Mrugtrushna Tarang

Children Stories Fantasy Inspirational

3  

Mrugtrushna Tarang

Children Stories Fantasy Inspirational

મહામંત્રીની ચાલાકી

મહામંત્રીની ચાલાકી

6 mins
186


     કૃષ્ણ દેવરાયા પોતાનાં વિજયનગર રાજ્યમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ ભર્યા વાતાવરણની ખેવના રાખવા યોગ્ય બનતા બધા જ પ્રયત્નો સ્વબળે કરવા ઈચ્છતા હોવાથી દિવસ દરમ્યાન રાજસભામાં તો સાચો તથા સચોટ ન્યાય આપતાં.

     પણ, રાત્રે વેશ પલટો કરી રાજ્યમાં સહુ સુખ શાંતિથી જીવી રહ્યા છે કે કોઈને કોઈ સમસ્યા કે તકલીફ તો નથી ને એનું ય ધ્યાન અચૂક રાખતાં.

     એવાં જ એક ઉનાળામાં અમાસ પહેલાંની આઠમની રાતે વિજયનગરમાં ફેરફટકો કરવા માટે નીકળેલ કૃષ્ણ દેવરાયાને મહેલમાં પાછા ફરવામાં લગભગ અડધી રાત્રી વીતી જતી. એ નિત્યક્રમ રાજ્યનાં દરેકેદરેક સભાસદ જાણતા હતા.

     એ રાત્રે પોતાનાં રાજ્યની ખેરખબર લેવા નીકળેલ રાજા કૃષ્ણ દેવરાયાને પોતાની કેદમાં રહેલા કેદીઓને મળવા જવાનો વિચાર આવ્યો.

     એટલે નગરનું પરિભ્રમણ જેલની મુલાકાત લીધા બાદ કરવાનું નક્કી કરી રાજા કેદીઓને ખાસ મળવા એમની કોટડી તરફ ગયાં.

     એમાંની એક અંધારી કોટડીમાંથી ચાર કેદીઓ રાજા પાસે છુટકારો મેળવવા આજીજી કરવા લાગ્યાં.

     રાજા કૃષ્ણ દેવરાયા સ્વભાવે પ્રેમાળ તેમજ દયાળુ હતો. પણ, શિસ્તબદ્ધ પણ એટલો જ. 

     એટલે, એ ચાર કેદીઓની કથની જેલનાં સુપરિટેન્ડન્ટ પાસેથી જાણવા લાગ્યાં.

     ચારેય કેદી પોતપોતાની ખાસિયતો કહી એક મોકો માંગવા લાગ્યાં.

     રાજા કૃષ્ણ દેવરાયાને ય રાજસભામાં એમનાં નવા નવા બનેલા મહામંત્રી વિશેની ઘણી કૂથલી સાંભળવા મળી હતી. પણ, પુરાવા વગર કોઈને ય એમાંય ખાસ વ્યક્તિ એવાં બુદ્ધિશાળી, બાહોશ, તત્ત્વનિષ્ઠ અને સમજદાર મહામંત્રીને સજા કેમની કરી શકાય કે પછી પ્રશ્નોત્તરનાં કોયડામાં ય કેમનો ઊભો કરી શકાય !

     એ અને એવી ઘણી ઉલ્ઝનોનાં વમળમાં રાજાને એ ચાર કેદીઓ થકી એક પ્રયોગ કરવાનું સૂઝ્યું.

     રાજાએ એ ચારેયની સજા માફ કરી એમને આઝાદ કરવાનું વચન આપ્યું. અને જે તે વસ્તુ મળે એનો અડધો ભાગ આપવાનું ય કહ્યું.

     ચારેય કેદી ખુશખુશાલ થઈ પોતાને ઘરે જવા તત્પર થઈ થનગનવા લાગ્યાં.

     ત્યાં રાજાએ એ ચારેયને બોલાવી એક શરત કહી.

     અને, શરત પાર પાડવા માટે આજની જ રાતનો ઉપયોગ કરવાનું સૂચન પણ કર્યું.

     હોંકારમાં ગરદન હલાવી ચારેય ત્યાંથી રવાના થયાં.

     શું કરવું ને કેવીરીતે શરત પાર પાડવી એ બાબતે ચર્ચા કરવા લાગ્યા. ચાલતાં ચાલતાં ઘણાં આગળ નીકળી ગયાં. ચારમાંથી એકને એક મસ્ત યુક્તિ સૂઝી. બાકીનાં ત્રણેવને નિકટ બોલાવી કાનમાં એ યુક્તિ કહેવા ચોથો કેદી ઉતાવળો થઈ ગયો.

