રહેઠાણ
રહેઠાણ
દિયા પોતાની શાળામાંથી મળેલા પર્યાવરણ વિષય પર પ્રોજેક્ટ બનાવવા માટે બેઠી હતી. પોતાની મમ્મી સાથે ઘરના કમ્પાઉન્ડમાં ગુગલ પર પર્યાવરણ વિષય પર માહિતી સર્ચ કરવામાં વ્યસ્ત દિયા અને એની મમ્મી અચાનક બહાર જોરથી કોઈ અવાજ થતાં ચોંકી ગયા. તેમણે બહાર નજર કરી તો એમના કમ્પાઉન્ડમાં એક મોટુ વાનર આવી અને કૂદાકૂદ કરી રહ્યું હતું. એ વાનર એ કમ્પાઉન્ડમાં પડેલા એમના ટુ-વ્હીલર પર કૂદકો માર્યો હતો અને એના ધક્કાથી એ ટુ વ્હીલર નીચે પડી ગયું હતું. પોતાના નવાનક્કોર ટુ વ્હીલર માં મોટો ગોબો પડી ગાયનો જોઈને દિયા ને ખૂબ જ રોષ ચડ્યો. એ ગુસ્સામાં તાડૂકી ઊઠી," આ વાંદરાઓ પોતાનું રહેઠાણ છોડીને આપણા ઘર પાસે આવીને શું કામ કૂદાકૂદ કરતા હશે ? રોજ જ આવીને કંઈક ને કંઈક તોડી જાય છે અને નુકસાન કરી જાય છે." એની વાત સાંભળીને એની પર્યાવરણ પ્રેમી મમ્મીએ શાંતિથી એને જવાબ આપ્યો," બેટા, એ બિચારા આખરે જાય તો ક્યાં જાય ? આપણે માનવજાતિએ એ મૂંગા જીવો નું રહેઠાણ સુરક્ષિત ક્યાં રહેવા દીધું છે ?" આટલું બધું નુકસાન થયું હોવા છતાં પણ એ મૂંગા પ્રાણીઓની તરફેણ કરતી એની પર્યાવરણ પ્રેમી મમ્મીની વાત સાંભળીને દિયા અચંબામાં પડી ગઈ, જેની નોંધ એની મમ્મી એ તરત જ લઈ લીધી અને માટે એ પોતાની વાત દિયા ને વિસ્તારથી સમજાવવામાં માંડી," જો બેટા, હું તને સમજાવું. આ આપણું શહેર છે, બરાબર. હવે અહીં અચાનક કોઇ કુદરતી આફત આવી જાય અને આખું શહેર ખેદાનમેદાન થઈ જાય, બધા ઘરો જમીનદોસ્ત થઈ જાય તો બધા ઘરમાં વસતા લોકોનું શું થાય ?"
પોતાની મમ્મીના દ્વારા પૂછાયેલો પ્રશ્ન ખૂબ જ સરળ હતો એટલે દિયા એ તરત જ જવાબ આપ્યો," મમ્મી જો બધા લોકો બેઘર થઈ જાય તો એમને ટાઢ, તાપ અને વરસાદથી રક્ષણ ના મળે અને એના પરિણામે લોકો આમતેમ ભટકતા થઈ જાય અને કેટલા લોકોએ તો પોતાનો જીવ ગુમાવવો પડે." દિયા ની વાત સાંભળીને એની મમ્મીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું," બસ બેટા જે રીતે આપણુ રહેઠાણ ખેદાન-મેદાન થઇ જાય તો આપણે અસુરક્ષિત બની જઈએ એ જ રીતે આ મૂંગા પશુ પ્રાણીઓ પણ પોતાનું રહેઠાણ એટલે કે જંગલો ના ખેદાનમેદાન થવાથી અસુરક્ષિત થઈ જાય છે. આપણે માનવજાત,ભગવાને આપેલી આ હરિયાળી પૃથ્વીને માત્ર આપણી ધરોહર માનીને મન ફાવે એમ આપણા સ્વાર્થ અને સુવિધા માટે નુકસાન પહોંચાડતા જઈએ છીએ.પોતાના સુખ સાધન વધારવા માટે આપણે લાકડાની જરૂર પડે છે અને આપણે વૃક્ષો કાપતા જઈએ છીએ. અને જંગલોના જંગલ સાફ કરતા જઈએ છીએ, એ જંગલ વાસ્તવમાં આ પશુ-પંખીઓનું રહેઠાણ છે. જંગલો ને અનુરૂપ થઈને ઢળી ગયેલું એમનું જીવન એમનું રહેઠાણ ખેદાન-મેદાન થઈ જતા ભટકતા થઈ જાય છે. એમનું જીવન લીલોતરી પર આધારિત હોવાથી એ લીલોતરી જ્યારે નાશ પામે છે ત્યારે એ લોકો કાં તો ભૂખ્યા મરે છે અને કા તો પછી ભટકતા ભટકતા ખોરાકની શોધમાં શહેર તરફ મીટ માંડે છે. માટે ગુનેગાર એ લોકો નહીં ગુનેગાર તો હકીકતમાં માનવજાત છે જે દાનવ બની ને એમના રહેઠાણો નું સર્વનાશ કરે છે." પોતાની મમ્મીની વાત સાંભળીને દિયા એ દલીલ કરી," પણ મમ્મી માનવજાત માટે પણ વૃક્ષો કાપવું અનિવાર્ય થઈ જાય છે કારણ કે આપણી કેટલી જરૂરતો એ વૃક્ષ પર જ આધારિત હોય છે તો પછી આ સમસ્યાનું શું સમાધાન ?" પોતાની દીકરીની સમજદારી ભરી દલીલ સાંભળીને પ્રભાવિત થયેલી એની મમ્મી એ જવાબ આપ્યો કે દરેક સમસ્યાનું સમાધાન તો હોય જ છે. માટે મનુષ્ય વૃક્ષારોપણ પર ખુબજ ભાર આપવો જોઈએ અને જેમ બને એમ વધુ અને વધુ વૃક્ષો વાવવા જોઇએ જેથી કરીને આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળતું રહે અને આ મુંગા પ્રાણીઓ નું જીવન પણ સુરક્ષિત રહે . સ્કૂલમાં માત્ર પર્યાવરણના પ્રોજેક્ટ બનાવી ને સારા માર્કસ લાવવું અથવા તો પર્યાવરણ ને બચાવવા માટે સેમિનારો કરવા જ પૂરતા નથી પરંતુ એને બચાવવા માટે થતું યોગ્ય કાર્ય કરી અને એનું અમલીકરણ કરવું અગત્યનું છે. પોતાના મમ્મીની કહેલી વાત દિયા ને બરાબર ગળે ઉતરી ગઈ. ઊભી થઈને પોતાનાં રસોડામાં ગઈ અને ત્યાંથી કેળા લઈ આવી અને બહાર બેઠેલા વાનરોને ખવડાવવા માંડી. દિયા ને આ પ્રવૃત્તિ કરતા જોઈને એની મમ્મીને ખરેખર એનો પર્યાવરણ પર નો પ્રોજેક્ટ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ થયો હોય એવા સંતોષનો અનુભવ થયો.
