STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories

3  

Vrajlal Sapovadia

Children Stories

પૃથ્વીના ભાંડુ

પૃથ્વીના ભાંડુ

5 mins
1.0K


સૂર્યના સંતાન કેટલા ને પૌત્ર અને પૌત્રી કેટલા એનો વિવાદ ચાલ્યા જ કરે છે. સૂર્યને એક જ લાડલી દીકરી તે આપણી પૃથ્વી. હજી દસેક વરસ પહેલા એવું કહેવાતું કે સૂર્યમાળામાં 9 ગ્રહ છે. કુછંદી નીકળેલ 'પ્લુટો' ને સૂર્યના વકીલ એવા વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલા છાપામા જાહેરાત આપી ને કહી દીધું કે 'પ્લુટો' અમારા અસીલના કહ્યામાં નથી એટલે અમે એને ઘરમાંથી બહાર કાઢી મૂકીએ છીએ અને અમારા વતી કોઈ વ્યવહાર 'પ્લુટો' જોડે કરવો નહિ. આવો વહેવાર અમને બંધનકર્તા રહેશે નહિ.  એ પછી તરત જ પૃથ્વી ઉપર સાહિત્યકારોની સભા મળી અને તીખી બહેંશ થઇ કે "જમાઈ દશમો ગ્રહ છે" તે કહેવત બદલી "જમાઈ નવમો ગ્રહ છે" કરી દેવી.


કદમાં ગુરુ મોટો પણ બધા ભાંડુમાં ઉંમરમાં કોણ મોટું તે અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી. સુરજદાદાને પૃથ્વી ખુબ લાડકી એટલે ત્યાં જીવન માટે અમૃત સમાન પાણી આપ્યું અને જીવન માટે અનુકૂળ વાતાવરણ પણ આપ્યું. બાકી કોઈ ગ્રહને પાણી કે સુંદર હવામાન ના આપ્યું.


બુધ એ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે અને તેની નિકટતાને લીધે તે સંધ્યાકાળ સિવાય સહેલાઇથી દેખાતો નથી. એ સૌથી નાનો ગ્રહ છે. બુધને કોઈ ચંદ્ર નથી. બુધને સંતાન નથી એની ચિંતા કોરી ખાય છે તેના ચહેરામાં પુષ્કળ કરચલીઓ છે. બુધ પર તમારું વજન પૃથ્વી પરના તમારા વજનના 38% હશે. બુધ અને શુક્ર ઉપર દિવસની લંબાઈ જોતા નોકરી કરવી બહુ મુશ્કેલ છે. બુધની સપાટી પરનો એક દિવસ પૃથ્વીના 176 દિવસો જેવડો મોટો છે. બુધ સૂર્યથી સૌથી નજીક હોવા છતાં શુક્ર જેટલો ગરમ નથી. સૂર્યમાળામાં શુક્ર સૌથી ગરમ અને બીજા નંબરે બુધ ગરમ છે.


શુક્ર ઉપરનો એક દિવસ એક વર્ષ કરતા વધુ લાંબો છે. શુક્રનું નામ પ્રેમ અને સૌંદર્યની રોમન દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ હોવાને કારણે શુક્રને કેટલીકવાર પૃથ્વીનો બહેન કે ભાઈ ગ્રહ કહેવામાં આવે છે. શુક્ર એ ક્રમમાં સૂર્ય પછી બીજો ગ્રહ છે અને સૂર્ય અને ચંદ્ર પછી પૃથ્વીના આકાશમાં ત્રીજો તેજસ્વી પદાર્થ છે. શુક્રને કેટલીકવાર “સવારનો તારો” અને “સાંજનો તારો” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે પૃથ્વી ઉપરથી વહેલી સવારે અને સાંજે જ જોવા મળે છે. મોટાભાગના અન્ય ગ્રહો તેમની ધરી પર ઘડિયાળથી વિરુદ્દ દિશામાં (કાઉન્ટર-ક્લોકવાઇઝ) ફરતા હોય છે, જો કે યુરેનસની જેમ શુક્ર પણ ઘડિયાળની દિશામાં ફરે છે. શુક્ર અને પૃથ્વી; કદ, ઘનતા, સમૂહ અને જથ્થામાં સમાન છે. શુક્ર થોડો આળસુ છે એટલે પોતાની ધરી આસપાસ એક જ પરિભ્રમણ પૂર્ણ કરવા માટે આશરે 243 પૃથ્વી દિવસો લેતા, શુક્ર પરનો દિવસ કોઈ પણ અન્ય ગ્રહ કરતા વધુ લાંબો હોય છે.


