Vrajlal Sapovadia

Children Stories

3  

Vrajlal Sapovadia

Children Stories

પશાભાઇની વાડીએ ડાયરો

પશાભાઇની વાડીએ ડાયરો

4 mins
198


પશાભાઇની વાડીએ અનોખો ડાયરો જામ્યો હતો. ડાયરાના કલાકારોએ અવનવા વેશ પહેર્યા હતા અને એકબીજાને ગીત શાયરીની ભાષામાં મેણાં ટોણા મારતા હતા. ગુજરાત બહારથી આવેલા બિચારા કાંઈ સમજતા નહોતા એટલે રીંગણાં જોખતા હતા. ડાયરાના પ્રમુખ માથે છત્રીની લાકડી ઓઢીને નીચે પટ્ટા વાળા લીલો લેંઘો પહેરી વાંકાચૂંકા ઉભા હતા. પોતાની ઓળખાણ આપતા કહ્યું અમે સ્વભાવે બહુ ચીકણા અને ભાદરવાના ભીંડાની જેમ ઝડપથી ઊંગીયે ત્યારે બહુ અભિમાન હોય કે આ વડલા પીપળાની અમારી સામે કોઈ વિસાત નથી. પણ ડાયરો પૂરો થાય ત્યાં સુધીમાં તો અમે લંઘાઈ જવા મંડીયે.


ત્યાં તો એક ક્યારામાંથી દેખાવમાં ભીંડાના મોટા ભાઈ લાગતા નિખાલસ એવા તુરીયા આવ્યા અને બોલ્યા 'તુરીયુ કહે હું ત્રણ દહાડા, ચીભડું કહે હું ચાર, પરવળ કહે હું પાંચ જ દહાડા, કાંદા લસણ ચીર કાળ'. એટલામાં ડુંગળી બાઈ હરખાતા સભામાં ઉભા થઇ ગયા. મૂળ રાતા ફૂલ ધોળા લીલા પાન જેવી ભૂંગળી, ગરીબની મેં લાજ રાખી હું ધન્ય માતા ડુંગળી. ડુંગળી કહે એ વાત સાચી કે સમારતા નેત્ર નીર ઝરે, ગરીબ જન ગન ગાય અને ભોંય ભીતર વૃદ્ધિ થતી, ખાતા શોક સમાય.

ટમેટા લાલ ચટાક, ચૂલે ચડે છે ફટાક, ખાધે બહુ ખાટામીઠા, બારે માસ થતા દીઠા.

એટલામાં લીલી છત્રી ઓઢી લાલ ચટક ટી શર્ટ પહેરેલ સુગંધી ટામેટા બોલ્યા અરે પશાભાઇ, વાડીમાં ડાયરાની જગ્યા સાંકળી હોય તો પાંચ જણને ડુંગળી ખાયને બેસાડી દ્યો બધા રફુચક્કર થઇ જશે. ડુંગળી બેન શરમાઈને બેસી ગયા ત્યાં ઉપર માથે મોટું લીલું છત્ર પહેરી સફેદ મેલાઘેલા લેંઘાધારી મૂળાભાઈ આવ્યા તો કેટલાય એકસાથે બોલ્યા, ભાજી શાકમાં નહિ ને મૂળો ઝાડમાં નહિ. લીલી પીળી ભાતવાળા વાંકા વળી ગયેલ કેળા ભાઈ બોલ્યા મફતના મૂળા કેળા કરતા સારા. બટકા એવા ટીંડોરાભાઈ કહે મોટાની વાદે મૂળા ના લેવાય. બટકબોલા રા.રા. પરવળ દિગાર ટિંડોરાની સામે જોઈ બોલ્યા માં મૂળો ને બાપ ગાજર અને પોતે શાકનો રાજા કહેવાય એમ કહી શેખી મારી, ઉત્તમ પરવળ શાકમાં, ઉત્તમ રાગ મલ્હાર, ચતુર મન ઈચ્છા કરે, શો ખપ દોય ગમાર, માંદાને મન ભાવતા સાજાને સુખકર, ધનિકને પ્રિય અતિ, શાકનો સરદાર.

બધા મનમાં ગણગણવા લાગ્યા કે અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી, 1947 પછી કેવા રાજા ને કેવી વાત! જુવો ને નાટકીયો ધોયેલ મૂળા જેવો પાછો આવ્યો.

પાતળી કાયા ને લીલી સાડી પહેરીને આવેલા ચોળીબેન બોલ્યા દૂધમાં ખાંડ ને મૂળામાં મીઠું. વાલોળ ચોરીને કહે તારી મને કહે થોડું વધારે ખાવાનું આપે, જો હું કેટલી પહોળી થઇને ફરું છું? વાલ પાપડી કહે બહુ આભિમાની છે આ વાલોળ તો! એના મનમાં બધા ભાજી મૂળા છે. રંગ રંગના રીંગણા, લાગે ભલે ઠીંગણા, સ્વાદે જરા સા તુરા, ઓળો ખાવ તો પુરા.

