સરનામે ન પહોંચેલો એક પત્ર
સરનામે ન પહોંચેલો એક પત્ર
શનિવારની બપોરના 12:30 વાગ્યાનો સમય. બધા જ વિદ્યાર્થીઓએ સવારથી મનમાં સાચવેલો એકાગ્રતાનો જથ્થો જાણે ધીમે ધીમે ખૂટીને તળિયા ઝાટક થઈ ગયો હતો. એમના કાન શિક્ષક દ્વારા કહેવાતા શબ્દોને સાંભળવા કરતાં બેલના રણકારને સાંભળવા આતુરતાપૂર્વક સરવા થઈ ગયા હતા. બેલ વાગ્યો અને ક્લાસરૂમમાં છવાયેલી નીરવ શાંતિએ બાળકોના કિલ્લોલ અને કોલાહલના લીધે પોતાની ચાદર સમેટી લીધી. બધાના ચહેરા પર એક અનેરો આનંદ હતો અને વળી કેમ ના હોય? રવિવારની રજાની મજા જો લૂંટવાની હતી. સ્કૂલ બસમાં ગોઠવાયેલા સહુ કોઈના મનમાં સપ્તાહના અંતને માણવાની યોજનાઓ રમી રહી હતી. કોઈ મામાના ઘરે જવાનું હતું તો કોઈ દાદા દાદીના ઘરે. કોઈ મમ્મી પપ્પાને લઈ મોલમાં જવાનું હતું તો વળી કોઈ થિએટરમાં મૂવી જોવા. આ બધાયને ધ્યાનપૂર્વક સાંભળી રહેલો નાનકડો અંશુમન પણ મનમાં ને મનમાં સાંજે મમ્મીને લઈને ગાર્ડનમાં જવાની યોજના બનાવી રહ્યો હતો. સ્કૂલ બસ એક પછી એક જગ્યાએ થોભતી અને અંદર રહેલા ભૂલકાં એક પછી એક પોતપોતાના ઘર તરફ હર્ષભેર દોટ મૂકતાં. અંશુમન પણ બસમાંથી ઉતરતા જ મન ને મનમાં ઘરમાં જઈ મમ્મીને ભેટી પડવાની યોજના લઈ દોડી રહ્યો હતો. જેવું પોતાના ઘરનું બારણું દેખાયું કે તરત જ અંશુમને ક્ષણ પૂરતી પોતાની આંખો બંધ કરી લીધી, જાણે કોઈ સરપ્રાઈઝ આપવાનું ના હોય?
************************************
મેડિકલ કોલેજની કેન્ટીનના એક ખૂણામાં પ્રેમથી પોતાના હાથે અંશુમનના મોંમાં કોળિયો મૂકી રહેલી ઝરલે સહેજ રોષપૂર્વક કહ્યું, “હું કાંઈ લગ્ન પછી તારી આમ રોજ રોજની ફરમાઇશો પૂરી નથી કરવાની, આજે પાલક પનીર અને આવતી કાલે તો હજુ મારે તારા માટે ભરેલા ભીંડા બનાવવા સવારે વહેલા ઉઠવાનું? લગ્ન પછી મારે કેટલા કામ હશે? ઘર પણ સંભાળવાનું, ક્લિનિકનો સમય પણ સાચવવાનો?” અંશુમને પણ સહેજ સ્મિત પૂર્વક ઝરલને મનાવવાના પ્રયત્નો આરંભ્યા, “કોણે કહ્યું લગ્ન પછી તું એકલી જ ઘરનું કામ કરીશ? હું પણ કરાવીશ અને કોણે કહ્યું તું એકલી જ રસોઈ બનાવીશ? હું પણ મદદ કરીશ. અને રહી વાત ક્લિનિકના સમયને સાચવવાની, તો ક્લિનિક તો આપણે બંને સાથે જ જઈશું.” અને ઝરલ અંશુમનની આંખમાંથી છલકાતા પ્રેમમાં ડૂબી જતી.