પૃથ્વી સૂર્યથી ત્રીજા નંબરનો ગ્રહ છે. પૃથ્વી આપણા સૌરમંડળમાં ગ્રીક અથવા રોમન દેવતા નું નામ આપવામાં આવ્યું ન હોય તેવો એકમાત્ર ગ્રહ છે. પૃથ્વીનો એક જ કુદરતી ઉપગ્રહ ‘ચંદ્ર ‘ છે. ચંદ્ર એ આપણા સૌરમંડળના કોઈપણ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખુબ શક્તિશાળી છે. પૃથ્વીની 70% સપાટી પાણીથી ઢકાયેલી છે. જ્યારે અવકાશયાત્રીઓ પ્રથમ વખત અવકાશમાં ગયા, ત્યારે તેઓએ પ્રથમ વખત પૃથ્વી પર માનવ નજરથી જોયું તો બ્લુ પ્લેનેટ જોવા મળી કારણ દરિયાની સપાટી! બાકીનો 30% નક્કર જમીન છે. પૃથ્વી તેની ધરી પર ફરવા માટે 24 કલાક લેતી નથી, તે ખરેખર 23 કલાક, 56 મિનિટ અને 4 સેકંડ છે. પૃથ્વી એકદમ ગોળ નથી તે ધ્રુવ આગળ થોડી ચપટી અને 66 ડિગ્રી નમેલી છે. પૃથ્વીનું માત્ર 3% પાણી તાજું છે, બાકીનું 97% ખારું છે. તાજા 3% માંથી 2% બરફની ચાદરો અને હિમનદીઓમાં સ્થિર છે. એટલે કે 1% કરતા ઓછા તાજા પાણી તળાવ, નદીઓ અને ભૂગર્ભમાં જોવા મળે છે. પૃથ્વી એક માત્ર એવો ગ્રહ છે જ્યાં માનવ, પશુ, વનસ્પતિનું જીવન શક્ય બન્યું છે, રાત-દિવ

સ અને ઋતુ મનુષ્ય જીવનમાં વિવિધતા લાવે છે. પૃથ્વી ઉપર ચંદ્ર અને સૂર્ય ગ્રહણ થાય છે.


મંગળ સૂર્યનો ચોથો ગ્રહ છે અને સૂર્યમંડળનો બીજો સૌથી નાનો ગ્રહ છે. મંગળ ગ્રહ રંગે રાતો છે અને પૃથ્વીથી થોડો નાનો છે. સૂર્યમાળામાં સૌથી ઊંચો 21 કિલોમીટર પર્વત મંગળ ઉપર છે. મંગળ ઉપરથી સૂર્ય પૃથ્વી ઉપરથી દેખાય છે તેના કરતા અડધો દેખાય છે. મંગળ ઉપર પાણી જેવું કઈંક દેખાય છે પણ જરૂરી નહિ કે એ પાણી જ હોય. સૂર્યમાળામાં પાંચમા ક્રમે ગુરુ ગ્રહ આવે છે. ગુરુ સૌથી મોટો ગ્રહ છે અને સૂર્ય ગુરુથી 1000 ગણો મોટો છે. 11 પૃથ્વી એક લાઈનમાં ભેગી કરો તો ગુરુને એક આંટો મારી શકાય, જોકે ગુરુનું દળ 317 પૃથ્વી જેટલું થાય.  ગુરુને 80 કે તેનાથી વધુ ઉપગ્રહ છે, વૈજ્ઞાનિકો નવા નવા ઉપગ્રહો શોધતા જાય છે. બધા ગ્રહોમાં ગુરુ પોતાની ધરી આસપાસ સૌથી ઝડપથી ફરે છે એટલે ત્યાં દિવસ સૌથી નાનો 9 કલાક 55 મિનિટનો છે. સૂર્યથી દૂર હોવાને લીધે સૂર્યની એક પ્રદક્ષિણા પુરી કરતા 11.86 વરસ લાગે છે એટલે ત્યાં એક દિવાળી જાય પછી બીજી દિવાળી આવતા લગભગ 12 વરસ લાગી જાય! ગુરુમાં ખૂબ જ મજબૂત ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વી પર જોવા મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા લગભગ 14 ગણું મજબૂત છે, જે સૂર્યમંડળમાં સૌથી ઊંચું છે. ગુરુ બૃહસ્પતિ તરીકે પણ ઓળખાય છે અને ત્યાં પૃથ્વી અને મંગળ જેવા અન્ય ગ્રહોની જેમ રૂતુઓ નથી. સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચતા 8 મિનિટ લાગે છે તો ગુરુ ઉપર પહોંચતા 43 મિનિટ લાગે છે.


