? આમ પણ ક્લાસના વિદ્યાર્થીઓમાં હુંસાતુસી હોય. બંને જણા ભણવામાં ચડસા-ચડસી કરતાં. તેઓ એકબીજાની વિરૂદ્ધમાં હતાં. કોઈ પણ ભોગે અવની બીજો નંબર ઈચ્છતી ન હતી. તેથી આલોકને પરિક્ષાના હૉલમાં  છંછેડી ઉશ્કેર્યો. આલોક આ દાવ સમજી ન શક્યો. તેના બેહુદા વર્તનને કારણે અડધા પેપર પછી તેને વર્ગમાંથી હાંકી કાઢ્યો! અવનિ પ્રથમ આવી, ખરું કારણ માત્ર તે જ જાણતી હતી.  

     આલોક અને અવનિ વચ્ચે ક્યારે પ્રેમ થયો તે ખબર પણ ન પડી. યોગ્ય સમયે જ્યારે આલોકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અવની અવાચક થઈ ગઈ. આલોકને તેની સહૃદયતા સ્પર્શી ગઈ હતી.  તેને લાગ્યું આ ખરેખર સ્વપ્ન છે કે હકીકત?  આલોક સી.એ. પુરું કરી વાજતે-ગાજતે અવનિને પરણીને ઘરે લાવ્યો. અવનિ તેના  પ્રેમાળ સ્વભાવથી આલોકને જીતી ઘરમાં સહુની દુલારી બની હતી. આલોકના ઘરનું સુંદર વાતાવરણ જોતાં તેને હંમેશા પોતાનાં દાદા, દાદી, વહાલાં પપ્પા અને મમ્મી યાદ આવતાં.

     અવનિએ બાળપણથી જીવનમાં તડકો અને છાંયડો અનુભવ્યો હતો. જેને કારણે જીવનની પારદર્શકતા તે જાણતી હતી. આલોકે તેને જીવનની રંગીન બાજુ બતાવી તેના જીવનમાં ઉમંગની છોળો ભરી હતી. અવનિ લાખ ચાહે તો પણ ભૂતકાળ ભૂલી ન શકે. જે માહોલમાં તે મોટી થઈ હતી તે કહાની દર્દ અને ખુશીનાં સંમિશ્રણથી ભરેલી હતી. જેને કારણે હંમેશા ઓછું બોલતી, પણ બોલે ત્યારે સામેવાળાનું દિલ જીતતી. ઘરમાં દાદા અને દાદીનો પ્યાર પામી હતી. ગાડીની હડફટે દાદા આવી ગયા અને ત્યાં  ઘટના સ્થળે તેમનું પ્રાણ પંખેરું ઊડી ગયું. અમુલખભાઈનાં માતુશ્રીનું નામ હતું કાવેરી. પતિ કાલીચરણ, બંને મળ્યાં હતાં આઝાદી પહેલાં સત્યાગ્રહની લડતમાં. કાવેરી ગાંધીના રંગે રંગાયેલા હતાં. જેને કારણે પતિના અવસાન બાદ વાળ ઉતારવાના કે બાર મહિના રોજ બેસણું એમાંનું કશું જ કરવામાં રસ ન હતો. દીકરા અને વહુની પડખે ઢાલની જેમ ઊભાં રહ્યાં. પોતાની બે દીકરીઓ પરણાવવાની જવાબદારી હતી. અવની ૧૫ વર્ષની આસપાસ હતી. તેને બધું બરાબર યાદ હતું. અવનિ પહેલાં ખોળાની હતી. દાદા અને દાદીના આંખનું રતન. અકસ્માતમાં દાદાનું શબ ખૂબ ખરાબ હાલતમાં હોવાથી તેમના અંતિમ દર્શન કરવાનું કોઈના ભાગ્યમાં લખ્યું ન હતું. હિંદુ વિધિ પ્રમાણે શબને અગ્નિદાહ આપી બધાં ઘરે આવ્યા. અવનિનાં દાદી સુધારક વિચારના હોવાથી બીજા કોઈ ક્રિયાકાંડ કરવાની મોટા દીકરાને ના પાડી. અવનિની દાદીના પિતા પણ 'ગાંધીવાદી' હતાં. આઝાદીની લડત દરમ્યાન જેલવાસ ભોગવી ચૂક્યા હતા. તેના 'દાદા અને દાદી 'મીઠાના સત્યાગ્રહમાં'  મળ્યાં હતાં. પછીની વાતો દાદી પાસેથી અવનિ સાંભળી ચૂકી હતી. આમ આખું કુટુંબ આઝાદીની લડતના રંગે રંગાયેલું હોવાથી સુધારક વિચારશૈલી ધરાવતું. તેના પિતા એકના એક અને તેમને ત્રણ બહેનો. અવનિના પિતા અમૂલખભાઈ હિંમત ન હાર્યા. દિન-રાત મહેનત કરી બહેનોને ભણાવી ઠેકાણે પાડી. પિતાની આર્થિક હાલત સારી હતી. ત્રણ બહેનોને પરણાવવાની જવાબદારી તેમના શિરે આવી. સારું હતું મોટી દીકરી બે વર્ષ પહેલાં પરણાવી હતી. પણ બે નાની બહેનોનો મોટોભાઈ. માતા ખૂબ સદગુણી અને શાંત પ્રકૃતિનાં.

