STORYMIRROR

Shraddha Bhatt

Others

3  

Shraddha Bhatt

Others

મિલન ઐક્ય

મિલન ઐક્ય

8 mins
14.4K


સમય: રાતના ૧૨

સ્થળ: દિલ્હીનો એક આલીશાન બંગલો

 

સૂરજ એના ડ્રોઈંગ રૂમમાં બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. પ્રેઝન્ટેશન પૂરું કરીને એણે મેઈલ સેન્ડ કર્યો. કામ પૂરું કરીને એ લેપટોપ બંધ કરવા જ જતો હતો, ત્યાં એના સ્ક્રીન પર જી મેઈલનું નોટિફિકેશન આવ્યું. સેન્ડરનું નામ વાંચતા જ એનાં શરીરમાંથી જાણે ચેતનાં હણાઈ ગઈ હોય એમ એનો હાથ ત્યાં જ અટકી ગયો. વર્ષો જૂની ફાંસ જેમ શરીરમાં ઊંડે સુધી ઉતરીને એટલા ભાગને સુન્ન કરી નાખે એમ આ નામ એના અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી રહ્યું હતું. એકસાથે ઘણા બધાં પ્રસંગો એની આંખ સામેથી પસાર થઈ ગયા. એણે મેઈલ ઓપન કર્યો. થોડી વાર પહેલાંની દર્દભરી સુન્નતા ક્યાંય ઓગળી ગઈ અને એના સ્થાને કબજો જમાવ્યો વ્યાકુળ કરી નાખતી ચિંતાએ. જેમ-જેમ એ મેઈલ વાંચતો ગયો એમ-એમ એના પિસ્તાલીસી સ્માર્ટ ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાતી ગઈ. મેઈલ બંધ કરીને સૌથી પહેલું કામ એણે ન્યૂયોર્કની તરત અવેલેબલ ફ્લાઈટ બૂક કરાવવાનું કર્યું.

****

 

સમય: બપોરના ૨.૩૦

સ્થળ: ન્યૂયોર્કની એક હોસ્પિટલ

 

નિશાંત ક્યારનો એના લેપટોપની સ્ક્રીનમાં તાકી રહ્યો હતો. નહિ-નહિ તોય પંદરેક વાર એણે મેઈલનો કન્ટેન્ટ બદલ્યો હશે! ઘણી અવઢવ પછી એણે મેઈલનું સેન્ડ બટન ક્લિક કર્યું. ’એ આવશે કે નહિ?’ વળી પાછો એ જ સવાલ એને મૂંઝવી રહ્યો. એનું દિલ કહેતું હતું કે એ જરૂર આવશે. મેઈલ મળ્યા પછી પળવારનો ય વિલંબ કર્યાં વિના એ આવશે; પરંતુ એનું મન ક્યારેક તર્કસંગત દલીલો કરીને એને વિચારતો કરી દેતું હતું. આખરે થાકી હારીને એણે વિચારવાનું પડતું મૂક્યું. હવે ફક્ત રાહ જ જોવાની હતી. 

****

 

ન્યૂયોર્ક એરપોર્ટ પર ઊતરીને સૂરજે ટેક્સી કરી. આખે રસ્તે એ આંખ બંધ કરીને બેસી રહ્યો. વર્ષો પહેલાનાં હઠીલા, અહંકારી મન સાથે એનું અત્યારનું ચિંતિત, વ્યાકુળ મન જાણે યુદ્ધે ચડ્યું હોય એમ સવાલ- જવાબની વર્ષા થઈ રહી હતી.

‘મને હવે ઠેઠ ખબર કરી? પહેલાં કેમ જણાવ્યું નહિ?’ અહંકારી મન પૂછી રહ્યું.

‘કોને ખબર કરે? જેણે આટલાં વર્ષોમાં એક વાર પણ એની ભાળ ન લીધી હોય એવા તને?’ તરત જ ચિંતાગ્રસ્ત મને વિવાદ કર્યો.

