STORYMIRROR

Mohammed Talha sidat

Others

3  

Mohammed Talha sidat

Others

મનના વિચાર

મનના વિચાર

4 mins
159

'ન્યાયની અદાલતોથી પણ મોટી એક અદાલત હોય છે અને તે છે અંતરાત્માના અવાજની. આ અંતરાત્માના અવાજની અદાલત બધી જ અદાલતો કરતાં શ્રેષ્ઠ છે.'

નિજી મુદ્રાના નભમાં સૂર્ય ચંદ્ર ઉગાડવાની ત્રેવડ સર્જકમાં છે. વૈજ્ઞાાનિકો તો ચંદ્ર પર પચાસ વર્ષ પહેલા પહોંચ્યા પણ કવિ તો પાંચ હજાર વર્ષ પૂર્વે પહોંચી ગયો હતો. પ્રવાહપતિત કદી સર્જક ન બની શકે. સ્વકીયમુદ્રાના સરનામે જ સર્જકનું ઠામઠેકાણું રહેલું છે. શબ્દસફરમાં કૌશલ્યની કેડી કંડારે એ સર્જક ભાવકોના દિલ સુધી પહોંચી શકે છે. જે સર્જનમાં પોતાપણું નથી એ ધારી અસર ઉપજાવી ન શકે. શબ્દોની ચમકદમક જેમ થોડી ક્ષણો તમને આંજી પણ ભીતરનો ભાવ ન હોય તો સરોવરની વચ્ચે પણ કોરા રહ્યાની અનુભૂતિ થશે. 

આપણી અંદર અગાધ શક્તિનો સ્ત્રોત પડયો છે. આપણને એની ખબર જ હોતી નથી. હનુમાનજીની જેમ આપણને કોઈ આપણી શક્તિ યાદ કરાવે ત્યારે સાગર પણ પાર કરી જવાતો હોય છે. તાજેતરમાં જેને મરણોત્તર પદ્મશ્રી મળ્યો એ ખલીલ ધનતેજવી કહે છે કે, 'તું નહીં સમજી શકે તારી મહેક, લાવ કોઈ ફૂલ સુંઘાડું તને.' મોટે ભાગે આપણે બીજાથી તરત પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ. જૂના વાલીઓને ટેવ હતી કે બીજાના છોકરાની વિશેષતા બતાવ્યા કરતા અને કહેતા કે 'એનામાંથી કૈંક તો શિખ'. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો...આપણે 'આપણાપણા'ની અસરમાં હોતા નથી. પોતાના પ્રભાવમાં આવીશું ત્યારે મૌલિકતાની મહોર લાગશે. 

મારા ઘરની બાજુમાં રહેતા દાદા પોતાના પૌત્રની સરખામણી હંમેશા બીજા બાળકો સાથે કર્યા કરે. 'પડોશીની છોકરી સામે જો બોર્ડમાં ૮૦% આવ્યા અને તારે ૫૦%?' જોકે, એ છોકરી સામે જોવામાં રહ્યો એટલે ઓછા ટકા આવ્યા એ જુદી વાત છે. આપણે હંમેશા દરેક પરિસ્થિતિને તુલનાત્મક રીતે જોઈએ છીએ તે ખોટું છે. ટાઈપ્ડ કોન્વેન્ટિયા કલ્ચરમાંથી આવેલા વિદ્યાર્થીઓ જિંદગીની પરીક્ષામાં મોટેભાગે નાપાસ થતા હોય છે. પોપટિયા જ્ઞાાન પછી પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી જેવું જીવન જીવી શકાય. કુછ હટકે ન થઈ શકે. જગતના મોટાભાગના વિશેષ વ્યક્તિત્વોએ માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે. મનનો વિકાસ માહોલ કરતા માંહ્યલાથી વધુ થાય છે. આપણું પ્રથમ વાક્ય આપણો પરિચય આપે છે. કોઈનું વક્તવ્ય ન ગમે તો પહેલા એના પ્રયત્નને વધાવીએ. પછી હળવેકથી કહેવાય કે આમ થઈ શક્યું હોત તો સારું થાત. કેટલાક લોકો તો જાણે વિવેચકનો સાતમો અવતાર હોય એમ તૂટી પડતા હોય છે, સરવાળે એમની વાત કોઈ કાને ધરશે નહીં. એકવાર એક માણસે ચેલેંજ કરી કે મારી માતૃભાષા ઓળખી બતાવો. બધી ભાષામાં ઉત્તમ રીતે એ બોલતો હતો. શિયાળાની કડકડતી રાતે એ માણસ પર ઠંડુ પાણી નાખ્યું તો એ ઊંઘમાંથી જાગીને ગાળ બોલ્યો. એ જે ગાળ બોલ્યો એ એની માતૃભાષા. જિંદગીના જોડણીકોશમાં નકારાત્મકતાનો નિષેધ કરશો તો પ્રેમની બારાક્ષરી તમારી છે. મહાવીરે કહ્યું છે કે, 'ગામના ચોરે બેસીને આવતી જતી બીજાની ગાયો ગણ્યા કરવાથી પોતાની ગાયો વધી નથી જવાની.' 

