Arjunsinh Raulji

Others

1.3  

Arjunsinh Raulji

Others

પસ્તીવાળો

પસ્તીવાળો

7 mins
14.1K


નિશાએ ઘડીયાળમાં જોયું, લગભગ પાંચ વાગવા આવ્યા હતા. શ્યામનો આવવાનો ટાઇમ થઈ ગયો હતો. સવારના આઠ વાગ્યાનો ગયો હતો શ્યામ. તેને તેણે કેટલીય વખત કહ્યું કે આ પસ્તીનો તો કાંઈ ધંધો છે? આખો દિવસ રખડવાનું, ગલીએ ગલીએ અને સોસાયટી સોસાયટીએ રખડવાનું લારી લઈને...! પછી ઘેર આવ્યા પછી પણ આરામ કે નિરાંત નહીં. લારીમાં ભરી લાવેલ પસ્તીને છૂટી પાડવાની.

પુસ્તકો, કવરો, પેપરો, રદ્દી કાગળ, બધું અલગ પાડવાનું. કારણકે તે દરેકના ભાવ અલગ અલગ હોય. આખો દિવસ નીકળી જાય. પછી રાત્રે જથ્થાબંધ વેપારીને ત્યાં આપી આવવાની...! ત્યારે માંડ પાંચસો કે સાતસો-આઠસો રૂપિયા મળે...! વૈતરૂં જ કરવાનું ને? છતાંય ઘરખર્ચને પહોંચી વળાય એટલી પણ આવક ન થાય...!

તેણે કેટલીય વખત શ્યામને કહ્યું કે તું ધંધો બદલી નાખ. પણ તે સાંભળતો જ નથી. કહે છે કે કેમ જાણ્યું કે નવો ધંધો અનુકૂળ આવશે? બાકી આ પડોશવાળા ગજુભાઈ રીક્ષા ચલાવીને પણ દરરોજના પંદરસો – બે હજાર રૂપિયા કમાઈ લે છે...!

બાકી આ પસ્તીના ધંધામાં તો મોટા ખર્ચા કેવી રીતે કાઢવાના...?

આ આજની જ વાત લોને... શ્યામ તો સવારનો લારી લઈને નીકળી ગયો અને તેના ગયા પછી અડધા જ કલાકમાં બા પડી ગયાં બાથરૂમમાં... તેણે બાજુવાળા ગજુભાઈના દીકરાને તેને શોધવા દોડાવ્યો. પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં અને અહીં તો બા દર્દનાં માર્યાં ચીસા ચીસ કરતાં હતાં.

આથી શ્યામની રાહ જોવાના બદલે ૧૦૮ બોલાવી અને બાને દવાખાને લઈ ગયાં. ઘરમાં જે હજાર રૂપિયા પડ્યા હતા તે લઈને... પણ આ મોંઘવારીમાં તેની શી વિસાત ?! એક્સરે કઢાવ્યો, ફ્રેક્ચર થયું હતું – પગમાં... નીચેના પીંડીઓવાળા ભાગમાં ...!

હાડકાંનું કચુંબર થઈ ગયું હતું. ઓપરેશન કરવાનું હતું. ખાસ્સા ચાલીસ – પચાસ હજારનો ખર્ચ હતો. તે ક્યાંથી નિર્ણય લઈ શકે? તેની પાસે કાંઈ આટલા બધા રૂપિયા હતા? ડોક્ટરે તો ચોખ્ખું કહ્યું હતું કે રાત સુધીમાં નક્કી કરી લો – ઓપરેશન જરૂરી છે. નહીંતર માજીને આખી જિંદગી ખાટલામાં વિતાવવી પડશે... તેમનાથી ઊભું થવાશે નહીં...! તેણે ઘણી ઘણી વિનંતીઓ કરી કે –સાહેબ, અમે તો ગરીબ માણસ છીએ.

કાંઈક વાજબી કરો... પણ એ ડોક્ટર... હા... કદાચ ડો.વિનીત જ નામ હતું તેમનું... તેમણે ચોખ્ખું કહી દીધું કે ચાલીસ હજારથી એક પૈસો પણ ઓછો થશે નહીં અને તમે પચ્ચીસ હજાર જમા કરાવી દો એટલે હું ઓપરેશન શરૂ કરી દઉં...

