મોળો દુધપાક
મોળો દુધપાક
નિરંજન જ્યારે નીલાને પરણીને આવ્યો ત્યારે બધાને થતું કે ‘કાગડો દહીથરું’ લઈ ગયો. ખાધેપીધે સુખી કુટુંબની નીલા, ઝેવિયર્સ કોલેજમાંથી પોલિટીક્સ લઈને સ્નાતક થઈ હતી.
બંનેને એકબીજા માટે ખૂબ લાગણી હતી. ઘરમાં વાત કેવી રીતે કરવી તેની મૂંઝવણ બંનેને સતાવી રહી હતી. નિરંજનને હજુ એન્જિનિઅર થવા માટે દોઢ વર્ષ બાકી હતું. ઘરમાં પાછો તે સહુથી મોટો દીકરો. ત્રણ બહેન અને બે નાનાભાઈ. નિરંજન કરતાં નીલાને વધારે તકલિફનો સામનો કરવો પડ્યો. કુટુંબ તો તેનું પણ વિશાળ હતું. ત્રણ બહેન અને ચાર ભાઈ, પિતા કાયમ ધંધામાં ગૂંથાયેલાં હોય અને મા રસોડામાં. નિરંજન પરન્યાતનો હતો તેથી નીલા ગભરાતી હતી.
ભલું થજો કે એકવાર સિનેમા જોઈને બહાર નીકળતાં જયસુખભાઈએ તેને ગાડીમાંથી જોઈ. ચાર બાળકોને લગ્ન ગ્રંથીમાં બંધાવી ચૂકેલાં જયસુખભાઈ અને જયા બહેન અનુભવી હતાં.
રાતે પરિવાર સાથે જમે તે હંમેશનો નિયમ હતો.
‘નીલા, બેટા આજે કોલેજમાં દિવસ કેવો રહ્યો?’
‘પપ્પા, આમ તો સારો હતો પણ...' આગળ કાંઈ બોલે તે પહેલાં... ‘હા, હા ‘આરાધના’ જોયું અને ખૂબ ગમ્યું.’
નીલા ચમકી ગઈ. આંખો નીચી ઢાળી કહે, ‘હા,પપ્પા.’
હવે કાંઈ બોલવાનું ન હતું. જયસુખભાઈએ સંમતિની મહોર મારતાં પહેલાં બરાબર તપાસ કરી.
તેમની પરીક્ષામાંથી પસાર થવું સહેલું ન હતું. નિરંજનનું ભણતર આંખમાં વસ્યું. પરિવારતો તેમનો પણ બહોળો હતો. તપાસ પૂરી કર્યા પછી જયાબહેન સાથે મસલત કરી. પોતાની સંમતિથી જયાબહેનને વાકેફ કર્યા હતાં. બીજી ન્યાત હોવાને કારણે રૂઢીચુસ્ત જયા બહેનને સમજાવતાં નેવનાં પાણી મોભે ચડ્યાં.
સવારે નિરંજનના પપ્પાને ફોન કર્યો. તેમણે તો આ વાત વધાવી લીધી.
રંગેચંગે લગ્ન ઉજવાયાં. શરૂઆતના દિવસોમાં નિરંજન ભણતો હતો તેથી નીલા તે રજાઓમાં ઘરે આવે ત્યારે રહેવા જતી. નિરંજનના મમ્મી ખૂબ નરમ હતાં.
નીલાબહેન તો ઘરમાં ધાણીની માફક ફટ ફટ ફૂટે. તેઓ બહુ બોલતાં નહી. નિરંજન પણ મૌન રહેતો તેથી વાત વણસતી નહી. તેનું ભણવાનું પૂરું થયું અને બેંગ્લોરમાં નોકરી મળી. તેને મનમાં શાંતિ થઈ કે હવે માને નીલા બહુ હેરાન નહી કરી શકે. તે નીલાને ચાહતો પણ જો કાંઇ કહેવા કે સમજાવવા જાય તો ‘મહાભારત’ રચાય તેની તેને સંપૂર્ણ ખાતરી હતી.
