રફતાર
રફતાર
પૂરપાટ ઝડપે દોડતી ટ્રેન અનેક જિંદગીઓને પણ પોતાની સાથે દોડાવી રહી હતી. ટ્રેનનાં દરેક ડબ્બામાં અને એનાં દરેક કમ્પાર્ટમેન્ટમાં બેસેલા મુસાફરો પોતાની તેમ જ અન્યની ખુશીઓ તથા તકલીફોને એકબીજા સાથે ‘શેર’ કરી રહ્યાં હતાં. કોઈક મુસાફર અખબારમાં ગઈકાલની તાજી ખબર વાંચવામાં મશગૂલ હતું, તો કોઈક પત્તા રમવામાં... કોઈક નિદ્રાધીન થઈ રહ્યું હતું, તો વળી કોઈકની નજર નવા-નવા શિકારો શોધવામાં વ્યસ્ત હતી. પરંતુ, આ બધી ગતિમતિઓથી તદ્દન વિપરીત પરિસ્થિતિ ટ્રેનનાં એક ડબ્બાના દરવાજે ઝૂલી રહી હતી.
”દેવ... આ તે કંઈ જિંદગી છે..? બસ હવે તો નથી જીરવાતું...” દિશાએ એક હાથે ડબ્બાના એ દરવાજાનો સળિયો મજબૂત રીતે પકડી રાખ્યો હતો, અને બીજા હાથે - ધસમસતા પવનમાં ઉલઝી રહેલી વાળની લટોને પોતાના ચહેરા પરથી હટાવીને કાન પાછળ ખોસતા કહ્યું.
“પણ, એમ તું હિંમત હારી જાય એ કેમ ચાલે, દિશા..?” એ જાણતી હતી કે દેવ આજે પણ એને એ જ વાત સમજાવવાની કોશિશ કરી રહ્યો છે.
“..અને ક્યાં સુધી આમ અલગ-અલગ જ રહીશું આપણે..?” દિશાએ એક નિસાસો મૂકતાં દલીલ આગળ વધારી.
“અલગ ક્યાં છીએ..?” દેવ હળવું સ્મિત વેરતા દિશાને હિંમત આપી રહ્યો હતો, “..આવતા- જતા આપણે હંમેશા સાથે જ તો હોઈએ છીએ...”
ઉત્કંઠાથી એ દેવને નિહાળી રહી હતી. પવનના સુસવાટામાં ઊડીને એનાં હોઠ પર વળગેલું એક શુષ્ક પાંદડું દેવે હળવેથી છેટું કર્યું. એનાં ભીનાં હોઠનો સ્પર્શ દેવના હૃદયમાં હંમેશા સ્પંદનો જગાડતો રહેતો. આજે પણ રોજની જેમ જ એણે દેવને પ્રણયના રંગે તરબતર થયેલો ભાળ્યો. દિશા પોતાનાં હોઠ પર દેવની આંગળીઓના સ્પર્શની નજાકત માણી રહી હતી; મુસ્કાઈ રહી હતી; શરમાઈ રહી હતી... એણે પોતાની મૃદુ પાંપણો હળવેથી ઢાળી દીધી. પરંતુ, બીજી જ ક્ષણે ફરી એકવાર એનાં માસૂમ ચહેરા પર નિરાશાના વાદળો ઘેરાઈ ઊઠયાં…
ટ્રેનનાં એ ડબ્બામાં આમ તો ખાસ ગિરદી રહેતી નહીં, છતાંયે દિશાને દરવાજે ઊભા રહીને દેવ સાથે એકાંતની પળો માણવાનું ગમતું.
“અંદર કેમ નથી બેસી જતી…? સીટ ખાલી છે તોયે…” ડબ્બામાં ચઢતી-ઊતરતી અમુક વ્યક્તિઓ એને ટોકતીયે ખરી.
“દરવાજે લટકીને નાટક શેનાં માંડ્યાં કરે છે રોજના…?”-જેવો કચવાટ સાંભળતા ઘણી વખત એણે હડસેલોયે ખાવો પડતો.
દેવ ક્યારેક અકળાઈ ઊઠતો, પણ દિશા તરત એને વાળી લેતી. ને એ સમજી જતો.
દિશાને પણ એમ તો અંદેશો હતો જ કે અમુક ખાસ મહિલાઓની તિરસ્કૃત નજર એનાં પર મંડાયેલી રહે છે. પરંતુ, એ બધાં કટુવચનો તથા ઉપહાસ અવગણી આંખ આડા કાન કરી લેતી. જાણે કે આ બધી વાતોથી એ છેટી જ રહેવા માગતી હોય.
ને દેવ… દેવ તો એકદમ જંજાળમુક્ત, પહેલેથી જ ! કોઈ એના વિશે એમ પણ નહીં કહે કે એ બહુ શાંત, અને કોઈ એમ પણ નહીં કહે કે એ બહુ મસ્તીખોર! દિશાને પણ જાણ હતી કે દેવ માત્ર અને માત્ર પોતાનાં માટે જ ટ્રેનમાં, અને તેય આ જ ડબ્બામાં આવતો, ને પોતાની સાથે દરવાજે જ ઊભો રહેતો. જો કે દેવને ટ્રેનની આ પૂરપાટ ઝડપ બહુ ડરાવતી. પરંતુ, એના ડરની આગળ તો દિશા હતી. અને એ હંમેશા પોતાની દિશા તરફ જ મંડાયેલો રહેતો.