નિશાએ ઘણી બધી વિનંતીઓ કરી કે સાહેબ, તમે ઓપરેશન કરી નાખો.

તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દઈશ... પણ આ ડોક્ટરો પણ હવે તો વેપારી બની ગયા છે. દયા જેવું તો કશું નથી તેમનામાં...!

દરદી દુ:ખી થાય છે તેનો તો વિચાર જ કરતા નથી. તેમનામાં માણસાઈ જેવું તો કશું જ બચ્યું નથી...! એટલે તે અત્યાર સુધી તો દવાખાને બા સાથે જ હતી... ડોક્ટરે દર્દના થાય તેવી ગોળીઓ બાને આપી હતી પણ રાત્રે તો ઓપરેશનનો નિર્ણય કરવાનો હતો – કદાચ પૈસાની પણ વ્યવસ્થા કરવી પડશે...!

નિશા શ્યામની રાહ જોતી હતી. બા દવાઓના કારણે સ્વસ્થ જ હતાં.

તેમણે જ તેને ઘેર મોકલી હતી. શ્યામના આવવાનો ટાઈમ થયો છે. જમવાનું બનાવી, પતાવી અને પસ્તીનો નિકાલ કરીને આવજો... કહ્યું હતું.

એવું પણ કહ્યું હતું કે પૈસાની વ્યવસ્થા ન થાય તો કાંઈ વાંધો નહીં. હું તો પડી રહીશ ખૂણામાં પણ ખોટું દેવું ન કરતાં...! માનો જીવ છેને? ઘરની હાલત બાથી કાંઈ અજાણી નથી...! પણ એમ કાંઈ બાને આખી જિંદગી રિબાવવા થોડાં દેવાય? શું કરીશું? પૈસાની સગવડ કેવી રીતે થશે? નિશાને ચિંતા થતી હતી...

તેને ખબર હતી કે શ્યામ પાસે પણ કોઈ જાદુઈ ચિરાગ નહોતો કે જેની પાસેથી તે પૈસા કઢાવી શકે...! બહુ બહુ તો કદાચ તેના શેઠ મદદ કરે તો... પણ એ આશા પણ નકામી હતી. શેઠ પાસેથી પહેલાં પણ વીસ હજાર રૂપિયા તો અગાઉ લાવ્યા હતા. એટલે હવે કદાચ વધારે ધીરાણ ન પણ આપે. વળી શેઠના દિલમાં રામ વસે અને ખાલી પચ્ચીસ હજાર રૂપિયા આપે તો પણ ઘણું છે...

કદાચ શેઠ પૈસા ન આપે તો પણ નિશાએ પોતાનું મંગળસૂત્ર વેચીને પણ સાસુનું ઓપરેશન કરાવવાની તૈયારી રાખી હતી... પણ...!

શ્યામ શું કહે છે તેના ઉપર બધો આધાર હતો...! તે શ્યામની જ રાહ જોઈ રહી હતી. હજુ કેમ ન આવ્યો? પસ્તી વધારે મળે તેમ હશે? એટલે જ તે લેવા રોકાયો હશે. ઘણીવાર આવું બનતું. જે છેલ્લી જગ્યાએ તે પસ્તી લેવા જાય ત્યાં વધારે પસ્તી હોય તો તેને વાર લાગતી! નક્કી આજે પણ એવું જ થયું હશે.

નિશા વિચારતી હતી. ચાલને એ આવે ત્યાં સુધી રોટલા ટીપી નાખું એટલે મોડું ન થાય. એ આવીને હાથપગ ધોઈ ફ્રેશ થાય ત્યાં સુધીમાં હું જ બધી પસ્તી છૂટી પાડી દઈશ. લારીમાં ભરીને દવાખાને જતાં જતાં જ શેઠિયાને ત્યાં આપતાં જઈશું. મારે જ જવું પડશે શ્યામ સાથે.

એ તો પાછો શરમાળ છે, પૈસા માગતાં તેને શરમ આવશે...!

વિચારતાં વિચારતાં નિશાએ રોટલા ટીપી નાખ્યા અને છેલ્લો રોટલો કલેડામાં ચઢતો હતો ત્યાં જ શ્યામ આવી ગયો. આવતાં વેં’તજ પૂછવા લાગ્યો, "બા ક્યાં?"

