સંજના ભાગ- (૨)
સંજના ભાગ- (૨)
અરે! ક્યાં હતી આટલા દિવસ? હું તને ક્યારનો મળવા ઇચ્છતો હતો ને તું અચાનક ક્યાં ગુમ થયેલી? સંજના દર્દ ભરેલા શબ્દોથી બોલી, "બસ મારી ફ્રેન્ડને ત્યાં મળવા ગઈ હતી. વધુ કંઈ બોલી નહિ ને બાય કહી પછી મળું એમ કહીને ચાલી ગઈ.
...અંતિમ ઘણા દિવસે મળ્યો હતો સંજનાને. વાત તો કરવી હતી, પણ કેમ જાણે એ સંજનાને રોકી ન શક્યો! એના શબ્દોનું દર્દ જાણે પારખી લીધું હોય એવું લાગતું હતું. એ મનોમન વિચારે છે કે કંઈક એવી વાત છે જે સંજનાને તડપાવે છે... સંજના! ક્યાં સુધી તું આમને આમ વાતને છૂપી રાખીશ? આ ડૂમાને તું વહાવી દે! પ્રિયાએ અંતિમને આ સત્ય હકીકત કહી દેવા જણાવ્યું પણ સંજના એકની બે ન થઈ...
અચાનક અકસ્માતના સમાચાર સંભળાયા! અંતિમની પત્નીને એક્સિડન્ટ થયો અને એમાં એ મૃત્યુ પામી! અંતિમ આ સાંભળતા જ અવાક થઈ ગયો અને ત્યાં જ ઢળી પડ્યો! અંતિમને તરત જ દવાખાને પહોંચાડવામાં આવ્યો. અંતિમને હોશ આવ્યા, પણ એ સાવ અવાક થઈ ગયેલો. કંઈક કહેવા ઇચ્છતો હતો પણ કંઈ કહીં નહોતો શકતો. સંજના અશ્રુ ભરેલી આંખથી અંતિમ અંતિમ પોકારતી હતી, પણ અંતિમને કશુંય કાન પર અથડાતું નહોતું. સંજના તેથી ખૂબ ચિંતિત હતી, પણ એ પણ હિંમત હારી નહોતી. એને કોઈ પણ ભોગે અંતિમને હેમખેમ કરવાનો મનમાં મનસૂબો ઘડ્યો.
સંજના અંતિમને ફરવા લઈ જતી. ગમે તે કરીને અંતિમ ફરી એ ઘામાંથી બહાર આવે. એ માટે કુદરતી સૌંદર્યની ગોદમાં વિહરવા લઈ જતી. ત્યાં રમણીય સ્થળ બતાવતી અને આનંદ ભરેલી વાતો કહેતી. આમ મહિનાઓ પસાર થવા લાગ્યાં ને અંતિમની હાલતમાં સુધારો આવતો જણાયો. હવે અંતિમ ધીરે ધીરે નવીન વાતાવરણમાં આવવા લાગ્યો. સંજના સાથે વાતો પણ કરતો અને હવે સંજનાને પણ અંતરથી અંતિમના ઠીક થવાથી હાશકારો થયો. બસ હવે એમ જ મળતા મળતાં દિવસો પસાર થતા હતાં. એક દિવસ અંતિમ અને સંજના સંધ્યા સમયે દરિયા કિનારે આનંદથી વાતો કરતાં હતાં. આજે સંજના દિલની વાત કરી દે એવું લાગતું હતું. કારણ કે અંતિમ આજ ખુશ હતો. મોજાઓ પણ જાણે હકીકત જાણવા આતુર હોય એમ કિનારે ઊછળતા હતા. મધુર શીતળ લહેરખી સંજનાની લટોને સ્પર્શતી હતી. લહેરખીની પણ જાણે એ જ ઇચ્છા હોય! સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો, પણ કેમ જાણે એ ડૂબવા નહોતો માગતો! એની પણ ઇચ્છા હતી કે આજે સંજનાના હોઠો ખૂલે અને દિલની વાત જણાવે. પથ્થરો, પ્હાડો, વૃક્ષો, ફૂલો, ઝરણાં કાન ખૂલ્લા રાખી સફળા બેઠાં હતાં. તમારી પણ એ જ આતુરતા છે ને આજે સંજના મૌન તોડે. સંજનાના હોઠો ફફડવાની તૈયારીમાં જ હતા ત્યાં તો અંતિમે વાત કાપતા કહ્યું, "સંજના! તે કોઈને પ્રેમ કર્યો છે?
... સંજના ઝડપભેર અંતિમને બાથ ભીડી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી..!
(ક્રમશઃ)
