Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

રિસાઈ કેમ ?

રિસાઈ કેમ ?

4 mins
7.1K


તમે શાને રિસાયા હું કેમ કરી મનાવું

મારા અપરાધ ક્ષમા કરશો હું વિનવું

રેખા વિચારોમાં ગરકાવ હતી. તેને ખબર ન હતી કયા કારણસર તેની  સહેલી મીતા તેનાથી રિસાઈ છે. દિવસમાં એક વખત વાત ન કરે તો બન્નેને ચેન પડતું નહી. સૂરજ કદાચ ઉગવાનું કે આથમવાનું ભૂલી જાય, આ બન્ને વાત કરવાનું ન વિસરે! રેેખા, સીધી લીટી જેવી અને મીતા દરિયાના મોજા જેવી. શું બન્ને વચ્ચે સમાન હતું એ એક વિકટ પ્રશ્ન હતો. તેમની મૈત્રી ગાઢ હતી.

આજે અઠવાડિયુ થઈ ગયું. રેખાએ બે વખત પ્રયત્ન કર્યો. ફૉન સીધો મેસેજમાં જતો. એણે મેસેજ મૂક્યા પણ જવાબ આવ્યો ન હતો. કોને ખબર શું વાંધો પડ્યો હશે? અટકળ કરવી પણ નકામી. જીંદગીમાં પહેલીવાર પંદર દિવસ સુધી તેની સાથે વાત થઈ ન હતી!

વિચાર કરીને થાકી, મગજ બધી દિશામાં દોડતું. આવું કંઈક થાય એટલે ખોટા વિચાર પહેલાં આવે. રેખા અને મીતા બાળપણથી એક શાળામાં અભ્યાસ કર્યો. અરે બન્ને સાથે એક કૉલેજમાં પણ ગયા. સાયન્સમાં જવાને બદલે કૉમર્સમાં ગયા. બે શરીર પણ એક પ્રાણ હતા. બધી વાત એકબીજાને કરવાની. સુખની હોયકે દુઃખની કશું છુપાવવાનું નહી. ભરોસો પણ ગળા સુધી હતો. તો પછી એવું તો શું કારણ હતું કે મીતા રિસાઈ હતી ? રેખા વિચાર કરી કરી ને થાકી. તેને ચેન પડતું ન હતું. મનમાં ઘેલો વિચાર પણ આવી ગયો. લાવ તેને ઘરે જઈને બારણું ખખડાવું. કિંતુ તેને ઘરે જવા માટે આખો દિવસ જોઈએ.

મીતા રહે વિક્ટોરિયા, ટેક્સાસ. રેખા રહે મેમોરિયલમાં. બાળકો નાના હતાં. એમ મૂકીને નિકળી ન જવાય. ટેક્સટ મેસેજના પણ જવાબ નહી. ખરેખર તો રેખાને  ચિંતા થવા લાગી. આવું તો જિંદગીમાં કદાપી બન્યું ન હતું. રેખાએ તેના જૉબ પર ફૉન કર્યો. આમ તો મીતાને ડાઈરેક્ટ લાઈન હતી. છતાં પણ ઑપરેટર થ્રુ કર્યો. ‘આઈ વીલ ટ્રાન્સફર’ કહીને ઑપરેટર તો છૂટી ગઈ. કોઈ મીતાની ઑફિસમાં હોય તો જવાબ આપે ને?

આખરે રેખાએ રાકેશને વાત કરી. રાકેશ પોતાની બિઝી લાઈફ હોવાને કારણે ગલ્લા તલ્લા કરવા લાગ્યો. અંતે હારીને કહે વિકએન્ડમાં તેને ત્યાં જઈશું. રેખાને કાળજે થોડી ઠંડક થઈ. રેખાએ પાછો એક વખત ફોન પણ કર્યો અને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો. કોઈ જવાબ ન હતો. છતાં પણ વિક્ટોરિયા જવા તૈયાર થઈ. રાકેશને છૂટકો ન હતો. એને ખબર હતી રેખા અને મીતા બે શરીર અને એક જાન હતા. શનીવારે સવારે નિકળ્યા. ‘આઇ હૉપ’માં ફુલ બ્રેકફાસ્ટ કર્યો. રેખાને ત્યાંની પૅન કૅક ખૂબ ભાવે. સાથે બેથી ત્રણ કપ કૉફીના પણ ગટગટાવી જાય. રાકેશે પણ દબાવ્યું. દરરોજ ઘરે ઝડપથી ખાતો હોય. આજે બિન્દાસ આરામથી ખાધું અને મોજ માણી.