     આસપાસ નકરું અંધારું અને ઉજ્જડ પ્રદેશ હોવા બાદ પણ તમરાંઓનો અવાજ સુસવાટા મારતી હવા ચોથા કેદીનાં ધીમા સૂરને હજુ ધીમો પાડવા સમર્થ બની રહ્યો હતો.

     "જોરથી બોલને ભાઈ. કશું જ સંભળાતું નથી."

     "હા ભાઈ, તું શું કહેવા માંગે છે તે અમને સંભળાવું તો જોઈએ, એ પછી અમલમાં મૂકવાની વાત આવે ને! કેમ બરાબર કે નૈં!"

     ચારમાંથી બાકીનાં ત્રણેવ પેલા ચોથા કેદીને જોરથી બોલવા ઉશ્કેરી રહ્યાં હતાં અને ચોથા કેદીનાં મત મુજબ જેમ દીવાલોને કાન હોય એમ, ઉજ્જડ સ્થાનને ય ઉઘાડા કાન હોય જે બધું જ સ્પષ્ટ સાંભળી જાણતા હોય. પણ, બાકીનાં ત્રણનાં આગ્રહ સામે નમતું જોખી ચોથા કેદીએ પોતાની યોજના કહેવાનું શરૂ કર્યું...

     "રાજમંત્રીનાં ઘરે રાજા જેટલી નહીં તોયે કંઈ અંશે વધારે જ ધન-સંપત્તિ હોવાની. બરાબર!"

     સહુએ 'હા'માં ગરદન હલાવી.

     "અને એ ધન-ધાન્ય અને સંપત્તિ કોઈ એક ઠેકાણે તો નહીં જ મૂકતો હોય, બરાબર."

     ફરી બાકીનાં ત્રણેવએ ગરદન 'હા'માં હલાવી હોંકાર ભણ્યો.

     "પણ, યોજના શું છે એ તો કહે!"

     આટલું સમજાવ્યા બાદ ચોથા કેદીએ પોતાની ખરી યોજના કહેવા માંડી -

     "હાં, તો આપણે ચારેય એ મહામંત્રીનાં ઘરે એક સાથે ન ઘૂસતા ચારેય બાજુએથી ઘૂસીને જેને જે મળે એ પોતાની પાસે રાખે અને સહુ ભેગા થાય ત્યારે એનું એક મોટું પોટલું બનાવી દઈએ. ઠીક!"

     "પણ, જો કોઈ એકને જ બધુ મળી ગયું તો શું બાકીનાં ત્રણનું શું?!"

     "અરે ભાઈ! જેને મળે એ સહુનું સહિયારું. ત્યારે જ તો રાજાની શરત પૂરી કરવામાં કામયાબ થઈશું ને એમનાં રાજકોશને સરભર કરી શકીશું. બરાબર!"

     "હાં, હવે કંઈક સમજાયું." કહી ચારેય મહામંત્રીનાં ઘરમાં ઘૂસવાની તજવીજમાં લાગી ગયાં.

     શરત મુજબ જાહેર નહોતું થવાનું એટલે સહુએ મ્હોં પર બુકાની ઓઢી લીધી. અને ચહેરા પર કાળો કોલસો રગડી દીધો.

     રાતનું ભાણું પરવાર્યા બાદ મહામંત્રી પોતાની પત્ની તથા માતાજી સાથે આંગણામાં શતપાવલી ચાલતાં ચાલતાં ચાહલકદમી આદરી રહ્યા હતાં.

     પત્ની અને માતાશ્રીની ગતિ ધીમી ત્યારે મહામંત્રીની ગતિ તેજ થઈ રહી હતી.

     પોતાનાં ઘરની આસપાસનાં વિસ્તારમાં સૂકા પાંદડાની સરસરાહટ ધીમા સૂરમાં સાંભળી એમના કાન સરવાં થઈ ગયાં. અને એમને તાગ મેળવતાં સહેજેય વાર ન લાગી કે કોઈ તો ચોરપગલે ઘુસ્યું હોવું જોઈએ.

     ઘરમાં જઈ પોતાની માતાશ્રીને એમનાં ઓરડામાં સુવડાવી પત્ની સાથે ઓટલે હિંચકો ખાતા ખાતા મહામંત્રીએ પોતાની ધન સંપત્તિ પાટી પેન લઈ લખવા માંડી.

     મહામંત્રીની પત્નીને આશ્ચર્ય તો ઘણું થયું, પણ, પોતાનાં પતિની બુદ્ધિમત્તા પરનાં વિશ્વાસને કારણે જે કંઈ પણ કરતાં હશે એનો નક્કી કોઈ ઉદ્દેશ હોવો જોઈએ એવું પણ સમજીને ચૂપ રહ્યાં.

