DIPIKA CHAVDA

Children Stories

4.7  

DIPIKA CHAVDA

Children Stories

પૂરવ અને એલિયન

પૂરવ અને એલિયન

4 mins
399


દાદાજી આજે ઘરમાં રાત્રે સૂતાં પહેલાં રામાયણનાં પ્રસંગોની વાત કહેતાં હતાં. એ સમયમાં તો ગરૂડ, મોર, કાગડો જેવા પંખી અને હનુમાન જેવા વાનર તો જાંબુવન જેવાં રીંછ, આવા પશુ પક્ષીઓ પણ રામ ભગવાનને પણ મદદરૂપ થાય છે. આવી વાતો સાંભળીને પૂરવ ખુશ થઈ ગયો હતો. અને દાદાજીની સાથે વાતો કરતો કરતો ત્યાંજ સૂઈ ગયો હતો.

        પૂરવ ભરઊંઘમાં હતો. અને અચાનકજ એની આંખ ખુલી ગઈ. ચારેબાજુ ઘોર અંધકાર અને કાંઈક અપરિચિત આકૃતિ તેને રૂમમાં દેખાઈ. અને એનો અવાજ પણ અપરિચિત હતો. ઘડીભર તો પૂરવ ગભરાઈ ગયો. એણે સૂતાં પહેલાં દાદાનાં મોઢે રામાયણની વાર્તા સાંભળી હતી એટલે એને એમ થયું કે જરૂર આ કોઈ એમાંનું જ પાત્ર મને મળવા આવ્યું છે. 

      પેલી આકૃતિ પૂરવની બાજુમાં આવીને બેસી ગઈ. અને પૂરવનો હાથ પકડીને બોલી, “ હલ્લો, ! હું પરગ્રહવાસી છું. એલિયન. ! ફરતાં ફરતાં રસ્તો ભૂલી ગયો અને અહીં આવી ચડ્યો છું. તું મને મદદ કરીશ ? “ પૂરવ તરતજ બેઠો થઈ ગયો. અને ખુશ થતાં બોલી ઉઠ્યો. ‘ એલિયન ‘ ! નામ જ સાંભળ્યું હતું. આજે જોઈ પણ લીધું. પોતાના ગાલ પર ચૂંટી ખણીને ખાતરી કરી કે સાચી વાત જ છે ને ? સપનું તો નથીને ? હા હા, જરૂરથી તમને મદદ કરીશ.

        એલિયન બોલ્યો, મારે પૃથ્વીનાં લોકોને જોવા છે. એને ઓળખવા છે. તું મને લઈ જઈશ બહાર તારા ગામની મુલાકાતે ? અને પૂરવ એલિયનને લઈને બહાર નીકળી ગયો. પરોઢ થઈ ગઈ હતી. સૌ પોતપોતાનાં કામે લાગવા માંડ્યાં હતાં. સૌથી પહેલાં પૂરવનાં ઘરેજ દૂધવાળો આવ્યો, એણે મોઢા ઉપર માસ્ક પહેર્યું હતું. એલિયન એને જોઈ રહ્યો. એક વાત હતી કે એલિયન ખાલી પૂરવને જ દેખાતો હતો. બાકી એ અદ્રશ્ય રહીને જ બધું જોતો હતો. બહાર નીકળતાં જ દૂધવાળો, છાપાંવાળો, રીક્ષાડ્રાઈવર, સાઈકલ સવાર, ચાલીને જતાં લોકો, નિશાળે જતાં અને ઓફિસે જતાં કે કામે જતાં લોકો બધાનાં મોઢાં પર માસ્ક હતું.

         એલિયને પૂરવને પુછ્યું કે આ બધાએ મોઢા પર શું બાંધ્યું છે ? પૂરવે કહ્યું કે અત્યારે આખી પૃથ્વી પર ‘ કોરોના ‘ નામની બિમારી ફેલાયેલી છે. અને એનો ચેપ બધાને ના લાગે એટલે બધાએ મોઢા પર માસ્ક બાંધ્યું છે. જો મેં પણ બાંધ્યું છે ને ! પૂરવે કોરોનાની ગંભીરતા વિશે એલિયનને કહ્યું અને એલિયન વિચારવા લાગ્યું કે તો પછી આ બધા જમતાં કેવી રીતે હશે ? પાણી કેવીરીતે પીતાં હશે ? પાછો પૂરવ તો કહે છે કે ઘણાં બધાં લોકો તો મૃત્યુ પણ પામ્યા છે.

