Lalit Parikh

Others

0.4  

Lalit Parikh

Others

ફેંસલો

ફેંસલો

4 mins
14.4K


“ડુંગરા દૂરથી રળિયામણા અને સાસરું શરૂમાં સાંભળવામાં સોહામણું” તેનો તો ભક્તિને જયારે સગાઇ અને તે બાદ લેવાયેલા ઘડિયા લગ્નપછી સાસરે આવી ત્યારે જ ખ્યાલ આવ્યો. તેની સમસ્ત સ્વપ્ન -સૃષ્ટિનો પ્રલય થઇ ગયો હોય એવો સાક્ષાત અનુભવ થયો. માબાપના એકના એક પુત્ર એવા દેખાવડા- સોહામણા પતિદેવ નામે ‘ભગવાન’ના એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ અપલખણ જોઈ એ તો ઘાંઘી થઇ ગઈ. સાસરે વૈભવ અપરંપાર, એ.સી ડ્રોઈંગ રૂમ અને બેડ- રૂમો, લેટેસ્ટ ટોપ ઇન્ટીરિયર ડેકોરેશન, બંગલાના ખૂણે ખૂણે ઝળકે-ઝગારા મારે એવી લેટેસ્ટ લાઈટો, નવી નવી ચમકતી કારોની વણઝાર, લેટેસ્ટ મોડર્ન ફર્નીચરથી બંગલો અતિ અતિ શોભાયમાન, નોકર- ચાકર- રસોઈયા માળી-માલણની તો ફોજ. ઘરમાં કોઈ વાતની મણા નહિ, કોઈ ચીજની અછત નહિ, બધી વસ્તુઓ -સામગ્રીઓ ભરપૂર, પૈસાની રેલમછેલ, કોઈ કરતા કોઈ ચીજનો અભાવ નહિ, છુટ્ટા દોરની છૂટ.

પણ આવી અને આટલી અઢળક સંપત્તિ વચ્ચે પતિ ‘ભગવાન’ને ધાર્યા પ્રમાણે સંસ્કારી, ગુણવાન,નિષ્ઠાવાન કે સજ્જન ન જોઈ ભક્તિ નિરાશ અને દુખી દુખી થઈ ગઈ. વર્ષોથી વારસાગત અઢળક સંપત્તિ સાથે વીંટળાયેલી દુર્ગુણોની વિપત્તિથી ઘેરાયેલા પતિને સુધારવા માટે ભક્તિએ સામ, દામ, ભેદ અને દંડના પ્રયોગો શરૂ કર્યા. પણ ચાણક્ય નીતિ કારગત ન નીવડી. મોડા મોડા કલબથી આવી, દારૂ પી,સિગરેટ સળગાવી ધુમાડા કાઢતા કાઢતા પત્નીને રમકડું સમજી રમાડે એ તેને સહ્ય નહોતું, માન્ય નહોતું, સ્વીકાર્ય નહોતું.

સવારે મોડા ઊઠી, ચા અને ટોસ્ટ-ઓમ્લેટ ખાઈ, નાહી–ધોઈ,પોતાની ફિલ્મ વિતરણ ઓફિસમાં જાય, બપોરે જમવા આવે ત્યારે અકરાંતિયાની જેમ જમે અને પછી બે કલાક ઘોરે અને ઊઠીને કોફી પી, સિગરેટ સળગાવી, ધુમાડા કાઢતો શોફર- ડ્રિવન કારમાં પાછો ઓફિસ જાય, સાંજે આવી સૂટ -બૂટ પહેરી ક્લબમાં જાય, દારૂ અને જુગારનો નશો માણી, મોડી રાતે બંગલે પાછો આવે, બંગલાની બહાર જ કાર પાર્ક કરી, પોતાની લેચ- કીની મદદથી ઘરમાં પ્રવેશી, બેડરૂમમાં પ્રવેશે અને રાહ જોતી, જાગતી ઝૂરતી ભક્તિની તરફ જોયા પણ વગર બે મિનિટમાં સૂઈ જાય. એના નસકોરાનું ભક્તિ માટે ભયંકર ત્રાસદાયક સંગીત, તેના શ્વાસ સાથે ફેલાતી દુર્ગંધ સાથે વાતાવરણને અસહ્ય બનાવી દે.

