સપનું
સપનું


ચોથા ધોરણના શિક્ષક્નો ગુસ્સો આજે સાતમાં આસમાને હતો. ગુસ્સાનું કારણ સાદું અને સિમ્પલ હતું. એમનો વિરજુ નામનો વિદ્યાર્થી વારે ઘડીએ આકાશમાં જોતો હતો. ખાસ કરીને ત્યારે કે જે સમયે આકાશમાંથી વિમાન પસાર થતું હોય.
વિરજુ છ મહિના પહેલાં ગામડામાંથી મેગા સિટીમાં ભણવા માટે આવ્યો છે. ગામડામાંથી આવતો હોવાના લીધે એણે ત્યાં વિમાન જોયેલું નહી એટલે જયારે પણ વિમાનનો અવાજ થાય અને વિરજુ ઉપર જુએ. ભણાવવામાં તલ્લીન રહેતા શહેરના શિક્ષકને આ વાત દર વખતે અશિસ્ત લાગતી.
આજે તો એમણે બરાડો પાડીને કહી દીધું: એ બાઘા શું વારે ઘડીએ જુએ છે.એ વિમાન છે,તું થોડો એમાં બેસી શકવાનો છે ?
વિરજુ સમસમી ગયો,પણ એણે મનમાં ગાંઠ વાળી દીધી.
આ વાતને વીસ વર્ષના વાણાં વહી ગયા છે, આજે પણ વિરજુ કોકપીટમાં બેસતાં પહેલાં એના શહેરી સાહ્બને યાદ કરે છે.