         એટલામાં થોડે આગળ ચાલતા ચાલતા જતાં હતાં ત્યાં રસ્તામાં એક માણસ રોડ ઉપર પાનની પિચકારી મારીને થૂંક્યો. એલિયન વિચારવા લાગ્યો કે આનો શું અર્થ ? કેટલાક લોકો પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરીને ફરે છે તો બીજી બાજુ આવા લોકો રોડ ઉપર થૂંકીને જંતુઓને ફેલાવે છે. અને ગંદકી કરે છે. 

       થોડે આગળ જતાં ત્રણ મિત્રો શેરીને નાકે ઊભા ઊભા માસ્કને દાઢીએ રાખીને વાતો કરતાં હતાં. તો એક પાનની દુકાને પંદરથી વીસ જણા ભેગાં થઈને ટીવીમાં મેચ જોતાં હતાં. અને કોઈએ માસ્ક પહેર્યું નહોતું. આ બધું જોઈને એલિયન વિચારે છે કે આવા બધા લોકો જ રોગનો ફેલાવો કરે છે. પોતે સમજતાં નથી કે આનો ચેપ પોતાનાં જ પરિવારનાં સભ્યને પણ લાગી શકે છે. હવે તો મારે જ કાંઈક કરવું પડશે.

        અને પોતે અદ્રશ્ય રહીને કોઈને દેખાય નહીં એમ ટપલીદાવની રમત શરૂ કરે છે. જે કોઈએ માસ્ક ના પહેર્યું હોય એને ટપલી મારીને કહે કે ‘ માસ્ક પહેરો ‘ .જાહેરમાં ગંદકી કરનારને પણ ‘ ગંદકી ના કરો જાહેરમાં ‘ એમ કહીને અટકાવે છે. ટોળે વળેલા લોકોને પણ અંતર રાખીને બેસો એવું કહે છે. આવું આખો દિવસ ચાલ્યું. પણ એકને કહે ત્યાં સામે બીજા ત્રણ એવીજ હાલતમાં જોવા મળે. એલિયન થાકી ગયો. એને થયું આ માનવજાત કદી નહીં સુધરે.

      એમ વિચારતાં એ પૂરવ સાથે પાછો ઘર તરફ આવે છે ને રસ્તામાં એક ઘરમાં રોકકળ સંભળાય છે. ખબર પડી કે કોરોનાં ને કારણે એ ઘરનાં મોભીનું અવસાન થયું હતું. અને માણસો ભેગાં થયા હતાં પણ કરુણતા એ જ હતી કે કોરોનાથી ઘરનાં મોભીને ગુમાવવા પડ્યાં છતાંય ત્યાં ભેગાં થયેલાં, કોઈ અંતર રાખીને બેઠાં નહોતાં કે કોઈએ માસ્ક પહેર્યું નહોતું. એલિયન થોડી ક્ષણ ત્યાં ઊભો રહી જાય છે. એને ઘણું મન થાય છે કે બૂમો પાડીને પોકારીને પોકારીને બધાને સમજાવું ! પણ આખો દિવસ એજ તો કર્યું હતું ને ! 

         અંતે શું થયું ? મોત ! કોઈ નહીં સમજે ! કદી નહીં સમજે ! એમ કહેતો પૂરવની સાથે એનાં ઘરે પહોંચ્યો. અને પૂરવને ધન્યવાદ આપીને દુઃખ સાથે કહે છે કે તારો ખૂબ ખૂબ આભાર કે તે મને તારા ગામની મુલાકાત કરાવી. મને તો એમ હતું કે પૃથ્વી પરના માનવો ખૂબજ ભણેલાં અને સમજદાર હોય છે. પણ આજે જોયું કે એક માનવ જ એવો છેકે બધું જાણતો હોવા છતાં બેદરકાર રહે છે. અને મોતને ભેટે છે. ચાલ હું હવે રજા લઉં છું. મારા પરગ્રહવાસીઓને પણ અહીંની વાત કરીશ અને શક્ય હશે તો અમે સૌ સાથે મળીને ફરીથી અહીં બધાને મૃત્યુની અને રોગની વાસ્તવિકતા સમજાવવા આવીશું.

        પૂરવે એલિયનને ઉદાસ ચહેરે વિદાય આપી. દાદાજી અને ઘરનાં બધાં પૂરવને ઘેરી વળ્યાં. અને પૂછવા લાગ્યા કે ક્યાં ગયો હતો સવારથી ? પૂરવે બધાને એલિયનની વાત કરી. અને સૌ એકસાથે બોલી ઉઠ્યા કે એલિયનની વાત સાચી છે.  “ પૃથ્વીવાસીઓ કદી નહીં સમજે. “ 


Rate this content
Log in