     મહામંત્રી પણ તીરછી નજરે પત્ની રૂપમતીની વિચારસરણી પર ગર્વ અનુભવી રહ્યાં.

     અડધા એક કલાક બાદ મહામંત્રી આઠ દસ નાની નાની પોટલીઓ અને એક મોટી પિત્તળનો પટારો લઈ હિંચકે પાછા ફર્યા.

     દૂર ઝાડવાઓમાં ચારેય ખૂણે બેઠેલા એ ચારેય કેદીઓને મોટો પટારો તથા નાનીમોટી પોટલીઓ જોઈ ઉત્સુકતા જાગી. અને મહામંત્રી તથા એમની પત્ની હવે શું કરશે એનો તાળો મેળવવા ચારેય એકબીજાને ગુપ્ત સૂરમાં એકઠાં થવાનો ઈશારો આપવા લાગ્યાં.

     "કહું છું સાંભળો છો રાજરાણી!" મહામંત્રીએ આંખનાં ઈશારા સાથે હાક પણ મારી.

     "બોલો મહામંત્રી જી, આટલી મોડી રાતે આજે તમને શું મશ્કરી સૂઝી તે આમ ઊંઘવાનાં સમયે અહીં હિંચકે બોલાવી રહ્યાં છો!"

     "તે એવું છે ને કે, ગામમાં વાતો સાંભળી'તી કે પરગામેથી એક ચપળ, ચાલક તેમજ શાતિર દિમાગવાળી ડાકુઓની એક ટોળકી આપણા ગામમાં પણ ડકૈતી કરવાનાં મનસૂબા સેવે છે..."

     "અરે બાપરે! તો, આપણે મહારાજા દ્વારા મળેલ સંપત્તિ, ઇનામો તથા ભેંટ સોગાતો ક્યાં છૂપાવશું?"

     "મારો વિચાર એવો છે કે ઘરમાં દાખલ થઈ કોઈપણ આસાનીથી ડકૈતી કરી શકે...

     તો, ભેંટ - સોગાતોનો આ પટારો કૂવામાં પધરાવી દઉં...

     અને, આ નાનીમોટી પોટલીઓ પાછળનાં ખેતરમાં ઠેર ઠેર દાટી દઉં...

     બરાબર ને! શું કહેવું છે તમારું?"

     "હા, હા, એજ યોગ્ય રહેશે, અને કોઈનેય ક્યારેય એ બાબતે સંદેહ નહીં જાગે કે મહામંત્રીનાં ઘરની ધન ધાન્ય તથા સંપત્તિ ક્યાંક બીજે જ છૂપાવીને ગોઠવી હશે.

     ચાલો, ચાલો, હું ય તમારી મદદે આવું."

     કહી મહામંત્રીની પત્નીની મદદથી મહામંત્રીએ ધન - ધાન્ય તથા સંપત્તિ ખેતરમાં ખૂણે ખાંચરે છુપાવી દીધી..

     અને,

     પિત્તળનાં પટારામાં ભેટ સોગાતોને કપડામાં વીંટાળી સુરક્ષિત રીતે ગોઠવી, મહામહેનતે પટારો ઊંચકી કૂવામાં પધરાવી દીધો.

     અને ત્યારબાદ હાશકારો બોલાવી પોતાનાં શયનકક્ષમાં દરવાજો વાસી આરામ કરવા જતાં રહ્યાં.

     અહીં ચારેય કેદીઓએ આખીય ઘટના પોતાની સગી આંખે જોઈ તથા સાંભળી પણ.

     એટલે પહેલાં જે યોજના બનાવી હતી એને પડતી મેલી ચારેય સાથે જ કામ કરવા તૈયાર થયા.

     અને, એટલે ધન - સંપત્તિ મેળવવા કાજે ખેતર તરફ ગયાં. ઠેર ઠેર ખાડો ખોદેલો હશે એવું વિચારી ખેતરમાં ખોદવાનું શરૂ કર્યું. પણ ખોદવામાં એકમેકનો હાથ તો ક્યારેક કુદાળી નડવા લાગી.

     ફરી એકઠાં થઈ વિચાર્યું - સહુ ચારેય ખૂણે અને ચારેય દિશામાં ખોદે અને મળેલ પોટલીઓ અહીં મધ્યમાં એકઠી કરે.

