સ્પેશિયલ પંજાબી થાળી
સ્પેશિયલ પંજાબી થાળી
એક સામાન્ય પેન્ટ અને શર્ટ પહેરીને એક વ્યક્તિ તેના લગભગ ૧૫ થી ૧૬ વર્ષના દીકરા સાથે મોટી હોટલમાં પ્રવેશ કરે છે. બંને જગ્યા જોઈ ને ખુરશી પર બેસે છે. ખુરશી પર બેસે છે એટલે તેને જોઈને એક વેઈટર તેઓ પાસે જાય છે અને એકદમ સ્વચ્છ પાણીના બે ગ્લાસ તેમની સામે રાખે છે અને તેઓને પૂછે છે નમસ્કાર સાહેબ, તમારા માટે શું લાવું ? તે માણસ એ જવાબ આપ્યો કે મેં મારા દીકરાને વચન આપ્યું હતું કે જો તો દસમાં ધોરણમાં સારા માર્કે પાસ થઈ જઈશ તો હું તને મોટી હોટલમાં જમવા માટે લઈ જઈશ. આજે મારા દીકરા એ એનું વચન પૂર્ણ કર્યું છે, અને તે માત્ર દસમા ધોરણમાં ઉત્તીર્ણ નથી થયો તે, તેનો બોર્ડમાં પણ નંબર આવ્યો છે. એટલે તમે કૃપા કરીને તેના માટે અહીંની સ્પેશિયલ થાળી લઈને આવો.
વેઈટરે પૂછ્યું, ઓકે તમારા દીકરા માટે હું અહીં ની સ્પેશિયલ પંજાબી થાળી લઈને આવું છું, તમારા માટે શું લઈને આવું ? તે માણસ ફક્ત ઈશારો કરીને કશું નહીં લાવવા માટે વિનંતી કરી.
વેઇટર નું ધ્યાન તે માણસ એ પહેલા શર્ટમાં પડ્યું, શર્ટનો કોલર ઘસાઈ ઘસાઈને સહેજ ફાટી ગયો હતો. વેઇટરને એ ભાઈ ના કપડા તેમજ તેની વાતો સાંભળીને એવું જ લાગ્યું કે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી હશે તેમ છતાં દીકરા માટે થઈને તેઓ મોટી હોટલમાં દીકરાને જમાડવા માટે આવ્યા હતા.
આ દ્રશ્ય જોઈને વેઈટર ભાવુક થઈ ગયો અને તે હોટેલના માલિક પાસે ગયો અને આખી વાત માલિકને જણાવી, સામાન્ય રીતે કોઈ મોટા હોટલમાં ડિસ્કાઉન્ટ પણ નથી હોતું એવામાં આ હોટલના માલિકે તે વેઈટરની વાત સાંભળીને કંઈક અલગ પ્રકારનો જ નિર્ણય લીધો.
તેને વેઇટરને કહ્યું, હમણાં એ ટેબલના ઓર્ડરને લઈને ટેબલ પર ન જઈશ, અને તે ટેબલ પર એક કેક લઈને પહોંચ એટલામાં હું પણ ત્યાં આવું છું.
અચાનક જ વેઈટર ટેબલ પર કેક લઈને જાય છે એટલે પેલા માણસે આશ્ચર્યચકિત થઇને વેઇટરને કહ્યું અમે આ કેક નો ઓર્ડર નથી કર્યો તમારી કંઈક ભૂલ થતી લાગે છે.
એવામાં જ હોટલના માલિક આવ્યા અને તેને જણાવ્યું સાહેબ આમાં અમારી કંઈ જ ભૂલ નથી થતી, તમારા દીકરાની ઉપલબ્ધિ વિશે મને વેઈટરે બધી વાત જણાવી એટલે આ કેક તેમજ આજની આ સાંજ અમે તમારા માટે યાદગાર બનાવીશું. કેક આવ્યાના થોડા જ સમય પછી ટેબલ શણગારી દીધું, અને દીકરાની સફળતાની ઉજવણી કરી.
પછી હોટલના માલિકે પૂછ્યું, તમારા ઘરેથી બીજું કોઈ નથી આવ્યું ? પેલા માણસે કહ્યું મારી પત્ની ઘરે છે.
