ફેમિલી ફોટો
ફેમિલી ફોટો
મિત્રો, આપણાં જીવનમાં ઘણી અગત્યની પળો આવતી હોય છે, અને એ બધીજ અગત્યની પળો આપણે ફોટા સ્વરૂપે આપણી પાસે રાખતાં હોઈએ છીએ, જે આપણને અવારનવાર એ મહત્વની પળોની યાદ અપાવતાં હોય છે. ગયાં વર્ષે મારી કોલેજમાં બધાં વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન આપેલ હતું, અને આ દરમ્યાન મારી જેમ અન્ય કર્મચારીઓ પણ દિવાળીના તહેવાર નિમિત્તે રજા રાખવાનાં હતાં. જેમાંથી મોટાભાગનાં કર્મચારીઓનું પણ મૂળ વતન અલગ - અલગ હતું, નોકરી અર્થે તે બધાં આ શહેરમાં આવેલ હતાં.
એ દિવસે સાંજે હું મારો બધો સામાન અમરેલી જવાં માટે પેક કરી રહ્યો હતો, એવામાં મારા બેગમાંથી અમારા પરિવારનો એક ફોટો મારા હાથે લાગી ગયો, જે અમે બધાં ભાઈઓએ નાનપણમાં પડાવેલ હતો, અમે બધાંજ ભાઈઓ એકદમ માસૂમ અને પ્યારા લાગી રહ્યા હતાં, બધાં જ નિર્દોષ લાગી રહ્યાં હતાં, એકદમ ઈસ્ત્રી ટાઈટ નવાં કપડાં પહેરેલ હતાં, એ જ ફોટો પડાવવા માટે અમે મમ્મી સાથે ઝગડી રહ્યાં હતાં કે મને પહેલાં તૈયાર કર. એ ફોટો પડાવતી વખતે અમારો ઉત્સાહ અનેરો હતો !
જ્યારે હું આ ફોટો જોવ તો મને મારા ભાઈઓ, મારું ઘર, મારો પરિવાર, મારું ગામ અમરેલી ખુબ જ યાદ આવતું હતું....કારણ કે મારું આખે - આખું બચપણ અમરેલીમાં જ વિતેલ હતું.....મનમાં એવું જ થયાં કરે કે, "આ ફોટામાંથી અંદર જઈને અગાવની એ જૂની યાદગાર પળોને માણી શકાતી હોત તો કેવું સારું કહેવાય !"
આ ભાગદોડ ભરેલ જિંદગી, દોડધામ, જોબ કે નોકરી, અને નાની ઉંમરમાં માથે આવી પડેલ જવાબદારીઓને લીધે એવાં સંજોગો ઉભા થયાં કે ઘર, પરિવાર, ગામ બધુંજ છોડીને બીજા અજાણ્યા જ શહેરમાં સ્થાયી થવું પડશે એવો તો સપનામાં પણ વિચારેલ નહતું.
એ તો આભાર આ કેમેરાનો અને ફોટાનો જે આપણી અગત્યની યાદોને એક તસ્વીર સ્વરૂપે કેદ કરી લે છે. અને એજ ફોટો આપણને એ સોનેરી પળોની યાદ કાયમિક અપાવે છે.