ભક્તિને આવું કેવી રીતે માન્ય હોય ? તેને સંપત્તિ અને લૌકિક ક્ષણિક સુખનો વૈભવ નહોતો જોઈતો; તેને તો પોતાના સહજીવનનો, સહચાર્યનો – પોતે ભક્તિ-અને પતિ ‘ભગવાન’નો પ્રેમ -પંથ સંવારવો હતો, દામ્પત્યનું સાચકલું સ્વર્ગીય સુખ માણવું હતું, પતિની મીઠી મધુર સોડનું બ્રહ્માનંદ- સહોદર, સ્નેહ નીતરતું, શ્રુંગારભીનું, અલૌકિક, રસમાધુર્યપાન કરવું હતું, મધુરાધિમધુર સંસ્પર્શ અને ચુંબનોની મસ્તી માણવી હતી, પ્રેમભર્યા પુલકિત આનંદની છોળોથી ભીંજાઈ જવું હતું.

એક રાત, બે રાત અને ત્રણ રાત કતલની રાતની જેમ વીતાવ્યા બાદ તેણે વહેલી સવારે પતિના સિગરેટના ધુમાડાની દુર્ગંધથી ભરેલા માથાના વાળમાં હાથ ફેરવતા, પતિની પૌરુષભરી છાતીના રૂંવાડા પર હાથ ફેરવતા, પતિ ‘ભગવાન’ને સ્પષ્ટ સ્પષ્ટ શબ્દોમાં એટલું જ કહ્યું,

'આવું લગ્નજીવન મેં નહોતું કલ્પ્યું, નહોતું ઈચ્છ્યું, નહોતું ચાહ્યું. મારે તો રોજ સાંજે પતિ સાથે સરોવરકાંઠે કે બાગ-બગીચે, હાથમાં હાથ ભરાવી, પ્રેમભરી વાતો કરતા કરતા નિત્ય નિયમિત ભ્રમણ કરવા જવું હતું, પતિને પોતાના હાથે રાંધેલું ગરમ ગરમ ભાખરી- શાક- ખીચડી-કઢીનું વાળુ જમાડવાનું મન હતું, સવારે સ્નાન પછી, સાથે સાથે પૂજા- કાર્ય બાદ, ગરમ ગરમ આદુ -ફુદીનાની ચા અને રાતની વધેલી ભાખરીનો ચા-નાસ્તો પતિને કરાવવાની તમન્ના હતી અને બપોરે ગરમ ગરમ ઊતરતી ઘી-નીતરતી રોટલી શાક, દાળ-ભાત-ચટણી-દહીં-પાપડનું લંચ જમાડવાની હોંસ હતી. સાંજે પતિ આવે અને તે પણ મોગરાની મઘમઘતી વેણી લઈને આવે ત્યારે પોતે સાડી બદલી તેની રાહ જોતી રવેશમાં ઊભી ઊભી તેની રાહ જોતી હોય અને આવે એટલે તરત જ તાબડતોબ ઉકળવા મૂકેલી ઈલાયચીની ચા- બિસ્કિટથી સ્વાગત કરવાની લાલસા હતી.'

"આ તો રસોઈયા-નોકરોની ફોજ વચ્ચે પતિ ફોજદારની જેમ વર્તે અને પોતે માત્ર મહેલની પૂતળીની જેમ જ, પતિને જોવા માત્રનો જ આનંદ મેળવે અને પતિને સિગરેટ, તંબાકુ અને શરાબમાં વ્યસ્ત-મસ્ત જોવા અને રોજ રાતે ક્લબોમાં જુગાર રમવા, અને રવિવારે રેસ રમવા જતો જોવા નહોતી પરણી. અઠવાડિયાના અંતે આવતા રવિવારે સિનેમા-નાટક જોવા માટે તે લાલાયિત રહેતી. આવું પ્રેમ-વૈભવનું લગ્ન -જીવન ક્યારે શરૂ થશે ?" એ જ પ્રાણપ્રશ્ન તેણે પતિ ભગવાનને રડતી આંખે, તરસતા-તડપતા મને,પ્રે મથી ઊભરાતા હૈયે પૂછવાની આજે હિંમત કરી.જવાબમાં, ઊંઘતી આંખે, પડખું ફરી જઈ પાછો નસકોરા બોલાવતો એ તેનો પતિ ‘ભગવાન’ સૂઈ ગયો. તેના છેલ્લા ત્રુટક ત્રુટક શબ્દો હતા, કેવળ માત્ર એટલાજ :

