સ્નેહસૂત્ર
સ્નેહસૂત્ર
ગાઢ નિદ્રામાંથી ઉષ્માની આંખ એકાએક ખૂલી, એણે બહાર જોયું તો હવે સુરત સ્ટેશન આવાની તૈયારીમાં જ હતું. ઝડપથી ઉષ્માએ વાળ સરખા કર્યા અને પોતાની બેગ લઈને ઊભી થઈ. અમદાવાદથી ટ્રેનમાં બેસતાં બેસતાં જ મમ્મી જોડે ફોન પર વાતચીત થઈ ગઈ હતી કે પપ્પા સ્વાધ્યાયમાં જવાના હોવાથી એમનાથી રેલ્વે સ્ટેશન નહીં અવાય એટલે ઉષ્મા ભીડને ચીરીને સ્ટેશન બહાર આવતાં જ રિક્ષામાં ગોઠવાઈ ગઈ. જેવી ઉષ્મા ઘરે પહોંચી કે મમ્મીએ સરસ મજાની મસાલાવાળી ચા સાથે ઉષ્માનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બી. જે. મેડિકલ કોલેજમાં એમ.ડી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઉષ્મા આજે એક મહિના બાદ પોતાના ઘરે આવી હતી એટલે માં અને દીકરીએ એકબીજાને ભેટીને ઘણી બધી વાતો કરી. નાની 2 વર્ષની મુદ્રા તો ફોઈ આવતાં જ ફોઈને વીંટળાઈ વળી અને ફોઈના પર્સમાં ચોકલેટ શોધવા લાગી.
****
પોતાની બેગમાંથી કપડાં બહાર કાઢતાં કાઢતાં ઉષ્મા રસોડામાં ગઈ, જોયું તો મમ્મી મસાલાની નાની-નાની ડબ્બીઓમાં મસાલા અલગ કરી રહી હતી. ઉષ્માએ ભારે અચરજ સાથે મમ્મીને પૂછી લીધું. મમ્મીએ પ્રેમપૂર્વક જવાબ આપ્યો, “તારી પ્રતીતિભાભીને રસોડામાં કોઈ તકલીફ ના પડે એટલે બધું જ પૅક કરી આપું છું, તારા વિપિનભાઈને આમેય રસોઈમાં એક મસાલો ઓછો હોય તો રસોઈ નથી ભાવતી.” મમ્મીની આંખો જરા નરમ થઈ રહી હતી.
“એટલે ભાઈ અલગ રહેવા જાય છે?” જાણે હૃદયમાં શૂળ ભોંકાઈ હોય એવા આભાસ સાથે ઉષ્મા મમ્મી સામે જોઈ રહી.
“હા, બેટા” મમ્મીએ એક ઊંડો નિસાસો નાખ્યો.
ઉષ્માના ચહેરા પરની ખુશીઓની રેખાઓ ઝાંખી પડી રહી હતી. ભાઈ ક્યારેય મમ્મી-પપ્પાને છોડીને નહીં જાય એ વિશ્વાસ કાચની જેમ આજે તૂટી રહ્યો હતો અને કાચના એ ટુકડાઓ હૃદયને ઘા આપી રહ્યા હતા.
રસોડામાં જ એકીટશે કામ કરતી મમ્મીને નિહાળી રહી હતી, બહાર આવીને જોયું તો પપ્પા આજે એમના સમાચારનો સમય હોવા છતાં ટીવી બંધ કરીને મુદ્રા સાથે રમી રહ્યાં હતા... કેમ કે મુદ્રા હવે બસ થોડા દિવસમાં જ એના દાદાથી અલગ થવાની હતી અને દાદા પોતાનો મહત્તમ સમય મુદ્રાને આપી રહ્યાં હતાં. બિચારી નાની મુદ્રાને તો એવું જ હતું કે જ્યાં રહેવા જઈએ ત્યાં દાદા-દાદી તો આવાનાં જ છે ને! હકીકતથી મુદ્રા વાકેફ નહોતી.
ઉષ્માના મમ્મી અને પપ્પાના હૃદયમાં દુખ અને ગ્લાનિનો ઘૂઘવતો મહાસાગર હિલોળા લઈ રહ્યો હતો, પણ એમણે દુખનું એકેય મોજું બહાર નહોતું આવવા દીધું. ઉષ્મા આ મહાસાગરને સ્પષ્ટ જોઈ શકતી હતી. ઉષ્માનાં મનનાં વિચારો એને બાળપણની યાદોમાં ધકેલી રહ્યા હતા. હજુ હમણાં તો પપ્પા બંનેને આંગળી પકડીને બાલમંદિર મૂકવા આવ્યા હતા, હજુ હમણાં જ તો મમ્મી-પપ્પા સાથે આંગળી પકડીને બજાર ખરીદી કરવા જતાં હતાં ત્યારે રમકડાં માટેની બંનેની જીદ ને હસતાં હસતાં પપ્પાએ ન્યાય આપ્યો... હજુ હમણાં જ તો બંનેની કોલેજમાં એડમિશન માટે દોડાદોડી કરી રહેલા પપ્પા નજર સમક્ષ હતા અને આ બધાયમાં બધાની પડખે રહેલી મમ્મી નજર સમક્ષ તરવરતી રહી. હજુ તો ભાઈનાં લગ્નની ખુશી અને મુદ્રાના જન્મની ખુશીનો માહોલ ઓસર્યો જ નહોતો. મમ્મી-પપ્પાની આંખોમાં કેટકેટલી આશાઓ અને અપેક્ષાઓએ જન્મ લીધો હતો અને હવે અચાનક જ આમ ભાઈની અલગ રહેવાની વાત ઉષ્માને આજે ઉદાસ અને નિરાશ કરી રહી હતી.
