રાવણ
રાવણ
મારાં દ્રષ્ટિકોણથી રાવણ એક બળવાન, ગુણી અને તેજસ્વી પાત્ર હતું. રામાયણનું એવું પાત્ર, જેનામાં અવગુણ કરતાં ગુણોની પાત્રતા વધુ ચડિયાતી હતી...! છતાંય એની એક નાની સરખી ભૂલથી ઈતિહાસમાં વગોવાઈ ગયો.
રાવણ એક જ્ઞાની બ્રાહ્મણ હતો.
તે મહા પરાક્રમી, મહા પ્રતાપી, તેજસ્વી, ઓજસ્વી, રૂપવાન,ચારે વેદોનો જ્ઞાતા અને સંગીતનો જાણકાર હતો.
તેનામાં શિષ્ટાચાર અને ઊંચા આદર્શોવાળી મર્યાદા હતી.
તેણે સીતાજીને કહ્યું હતું કે, "હે સીતે ! જો તું મારા પ્રતિ કામભાવ નથી રાખતી તો હું તને સ્પર્શ ના કરી શકું."
મારી દ્રષ્ટીએ રાવણે એક એવું પાત્ર હતું કે જેને લીધે શ્રીરામનું ચરિત્ર આટલું બધું બળવાન બન્યું અને નિખરીને ઉભાર પામ્યું. એને કારણે આપણને હનુમાનજીના બુધ્ધિ ચાતુર્ય અને બળવત્તર પ્રતિભાનો પરિચય થયો...!
એને ને લીધે જ તો વિભિષણની સારપ ઉજાગર થઈ..!
એકવાર મંદોદરી ભક્તિમાં લીન હતી. વીણાનો તાર અચાનક તૂટી ગયો તો રાવણે પોતાની નસ કાપી એનાંથી વીણાનો તાર બનાવી દીધો..!
રાક્ષસી માતા અને ૠષિ પિતાનું સંતાન હોવાથી બે પરસ્પર વિરોધી વિચારધારાઓ એને વલોવતી રહેતી.
તેનામાં મોટામાં મોટો અવગુણ ફક્ત એનો અહંકાર હતો. એનાં અહંકારને વશ કરવો એના પોતાના માટે ય કઠીન હતો એટલે જ્યારે સ્વયં ઈશ્વર જન્મ ધારણ કરી પૃથ્વી પર અવતર્યા ત્યારે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા એણે કરી. એમના હાથે મૃત્યુ લેવું એમ મન બનાવી લીધું. મૃત્યુ બાદ પોતાના ભાઈને લંકાની રાજગાદી મળે એ આશયથી ભવબંધનના ફેરામાંથી મુક્તિ મળે એટલે સાક્ષાત વિષ્ણુનો અવતાર એવાં શ્રીરામનાં હાથે મોક્ષ પ્રાપ્તિ કરી...!
સાક્ષાત શ્રીરામ રાવણને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં. રામ બોલ્યાં હતાં કે રૂપ,સૌંદર્ય, ધીરજ, તેજ, ઓજ, કાંન્તિ અને સર્વ લક્ષણયુક્ત..., "હે રાવણ, તું અધર્મી ના હોત તો દેવલોકનો સ્વામી બની જાત...!
બીજું પ્રમાણ શું જોઈએ...?
એટલે મને લાગે છે કે રામજીએ રાવણનો વધ કર્યો એના માનમાં આપણે જો દિવાળી ઉજવતાં હોઈએ એના કરતા મને એવું લાગે છે કે આટલા મહાજ્ઞાની, મહાદેવ ભક્ત રાવણનાં અહંકારને ભસ્મીભૂત કરાવવા રાવણ સ્વયં મનથી તૈયાર થયો એ બહું મોટી વાત અને શ્રીરામ માટે બહું મોટી ઉપલબ્ધિ કહેવાય...! તો આવા ગુણી, વિરલા અને પરાક્રમી રાજા રાવણની યાદમાં પણ આપણે દીવડા પ્રગટાવી એને પણ વીરાંજલી કે શ્રધ્ધાંજલિ આપવી જોઈએ એવું નથી લાગતું ?
બાકી સ્વેચ્છાએ રાવણે, શ્રીરામનાં હાથે મોક્ષ પ્રાપ્તિની કામના કરી હતી. તો એનાં મોક્ષગમન માટે પણ દીપાવલી મનાવવી જોઈએ જ.
