STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

4  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

સ્મશાનમાં ભીડ કેમ જામી?

સ્મશાનમાં ભીડ કેમ જામી?

3 mins
3

સ્મશાનમાં ભીડ કેમ જામી?

મારા વતનમાં એક મોટી ઉંમરના દાદા રહે. ઉંમરના હિસાબે એક દિવસ એમની તબિયત થોડી નરમ-ગરમ થઈ, એટલે ખાટલામાં આડા પડ્યા હતા. 

ગામના એક ભાઈને આ વાતની ખબર પડી એટલે તેઓ ખબર કાઢવા આવ્યા. 

દાદાને મળીને ભાઈ હજુ ડેલી બહાર નીકળતા જ હતા, ત્યાં સામેથી ગામના બીજા એક ભાઈ સામા મળ્યા.

તેમણે પૂછ્યું, "કેમ ભાઈ, આ બાજુ ક્યાં આંટો માર્યો?"

પહેલા ભાઈએ સહજભાવે કહ્યું, "અરે ભાઈ આ તો ભલા દાદા જરા બીમાર છે, એટલે ખબર કાઢવા આવ્યો હતો."

વાત અહીંથી આગળ વધી. બીજા ભાઈ ત્રીજા ભાઈને મળ્યા અને બોલ્યા, "સાંભળ્યું? ભલા  દાદા તો બહુ બીમાર છે!"

ત્રીજા ભાઈએ ચોથા ભાઈને મળતાંવેંત ચિંતાના સૂરમાં કહ્યું, "અરે ભાઈ, ભલા દાદાની હાલત એવી છે કે કદાચ દવાખાનામાં દાખલ કરવા પડે એવું બને!"

ચોથા ભાઈએ પાંચમા ભાઈ આગળ મરચું-મીઠું ભભરાવ્યું, "ભલા દાદાની હાલત તો બહુ ગંભીર છે હોં!"

પાંચમા ભાઈએ છઠ્ઠા ભાઈને અફસોસ સાથે કહ્યું, "ભલા દાદા તો મરણ પથારીએ છે, કંઈ નક્કી નહીં!"

છઠ્ઠા ભાઈએ સાતમા ભાઈના કાનમાં ફૂંક મારી, "ભાઈ, ભલા દાદાને તો હવે સાંજ-સવાર છે, ઘડી-બે ઘડીના મહેમાન છે!"

સાતમા ભાઈએ આઠમા ભાઈને ગંભીર ચહેરે જણાવ્યું, "ભલા દાદા હવે લાંબું ખેંચે એવું લાગતું નથી!"

આઠમા ભાઈએ નવમા ભાઈને વાત પહોંચાડી, "ભલા દાદાની તબિયત એટલી લથડી છે કે કદાચ કાલનો સૂરજ પણ ના જુએ!"

નવમા ભાઈએ દસમા ભાઈને કહ્યું, "ભલા દાદા હવે ગમે તે ઘડીએ ગુજરી જાય તો નવાઈ નહીં!"

અને આખરે, દસમા ભાઈએ અગિયારમા ભાઈને રોકકળ જેવો ચહેરો કરીને છેલ્લી મહોર મારી દીધી, "અરેરે, ભલા દાદા ગુજરી ગયા!"

વાત જ્યારે બારમા ભાઈ સુધી પહોંચી ત્યારે તો એ અફવા નહીં, સો ટકાનો ‘સત્તાવાર સમાચાર’ બની ગઈ હતી! બારમા ભાઈ ઉત્સાહી અને સમાજસેવી જીવડા હતા. સમાચાર સાંભળતાં જ એમણે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢ્યો, બે-ચાર ગ્રૂપમાં મેસેજ વહેતા કર્યા અને સીધા સ્મશાન તરફ દોડ્યા.

સ્મશાને પહોંચીને તેમણે હાજર પાંચ-દસ લોકોને કહ્યું કે, "ભલા દાદા શાંતિ પામ્યા છે, તૈયારી કરો." જોતજોતામાં તો સંદેશો આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગયો અને સ્મશાનમાં લોકોની મોટી ભીડ જામી ગઈ. સેવાભાવી કાર્યકરોએ તો પુણ્યનું કામ સમજીને લાકડાં ગોઠવીને ચિતા પણ ખડકી દીધી!

પરંતુ, એક કલાક વીતી ગયો... બે કલાક વીતી ગયા... સ્મશાનયાત્રા, ડાઘુ  કે નનામીનો કોઈ અતોપતો જ નહીં!

બધા સ્મશાનના ઝાંપે આંખો તાકીને બેઠા હતા. આખરે અધીરા થયેલા એક ભાઈથી રહેવાયું નહીં. એમણે બારમા ભાઈને પૂછ્યું, "અરે ભાઈ, કોઈ જરા ફોન કરીને પૂછો તો ખરા કે હજી કેટલી વાર છે? બહુ વાર હોય તો આપણે ત્યાં સુધી ગામના નાકે જઈને ચા-પાણી પી આવીએ!"

એટલે એક જણે હિંમત કરીને દાદાના ઘરના નજીકના સંબંધીને ફોન જોડ્યો અને પૂછ્યું, "કેમ ભાઈ, હજુ સ્મશાનયાત્રા કેમ નીકળી નથી? બધી તૈયારી થઈ ગઈ છે!"

સામે છેડેથી સંબંધીએ આશ્ચર્ય અને હાસ્ય સાથે જવાબ આપ્યો,

"અરે ભાઈ, કઈ સ્મશાનયાત્રા?! દાદા તો કાલે ખાલી જરા ઢીલા હતા. આજે સવારે તો એકદમ ટણટણિયા થઈને, ધોતીિયું ચડાવીને ગામના ચોરે ગાંઠિયા-જલેબી ખાવા ગયા છે!"

આ સાંભળીને સ્મશાનમાં ઊભેલા બધા એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા અને ચિતા માટે ખડકેલા લાકડાં પાછા ઉતારવા માંડ્યા! અને બધા પહોંચ્યા ગાંઠિયા જલેબી ખાવા દુકાને!


સામગ્રીને રેટ આપો
લોગિન