*************************************
ક્લિનિકથી થાક્યો પાક્યો અંશુમન મોડી સાંજે પોતાના ઘરે પહોંચ્યો ને ડોર બેલ વગાડીને એક ક્ષણ માટે ઊભો રહ્યો. અચાનક પોતાને યાદ આવ્યું કે ઘરનો દરવાજો તો પોતે જ સવારે લોક મારીને ગયો હતો અને ચાવી વડે દરવાજો ખોલી પોતાના ઘરમાં પ્રવેશ્યો. ડાઇનિંગ ટેબલ પર જાતે જમવાનું બનાવીને જમવા બેસેલા અંશુમનના હાથનો કોળિયો સામે રહેલી ખાલી ખુરશીને જોઈને જેમનો તેમ રહી ગયો અને ઝરલની યાદોનું તોફાન અંશુમનના મનમાં ફરી વળ્યું. મનથી ગૂંથયેલા અંશુમન અને ઝરલ, બંનેનો એમ. ડી. ગાયનેકનો કોર્સ પૂર્ણ થતાં જ ધામધૂમથી લગ્નગ્રંથિએ ગૂંથાઈ ગયાં. અંશુમનની મહેચ્છાને માન આપી ઝરલ પણ અંશુમનની સાથે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક ટ્રસ્ટની હોસ્પિટલમાં કાર્યરત થઈ ગઈ. અંશુમનનું મન દોડીને આનંદની સીમાઓને વટાવતું તો ઝરલનું મન ક્યાંક ને ક્યાંક મનમાં સેવેલી અપેક્ષાઓના ભાર નીચે દબાઈને વ્યગ્ર થઈ જતું. ઝરલ ખુશ નહોતી. એ હંમેશાં કહ્યા કરતી, “ અંશ, ચાલને કયાંક મોટા શહેરમાં જઈ આપણી પોતાની મોટી હોસ્પિટલ બનાવી ત્યાં જ સેટલ થઈ જઈએ? આમ ક્યાં સુધી આવા ગામડામાં રહીશું? અને અંશુમન પ્રેમથી ઝરલને મનાવી લેતો. ઝરલ વારે વારે અંશુમનની આંખમાંથી છલકતા પ્રેમમાં ડૂબી જતી.
અંશુમનના સ્નેહસભર શબ્દોથી ઝરલની અપેક્ષાઓ ભૂંસાતી નહોતી પણ મનમાં ક્યાંક છુપાઈ જતી જે વારે વારે બહાર ડોકાતી અને અંશુમનના એક પ્રેમ ભર્યા સંવાદ સાથે ફરી છુપાઈ જતી. આખરે આમ છૂપાછુપીનો ખેલ ખેલતી ઝરલની અપેક્ષાઓ કાયમ માટે બહાર આવી ગઈ અને ઉગ્ર સ્વરૂપે ઝરલે છેવટે અંશુમનને કહી દીધું, “જો અંશુમન તારે ના આવવું હોય તો ના આવ, આમ સાવ આવી જગ્યાએ હું મારું જીવન વ્યતિત કરવા નથી માંગતી. જીવનને લઈને મારી પણ કેટલીક આશા અને અપેક્ષાઓ છે એ તું ક્યારેય નહીં સમજે. તારી અને મારી જીવનની રાહ હવે એક નથી. આપણે છૂટા પડવું જ પડશે.” ઝરલના શબ્દોમાં મક્કમતા છલકાતી હતી.
અંશુમનની ભીની આંખોમાં જોયા વગર જ ઝરલ બેગ પૅક કરી નીકળી પડી. અંશુમન પોતાની જિંદગી અને સઘળી ખુશીઓને બારણાં બહાર જતાં જોઈ રહ્યો હતો. કદાચ હવે એ પ્રેમભર્યો સંવાદ શક્તિહીન હતો એ ખુશીઓને બહાર જતી રોકવા.