તેણે માંડીને બધી વાત કરી એટલે પહેલાં તો તે રડવા જ માંડ્યો. આખરે તેની મા હતીને? તેણે તેને સાંત્વના આપી છાનો રાખ્યો.

બંને જણ પસ્તી છૂટી પાડવા બેઠાં. આજે તો પસ્તી પણ વધારે મળી હતી. આખી લારી ભરીને પસ્તી મળી હતી. તેને છૂટી પાડતાં સહેજે બે કલાક નીકળી જશે અને પાછું બાની ચિંતામાં શ્યામનું ચિત્ત તો ઠેકાણે પણ નહોતું. હજુ તો પૈસાની પણ વ્યવસ્થા કરવાની બાકી હતી. સાથે મંગળસૂત્ર પણ લેવું પડશે. કદાચ તેનો શેઠિયો પૈસા આપવાની ના પાડે તો પાછું મંગળસૂત્ર લેવા ઘેર ન આવવું પડે.

નિશાનાં હાથ કામ કરતા હતા પણ મગજ તો ભમતું જ હતું. અચાનક તેના હાથમાં મોટું ભારે કવર આવી ગયું. તે તરત જ બોલી, "અરે! આ કવરમાં શું છે? બહુ વજનદાર છે." આટલું બોલીને તેણે કવર ખોલી નાખ્યું, શ્યામની નજર પણ તેના ઉપર ચોંટી ગઈ હતી.

કવર ખુલતાંની સાથેજ હજાર હજારની નોટોનાં બે બંડલ નીકળી પડ્યાં. એટલે બે લાખ રૂપિયા. નિશા આનંદથી ચીસ પાડી ઊઠી. શ્યામ પણ બોલ્યો, "ચાલો બાના નસીબે પૈસાની વ્યવસ્થા તો થઈ ગઈ પણ...!" તે કાંઈક વિચારતો હતો. નિશાએ પણ થોડો વિચાર કર્યો અને પછી પૂછ્યું, "તમને યાદ છે કે આ કવરવાળી પસ્તી તમે ક્યાંથી લીધી હતી ?" તેણે થોડો વિચાર કર્યો અને પછી બોલ્યો, "હા... બરાબર... આતો ઉષાકિરણ સોસાયટીના પાંચ નંબરમાંથી લીધેલી પસ્તી છે..." "તમને બરાબર યાદ છેને?" નિશા સરનામું પાકું કરવા માગતી હતી. "હા... હા... બસ... તો પછી એ નોટો કવરમાં મૂકી દો અને ચાલો... ત્યાં બા અને પેલો ડોક્ટર આપણી રાહ જોતા હશે... હું મંગળસૂત્ર પણ લઈ લઉં છું."

નિશા કાંઈક બોલતી હતી. કાંઈક વિચારતી હતી છતાં તેને કોઈક અજ્ઞાત ભયથી થથરતી પણ હતી.

"તમે શું વિચારો છો? તમે એજ વિચારો છો જે હું વિચારૂં છું? તે શ્યામને પૂછતી હતી છતાં મનમાં ગભરાતી પણ હતી. તેની ગભરામણ સાસુ માટેની હતી. એ સાસુ કે જેણે ક્યારેય સાસુપણું દર્શાવ્યું નહોતું.

તેણે પોતાની સગી મા તો જોઈ નહોતી. પણ આ સાસુએ ક્યારેય તેને માની ખોટ પડવા દીધી નહોતી. કાયમ તેને દીકરીની માફક જ રાખી હતી. ક્યારેય કડવાં વેણ કહ્યાં નહોતાં. તેનું કામ પણ એમણે જ કરી લીધું હતું. એ માને જો કાંઈ થઈ જશે તો...?! વિચારતાં જ ધ્રૂજી ઊઠતી હતી.

"તું શું વિચારે છે?" શ્યામ પૂછતો હતો.

"આ પૈસા આપણા નથી. તમે જે ઘેરથી પસ્તી લાવ્યા છો, તે ઘેર આપણે આપી જ દેવા જોઈએ... પણ હું એ વિચારૂં છું કે પછી ના કરે નારાયણ અને બાના ઓપરેશન માટે જો પૈસાની સગવડ નહીં થઈ શકે તો...?! અને મારું કહેવું એમ છે કે આપણે આ પૈસા દસેક દિવસ પછી પાછા આપવા જઈએ તો શો વાંધો છે? બાનું ઓપરેશન તો શાંતિથી પતી જાયને? અને પછી આપણે પૈસાની વ્યવસ્થા કરી શકીશું શાંતિથી. વ્યવસ્થા થશે એટલે આપી દઈશું આ પૈસા દૂધે ધોઈને..."