નિરંજન વિવેકી તેમજ પ્રેમાળ હોવાને કારણે નીલાનાં વર્તન સમક્ષ આંખ આડા કાન કરતો.
તેના પિતાને થતું મારો દીકરો ‘મોળો’ કેમ નીકળ્યો. વાત એકદમ જુદી જ હતી. નિરંજનને પોતાની જવાબદારીનું સંપૂર્ણ ભાન હતું. આવક પણ ઘણી સરસ હતી. પિતાને પડખે ઊભો રહી ખભેખભા મિલાવતો. ઈશ્વરને મંજૂર ન હતું. એક દિવસ ઓફિસેથી ઘરે આવતાં બસની અડફટે આવી ગયા અને સ્થળ પર તેમણે પ્રાણ છોડ્યા. નીલાને સમજાવવાનો પ્રયત્ન કરતો ત્યારે તે વિફરતી. નીલા સમજતી નિરંજન મારા કાબૂમાં છે. એ માત્ર તેનો ભ્રમ હતો.
નિરંજન નાના ભાઈબહેનોને પ્રેમ આપતો અને સમય જોઈ તેમને ફિકર ન કરવાની સૂચના. તેને બંને બાજુ સાચવતાં ફાવી ગયું હતું. તેને ત્યાં દીકરો આવ્યો ત્યારે જયાબહેને ટાણું સાચવ્યું. નીલાનાં સ્વભાવને તે ગણકારતાં નહી. દીકરાનો દીકરો દાદીનો દુલારો નીલ લાડ પામતો.
નાના ભાઈ બહેનોને પરણાવ્યા. સહુથી નાનોભાઈ અને નિરંજન વચ્ચે ૧૯ વર્ષનો ફરક હતો. તે ભાઈને નિરંજને પિતાનો પ્રેમ આપ્યો. નીલા થોડી નરમ થઈ હતી. પણ કૂતરાની પૂંછડી વાંકી તે કદી સીધી થાય ખરી? હોંશિયાર નિરંજન બે બાળકોનો પિતા બન્યો. સારા સંસ્કાર આપવામાં સફળતા પ્રાપ્ત થઈ. બંને બાળકો પપ્પાએ ચાલુ કરેલી ફેક્ટરીમાં આવી ગયા.
નીલા તો બંનેને પરણાવીને ટુંક સમયમાં કેન્સરની બીમારીમાં સપડાઈ ગઈ. જતનથી કાળજી લેવાઈ પણ અંતે હારી પ્રાણ ગુમાવ્યા.
આજે સમાજમાં કુટુંબમાં ખૂબ ઈજ્જત મેળવી મોળા દૂધપાકે જીવન મીઠું મધુરું બનાવ્યું. બાળકો અમેરિકા ભણીને આવ્યા હતાં તેથી ખૂબ ફુલ્યા અને ફાલ્યા. નસીબ જોગે મોટી વહુ ઘરરખ્ખું નીકળી.
નાની ખૂબ રમતિયાળ અને લાગણીશીલ હતી તેથી ઘરમાં બધાની લાડકી બની ગઈ. નિરંજન મોટો ભાઈ હોવાને કારણે નાના ભાઈ બહેનો આદર આપતા. નિરંજનના પિતા ખોટા ઠર્યા.
નિરંજન, 'શું તમને બધાને મારામાં વિશ્વાસ ન હતો?'
નલિની જે નિરંજનથી માત્ર બે વર્ષ નાની હતી, ના, ભાઈ એવું નથી તમે બેંગ્લોર ગયા તેથી પિતાજીને દુઃખ પહોંચ્યું હતું. આપણા માતા પિતાના સંસ્કાર તમે વડીલપણું દાખવી ઉજાળ્યું છે. તમે દરિયાવ દિલના છો. જુઓને માતાપિતાનાં આશીર્વાદથી સહુ કેટલાં સુખી છીએ. અમને સહુને તમારા પર ગર્વ છે.