************************************
સ્કૂલ બસ એક પછી એક જગ્યા એ થોભતી અને અંદર રહેલા ભૂલકાં એક પછી એક પોતપોતાના ઘર તરફ હર્ષભેર દોટ મૂકતાં. અંશુમન પણ બસમાંથી ઉતરતા જ મન ને મનમાં ઘરમાં જઈ મમ્મીને ભેટી પડવાની યોજના લઈ દોડી રહ્યો હતો. જેવું પોતાના ઘરનું બારણું દેખાયું કે તરત જ અંશુમને ક્ષણ પૂરતી પોતાની આંખો બંધ કરી લીધી, જાણે કોઈ સરપ્રાઈઝ આપવાનું ના હોય? આંખો ખોલી અંશુમને જોયું તો એની મમ્મી બારણે નહોતી ઊભી. અંશુમનના મનને નિરાશા ઘેરી વળી. પોતાની સ્કૂલબેગમાંથી ચાવી કાઢી લોક ખોલી દોડતો રસોડામાં પહોંચી ગયો, કદાચ મમ્મી રસોડામાં રસોઈ બનાવતી હોય! મમ્મી ત્યાં પણ નહોતી, એ દોડતો બાથરૂમમાં ગયો, કદાચ મમ્મી બાથરૂમમાં કપડાં ધોતી હોય! છેવટે નિરાશા સિવાય અંશુમનને કાંઈ જ ના સાંપડતું અને છાતીમાં ભરાયેલો ડૂમો વધુ ઘેરો બનતો. આમ પ્રેમ અને લાગણીઓનો ધોધ વરસાવી અચાનક અંશુમનની મમ્મીએ લીધેલી ચીર વિદાયને લીધે નાનકડા અંશુમનનું મન હજુય એ વાતને સ્વીકારવા તૈયાર નહોતું કે અનંત યાત્રાએ ગયેલું કોઈ પાછું આવતું નથી.
“મમ્મી....ઓ ...મમ્મી...” અંશુમનના શબ્દોનો ધ્વનિ ઘરમાં ગુંજતો અને ખાલી દીવાલોને અથડાઈને પાછો ફરતો પણ એ શબ્દોના પ્રતિસાદ રૂપે “હા, બેટા હું પાછી આવી ગઈ” એવા મમ્મીના શબ્દો ક્યારેય ના સંભળતા. આમ સદાય મમ્મીના પ્રેમ, હુંફ અને લાગણીઓના ધોધથી ભીનો રહેતો અંશુમન હવે સાવ કોરો થઈ ગયો હતો અને સ્કૂલથી ઘરે આવીને મમ્મીને શોધવી એ અંશુમનનો રોંજિદો ક્રમ બની ગયો હતો.
*****************************************
અચાનક વર્ષો પછી અંશુમનના જીવનમાં ઝરલનું આગમન થયું અને ઝરલે અંશુમનને લાગણીઓથી ભીનો અને પ્રેમથી રસ-તરબોળ કરી દીધો. સામા પક્ષે અંશુમન પણ આ અમૂલ્ય પ્રેમની કિંમત જાણતો હોય એમ ઝરલને અનહદ પ્રેમ કરતો. વર્ષો પછી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું હતું. આજે ફરીથી અંશુમનના જીવનમાં આમ કોઈએ પ્રેમ અને લાગણીઓનો ધોધ વરસાવી અચાનક વિદાય લઈ લીધી. ફર્ક અહીં બસ એટલો જ હતો કે પોતાની મમ્મીએ ચીર વિદાય લીધી હતી અને મમ્મીને એ પાછો લાવી શકવાનો નહોતો જ્યારે ઝરલે વિદાય લીધી હતી અને ઝરલને એ જરૂર મનાવીને પોતાના જીવનમાં પાછી લાવી શકતો હતો. અંશુમનને પોતાના પ્રેમ પર પૂરો ભરોસો હતો, પણ હવે કદાચ પરિસ્થિતીને અનુરૂપ શબ્દો નહોતા પોતાની મનની વાત ઝરલને સમજાવવા. અંશુમનની આંખો ભીની હતી. એક પળનો પણ વિલંબ કર્યા વગર અંશુમન ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થયો અને તિજોરી ખોલી વર્ષોથી સાચવી રાખેલો એક પત્ર લીધો. કાર સ્ટાર્ટ કરી અને ઝરલ પાસે પહોંચી ગયો. ઝરલની આંખોમાં અંશુમન માટે હજુય પ્રેમ તો અકબંધ જ હતો પણ પોતાની વાત પર મક્કમ હતી. અંશુમને જરા નરમાશપૂર્વક કહ્યું, “કેમ આપણે એવી જગ્યાએ વસ્યા જ્યાં કોઈ ડોક્ટર નથી? એનું કારણ મારા આ એક પત્રમાં છે, જે મેં બહુ નાનો હતો ત્યારે લખ્યો હતો અને જે હજુય એના સરનામે નથી પહોંચ્યો. પત્ર તું વાંચી લે.” ઝરલે બહુ આશ્ચર્યપૂર્વક પત્ર લઈ વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં કઈંક આવું લખ્યું હતું.