     પતિના ગયા પછી ચાવીનો ઝુડો પોતાની કમરેથી કાઢી મોટી વહુ અમિતાને સોંપ્યો. સાસુની કેળવણી અને માતા-પિતાનાં સુંદર સંસ્કાર ઘર ગૃહસ્થી ખૂબ સુંદર રીતે સચવાઈ ગઈ. અમુલખભાઈ નિશ્ચિંતપણે જવાબદારી ઊઠાવી રહ્યા. બંને દીકરીઓ પરણી ગઈ પછી તેમના માતુશ્રી ખૂબ સાદગીભર્યું જીવન જીવતાં. અમિતાબહેનને જરૂર પડ્યે કામકાજમાં ટેકો કરતા અને ઈશ્વર ભજનમાં મગ્ન રહેતાં. જ્યારે તેમનાં બાળકો મોટા થયા ત્યારે કામના ઢસરડામાં જિંદગી ગુજારી હોવાથી અમુલખભાઈને ટી.બી. થયો. અવનિનાં મમ્મી અમિતા બહેન ખૂબ ત્રેવડવાળા હતા. રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી કુશળતા તેમને વરી હતી. કરકસરથી ઘર ચલાવે અને પતિની સેવા કરે. તેમનાં સાસુએ ખૂબ સાથ આપ્યો. બંનેને મા-દીકરી જેવું બનતું તેથી ઘરમાં શાંતિ હતી. અવનિ ભણવામાં ખૂબ હોંશિયાર. નાના મોટા ટ્યુશન કરી થોડા પૈસા કમાતી. તેનો ભાઈલો પાંચ વર્ષ નાનો હતો. તેની પાછળ ખૂબ મહેનત કરતી જેથી સારું ભણી શકે. મમ્મી અવનિને જોઈ ખૂબ ખુશ થાય. અવનિના પપ્પા હવે હળવા કામ કરતાં. તેમની તબિયત સાચવવી એ ખૂબ મહત્વની વાત હતી. સહુ પ્રથમ તો કુટુંબમાં શાંતિનું સામ્રાજ્ય હોવાને કારણે અમુલખભાઈને હૈયે ટાઢક હતી. અમિતાબહેન તેમનો પડ્યો બોલ ઝીલતા. મા, દીકરાના ખાવાપીવાનું ધ્યાન રાખતા. અમિતાબહેને પોતાની આવડતના જોરે પાપડ, અથાણાં અને નાસ્તા બનાવી બે પૈસા રળતા. આમ તેમના સંસારનું ગાડું હરિ હંકારતા. અવનિનો નાનો ભાઈલો તોફાની ખૂબ હતો. ભણવામાં અવ્વલ નંબર આવે તેથી તેને વઢવાનો સવાલ જ ઊભો ન થતો. અવનિના દાદી તેને જાત- જાતનું ભરત-ગૂંથણ શીખવે.