”તું મિડલ ક્લાસ માનસિકતા વાળી મને નહિ સમજી શકે. આ જમાનો તો સ્પેન્ડીંગ ઈરા છે, મોજ મસ્તી કરવાનો છે, તારે પણ ક્લબમાં આવવું જોઈએ, રેસકોર્સમાં આવવું જોઈએ, થોડુક ડ્રિંક પણ લેવું જોઈએ. ન ફાવે તો મને તારા સ્વામી ‘ભગવાન’ને અવગણી, તારા પરમેશ્વર ભગવાનની, તારા નામને સાર્થક કરતી ભક્તિમાં જ રંગાયેલ રહેવું જોઈએ. તું અમારા ઘરને લાયક ન હતી, કે ન છે કે ન થઇ શકવાની છે-ગામડાની ગમાર સ્ત્રી !” અને એટલું બોલી એ સૂઈ ગયો.

અને આ સાંભળતા જ નવોઢા ભક્તિબાનું મગજ ફર્યું, માથું ફાટ્યું, સ્વમાન અને સ્વામિભાન જોર કરીને જાગ્યું અને તે સૂઈ ગયેલ પતિને એમ કહીને કે તમારી હાઈક્લાસ સોસાયટીને મારા આખરી સલામ, તમારા વૈભવ ભર્યા વિલાસી જીવનને મારા આખરી જુહાર. હું ચાલી મારે પિયર અને તમને છુટ્ટા છેડાની નોટીસ મળી જશે. મારા તરફથી.તમે સ્વતંત્ર અને હું પણ આઝાદ. આ જ મારો ફેંસલો છે. જોઈએ તો પરણી લેજો કોઈ ફેશનેબલ ક્લબપ્રેમી મોડર્ન મોડલ ગર્લને.

સૂતેલા સ્વામી ભગવાને તો જવાબમાં મોટા મોટા નસકોરા જ સંભળાવ્યા. ભક્તિ તો જાગી જઈ, નાહી ધોઈ, પોતાના પૂજા-પાઠ કરી, તાબડતોબ પોતાની બેગ તૈયાર કરી. એક બે લાઈનના પત્રમાં એટલું જ લખી. કંપાઉંડ બહાર નીકળી, રિક્ષા પકડી ચાલતી થઇ ગઈ:

”મારો ફેંસલો એ જ છે કે હવે તમે આઝાદ અને હું પણ આઝાદ. આવું મોજીલું રંગીલું જીવન તમને મુબારક, જેમાં તમને પાન, સિગરેટ, શરાબ અને જુગાર-ક્લબ-રેસ કોર્સ સાથે પરણ્યા હો એવો ચસ્કો હોય. મારું લગ્ન જીવનનું સપનું તો ચકનાચૂર થઇ જ ગયું છે. આજ પછી મને ભૂલી જજો. હું પણ ભૂલવાની કોશિશ કરીશ. આ મારો આખરી ફેંસલો છે. તમે તમારા વિલાસી રસ્તે અને હું મારા નામ પ્રમાણે મારી ભક્તિના રસ્તે.”

ભક્તિ સ્ટેશને પહોંચી, ટિકિટ લઇ પોતાના પિયર પહોંચી. તેને પોતાના ફેંસલા માટે તનિક પણ દુખ કે પસ્તાવો નહોતો થઇ રહ્યો. પતિની જીવન શૈલી અને પોતાની જીવન શૈલીનો ફાસલો આ ફેંસલાથી જ દૂર થઇ શકે એવા પોતાના નિર્ણય માટે તે અડગ હતી,અચલ હતી. ફેંસલો તો ફેંસલો જ હતો.


Rate this content
Log in