પ્રિય મારી વ્હાલી મમ્મી,
મજામાં હોઈશ પણ હું અને પપ્પા અહિયાં બિલકુલ મજામાં નથી. તારી બહુ જ યાદ સતાવે છે. સવારના ઉઠતાં જ હું ભૂલી જાઉં છું છું કે તું અહિયાં નથી અને મનમાં ને મનમાં વિચારું છું કે હમણાં મમ્મીનો અવાજ આવશે “ બેટા, જલ્દી ઉઠી જા, નહીં તો સ્કૂલે જવાનું મોડુ થશે.” પરંતુ તારો અવાજ ના આવતાં જાતે ઉઠીને નહાવા જતો રહું છું. હું જ્યારે નહાઈને યુનિફોર્મ પહેરું છું તો ત્યારે તું પ્રેમથી મારા યુનિફોર્મના બટન બંધ કરતી હોય અને મારા માથાના વાળ સરસ ઓળી આપતી હોય એવો ભાસ થાય છે, પણ હવે હું જાતે જ બધું કામ કરી લઉં છું. સ્કૂલબસની બારીમાંથી અનાયાસે જ મારો હાથ ઘરની ગૅલૅરી તરફ તને બાય બાય કહેવા લંબાઈ જાય છે અને તું ત્યાં ઊભી ઊભી સ્મિત સાથે મને પ્રેમથી વિદાય આપતી હોય એવું હજુય લાગે છે અને પછી તને ત્યાં ના જોતાં સહેજ ભીની આંખે આકાશ તરફ બાય બાય કરું છું કદાચ, તું મને ઉપર આકાશમાંથી બાય બાય કરતી હોય. બપોરે સ્કૂલથી છૂટતાં જ આવીને જેવો ઘરમાં પ્રેવેશું છું તો તું રસોડામાં રસોઈ બનાવતી હોઈશ એવો આભાસ થાય છે અને રસોડામાં તને ના જોતાં હળવું ડૂસકું બહાર આવી જાય છે. પહેલા તું મને પ્રેમથી તારા હાથે જમાડતી અને હું “ મમ્મી આ નહીં પેલું ખાઈશ” એવી જીદ ના બદલે હવે પપ્પા જે પણ કાંઈ બનાવીને ગયા હોય જાતે જમી લઉં છું. પહેલાં હું મમ્મી બહુ જ તોફાન મસ્તી કરતો એનું કારણ એ હતું કે ત્યારે તું મારા પર ગુસ્સે થતી અને પછી પ્રેમ પણ એટલો જ કરતી પણ હવે હું બિલકુલ તોફાન મસ્તી નથી કરતો. મમ્મી તું કહ્યા કરતી હતી ને કે હું મારા રમકડાં અને પુસ્તકો અસ્તવ્યસ્ત મૂકું છું, પણ હવે જો તું મારો રૂમ જોઈશને તો તું ખુશ થઈ જઈશ. બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધું છે. રાત્રે હું મારી સાથે તારો ફોટો છાતી સરસો ચાંપી સૂઈ જાઉં છું તેનાથી રાત્રે હજુ પણ તું પથારીમાં છે અને મારા માથા પર હાથ ફેરવી મને વાર્તા કહેતી હોય એવું સતત લાગ્યા કરે છે. બસ મમ્મી એક રાત્રિ જ એવો સમય છે જ્યાં હું મન ભરીને રડી લઉં છું અને છેવટે છાતીમાં ડૂમો લઈને સૂઈ જાઉં છું. બસ મમ્મી એક વાર ભગવાન પાસે મંજૂરી માંગી એક દિવસ માટે મારી પાસે આવી જા જેથી એ એક દિવસમાં તું મને સવારે પ્રેમથી ઉઠાડી સ્કૂલ એ મોકલે, તું ગૅલૅરીમાં આવીને મને બાય બાય કહે અને હું હસતાં હસતાં સ્કૂલ જાઉં, બપોરે આવીને