સ્નેહસૂત્રથી બધા એક જ માળામાં બંધાયેલા હતાં અને આજે એક મણકો માળાથી અલગ થવા મથામણ કરી રહ્યો હતો. એને શું ખબર કે એના એકલાના જવાથી બધા મણકા માળામાંથી સરી પડશે. ભાઈને સમજાવવાનો હવે કોઈ અર્થ નહોતો. ભાઈ અને ભાભી વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વાદ-વિવાદના અંતે લેવાયેલો નિર્ણય હતો.
****
ઉષ્માનું હૃદય ભારે હતું. મમ્મીએ બનાવેલી રોટલી એક ડિશમાં લઈ ઉષ્મા પોતાના રૂમમાં આવી. જોયું તો એ ઉંદર હજુય જાણે ઉષ્માની રાહ જોતો હોય એમ ટેબલ નીચે લપાઈ રહ્યો હતો. આ એ જ ઉંદર હતો જ્યારે પોતાના રૂમમાં વાંચતી ત્યારે એની પાસે આવી જતો હતો. એક ભાઈબંધી ને લાગણી બંધાઈ ગઈ હતી એ ઉંદર સાથે. એને રોટલી લઈ દરમાં જતો જોઈ એનાં હૈયે ટાઢક વળી. એટલામાં તો ઉષ્માનો ભાઈ રૂમમાં આવ્યો અને આવતાં જ ઉષ્માને ફરિયાદ કરી, “ ઉષ્મા! મને ફોન ના કરાય? હું આવી જાત તને રેલ્વે સ્ટેશન લેવા માટે!”
“ના ભાઈ! હું તને ક્યાં હેરાન કરું?” ઉષ્માએ ભાઈ સાથે આંખ પરોવ્યા વગર જ જવાબ આપી દીધો.
એટલામાં ભાઈની નજર એ ઉંદર પર પડતાં જ એનાથી ના રહેવાયું, “ઉષ્મા, આ ઉંદર હજુય તારા રૂમમાં છે? હું કાલે જ ઉંદર પકડવાનું પીંજરુ લઈ આવું છું અને આને દૂર મૂકી આવું છું.”
“ના ભાઈ ના! આ ઉંદર મને બિલકુલ હેરાન નથી કરતો, અને આ ઉંદર એકલો નથી રહેતો એના દરમાં એના માં-બાપ પણ રહે છે, જો તું આને દૂર મૂકી આવીશ તો એ બંને એકલા પડી જશે. એમનો ઘડપણનો સહારો છીનવાઈ જશે. ભાઈ! બધા જ એકબીજા જોડે સ્નેહ સેતુ વડે જોડાયેલા છે અને એના જતાં જ એના માં-બાપ બંને એની યાદમાં ઝૂરી જશે. એમનું દર અને ઘર બંને વિખેરાઈ જશે.” ઉષ્માના આંખમાંથી અશ્રુધારા પોતાનો રસ્તો શોધી રહી હતી.
વિપિન ઉષ્માની આંખો મૂક મને જોઈ રહ્યો હતો.
****
આજે મુદ્રાને લેવા માટે સ્કૂલ બસ નહોતી આવી અને મુદ્રાની આજથી પરીક્ષાઓ શરૂ હતી. પ્રાપ્તિ આ વાત વિપિનને ફોનમાં જણાવી રહી હતી. જોકે, સામે છેડે વિપિનને બિલકુલ ચિંતા નહોતી કેમ કે મુદ્રાના દાદા એની સાથે જ હતાં અને સ્કૂટર પર મૂકવા જવાની તૈયારી કરી રહ્યાં હતાં. અને બીજી બાજુ દાદી મુદ્રા માટે દૂધ લાવી રહી હતી. મુદ્રા આજે ત્રીજા ધોરણમાં હતી. પહેલું જ પેપર ગુજરાતીનું હતું... ને મુદ્રા પહેલો જ નિબંધ સુંદર અક્ષરે લખી રહી હતી અને એ નિબંધનો વિષય હતો...
“મારા દાદા-દાદી”