"ના... ના... નિશા એ તો બેઈમાની જ કહેવાયને? આ પૈસા ઉપર આપણો કોઈ અધિકાર નથી. આ પૈસા આપણા માટે હરામના પૈસા જ ગણાય...! બાનું ઓપરેશન થવાનું હશે તો થશે. પૈસાની વ્યવસ્થા નહીં થાય તો તારૂં મંગળસૂત્ર તો છેને?"

"હા... કદાચ આપણે આટલા બધા પૈસા પાછા આપીએ અને એ ઘરમાલિકના હૈયે રામ વસેને કદાચ બક્ષિસમાં ખુશ થઈને વીસ – પચ્ચીસ હજાર રૂપિયા આપી દે તો આપણે પ્રશ્ન હલ થઈ જાય. બાકી આ કવર ઉપર તો આપણો કોઈ અધિકાર નથી જ...!"

વાતો કરતાં કરતાં એ લોકો ઉષાકિરણ સોસાયટીમાં પહોંચી ગયાં. પાંચ નંબરના બંગલા પાસે જઈને ઊભાં રહ્યાં. બંગલાના આંગણાંમાં એક ચમચમાતી કાર ઊભી હતી. શ્યામ વિચારતો હતો કે તે જ્યારે પસ્તી લેવા આવ્યો ત્યારે તો ગાડી નહોતી. પણ... હા... કદાચ આ ગાડી બંગલાના માલિકની હતી. તે પસ્તી લેવા આવ્યો ત્યારે તો માત્ર મેમસાબ એકલાં જ હતાં. હવે સાહેબ આવી ગયા હશે.

તેણે આગળ વધીને ડોરબેલ વગાડી. તરત જ અંદરથી અવાજ આવ્યો, "કોણ?"

શ્યામ તરત જ બોલ્યો, "સાહેબ, હું પસ્તીવાળો..." સામે કોઈ પુરૂષ અવાજ હતો એટલે શ્યામે સાહેબ કહ્યું. થોડીવારમાં દરવાજો ખુલ્યો અને જે ભાઈ બહાર આવ્યા તેમને જોઈને નિશાના મોંઢામાંથી ઉદગાર નીકળી ગયો, "ડોક્ટરસાહેબ આપ?" અને પછી શ્યામ તરફ ફરી બોલી, "આ સાહેબના દવાખાનામાં જ બાને દાખલ કર્યાં છે અને આ સાહેબ જ બાનું ઓપરેશન કરવાના છે."

"હા... ભાઈ તમારાં બાનું ઓપરેશન મારે જ કરવાનું છે, પણ તમે લોકો કેમ આવ્યા છો?"

તરત જ શ્યામે પેલું પૈસાવાળું કવર કાઢ્યું અને બોલ્યો, "આજે સાંજે હું તમારે ઘેરથી પસ્તી લઈ ગયો હતો તેમાંથી આ કવર મળ્યું છે જેમાં બે લાખ રૂપિયા છે. લો સાહેબ... ગણી લો તમારી અમાનત...!"

ડોક્ટરે કવર હાથમાં લીધું, ફેરવી ફેરવીને જોયું. પછી ખોલ્યું, તેમાંથી નોટોનાં બંડલ કાઢ્યાં, ગણ્યાં અને પછી ઘરમાં જોઈ બૂમ પાડી, "સ્વાતિ... તારામાં તો અક્કલ જેવું કાંઈ છે કે નહીં? પસ્તીની ભેગા બે લાખ રૂપિયા પણ આપી દીધા...!" અને ઘરમાં જતાં પહેલાં શ્યામ અને નિશા તરફ ફરીને બોલ્યા, "તમારો ખૂબ ખૂબ આભાર... અને હા... જુઓ વહેલી તકે હોસ્પીટલમાં પૈસા જમા કરાવી દો એટલે બાનું ઓપરેશન થઈ જાય, બાની ચિંતા ના કરતાં, તમારાં બા એ મારાં પણ બા..."

શ્યામ અને નિશા મોં વકાસીને ડોક્ટર તરફ તાકી રહ્યાં.


Rate this content
Log in