‘હા, પણ તબિયત આટલી બગડી છતાં મને કીધું પણ નહિ? આખરે મારો પણ હક છે એના પર!’ હઠીલું મન એમ માને શાનું?

‘હક? કેવો હક? કયો હક? આ જ સૂરજ પંદર વર્ષ પહેલાં ક્યાં હતો જે અત્યારે હકની વાતો કરે છે?’ વ્યાકુળ મન પણ ક્યાં પાછું પડે એમ હતું?

આખરે ટેક્સીની બ્રેકે એની આ મન સાથે આમથી તેમ ફંગોળાતી સફર અટકાવી. નીચે ઊતરતા વેંત એની નજર મોટા બધાં બોર્ડ પર પડી. “ફિલ સેફ રીહેબ સેન્ટર.” મેઈલમાં વાંચેલું નામ આંખ સામે આવતાં જ કંપારી છૂટી ગઈ સૂરજને. ’વાત આટલે પહોંચી ગઈ અને મને ખબર પણ ન પડવા દીધી? આટલો પારકો કરી દીધો મને?’ સૂરજનું મન કડવાશથી ભરાઈ ગયું. અત્યારે આ બધું વિચારવાનો સમય નહોતો, એ જાણતો હતો સૂરજ. મન મક્કમ કરીને એ બિલ્ડીંગમાં પ્રવેશ્યો. રીસેપ્શન પર પૂછપરછ કરીને એ બતાવેલ રૂમ તરફ આગળ વધ્યો. દિલ્હીથી ન્યૂયોર્ક સુધીની સફર કરતાંય આ દસેક ડગલાં એને કપરાં લાગ્યાં. ઘડીભર તો થયું કે ત્યાંથી જ પાછો વળી જાય! પણ પછી પોતાની વર્ષો પહેલાંની પીછેહટ યાદ આવી અને એ મજબૂત મન સાથે પરિસ્થિતિનો સામનો કરવા આગળ વધ્યો.

રૂમ નં. ૫૦૨નો દરવાજો ખોલતાં એનાં હાથ ધ્રુજી ઉઠ્યા. સામેનું દ્રશ્ય જોઇને એનું હૃદય એક થડકારો ચૂકી ગયું. સામેના બેડ પર એક યુવાન દીવાલને અઢેલીને બેઠો હતો. યુવાન તો શું હાડપિંજરનું માળખું જ કહી શકાય! નિસ્તેજ ચહેરો, ઊંડી ઊતરી ગયેલી આંખો... સૂરજની સામે પંદર વર્ષ પહેલાનો પોતાનો જ ચહેરો દૃશ્યમાન થઇ ગયો. આ જ પરિસ્થિતિમાંથી એ પણ પસાર થઇ ચૂક્યો હતો અને એનાં પરિણામ એ આજ સુધી ભોગવી રહ્યો હતો. ‘તો શું નિશાંત પણ એવી જ રીતે?...’

 

“નહિ... હું એવું ક્યારેય નહિ થવા દઉં!” સૂરજથી બૂમ પડાઈ ગઈ. નિશાંતે ઝબકીને આંખ ખોલી. વર્ષોની પ્રતીક્ષા ફળીભૂત થતાં આનંદની સરવાણી ફૂટે એમ નિશાંત ખુશીથી ઝૂમી ઉઠ્યો.

 

“આઈ નો યુ વિલ કમ. આઈ નો યુ વિલ કમ.” આટલું બોલતા તો એની આંખો વરસી પડી. સૂરજે પણ કાળનું અંતર ફગાવતા દોડીને એને બાથ ભરી લીધી.

“તું બોલાવે અને હું ન આવું એ બને, દીકરા? પણ આ શું હાલત કરી છે તે તારી? તબિયત આટલી બગડી ગઈ ત્યાં સુધી મને કહ્યું પણ નહિ? સપનાએ ના પાડી હશે, નહિ?” આમ તો આટલાં વર્ષોમાં સૂરજે પણ ક્યાં એની ખબર લેવાની દરકાર કરી હતી. ઘણી વાર વિચારવા છતાં એ સપનાને એક ફોન પણ કરી શક્યો નહોતો. પોતાની એ જાણી જોઈને કરેલી બેદરકારી આજે તિરસ્કાર રૂપે બહાર આવી ગઈ.