ગુરુ પછી સૂર્યમાળામાં છઠા ક્રમે શનિ આવે છે. ગુરુ પછી કદમા પણ શનિ બીજા નંબરે આવે છે. ગુરુ અને શનિ ગ્રહ વચ્ચે ઘણી સામ્યતા છે. શનિદાદા પાઘડી પહેરે છે તેને ફરતા તેજના વલય જોવા મળે છે. ગુરુની જેમ શનિને પણ લગભગ 80 ચંદ્ર છે. શનિ એ પાંચ ગ્રહોમાંથી એક છે જે નરી આંખે જોઇ શકાય છે. તે સૌરમંડળનો પાંચમો તેજસ્વી પદાર્થ છે. સૂર્યની કક્ષામાં ભ્રમણ કરતા શનિને 29.4 પૃથ્વી વર્ષ લાગે છે. શનિ સૌથી ઓછો ઘન ગ્રહ છે. શનિ ઉપર પ્રતિ કલાકે 1800 કિલોમીટર ની ઝડપે પવન વહાય છે. શનિને તેની ધરી ઉપર એક આંટો લગાવવામાં 10 કલાક અને 34 મિનિટનો સમય લાગે છે.બધા જ 8 ગ્રહમાં શનિ સૌથી વધુ સમતલ છે. શનિના ધ્રુવ વિષુવવૃતનાં 90% જેટલો વ્યાસ ધરાવે છે.


સાતમા ક્રમે આવેલ યુરેનસ દર 17 કલાક, 14 મિનિટમાં એકવાર તેની ધરી આસપાસ એક આંટો મારે છે. 84 વર્ષમાં યુરેનસ સૂર્યની આસપાસ એક જ સફર કરે છે. યુરેનસને ઘણીવાર “આઇસ-જાયન્ટ” ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. યુરેનસ સૌથી ઠંડો ગ્રહ છે. તે નરી આંખે દૃશ્યક્ષમ નથી અને તે ટેલિસ્કોપના ઉપયોગથી શોધાયેલ પ્રથમ ગ્રહ બન્યો. યુરેનસને ત્રણ ચંદ્ર છે. યુરેનસ 98 ડિગ્રી નમેલો હોય તે પોતાની ધરી આસપાસ લગભગ આડો ફરે છે, જયારે બીજા ગ્રહ લગભગ ઉભા કે ત્રાંસા ફરે છે.


નેપ્ચ્યુન એ સૂર્યનો આઠમો અને છેલ્લો ગ્રહ છે. જ્યારે તે ત્રીજો સૌથી મોટો ગ્રહ છે, તે વ્યાસની દ્રષ્ટિએ માત્ર ચોથો સૌથી મોટો છે. તેના વાદળી રંગને કારણે નેપ્ચ્યુનનું નામ સમુદ્રના રોમન દેવના નામ પર રાખવામાં આવ્યું. સૂર્યની કક્ષામાં ભ્રમણ કરવામાં નેપ્ચ્યુનને પૃથ્વીના 164.8 વર્ષો લાગે છે. નેપ્ચ્યુન સૌરમંડળમાં કોઈપણ ગ્રહની બીજી સૌથી વધુ ગુરુત્વાકર્ષણ ધરાવે છે - ગુરુ પછી બીજા ક્રમે! નેપ્ચ્યુન તેની ધરી પર ખૂબ ઝડપથી ફરે છે. તે એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં 18 કલાકનો સમય લે છે. આવું થવાનું કારણ એ છે કે નેપ્ચ્યુન જરાયે નક્કર નથી, પોલો છે. તેને 14 નાના નાના ચંદ્ર છે. પોતાના નાના ભાઈ પ્લુટોના ગૃહ નિકાલ પછી નેપ્ચ્યુન ખુબ ઉદાસ છે.


તમે જોયું હશે કે સુરજ દાદાના આઠે આઠ સંતાન એક બીજાથી બિલકુલ જુદા છે. બધા ગ્રહોમાં પૃથ્વી બહુ નસીબદાર છે. પૃથ્વી ઉપર સુરજદાદાની બહુ જ કૃપા હોય ત્યાં જીવન શક્ય બન્યું છે!


Rate this content
Log in