     અવનિ અને આલોકના લગ્ન પછી પિતાએ ટુંક સમયમાં વિદાય લીધી. નરમ તબિયત અને દીકરીની વિદાયને કારણે તેમનો જીવનદીપ બૂઝાઈ ગયો. તેમનાં માતુશ્રી અને અમિતા બહેન એકબીજાનો સહારો બન્યા. "દુઃખનું ઓસડ દહાડા" અવનિએ મમ્મીને જીવનમાં ઉત્સાહ ટકાવી રાખવા ખૂબ સહાય કરી. દાદીમા પણ વહુની પડખે ઊભા રહ્યા.

     અમિતાબહેનને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. લગ્ન નાની ઉંમરે થયા તેથી આગળ ભણી શક્યા ન હતાં. તેમણે નાના મોટા લેખો લખવાનું શરૂ કર્યું. અવનિને થયું લાવને કોઈ માસિક માટે મોકલાવું. સારા ચોઘડિયામાં અને સારી ભાવનાથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેને સફળતા મળે તેમાં શંકા નથી. અવનિએ મોકલેલો લેખ  'દૂર દર્શન'માં પ્રગટ થયો. નામ પ્રમાણે આ માસિક બાળકોને શિક્ષણ આપતું અને ભાવિ માટે તૈયાર કરતું હતું. અમિતાબહેનને ખૂબ આનંદ થયો. એ જમાનાના મેટ્રિક પાસ હતા. આગળ ભણવાનો શુભ અવસર પ્રાપ્ત થાય તે પહેલાં અમૂલખભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. સંસારની ઉલઝનોમાં ફસાતા ગયા. દીકરીએ માર્ગ સરળ કરી આપ્યો. પોતાની માતાને પ્રોત્સાહન આપ્યું. બંને ભાઈ-બહેન હવે નિશ્ચિત મને પોતાનાં કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત બન્યાં. હંમેશા હકારાત્મક વલણ જીવનમાં દિશા ફેરવી શકે છે. 'દૂર દર્શન' માસિકને 'અમિતા'ના નામથી સુંદર લેખ પ્રાપ્ત થયા. વાચકોએ પ્રેમ પૂર્વક આવકાર્યા. અમિતાબહેનના લેખમાં જીવનની સચ્ચાઈનો રણકો હતો. વનમાં અટવાયેલાને જેમ પગદંડી મળે તેમ અમિતાબહેનને જીવન જીવવાનો રાહ મળી ગયો. સંસારની માયાજાળમાં ગૂંથાયેલાને હવે ખુલ્લી હવાનો સ્પર્શ થયો.