“નો પાપા. મોમ શું કામ ના પાડે? ઇનફેક્ટ એને તો હજી ખબર જ નથી કે મેં તમને અહીં બોલાવ્યા છે! એ બસ આવતી જ હશે. પાપા, તમે જોજો, હવે મને એકદમ સારું થઇ જશે. તમે આવી ગયા છો ને!!” નિશાંત ખૂબ જ ખુશ હતો. આખરે એનો વિશ્વાસ ફળ્યો હતો. આજે પંદર વર્ષે પોતાના પાપાને જોઈને એ પાછો પોતાના બાળપણમાં જઈ ચડ્યો હતો. પાંચ વર્ષનો હતો એ, જયારે સપના એને લઈને સૂરજથી અલગ રહેવા જતી રહી હતી. નાનકડો નિશાંત તો નવા ઘરે રહેવા જવા મળશે એ વાતથી જ ખુશ હતો. ધીરે ધીરે એને ખબર પડવા માંડી હતી કે એ નવા ઘરમાં જ નહિ, એક નવી દુનિયામાં પણ આવી ચડ્યો હતો; જ્યાં એના ‘પાપા’નું  દૂર દૂર સુધી ક્યાંય અસ્તિત્વ જ નહોતું.

શરૂઆતમાં એ સવાલો કરતો પાપા વિષે જેના મોમ તરફથી ઉડાઉ જવાબો મળતા. સમય જતાં એ સવાલો જીદમાં પરિવર્તિત થવા લાગ્યા. પાપાને મળવાની જીદ, એની સાથે વાત કરવાની જીદ, એને ઘરે લાવવાની જીદ. બાળમનને ફોસલાવવું સરળ હોય છે; પણ એ જ બાળમન જયારે જીદ્દ પર ઉતરી આવે ત્યારે ભલભલાં ખેરખાં પોતાના હાથ હેઠાં મૂકી દેતાં હોય છે. બાળહઠનાં ચઢાણ બહુ કપરાં હોય છે. સપના માટે નિશાંતનાં બધાં પ્રશ્નોના જવાબ દેવા હવે અઘરા થઇ પડ્યા હતા. સપનાનાં અવનવા બહાનાઓ પણ હવે નિશાંતની હઠ સામે વામણાં પૂરવાર થઈ રહ્યા હતા. શાંત, ડાહ્યો નિશાંત ધીરે ધીરે આક્રમક અને આક્રોશપૂર્ણ વર્તન કરતો થઈ ગયો હતો. અજાણતાં જ એના મનમાં સપના પ્રત્યે નફરત પેદા થઈ રહી હતી. એનું બાળમન એ નિષ્કર્ષ પર આવ્યું હતું કે મોમ જ એને પાપા પાસે જવાથી રોકે છે. નાનપણની એ નફરત મોટા થતાં સુધીમાં તો વટવૃક્ષ બની ગઈ હતી. સપના પણ કદાચ આ તિરસ્કાર ઓળખી ગઈ હતી એટલે જ એ નિશાંતની નાની મોટી બધી જ માંગણી પૂરી કરતી. નિશાંતનાં નાના ખૂબ સધ્ધર હતા અને સપના એમનું એકમાત્ર સંતાન. પૈસે ટકે કોઈ વાતની કમી નહોતી. આ જ વાત નિશાંત માટે નબળી કડી પુરવાર થઈ. પાપાનો બળજબરીપૂર્વકનો વિયોગ, પોતાનો વાંક ઢાંકવા કરાતો મોમનો અનહદ લાડ અને નાનાની અખૂટ દોલત... નિશાંત ધીરે ધીરે ડ્રગ્સનો બંધાણી બની રહ્યો હતો. સપનાને આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં તો પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ હતી. ન્યૂયોર્કના બેસ્ટ રીહેબ સેન્ટરમાં એની સારવાર છેલ્લા પંદર દિવસથી ચાલુ હતી.

