Leena Vachhrajani

Children Stories

4  

Leena Vachhrajani

Children Stories

ટોમ એન્ડ જેરી

ટોમ એન્ડ જેરી

2 mins
63


નીરાને કંટાળો આવ્યો. વળી સવાર પડી. આ દેવ અને કેવલ પાછા લડશે. ટોમ એન્ડ જેરી જોઈ જોઈને એકબીજાને હેરાન કરવાના નવા નવા પેંતરા શીખતા જાય છે અને મારે ઉપાધિ જ આવે રાખે. ક્યારેક બારીમાંથી બાલ્કનીમાં કૂદકા મારે તો ક્યારેક ટાંકી પર ચડીને એકબીજાના હાથ પગ ખેંચાખેંચ કરે. કોણ સમજાવે કે આ ટી.વી. માં આવતા ટોમ એન્ડ જેરી કાલ્પનિક પાત્રો છે. એના જેવી હરકતો વાસ્તવિકતામાં ન કરાય.

ત્યાં તો ઉપર બંનેના રુમમાંથી અવાજ આવવા માંડ્યા. નીરા દોડીને ઉપર ગઈ. અને રુમમાં નજર કરી ત્યાં શ્વાસ અધ્ધર થઈ ગયો. દેવ પંખાના પાંખિયે ઝૂલા ખાતો હોય એમ લટકતો હતો અને કેવલ નીચેથી બૂમબરાડા પાડતો કહેતો હતો કે, “કમ ઓન દમ હોય તો મને પકડીને બતાવ. મને પંખા પર ચડાવી દે તો તું બહાદૂર. કમ ઓન.. કમ ઓન..”

“અરે બેય વડવાંદરા જેવાં તોફાન શું કર્યા કરો છો? હું તો થાકી ગઈ તમારાથી.”

નીરાએ સાંજે મનિષને વાત કરી. “આ બેય મારાથી સચવાતા નથી. કાર્ટૂન જોઈ જોઈને બેય પોતાના પર અખતરા કર્યા કરે છે.” 

બીજે દિવસે સવારે મનિષે બંનેને વહેલા જગાડ્યા. “ચાલો દેવ અને કેવલ, આજે સાઈકલ રેસ કરવાની છે. ટોમ એન્ડ જેરીમાં જેમ રેસ લાગે છે એમ જ હોં !”

અને બંને નીકળી પડ્યા. પાંચ કિલોમીટર સાઈકલ ચલાવાઈ ગઈ. મનિષને એક્સરસાઈઝ પણ થઈ ગઈ. ત્રણેય પાછા આવ્યા ત્યારે બંને બાળકો થાકેલા લાગતા હતા. 

નીરાએ બંનેને દૂધ નાસ્તો આપ્યાં. “કેમ રહ્યું ? ટોમ એન્ડ જેરીની જેમ નોનસ્ટોપ રનિંગ કરવું હોય તો પહેલાં શક્તિ મેળવવી પડે. હવેથી રોજ પાપા સાથે સાઈકલિંગ કરવા જવાનું છે. અને પછી વોકિંગ પણ.”

દેવ અને કેવલ એકબીજા સામે જોઈ રહ્યા. “ના ના મમ્મી અમે ટોમ એન્ડ જેરી થોડા છીએ ! અમે તો હવે ખાલી કાર્ટૂન જોઈશું. ઘરમાં એ લોકો જેવાં તોફાન નહીં કરીએ.” અને બંને રુમમાં ગયા પછી નીરાએ મનિષ સામે જોઈને નિરાંતનો શ્વાસ લીધો.


Rate this content
Log in