     જીવન જીવવું એ એક કલા છે. બાકી જીવનમાં જીવ્યાં, ખાધું પીધું ને રાજ કીધું. તેમાં શું નવું કીધું? આવ્યા ત્યારથી જવાના એ નક્કી છે. એમાં શંકાને સ્થાન નથી. બાકી જીવનમાં કંઈક એવું તો જરૂર કરવું કે જઈએ ત્યારે અફસોસ ન રહે. કોઈ મારગડો પકડવો કે રાહ સામે જણાય. કોઈના બે ફેરા ખાવા. માનવ તરીકે અંત સમયે શાંતિથી નિંદર આવે. ગમે તે કરીશું વિધિના લેખ મિથ્યા કરવાની તાકાત આપણામાં નથી. પ્રયત્ન કરીએ અને રેતીમાં પગલાં પાડી વિદાય થઈએ. જીવન જીવંત રહે. ઉમંગની છોળો તેમાં સદા વસે! પૃથ્વી પર અમૂલ્ય માનવ દેહની પ્રાપ્તિ થઇ, તેની પાછળ સર્જનહારનું કંઈક તો પ્રયોજન હશે?  ધીરે, ધીરે ડગ ભરતાં બાળપણ ક્યાં પસાર થઈ ગયું ખબર પણ ન પડી. કેવી સુંદર જીંદગી હતી. શૈશવકાળ મસ્તી, તોફાન અને ભણવામાં વિતાવ્યો. સંસ્કાર અને જ્ઞાનનું વિસ્તરણ કર્યું. ધીરેધીરે યૌવન ડોકિયા કરી રહ્યું. સમગ્ર અસ્તિત્વમાં હલચલ મચી રહી. ઉમંગ, આનંદ, અહેસાસ અને પ્યારનું સામ્રાજ્ય છવાઈ ગયું. સવારે ઊગતો સૂરજ જ્યારે પૂર્વ દિશાને સોહાવે તે દૃશ્ય અદભુત દીસે! સંધ્યા કાળનો પૂનમનો ચાંદ દિલમાં આનંદની લહેરને પ્રસરાવે! વર્ષા ઋતુમાં ગગને રમતાં વાદળાની સંતાકૂકડી અને પછી ઝરમર વરસતો મેહુલિયો કેવો મનભાવન લાગે! આ બધાનો સરવાળો એટલે ઉમંગથી ભરપૂર સર્જનહારની ભેટ "જીવન". જ્યારે જીવનમાંથી ઉમંગ, ઉત્સાહ, હોંશ, આનંદ અને ખુશી દેશવટો લેશે ત્યારે જીવન શુષ્ક જણાશે. જીવન તો ચગડોળ જેવું છે. ઘડીમાં ઉપર અને ઘડીમાં નીચે. જે ઉપર જાય તે નીચે આવે એ કુદરતનો ક્રમ છે. તેનાથી ભલભલા ચમરબંધી પણ છૂટકારો પામી શકતા નથી! જીવનમાં ઉમંગ ટકાવી રાખવાની અનેક રીતો છે. દરેક વ્યક્તિ ભિન્ન રીતે પોતાનો પ્રયાસ કરે છે. મરજીવા હોય તે માથાસાટેનો ખેલ ખેલી જાય. જે આ ખેલમાં વચ્ચેથી હામ હારી જાય તેમનાં માટે જીવન દુષ્કર પણ બની શકે! હવે આપણે નક્કી કરવાનું છે કે આ ખેલના બાહોશ ખેલાડી બનવું છે કે પછી હિંમત છોડી મેદાનમાંથી દુમ દબાવી ભાગી જવું છે. જીવન રંગીન પણ છે. જીવન જીવંત પણ છે. જીવનમાં ઉમંગની છોળો અનુભવાય છે. તેની હર એક ક્ષણ તાજગી અને ખુશનુમા વાતાવરણનું સર્જન કરે છે. તમારો અભિગમ કેવો છે તેના ઉપર નિર્ભર છે! જીવનમાં જો મુસીબત અને પ્રશ્નો ન હોય તો એવા જીવનની મઝા તમને આવશે?  જવાબ સરળ છે. 'ના'. રોજ માલપુડા અને બાસુંદી મળે તો અકળાઈ જવાય. ખિચડી અને ભાજીનું શાક કોઈક વખત પ્યારા લાગે.'

     અવનિએ ઉમંગભેર નિરખ્યું મમ્મી, હવે જીવન સારી રીતે જીવી શકે છે. દાદી, અમિતાને પ્રોત્સાહન આપતાં. તેમને ખૂબ ગર્વ થતો કે 'વહુ' ખરેખર લક્ષ્મી જેવી છે. મન હોય તો માળવે જવાય. અમિતા બહેનની કલમે જાદુઈ છડી જેવું કાર્ય કર્યું.  અવની અને આલોકના આગ્રહથી તેમણે નવલકથા પર હાથ અજમાવ્યો. ખૂબ કપરું કામ હતું. સાસુમાએ બાંહેધરી આપી રસોડું સંભાળશે. લખવાની સઘળી સહુલિયત કરી આપી. અમિતાબહેન હવે પોરસાયા. ભગીરથ કામ કરવા કમર કસી. નાનપણામાં જે સ્વપ્ન નિહાળતાં હતા તે તેમને સાકાર થતા જણાયા. સંઘર્ષ તો જીવનમાં આવે, તેની સોડમાંથી ઊભા થવાની તાકાત હવે આવી ગઈ હતી. અમિતા અને અમુલખ ફેલોશીપ સ્કૂલમાં ભણતા. એ જમાનામાં છોકરા અને છોકરીઓ એક શાળામાં ભણે તે ઘણાને માટે નવાઈ પામવા જેવી વાત હતી. સુંદર જુવાન, ચબરાક અને સોહામણી અમિતા. અમુલખની નજરમાં વસી ગઈ હતી. હિંમત ક્યાંથી લાવવી? અમિતાના પિતાજી શાળામાં માસ્તર હતા. બાંધી આવકને કારણે અમિતા કૉલેજમાં ન ગઈ. અમુલખ તેમના ગામનો હતો. માને પટાવી દિલની વાત કરી. જ્યારે અમિતાના મમ્મીએ માગુ મોકલાવ્યું ત્યારે અમુલખે માને જણાવી 'હા' કહેવડાવી. આમ 'ઘીના ઠામમાં ઘી પડ્યું.' અમિતા, અમુલખની પત્ની બની ઘર દીપાવી રહી. અમુલખના પિતાના અકસ્માતમાં થયેલા અવસાનને કારણે કુટુંબે પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો. સુશીલ અમિતા પતિને પડખે ઊભી રહી. સૂરજ વાદળ પાછળ ઢંકાય ત્યારે પોતાનું તેજ ગુમાવતો નથી! પરિસ્થિતિએ અમિતાને ઝુકાવી નહીં. બાળકો અને પૂજ્ય સાસુમાનાં સંપૂર્ણ સહકારને કારણે તે પાછી ખીલી ઉઠી. અમિતાબહેનની માતાએ ખૂબ સુંદર સંસ્કાર આપ્યા હતાં.