વિક્ટોરિયા ડ્રાઈવ કરીને પહોંચતા બે કલાક લાગ્યા. રજાનો દિવસ હતો એટલે ગાડી સડસડાટ  મીતાના બારણે જઈને ઉભી રહી. રેખાને નવાઈ તો ત્યારે લાગી કે ઘર બંધ હતું. હવે શું? મોટો પ્રશ્નાર્થ ચિન્હ સતાવી રહ્યો. ભલું થજો કે ્રાકેશનો એક મિત્ર વિક્ટોરિયામાં હતો. થોડો વખત બન્ને જણાએ વિચાર કરવામાં ગાળ્યો. રેખાને એક રસ્તો સૂજ્યો.

‘ચાલને નેબરને પૂછીએ?'

‘રજાના દિવસે સવારના અગીયાર વાગે કોઈનું બારણું ઠોકીએ તો તેમને ગમશે?'

‘અરે, મીતાનો હસબન્ડ રેડિયોલોજીસ્ટ છે. નેબર સાથે રિલેશન સારા છે.'

અચકાતાં, અચકાતાં એક નેબરના બારણાની બેલ વગાડી.

‘હાય, સૉરી ટુ ડિસ્ટર્બ યુ. ડુ યુ નૉ વેર ઈઝ યોર ઈન્ડિયન નેબર્સ?'

‘એઝ ફાર એઝ વિ નૉ ધે હેવ ગોન ફૉર ઓસ્ટ્રેલિયા ટુર.'

‘ધેટ આઈ ન્યુ’, રેખા બોલી.

‘ધેટ્સ ઑલ વી નૉ.'

‘થેન્કસ કહી રેખા અને રાકેશે ગાડીમાં આવી બીજો ફોન કર્યો. રાકેશનો મિત્ર ઘરે હતો. તેણે ભાવભર્યું આમંત્રણ બન્નેને આપ્યું. બાળકો સાથે તેને ઘરે ગયા. રેખા અને મિત્ર પત્નીએ ગરમા ગરમ પુરી અને સૂકી ભાજી બનાવ્યા. સાથે મેંગો લસ્સી.

જમીને વાતે વળગ્યા. રેખાએ મીતાની વાત છેડી. તેઓ માત્ર એ કપલને ઓળખતાં હતાં. ડૉક્ટર હોવાને નાતે ઝાઝો સંબંધ ન હતો. તેમના બીજા મિત્રને ફૉન કરી માહિતી મેળવી શક્યા. રેખાને ખૂબ ચિંતા થઈ. સાંજના ઘરે આવતાં મોડું થઈ ગયું. બીજે દિવસે રેખાએ ટ્રાવેલિંગ કંપનીને ફોન કર્યો. એ તો વળી સારા નસિબ કે મીતાએ એજ ટુર લીધી હતી જે રેખા અને રાકેશે બે મહિના પહેલાં લીધી હતી.

પ્રાઈવસીને કારણે ટુરવાળા કોઈ ઈનફર્મેશન આપતા ન હતા. રેખાએ ટૉન બદલ્યો. પહેલાં ચીમકી આપી. પછી ધમકી આપી. અંતે તેમણે જણાવ્યું કે જે પ્લેનમાં તેઓ પાછાં આવતા હતાં એ પ્લેનને બીજા દિશામાં વાળી લઈ ગયા છે. આનાથી વધારે અમારી પાસે કોઈ ખબર નથી. મીતા અને ડૉ. મનોજનું આખું ફેમિલી ઈન્ડિયામાં હતું.

રેખા અને રાકેશે ખૂબ જહેમત ઉઠાવી. અંતે એક મહિના પછી તેમનો પત્તો લાગ્યો. અમેરિકન એમ્બસીએ ફુલ સપૉર્ટ આપ્યો. બધી સગવડ કરી આપી. અંતે જ્યારે સમાચાર મળ્યાકે ‘બ્રિટિશ એરવેઝ’માં હ્યુસ્ટન આવી રહ્યા છે ત્યારે રેખા અને રાકેશ એરપૉર્ટ પર તેમનું અભિવાદન કરવા હાજર હતા.

‘તમે લોકોએ મને ખૂબ ગભરાવી!' રેખા મીતાને ભેટી ડુસકા ભરી રહી હતી.

‘તું જાણે છે, મને તારા પર ગળા સુધી ખાતરી હતી. પૂછી જો મનોજને!'

‘અરે, અમારા ફોન જપ્ત કરી લીધા હતા. કોઈની સાથે સંપર્કમાં નહી.'

‘સાચું  કહું એ ભૂતકાળ સમજી ભૂલી જવું છે.'

‘પાગલ તારા મગજમાં એવો અસંગત વિચાર કેવી રીતે આવ્યો, હું તારાથી રિસાઈ છું? યાર તારાથી રિસાઈ હોય તેવું લાગે તો સમજી જજે હું કાયમને માટે વિદાય લઈ ચૂકી છું!'


Rate this content
Log in