દિશા અને દેવ બંને – છેલ્લા બે મહિનાથી પોતપોતાના માતા-પિતાને તથા પરિવારના લગભગ દરેક સભ્યોને સમજાવી રહ્યાં હતાં, મનાવી રહ્યાં હતાં. પરંતુ, ધર્મ-નિરપેક્ષ રાષ્ટ્રમાં પણ એમના પરધર્મ લગ્ન-બંધન આડેની અડચણો દૂર થતી નહોતી. એમનાં આંતર-ધર્મીય મેળાપ માટે પારિવારિક મંજૂરીની મહોર લાગતી નહોતી…
દરેક નવા ઊગતા દિવસે દેવ સહજતાથી દિશાને સાંત્વના આપતો, “આજે નહીં ને કાલે… એક દિવસ તો આપણે આપણા વડીલોને મનાવી જ લઈશું...”
દેવ પહેલેથી એ વાતે વાકેફગાર હતો જ કે પોતાના ઘરવાળાઓ દિશા માટે, અને ખાસ કરીને એનાં ધર્મ માટે જ વિરોધ કરી રહ્યાં છે… અને એટલે જ તો દેવને ખાતર – પોતાની ચાહતને ખાતર, દિશા ધર્મ-પરિવર્તન કરીને ‘ફિઝા’માંથી ‘દિશા’ બની ચૂકી હતી. તોયે એ બંનેનાં પ્રેમનું કોઈ જ સુખદ પરિણામ આવ્યું નહોતું.
“નથી જીરવાતી આ જિંદગી હવે તો, દેવ…” જાણે કે આજે અંતિમ નિર્ણય લઈ જ લેવાની હોય એમ ફિઝા ઉર્ફે દિશા ઝનૂને ચઢતાં બોલી, “દેવ… મને તારી આગોશમાં સમાવી લે… હંમેશ હંમેશ માટે…”
ટ્રેનની પૂરપાટ ઝડપ અને એની તીવ્રતાને લીધે સુસવાટા મારતા પવન સામે દિશાએ આજે બાથ ભીડી લેવાનો આખરી મનસૂબો બનાવી લીધો હતો. એ સ્વગત બબડી… “આ રફતાર જ હવે તો આપણું અતૂટ મિલન શક્ય બનાવી શકશે..!”
અને આખરે…
દેવના પ્રત્યુત્તરની રાહ જોયા વગર… એના ચહેરાના હાવભાવ વાંચ્યા વગર… દેવની રોજરોજની વારંવારની લાખ કોશિશ – સમજાવટ છતાં પણ… આખરે દિશાએ દરવાજાના સળિયાની પોતાની મજબૂત પકડ ઢીલી કરી જ દીધી, અને ચાલુ ટ્રેને પડતું મૂક્યું…
અને આખરે, ટ્રેનની બહાર ઊંધી દિશામાં પસાર થઈ રહેલી ફિઝાઓમાં એ વિલીન થઈ ગઈ.
દેવ ચિત્કાર કરી ઊઠ્યો. એ ફરી એક વખત નિષ્ફળ નીવડ્યો હતો. એ ન તો પોતાના પરિવારને મનાવી શક્યો હતો, કે ન તો દિશાને આત્મહત્યા કરતા રોકી શક્યો !
* * *
‘ચેઈન પૂલિંગ’ થયું. ટ્રેન તાત્કાલિક ઊભી રહી ગઈ. તપાસ કરતા કરતા રેલ્વે પોલીસકર્મીઓ ‘લેડીઝ’ ડબ્બા આગળ આવીને ઊભા રહ્યા - જેમાંથી દિશાએ ભૂસકો માર્યો હતો... એ ડબ્બાની યુવતીઓની પૂછપરછ કરવામાં આવી.
“અમે તો જાણતાં જ હતાં, સાહેબ… કે એ છોકરી એક ને એક દિવસ ટ્રેનમાંથી ગબડવાની જ છે…” એક યુવતીએ બયાન આપ્યું.
“અમે તો એને ટોકતાં, ઠપકારતાં, સલાહ પણ આપતાં… પરંતુ, અમારું જો માને તો એ ‘પાગલ’ શાની…? અરે સાહેબ, સ્ટૅશન-માસ્તરને પણ એ ગાંડીની ફરિયાદ અમે કેટલીયે વખત કરી ચૂક્યાં હતાં, પરંતુ…” અન્ય એક યુવતી બોલી રહી હતી.
આખરે એક યુવતીએ પોલીસકર્મીઓને મહત્વની કડી પૂરી પાડતાં ઉમેર્યું, “છેલ્લા બે મહિનાથી સાહેબ, એ કાયમ ડબ્બાના દરવાજે જ ઊભી રહેતી… ને એકલી એકલી કંઈ કંઈ બબડતી રહેતી… ક્યારેક ખડખડાટ હસવા માંડતી, તો ક્યારેક અચાનક રડવા માંડતી… વળી ક્યારેક તો પોતાના બંને હાથ ફેલાવી દેતી, જાણે કે કોઈને આગોશમાં ન લેતી હોય...! સાઈકો હતી સાહેબ, એકદમ સાઈકો...!”