એક વાર તારા હાથથી પ્રેમ પૂર્વક જમી લઉં, સાંજે તું અને હું ગાર્ડનમાં જઈને ધરાઈને રમી લઈએ, તારા ખોળામાં બેસી તને વ્હાલ કરી લઉં, છેલ્લે રાત્રે તું મને પ્રેમથી માથામાં હાથ ફેરવીને સુવડાવી દે અને જો મમ્મી આમ એક દિવસ માટે આવવું શક્ય ના બને તો થોડા કલાકો માટે આવી જા જેમાં તારા ખોળામાં બેસી તને વ્હાલ કરી ધરાઈને રડી લઉં અને મારી છાતીમાં કેટલાય દિવસથી ભરાયેલા ડૂમાને બહાર કાઢી દઉં અને જો મમ્મી આમ થોડા કલાકો માટે પણ શક્ય ના બને તો થોડી મિનિટો માટે આવી જા, હું તારા બંને ગાલ પર એક એક પ્રેમથી ભરેલી પપ્પી આપું અને તું મને મારા ગાલ પર એક પ્રેમ ભરેલી પપ્પી આપીને જતી રહેજે. હવે હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે તને આમ એક દિવસ માટે મારી પાસે આવવાની મંજૂરી આપે.
લિ. તારો વ્હાલો દીકરો અંશુમન
સરનામુઃ
ભગવાનનું ઘર,
ચાંદા મામા પાસે,
તારાઓની વચ્ચે,
આકાશમાં.
પત્ર વાંચતાં જ ઝરલની આંખો ભીની થઈ ગઈ અને લાગણીશીલ બની ગઈ. ત્યાં જ અંશુમને જરા નરમાશપૂર્વક કહ્યું, “ તું જે શહેરમાં સ્થાયી થવાનું કહે છે, ત્યાં તો કેટલાય આપણાં જેવા ડોક્ટર્સ છે, અને આપણે જે જગ્યાએ સ્થાયી થયા છીએ ત્યાં દૂર દૂર સુધી કોઈ ડોક્ટર નથી. કદાચ તારા અને મારા પ્રયત્નોથી આમ કેટલાય અંશુમન પોતાની મમ્મીથી વિખૂટા પડતાં નથી અને કેટલાય અંશુમનને આવા સરનામે ના પહોંચી શકે એવા પત્રો લખવાની જરૂર પડતી નથી. કોઈ આમ પ્રેમ અને સ્નેહનો ધોધ વર્ષાવી અચાનક વિદાય લે ત્યારે થતી વેદના એક વાર સહન કરી ચૂક્યો છું, હવે મારામાં સહનશક્તિ નથી બીજીવાર એ વેદનાને સહન કરવાની. તારો પ્રેમ મારા માટે હવે સર્વસ્વ છે, મારી સઘળી ખુશીઓ તારા જોડે વણાયેલી છે, ઝરલ તને હું અનહદ પ્રેમ કરું છું. તું કદાચ મારા વગર રહી શકે છે, પણ હું તારા વગર એક ક્ષણ પણ નથી રહી શકતો. આઇ લવ યૂ, ઝરલ” અંશુમનની આંખોમાંથી અશ્રુધારા વહી પડી અને આંખ દ્વારા છલકાતા અંશુમનના આ પ્રેમમાં ઝરલ ફરી ડૂબી ગઈ. જીવનસાથીના અનહદ પ્રેમ સિવાય જીવનમાં બીજું કઈ જ મહત્વનું નથી એ વાત ઝરલને સારી રીતે સમજાઈ ગઈ.
**********************************
ડાઇનિંગ ટેબલ પર પોતાના હાથથી અંશુમન ને કોળિયો ખવડાવતાં ખવડાવતાં જરા પ્રેમપૂર્વક ઝરલે કહ્યું “ આજે પાલક પનીરની ફરમાઇશ તો પૂરી કરી... બોલો, આવતી કાલની ફરમાઇશ?” અને ઝરલ અને અંશુમનના મુખ અનેરું સ્મિત આવી ગયું.