'આઈ થીંક, ધેરફોર આઈ એમ' તમારી રીતે વિચારો નહીં ત્યાં સુધી તમે તમે નહીં બની શકો. ઉછીના અભિગમ અને પરાઈ પરછાઈથી સૂર્યોદય ન થાય. 

'વોઈસ ઓફ મુકેશ' અને 'વોઈસ ઓફ રફી'ની દુકાનો વર્ષોથી ચાલે છે, પણ એ ગાયકો પોતાની અલાયદી ઓળખ ઊભી નથી કરી શકતા. મન ખુલ્લું છે એના વિચાર પણ ખુલ્લા છે અને જે ગ્રંથિ સાથે જીવે છે એને કોઈ ગ્રંથ બદલી નથી શકતો. ચરણચિન્હો પર ચાલવાથી કદી એવરેસ્ટ સર ન કરી શકાય કે એવરેસ્ટ પર સર ન રાખી શકાય. નકલની અકલનો સંઘ કદી કાશી પહોંચતો નથી. દુનિયામાં જે કોઈ આવિષ્કારો થયા છે એ નૂતન વિચારના અધિપતિઓ દ્વારા જ થયા છે. હા, એમાં પ્રારંભમાં મુશ્કેલીઓ ઘણી છે પણ ધૈર્યની ધજા ફરકતી રહે તો વાંધો નથી આવતો. ‘ટેન કમંડમેન્ટ્સ ઓફ સક્સેસ' ચાર્લ્સ સ્વાબ કહે છે કે 'મનુષ્યના અનેક પ્રકારના રોકાણ હોય છે એમાં સખત મહેનત એ શ્રેષ્ઠ રોકાણ છે.' તમારા ગમતા આકાશમાં ઊડશો તો સફળતાનું સાતમું આકાશ એક દિવસ તમારી મુઠ્ઠીમાં હશે' સવાલ તમારી જાતને અનુસરવાનો છે. તમે તમારા ફેવરીટ બનો. તમે તમને સાંભળો. ગાંધીજી કહે છે 'ન્યાયની અદાલતોથી પણ મોટી એક અદાલત હોય છે અને તે છે અંતરાત્માના અવાજની. આ અંતરાત્માના અવાજની અદાલત બધી જ અદાલતો કરતાં શ્રેષ્ઠ છે.

મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી કુંતીમાતાને કૃષ્ણ મળવા ગયા ત્યારે કહ્યું કે 'મારે લાયક કોઈ પણ કામ હોય તો હુકમ કરજો.' ત્યારે કુંતીમાતાએ કહ્યું કે 'સમયાંતરે થોડાં દુઃખ આપજો, જેથી તમે અમને મદદ કરવા આવો અને તમને એ બહાને મળી શકીએ'

થોડા શબ્દોમાં કેવી મોટી વાત કરી દીધી. પીડા પોતે સુખની જન્મદાત્રી છે. પીડા વગરનું સુખ પૂરેપૂરી મજા આપતું નથી. બાળકોને પણ બહુ કૂણા ન બનાવતા. થોડો ટાઢતડકો વેઠવા દેજો, અન્યથા ભવિષ્યમાં નાના દુઃખો સામે પણ ઘૂટણિયે પડી જશે.

રોટી, કપડા, ઓર મકાનનાં સપનાંવાળા લોકો કદી રવીન્દ્રનાથ, કોહલી કે માઈકલ બની શકતા નથી. મહાન બનવાની કિંમત પણ મહાન જ હોય છે. ખૂબ ઈચ્છા થાય તો પણ અમિતાભ લારી પર ઊભા રહીને વડાપાઉં ન ખાઈ શકે. એઈલીન કેડી કહે છે કે, 'દરેક બાબતોમાં શ્રેષ્ઠ શોધી કાઢવાની આદત જ તમને સર્વશ્રેષ્ઠ બનાવશે.'જેને પોતાનો ભરોસો હોય નહીં એને પ્રભુનો ભરોસો શા કામનો?

આવજો જલદી મળીશું નવા‌ વિચારો સાથે.


Rate this content
Log in