“ગુડ મોર્નિંગ બેટા.” સૂરજ પરિચિત અવાજ સાંભળીને પાછળ ફર્યો. સપના હાથમાં ફૂલોનો બૂકે લઈને ઊભી હતી. સૂરજને જોઇને એ આઘાતથી ત્યાં જ ખોડાઈ ગઈ. પંદર વર્ષોનો વીતેલો સમય આવી રીતે સામે આવશે એવી તો એને ધારણા જ નહોતી. નિશાંતની ડ્રગ્સની આદતની જ્યારથી સપનાને ખબર પડી હતી ત્યારથી એ રોજ પળેપળ પોતાના ભૂતકાળમાં ગોથા ખાતી તરફડતી હતી. નિશાંતના જન્મ પછી તરત જ સૂરજને ખબર નહિ કઈ રીતે  ડ્રગ્સની આદત લાગી ગઈ હતી. સપનાને તો એના વિષે બહુ મોડી ખબર પડી. પરંતુ એ પછી એક પણ પળ ગુમાવ્યા વિના નિશાંતને ખાતર જ એણે સૂરજને છોડીને મુંબઈ જવાનો નિર્ણય કર્યો હતો. સૂરજ એટલી હદે ડ્રગ્સમાં ઊંડો ઊતરી ચુક્યો હતો કે એણે સપનાને રોકવાની પણ તસ્દી લીધી નહોતી.

“એક માં થઈને તું નિશાંતનું ધ્યાન ન રાખી શકી, સપના? શું હાલત કરી નાખી છે મારા દીકરાની? હવે એ તારી પાસે બિલકુલ નહિ રહે. હું આજે જ એને અહીંથી લઇ જઈશ.” સૂરજે ગુસ્સાથી સપના સામે જોતાં કહ્યું.

“બધી વાતમાં મને દોષી ઠેરવવાની તારી આદત હજી પણ એવી જ રહી છે, સૂરજ. પણ, એક વાત સાંભળી લે. નિશાંત ક્યાંય નહિ જાય. એ મારી પાસે જ રહેશે.” સપનાએ મક્કમ અવાજે જવાબ આપ્યો.

“દોષ તારો જ છે. નિશાંત ડ્રગ્સ લેતો થઈ જાય ત્યાં સુધી તને ખબર જ ન પડે એ કેવું? બટ ડોન્ટ વરી નિશાંત, હું તારી બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવીશ. યુ વિલ બી ફાઈન.”

“હી ઈઝ ગેટિંગ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ હીઅર, સૂરજ. દિલ્હી કરતાં અહીં સારી સારવાર મળે છે એને.” સપનાએ ધારદાર નજરે સૂરજ સામે જોયું. “ડ્રગ્સ લેતા રહેવું અને કોઈને જાણ ન થવા દેવી એ નિશાંતે તારી પાસેથી જ તો શીખ્યું છે. તારો વરસો જાળવ્યો ને આખરે!!” વર્ષોથી ધરબી રાખેલો ગુસ્સો આજે વહાવી દેવો હોય એમ સપના સૂરજને શબ્દ બાણોથી વીંધી રહી હતી.

“મોમ... પાપા, પ્લીઝ. સ્ટોપ ફાઈટિંગ.” નિશાંતે ઊંચા અવાજે કહ્યું. ”આઈ નીડ બોથ ઓફ યુ વિથ મી. મારી આટલી વાત તો માનશો ને, પ્લીઝ.” નિશાંત વધુ ન બોલી શક્યો. 

“વ્હૂ ઈઝ શાઊટિંગ ધિસ મચ?” બહારથી એક ગોરી નર્સ આવીને પૂછવા લાગી. “નિશાંત, સ્ટોપ પેનીકીંગ. ઈટ વિલ હર્ટ યુ.” એણે ખૂબ જ આત્મીયતાથી નિશાંતને માથે હાથ ફેરવ્યો. “દવા લીધી?” એણે પૂછ્યું. નિશાંતે ડોકું ધુણાવીને ના પાડી. “યુ નોટી બોય. આટલો મોટો થયો તો પણ દવા લેતી વખતે સાવ નાના બાળક જેવો થઇ જાય છે.” એણે હસીને એને ટપલી મારી અને બાજુમાં પડેલી ટ્રેમાંથી ટેબ્લેટ કાઢીને એને આપી.

