Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Vrajlal Sapovadia

Children Stories


3  

Vrajlal Sapovadia

Children Stories


નજરોથી કપડાંનું માપ લેતા દરજી

નજરોથી કપડાંનું માપ લેતા દરજી

6 mins 813 6 mins 813

રેડીમેઈડ કપડાંના મોલ કે ઓનલાઇન ખરીદીનો એ જમાનો નહોતો. કપડાં ગમે ત્યારે ખરીદાય નહિ. ગામમાં સિંધી વેપારી કાપડની રેંકડી લઇ ફેરો કરવા આવે ત્યારે કાપડના એક સરખા રંગના 2-3 તાકા ખરીદી લીધા હોય. વરસે બે વરસે ઘેર દરજી આવી બધાના હોલસેલમાં કપડાં સીવી જાય. કનુકાકા દરજી ખંભે સિલાઈ કરવાનું મશીન, બે ત્રણ રંગના દોરા ને બટનની ડબ્બી લઈને સવારમાં અમારા ઘરે પહોંચી જાય. મશીન ઉંઝવા તેલની ડબ્બી હોય. મેઈન કોર્ષ પહેલા જેમ સૂપ અને એપેટાઈઝર લેવામાં આવે એમ કનુકાકા આવતા વેંત જુના ફાંટેલા કપડામાં થીગડાં મારવાનું, ઓસીકા અને ગાદલા ગોદડાં રીપેર કરવાનું ચાલુ કરે. 10 વાગે એટલે ચા પાણી પીને બીડી સળગાવે. પછી થોડો આરામ કરી લ્યે એટલે બાપુજી કોના કેટલા કપડાં સીવવાના છે એની માહિતી આપે અને બા કાપડની પોટલી લાવી બતાવતા જાય કે ક્યાં કાપડમાંથી કોના કપડાં સીવવાના છે. કનુકાકા જૂની નોટ કાઢી ઉપર બાપુજીનું નામ લખી, તારીખ, વાર કે તિથિ લખી નાખે. ઝભાના ખીસામાંથી રબ્બરની પેટ્ટી કાઢી દરેક કપડાંનું માપ લઇ નોંધ ટપકાવતા જાય અને પોતાનો અભિપ્રાય આપતા જાય કે કાપડ પૂરતું છે કે નહીં. સફેદ કપડાં ઉપર લાલ પેન્સિલ ને રંગીન કપડાં ઉપર અલગ પેન્સીલથી લીટા કરી પોતે કપડાના ડૉક્ટર છે એવો અહેસાસ કરાવે. બા અમુક કપડાં ફલાણાના લગ્નમાં પહેરવાના છે એટલે એ પ્રમાણે સીવવાના છે એવી ટીપ આપે ત્યાં સુધીમાં બપોર થઇ જાય. કનુકાકા હિસાબ માંડી કેટલો સમય લાગશે એની માહિતી આપે ત્યાં સુધીમાં જમવાનું તૈયાર થઇ જાય. પહેલા દિવસે બપોરે લાડુનું જમણ કરી કનુકાકા સિલાઈ મશીનની દોરી અને સોય કાઢી પોતાની જોડે લઇ ઘરે આરામ કરવા જતા રહે. મશીનની દોરી અને સોય કાઢી લ્યે કારણ કે અમે નાના છોકરાઓ મશીનમાં જાત જાતના પ્રયોગ કરીએ, મશીન બગાડીએ ને પોતાને શરીરે વગાડીએ.