     "બિંબ-પ્રતિબિંબ"નાં નેજા હેઠળ સુંદર નવલકથાનાં મંડાણ કર્યા. વ્યવસ્થિત વિચારો ગોઠવતાં. પ્રસંગોનું નિરૂપણ યોગ્ય રીતે કરતાં. સામાયિકોમાં લખતાં તેથી લેખક મિત્ર પાસે પ્રસ્તાવના લખાવી. જેની માતા આવી ખમીરવંતી અને દાદીનો સંપૂર્ણ સહકાર જીવન ઉમંગ અને ઉલ્લાસથી ભરાઈ ગયું. ગૂંજી ઉઠ્યું. અમૂલખભાઈની ખોટ આખી જિંદગી સાલવાની પણ તેને કારણે ઘરનાં બધાએ નિરાશ વદને બેસી રહેવાને બદલે કેવો  સુંદર માર્ગ શોધ્યો. શરૂઆતમાં તે નવલકથાને આવકાર સામાન્ય  મળ્યો. જ્યારે નસીબ આડેનું પાંદડું ખસે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ફેલાઈ જાય છે. તે પુસ્તક યોગ્ય પાત્રના હાથમાં આવી પડ્યું અને રાતોરાત પ્રસિધ્ધિ પામી ઊઠ્યું. બનવાકાળને રોકવાની સમર્થતા સામાન્ય માનવીનાં ગજા બહારની વાત છે. કિંતુ પ્રયત્ન કરી પ્રગતિ સાધી શકતાં તેને કોઈ રોકી શકતું નથી!

     'બિંબ-પ્રતિબિંબ' જેવું માસિકમાં લખવાનું પુરું થયું કે વાચકોના આગ્રહને કારણે તેને નવલકથા સ્વરૂપે બજારમાં મૂકી. તે નવલકથાનાં પાત્રોની સચ્ચાઈ, અમિતા બહેનની લેખનીમાં રહેલી હૃદય સ્પર્શી ભાષાએ કમાલ કરી. સ્વપને પણ નહોતું વિચાર્યું તેનું હકીકતમાં રૂપાંતર જોઈ અમિતાબહેન ખુશ થયા. સહુથી વધારે ખુશી તેમના 'સાસુજી'ને થઈ. આ નવલકથાની બીજી અવૃત્તિ બહાર પડવાની છે એ શુભ સમાચારનો અતિરેક જીરવવો તેમને માટે અસહ્ય થઈ પડ્યો. રાતના સૂઇ ગયા બાદ બીજા દિવસનો સૂર્યોદય જોવા ભાગ્યશાળી ન બન્યા. રંગેચંગે માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી. તેમની મરજી પ્રમાણે સ્ત્રીઓની પ્રવૃત્તિ અને અનાથાશ્રમનાં બાળકો પાછળ મનમૂકીને દાન આપ્યું. અવનિ પોતાની માતાની પ્રતિભામાં થયેલો ફેરફાર ઉમંગભેર નિહાળી રહી.

(ક્રમશઃ)


Rate this content
Log in