“મોમ, તું માફ નહિ કરી શકે પાપાને? ભૂલ બધાથી થતી જ હોય ને? તે મને તો માફ કરી જ દીધો છે ને તો હવે પાપાને પણ...” આંખમાં આંસુ સાથે નિશાંત વિનવી રહ્યો સપનાને. સપનાથી એની નજર સહન ન થઇ. એ નીચું જોઈ ગઈ.

“પાપા, વર્ષો પહેલા તમે માફી ન માંગીને કરેલી ભૂલ આજે મને અહીં લઇ આવી છે. હવે બધી કડવાશ ભૂલીને તમે એક ડગલું મોમ તરફ નહિ ભરી શકો? તમારા નહિ તો મારા ખાતર. હું પ્રોમિસ આપું છું કે હવે ક્યારેય ડ્રગ્સને હાથ પણ નહિ લગાડું. પ્લીઝ પાપા.” નિશાંતે એક મરણિયો પ્રયાસ કરી જોયો.

 

કયો પિતા પોતાના બાળકને આવી રીતે પોતાની જિંદગીની ભીખ માંગતો જોઈ શકે? સૂરજ નિશાંતની લાચારી જીરવી ન શક્યો. એણે પસ્તાવાભરી નજરે સપના સામે જોયું. સૂરજના વિચારો વાંચી લીધા હોય એમ સપનાની આંખમાંથી આંસુ ખરી પડ્યા.

સપના પણ મનોમન વિચારતી હતી કે એણે સૂરજને સુધરવાનો મોકો આપ્યા વગર જ એને છોડીને ભૂલ કરી છે. આવું વિચારવાનું કારણ હતું, નિશાંતની પ્રેમિકા અને આ હોસ્પીટલની નર્સ એના. છેલ્લા પંદર દિવસથી એ એનાને જોતી હતી નિશાંતની દેખરેખ કરતાં. નિશાંત અને એના છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેટ મારફતે એકબીજાના ટચમાં હતાં. શરૂઆતની દોસ્તી હવે પ્રેમનું રૂપ ધારણ કરી ચૂકી હતી. એના ન્યૂયોર્કની હોસ્પિટલમાં નર્સ હતી. એના કહેવાથી જ તો મુંબઈથી ઠેઠ ન્યૂયોર્ક નિશાંતની સારવાર માટે આવ્યા હતા. એના જે રીતથી દિવસ રાત જોયા વગર, ધીરજથી નિશાંતની સેવા કરતી હતી એ જોઈને સપનાને પોતાનાં વર્ષો પહેલાનાં નિર્ણયનો અફસોસ થતો હતો. કદાચ... એણે પણ સૂરજનો સાથ છોડ્યો ન હોત! તો આજે નિશાંતની આ હાલત ન થઈ હોત. પંદર દિવસથી પોતાની અંદર ઘૂંટાતા એ અફસોસને આજે સૂરજની નજરે પીગળાવી દીધો હતો.

“સપના.”

“સૂરજ.”

બંને એકસાથે બોલી ઉઠ્યા.

“મને માફ કરીશ?”

વર્ષો પછી આજે પહેલી વાર બંનેનું મન એકાકાર થવા પોકારી ઉઠ્યું હતું. પતિ-પત્ની વચ્ચેના વિખવાદને આખરે પુત્રપ્રેમે ઓગાળી નાંખ્યો હતો. નિશાંત અને એના ક્યારના આ જોઈ રહ્યાં હતાં. નિશાંત પોતાના બેડ પરથી ઉઠ્યો અને બંનેને વળગી પડ્યો. નિશાંતનાં ઓશીકાની નીચે પડેલી વર્ષો જૂની તસ્વીર જાણે આજે ફરી સજીવન થઈ ગઈ.

 


Rate this content
Log in