પોતાની ઊંચાઈ નાની એટલે જાત જાતના રીંગણાં બધા જાણે કોઈ રાજા મહારાજા હોય તેમ આગલી હરોળમાં બેઠા હતા. લીલી સી ટોપીમાં ટાંચણીયું લટકે પણ પશાભાઇએ સમજાવ્યું એતો કેવળ પોથીમાંનાં રીંગણાં છે. કેવા રાજા ને કેવી વાત. ઝાડ બીડ બળી ગયા ને રીંગણીએ હિમ ઠર્યા એટલે કે સારા માણસનો ભાવ ન પૂછ્યો ને ખોટા માણસને મોટા કર્યાં કારણ કે રીંગણાં ઠીંગણા હોય એટલે ડાયરો દેખી શકે એટલે આગળ બેસાડ્યા છે. ટામેટા ભાઈ બોલ્યા ઓહો આ તો દલા તારવાડીના રીંગણાં!

ઢળતી રાતે ઉજાગરો કરી થાકેલા રીંગણાં રીંગણાં ઝોખવા મંડ્યા એટલે પશાભાઇને ટીખળ સૂઝી ને એક રીંગણને કહે ભાજી લઇ આવ. એટલામાં રીંગણાંભાઈ બાજુના ક્યારામાંથી ભાજી તો લીધી પણ પશાભાઇ કહે અરે અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઇ આવ્યો કોથમીર! બે ત્રણ શાક એક સાથે બોલ્યા ભલે કોથમીર ભાજી નથી પણ એના વગર કાંઈ અમારી શોભા નહીં એ તો વિદુરજી ની ભાજી. ઉપદેશ આપતા રીંગણાં બોલ્યા, કોથમીર વગરની કાઢી એવી સ્ત્રી વગરની મઢી. પશાભાઇ પોતે ઉભા થઇ ને જાત જાતની ભાજી લાવ્યા ને બોલ્યા કે તાંદળજાની ભાજી ને વૈદ થાય રાજી.  ગરીબની બેલી ડુંગળી બોલી કુંવાડિયાની ભાજી ને ગરીબ થયા રાજી. પાલક મેથીની ભાજી, શિયાળે બહુ મળે રાજી, તુવેર પાપડી નાંખી, ઉંધિયા તણી ઝાંખી.

વેદ પુરાણ ભણેલા સરગવા ભાઈ બોલ્યા કે જેવી ભાઈની ભાજી એમાં બહેન રાજી ને ભાવની ભાજી સારી પણ ક-મનનો કંસાર ખોટો. અત્યાર સુધી ચૂપ એવા મેથી બેન બોલ્યા ભેંસ બ્રાહ્મણ ને ભાજી વધુ પાણીએ રાજી ને ડોડીની ભાજી ને રોટલા ખાઈને ભાંગે ઓટલા. પોતાના ગુણ ગાતા સરગવા ભાઈ બોલ્યા, લાંબી લાંબી લાકડી ને ઝાડ પાર ઊંધી લટકે, શીંગોનું તો શાક થાય, ચાટી ચાટી પટકે.

ગાજર દેખાવે મૂળા જેવા પણ મૂળાની નકલ ના થાય એટલે લાલ વસ્ત્રો પહેરી ઉપર લીલા છોગા લગાડી ને આવ્યા હતા ને પોતાની ઓળખાણ આપવા શ્લોક બોલવા લાગ્યા 'રાતા રાતા રતનજી ને ઉપર લીલા પાન, મૂળાનો તે સગો ભાઈ અથાણામાં માન'. બધા ગાજરની પપુડી વાગી ત્યાં સુધી વગાડી પછી ખાઈ ગયા એટલે સુરણબેન બોલ્યા બધાએ ગરજનાં માર્યા ગાજર ખાધા. સક્કર ટેટી કહે ગાજર કાપતા આવડે નહિ ને નવલખીનું બાનું લેવા જાય. લાંબી દૂધી લીલી લીસી, ચણા દાળ જોડે પીસી. દૂધીબેન કહે અમે રંગે લીલા ડીલે મોટા રૂપે ચમકતા લીસા, સ્વાદે મોળા પણ ચણાની દાળ જોડે ખાવ તો રંગત જુદી.  

ચીકણા ચીકણા ભીંડા, ભરી બેસનના પીંડા

ભીંડા મલકાતાં બોલ્યા અમે ભલે ચીકણા પણ અમારામાં ઇજિપ્તના પિરામિડની જેમ ચણાના લોટનો મસાલો  ભરી ને ખાશો તો બીજા શાકભાજી ભૂલી જશો. મૂળા ગાજર મોટા, મરચા વિના ખોટા, કોથમીર લાવે રંગ. સવારનો પહોર થયો બધા રીંગણાં ઝોખતા હતા ત્યાં મરચા ટપક્યા જાણે લીલું તીખું તરંકડુ ને ઉપર કલંકી ટોપી, લીલું સૂકું રાતું થતું છે મસાલાનું મોતી. ઘણા બધા શાક રાજી થઇ ગયા કે મરચા ને કોથમીર વગર અમે નકામા.

પશાભાઇ કહે તમને બધાને મોટા ખેડૂત કરે ને લે વેચ વેપારી કરે તો લસણ બોલ્યું કેળા કેરી ને કાંદા, વેપારી બારે માસ માંદા.

ડોડી કહે હું દિલ ભાવતી, સૌ કોઈ મને ખાય, ગરીબ લોક બહુ વાપરે, આંખે ઠંડક થાય. બીજા શાક ઉપર તરાપ પડતી જોઈ દૂધીબેન કહે પાઈની ભાજી ને ટકાનો વઘાર ને આ જમાનામાં તો ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા.


Rate this content
Log in