પહેલા રાઉન્ડમાં અમારા કપડાં સીવવાના હોય એટલે અમે ઇંતજારી પૂર્વક રાહ જોતા હોઈએ ત્યાં કનુકાકા 3 વાગે હાજર થઈ જાય અને અમારા નામની બૂમ પડે. મોટા ભાગે નામને બદલે નાના, મોટા કે વચલા કહી બોલાવે. અમારે કાકાની સામે મશીનથી દૂર ઉભું રહેવાનું. મેઝર ટેપ વગર જ કાકા નજરથી જ અમારા શર્ટ, ચડ્ડી કે પેન્ટનું માપ લઇ લે. બા-બાપુજીએ સૂચના આપી જ હોય કે થોડું મોટું માપ રાખવાનું. એ જમાનામાં શર્ટ કે પેન્ટ 2-3 ઇંચ લાબું હોય કે ટૂંકું હોય એનો કોઈને વાંધો રહેતો નહીં. અને વધારે લાબું થઈ જાય તો મારા કપડાં મોટો ભાઈ પહેરે અને મોટા ભાઈનું કપડું ટૂંકું થઇ જાય તો હું પહેરું. એનાથી વધારે ટૂંકું થઈ જાય તો ખાસ બાદ નહીં, બહુ આગ્રહ કરીએ તો કનુકાકા નીચે બીજો કાપડનો ટુકડો લગાડી આપે. સાંજ પડે એટલે સિલાઈ મશીનનો ઉપરનો ભાગ દરજી પોતાને ઘરે લઇ જતા રહે અને બીજા દિવસે સવારે પાછા આવે ત્યારે લેતા આવે. કપડાં સીવવાનો સિલસિલો 2-3 દિવસ ચાલે. બધાના કપડાં સિવાય જાય પણ હજી કપડાં પહેરવાના તો અમારે સ્વપ્ન જ જોવાના. કપડાના ગાજ બટન ટાંકવા બધા કપડાંનું પોટલું કનુકાકા ઘરે લઇ જાય અને પાછું ક્યારે આવશે તેની રાહ જોવાની. એકાદ અઠવાડિયું નીકળી જાય પણ કપડાં પાછા ના આવે એટલે અમે તેમને ઘરે અવારનવાર પૂછવા જઈએ. તેઓ ક્યારેય લમ્બો વાયદો ના કરે પણ 8-10 વાયદા સુધી કપડાં મળે તો અમારા અહોભાગ્ય! 10-15 દિવસે કપડાં આવે એટલે અમે વારા ફરતી બધી જોડી તપાસી લઈએ. 2-4 ઇંચ માપમાં ફરક હોય તો કોઈ ફરિયાદ કરી શકાતી નહીં. વધારે નાના મોટા હોય તો નાના મોટા ભાઈઓ અંદરોઅંદર બદલી લઈએ. ક્યારેક કોઈ બટન અને ગાજ વચ્ચે ઓછું વધારે અંતર હોય તો મહેનત કરી મોટો ભાઈ કે બા મહામહેનતે બટન બંધ કરી આપે. અત્યારના ધોરણ પ્રમાણે તો અમે કોઈ ફિલ્મના વિલન કે જોકર જેવા જ લગતા પણ અમને એનું કોઈ મહત્વ નહોતું કેમકે નિશાળમાં બધાના કપડાં એવા જ હોય.


આમ 2-3 વર્ષે દરજી કપડાં સીવવા ઘરે આવે તે દરમ્યાન કોઈ વખત કપડાંની જરૂર પડે તો કનુકાકાને ઘરે ખાસ સીવડાવવા જવું પડતું. આમ તો આવા કપડાનું બજેટ મંજુર થાય જ નહિ પણ 1965-66 માં એક જ શૈક્ષણિક વરસમાં મેં બે વર્ગની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી એટલે ખાસ ઇનામ તરીકે એક જોડી ઇનામ તરીકે મળી. એક જ શૈક્ષણિક વર્ષમાં બે વર્ગ પાસ કરવા એટલે મને પાંચમાં ધોરણમાં છ માસિક પરીક્ષા પાસ કર્યું પછી દિવાળી ઉપર જ કેળવણી નિરીક્ષક ખાસ વાર્ષિક પરીક્ષા લે. આ પરીક્ષા પાસ કરી એટલે મને કેળવણી નિરીક્ષક છઠ્ઠા ધોરણમાં ચડાવવાની મંજૂરી આપે અને ચેતવણી આપે કે આગલી પરીક્ષામાં જો નાપાસ થઈશ તો પાછું પાંચમામાં જવું પડશે. એટલે જો સફળ થઈએ તો એક વરસ બચે અને નાપાસ થઈએ તો એક વરસ બગડે.


