સોનુનું સપનું
સોનુનું સપનું
ચારે તરફ પ્રખર તેજસ્વી પ્રકાશપૂંજ રેલાયું, અને ઘરરર.... ઘરરર... કરતાં અવકાશયાને મંગળ ગ્રહ તરફ પ્રયાણ કર્યું. નાનકડો સોનુ કુતૂહલતાપૂર્વક બારીમાંથી ડોકિયાં કરવા માંડ્યો. આકાશમાં ચમકતા તારા જાણે હમણાં હાથમાં આવી જશે એવું વિચારતાં વિચારતાં ચારેકોર લાલ માટીથી છવાયેલો ઉજ્જડ, વેરાન રણ જેવો દેખાતો મંગળ ગ્રહનો રતુમડો પ્રદેશ જોઈ સોનુ વિસ્મય પામ્યો.
સોનુની નજર અવકાશયાત્રી જેવો પોશાક ધારણ કરેલા અલગ જ દેખાવ ધરાવતાં વ્યક્તિ પર પડી. એ વ્યક્તિનો આખો પોશાક લીલા રંગનો હતો. સોનુને નવાઈ લાગી કે જે ધરા ઉપર લીલા રંગનો પોશાક ધારણ કરાયો હતો એ ધરા ઉપર હરિયાળી તો દૂરની વાત, નામ પુરતો પણ એકે છોડ ન હતો.
"મમ્મી, હું આવી જગ્યાએ નહીં રહું, અહીં તો છોડ, ઝાડ, પાન, ફુલ, ફળ કશું જ નથી. મમ્મી, આપણાં આંગણામાં તો કેટલા બધાં છોડ ને ઝાડ છે. કેવી મજા આવે. તાજી, ઠંડી તાજગીસભર હવા મળે. હરિયાળી જોઈ આંખો ઠરે. મને ઘરે પાછો લઈ જા."
સૌમ્યા સોનુને ઢંઢોળીને ઉઠાડવા માંડી, "શું થયું બેટા ? તું ઘરે જ તો છો. તે સપનું જોયું લાગે છે. ઉઠ બેટા, તારે બધાં ઝાડવાઓને પાણી છાંટવાનું છે ને."
"હા, મમ્મી, હું મારા બધાં મિત્રોને મારા સ્વપ્ન વિશે જણાવીશ અને એમને પણ વૃક્ષારોપણનું મહત્વ સમજાવીશ. વૃક્ષો નહીં ઉગાડીએ અને વૃક્ષોની જાળવણી નહીં કરીએ તો આપણી પૃથ્વી પણ મંગળ ગ્રહ જેવી વેરાન રણ થઈ જશે."
સોનુની વાત સાંભળી સૌમ્યાએ કહ્યું,"હા બેટા, ધરતીમાતાને લીલી ચૂંદડી પહેરાવશું તો ધરતીમાતા એ ચૂંદડીનાં પાલવથી સૌ ધરતીવાસીઓનું રક્ષણ કરશે."
