મુક્તિ - 1
મુક્તિ - 1
સોસાયટીમાં અચાનક જ દોડધામ મચી ગઈ કે મિત્તલ ખોવાઈ ગઈ, મિત્તલ ખોવાઈ ગઈ છે. નાનાં મોટાં સૌ રમતાં રમતાં એક જ વાત કરતાં હતાં મિત્તલ મળતી નથી. અચાનક સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી મિત્તલ સાથે શું બન્યું એની કંઈ જ ખબર નથી બસ એ ખોવાઈ ગઈ છે એ સમાચાર આગની પેઠે આખી બસો મકાનની સોસાયટીમાં ફેલાઈ ગયાં ને લોકોના ટોળે ટોળા એના ઘરની બહાર જમા થઈ ગયાં. મિત્તલ ફ્કત તેર વર્ષની એક બાળકી હતી. જે થોડાં દિવસ પહેલાં જ ગામડેથી પોતાનાં મામાને ઘેર શહેરમાં રહેવાં અને ભણવાં આવી હતી. ખૂબ જ વાતોડી ને મળતાવડી હોવાથી દરેકની સાથે થોડાં જ સમયમાં ભળી ગઈ હતી. શહેરની સ્કૂલમાં એડમિશન થઈ ગયું હોવાથી પોતાનાં મામાંના દીકરા અને સોસાયટીના બીજા બાળકો સાથે સ્કૂલે જતી હતી.
બધાંની સાથે રોજ રમતી ને હંમેશા હસતી રહેતી આજે મિત્તલ અચાનક ગાયબ થઈ જતાં નાંનાં બાળકો પણ એને શોધવામાં મોટાંની મદદ કરતાં હતાં આજુબાજુની સોસાયટીઓમાં, આખા એરિયામાં બધે શોધખોળ ચલાવી પણ મિત્તલનો ક્યાંય પતો ન હતો.
જેવી મિત્તલ ગાયબ થઈ એના અમુક કલાકોમાં જ ગામડે એનાં માતા-પિતાને સમાચાર મોકલી દેવામાં આવ્યાં. જલ્દીમાં જલ્દી એ લોકો પણ અમદાવાદ આવી પહોંચ્યાં ને એમને આવતાં જ રોકકળ કરી મૂકી કે અમારી દીકરી ક્યાં ગઈ, અમારી દીકરી ક્યાં ગઈ. મિત્તલની માં ને મામીની હાલત તો ઓર ખરાબ થઈ ગઈ હતી. જ્યારે મોડી રાત સુધી મિત્તલનો કોઈ પત્તો ન હતો લાગ્યો.
મિત્તલના મામા, પપ્પા ને સોસાયટીના બીજા રહીશો પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધાવી આવ્યાં. પોલીસે ઝડપીમાં ઝડપી મિત્તલને શોધી લાવવાનું વચન આપી તે લોકોને ઘરે રવાના કર્યાં.
એ જમાનામાં સોશિયલ મિડીયા જેવું કોઈ માધ્યમ ન હતું. બસ સમાચાર પત્ર ને ફોન એ પણ લેન્ડલાઈન, મોબાઈલ નહીં.
તેથી દરેક જગ્યાએ આ સમાચાર ફેલાવવાં થોડાંક અઘરા હતાં કે આ નામની બાળકી ખોવાઈ છે. પોતાંનાં ઘરની બાળકી ખોવાઈ હતી તેમ છતાં એ લોકોએ સમાચારપત્રમાં સમાચાર આપવાની જગ્યાંએ એમનાં ગામનાં એક મહારાજ જે ત્રિકાળજ્ઞાની હતાં તેમની પાસે ગયાં ને તેમને આજીજી કરી કે મહારાજ કંઈક કરોને અમારી દીકરી ખોવાઈ ગઈ છે. જોઈ આપો ને એ ક્યાં હશે ?