કાપડ લઇ હું કાકાને ઘરે પહોંચ્યો ત્યારે એમ હતું કે સિવઈની આવશે તો નવા કપડાં પહેરી છઠા ધોરણમાં પહેલા દિવસે જઈશ. કનુકાકા એ નજરથી શર્ટ અને પેન્ટનું માપ લઇ લીધું અને કહ્યું આવતા સોમવારે સાંજે લઇ જજે. સોમવાર સુધી કોઈ રાતે નીંદર તો ના આવી પણ રાહ જોયા વગર છૂટકો ય નહોતો. થેલી લઇ સોમવારે સાંજે કનુકાકાને ઘરે પહોંચ્યો તો કાકીએ કહ્યું તેઓ તો આજ રાત્રે મોડા આવશે, કાલ સવારે આવજે. તે સોમવારે તો બિલકુલ ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે ઘરે પહોંચ્યો તો કનુકાકા દાતણ કરતા હતા ને મને પૂછ્યું અત્યારમાં કેમ આવવું થયું? મેં એમને આપેલો સોમવારનો વાયદો યાદ કરાવ્યો. કનુકાકા નિરપેક્ષ ભાવે બોલ્યા અરે ભાઈ તારા અરજણબાપાને ઘરે એટલા કપડાં છે કે ટાઈમ જ નથી મળ્યો, પણ એક કામ કર રવિવારે આવજે રાતના સમય કાઢી તારી જોડી બનાવી નાખીશ. રવિવારે બપોરના જ આવી જજે મોડું કરતો નહીં મારે પાછું માતાજીની માનતા માટે દડવા જવાનું છે. રવિવારની બપોર તો માંડ માંડ પડી, તમારે ગમે એવી ઉતાવળ હોય પણ સમય તો એનું કામ કરતો જ જાય! જમ્યા પછી બપોરની ઊંઘ ખેંચી કનુકાકા આંખો ચોળતા હતા ત્યાં જ હું પહોંચી ગયો. તેઓ નિર્લેપ ભાવે બોલ્યા કપડાં તો આજ તૈયાર હોત પણ તારું માપ લેવાનું જ ભુલાય ગયું છે. મેં કહ્યું કાકા તમે આમેય ક્યાં માપ લો છો, ખાલી નજર મારી કપડાં તો અઠેકઠે જ સીવો છો. કાકાનો જવાબ સાંભળી હું અવાચક બની ગયો! અરે ભાઈ અઠેકઠે તો અઠેકઠે માપ તો લેવું પડે ને! ફરી નોટ કાઢી માપ લીધું ને કહ્યું કનુકાકાનો આ વખતનો વાયદો સો ટકા સાચો, બે દિવસ મોડું જ કહું છું જેથી તારે ધક્કો ના થાય, આવતા સોમવારે લઇ જજે. આવી રીતે 3-4 વાર ગયો હોઈશ ત્યાં એક દિવસ કનુકાકા બોલ્યા કપડાં તો હું સીવી કાઢું પણ તું કપડું તો આપી જ નથી ગયો. કાપો તો લોહી ના નીકળે પણ મેં ધીરજ રાખી કહ્યું કે કાપડ તો પહેલી જ વખત આપી ગયેલો અને કલરનું વર્ણન કર્યું. કનુકાકા કહે એતો વાંધો નહીં તું ક્યાં પારકો છો જો કાપડ નહીં મળે તો મારા પૈસાનું કાપડ લઇ તને એક અઠવાડિયામાં સીવી આપીશ. મારુ એક કામ કર, આ ગોદડાં સવા નાનજીને ત્યાં આપવાના છે તું લેતો જા. આવા 8-10 વાયદા અને મારા ધક્કા પછી કનુકાકાના પત્નીએ જવાબદારી લીધી અને સામે મને થોડી જવાબદારી પણ સોંપી! મારા આ મોટા ટેણીયાને દસ સુધી ઘડિયા શીખવાડી દે, એની ને તારી પરીક્ષા પતે એ પહેલા તારી જોડી સિવાય જશે. પરીક્ષા ય પતી ગઈ, એનો મોટો ટેણીયો નાપાસ થયો ને વેકેશન પણ પતી ગયું. ચોમાસુ બેસી ગયું ને જન્માષ્ટમી આવવાની હતી ત્યારે 8 મહિને કપડાંની જોડી આવી ત્યારે મારા બાને પણ કપડાનો કેવો કલર હતો તે યાદ નહોતું પણ મને પાક્કી શંકા હતી કે કપડું બદલાઈ ગયું છે. પણ મને આ જોડી ખરેખર બહુ ગમી કારણ કે મારી તપશ્રર્યાનો અંત આવ્યો હતો. 8 મહિના ગયા પછી પણ કપડાં લૂઝ થતા હતા, કનુ કાકાએ કહ્યું મેં થોડા મોટા જ સીવ્યા છે તારે 4-5 વરસ ચાલે એટલું સરસ કાપડ છે!    


Rate this content
Log in