હોટલના માલિકે તે માણસને હોટલની સ્પેશિયલ થાળી પાર્સલ કરી અને મોટી મોટી ત્રણ થેલીઓ આપી તેમજ સાથે દીકરાને એક સુંદર મજાની સોગાદ પણ આપી. દીકરો આ બધું જોઈને એકદમ ખુશ થઈ ગયો. અને તે હરખના આંસુ સાથે ઘરે ગયો, ઘરે ગયા પછી દીકરો અને તેના માતા-પિતાએ સાથે મળીને ભોજન કર્યું બધા લોકો એકદમ ખુશ થઈ ગયા હતા.
ખાસ કરીને હોટલના માલિકનું આવું અભૂતપૂર્વ વર્તન જોઈને દીકરો ખૂબ રાજી થઈ ગયો હતો.
ધીરે-ધીરે સમય પસાર થતો ગયો, દીકરો પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો તે ભણી ગણીને મોટો અધિકારી બની ગયો. અને થોડા સમય પછી દીકરો પોતાના શહેરમાં કલેકટર તરીકે આવ્યો. તેણે આવીને સૌથી પહેલા એ હોટલમાં સંદેશ પાઠવ્યો કે કલેકટર સાહેબ આજે રાત્રે આ હોટલમાં જમવા માટે આવશે.
હોટેલના માલિક આ વાત સાંભળીને ખુશ થઈ ગયા અને તરત જ એક ટેબલ ને ખુબ જ સરસ રીતે શણગારી દીધું. અને કલેકટર સાહેબ રાત્રિનું ભોજન આ હોટલમાં કરવાના છે આ સમાચાર મળતા જ તે હોટલ ગ્રાહકોથી ભરાઈ ગઈ હતી.
પરંતુ કલેકટર સાહેબ માટે એક ટેબલ ખાલી રાખવામાં આવ્યું હતું, પોતાના સમય અનુસાર કલેકટર સાહેબ તેના માતા-પિતા સાથે હોટલ પહોંચ્યા એટલે હોટલના માલિક સહિત હોટેલના તમામ સ્ટાફ કલેકટર સાહેબનું સન્માન કરવા માટે ઊભો થયો.
હોટલના માલિક ખુદ તેના ટેબલ પર આવ્યા અને તેને પુષ્પગુચ્છ આપીને તેને ઓર્ડર આપવા માટે વિનંતી કરી.
ત્યારે એ નવયુવાન કલેકટરએ પોતાની જગ્યા પરથી ઊભો થઈને હોટલના માલિક તેમજ વેઈટર સામે નમી ગયા, અને કહ્યું કદાચ તમે બંને લોકો મને નહીં ઓળખી શક્યા હોય પરંતુ હું એ જ છોકરો છું જેના પિતાએ એક થાળીનો ઓર્ડર તો કર્યો હતો પરંતુ બીજી થાળી લેવા માટે પૈસા નહોતા અને એ સમયે તમે બંને માનવતાનો સાચો દાખલો રજૂ કરીને મારા દસમા ધોરણમાં પાસ થવાની ખુશીમાં મને એક અદભુત પાર્ટી આપી હતી અને તમે મને હોટલની સ્પેશિયલ થાળી પાર્સલ કરીને પણ આપી હતી.
આજે હું કલેક્ટર બની ગયો છું પરંતુ એ રાત્રિ મને આજે પણ યાદ છે, અને આજે હું તમને બધાને પાર્ટી આપું છું અહીં જેટલા ગ્રાહકો છે તેમજ જેટલો સ્ટાફ છે તે બધા લોકોના બિલ આજે હું આપીશ. અને તમને એક બેસ્ટ સીટીઝનથી સન્માનિત પણ કરવામાં આવશે.
વાત માત્ર થાળીની નથી, આ વાત તમારી સાથે શેર કરી છે તે મહત્વનો ઉપદેશ આપીને જાય છે કે આપણે જે સમાજમાંથી આવ્યા છીએ એ સમાજમા ઘણા એવા લોકો છે જે ગરીબ લાચાર પણ છે. અને આ ગરીબ અને લાચાર વ્યક્તિઓને ક્યારેય મજાક ઉડાવવી ન જોઈએ પરંતુ ઊલટું તેની પ્રતિભાને માન આપવું જોઈએ, અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ.
મારી નાની એક પહેલ ને લીધે એવું પણ શક્ય બને કે તમારી ઉદારતાને લીધે કોઈપણ છોકરો કે છોકરી આગળ વધીને તેના લક્ષ્ય સુધી પહોંચે તો આપણા સમગ્ર સમાજને લાભ કરી શકે છે.