     નક્કી કરેલા નિર્ણયને અનુસરતાં ચારેય કેદીઓ ચહુ ઓર ખેતરને ખોદવામાં લાગી ગયાં. એક સામટી ઘણી બધી પોટલીઓ મળી આવી. એ બધી પોટલીઓ પટારા સમેત મહારાજા સામે ધરીશું એવું નિશ્ચિત કરી ચારેય કૂવામાં કૂદ્યા.

     પિત્તળનો પટારો ઊંચકી બહાર કાઢવામાં ઘણું ખરું પાણી ઉલેચાઈ ગયું અને અહીંતહીં પ્રસરવા લાગ્યું. આસપાસની ચીકણી માટી વધુ નરમ પડવા લાગી.

     જેમતેમ કરી પટારો બહાર કાઢ્યો. ત્યાં સુધીમાં તો પરોઢ થઈ ગઈ. મળસ્કે કૂવા કાંઠે સ્નાનાદિ પતાવવા મહામંત્રી પહોંચ્યા તો ત્યાં આસપાસ ઘણું બધું પાણી છોડવાઓને પુરવાઈ ચૂક્યું હતું.

     ઉનાળાની ભઠ્ઠી સમાન બળબળતી જમીનને યકાયક ટાઢી બોળ જોઈ મહામંત્રીને આશ્ચર્ય થયું. અને કૂવાને ફરતે ચારેય કેદીઓને થાકીને લોથપોથ થઈ અર્ધ નિશ્ચેત પડેલા જોઈ સિપાહીઓ તેમજ મહારાજાને જાણ કરી.

     થોડી જ વારમાં મહારાજા કૃષ્ણ દેવરાયા અને એમનું મંત્રીમંડલ તથા સિપાહીગણ પણ ત્યાં હાજર થઈ ગયું.

     ચારેય કેદીઓ અંગડાઈ લઈ લઈને પોતાનો થાક ઉતારવા મથી રહ્યાં હતાં.

     આખીય ઘટનાને વર્ણવવા માટે ચારમાંથી એકેય સક્ષમ નહોતાં છતાંય, મહારાજા દેવરાયાનાં આદેશાનુસાર ચારેય નાનીમોટી પોટલીઓ તથા પિત્તળનાં પટારા સાથે હાજર થયાં.

     સૈનિકોની મદદથી પોટલીઓ ખોલવામાં આવી તો એમાં જોયું કે ધન ધાન્ય ને બદલે એમાંથી કોલસાની ભુક્કીઓ મળી આવી. અને પિત્તળનાં પટારામાંથીય નાના મોટા પથરાઓ મળી આવ્યાં.

     આ દૃશ્ય જોઈ મહારાજા કૃષ્ણ દેવરાયાએ ચારેય કેદીઓને પોટલીઓ ક્યાંથી તથા કેવીરીતે મળ્યું એ પૂછ્યું.

     આખીય અતઃ થી ઇતિ સુધીની ઘટના સંભળાવ્યા બાદ ખેતર જોવા ગયાં તો મહામંત્રી દ્વારા કરેલી ચાલાકીથી એમનું બંજર ખેતર ખૂબ જ સરસ રીતે ખેડાઈ ચૂક્યું હતું અને કૂવા પાસેનાં વિસ્તારનાં છોડવાઓને ય ભરપૂર માત્રામાં પાણી પુરવાઈ ગયું હતું.

     કે જેથી, ઉનાળાની ઋતુમાં વધારાનો સૂર્ય તાપ નડતરરૂપ ન બને.

     તાળીઓના ગડગડાટ વચ્ચે સભાસદોએ મહામંત્રી તેનાલી રમનની બુદ્ધિમત્તા પર સંદેહ કરવાની પોતાની ભૂલ સ્વીકારી તેમજ કૂથલી કરવાની વૃત્તિ બદલવા માટે આભાર વ્યક્ત કર્યો.

     મહારાજાએ તથા મહામંત્રી તેનાલીરામને પણ વ્યક્તિગતરૂપે ચારેય કેદીઓનો આભાર માન્યો તથા મહારાજાને એમનું વચન યાદ દેવડાવી કેદમાંથી મુક્ત કર્યા.

     આભાર વ્યક્ત કરી મળેલા સબક પરથી ચારેય કેદીઓએ એક નિયમ ગાંઠે બાંધી દીધો...

     "કાન ધરી કોઈનુંય કશું સાંભળવું નહીં...

     સાંભળેલા વચનો પર વિચાર વિમર્શ કરવો...

     અને,

     લોભ લાલચથી પરે રહેવું...

     ખોટું કશું ય ન કરવું જેથી કોઈનુંય મન દુભાય...

     પોતાનાને જે મળ્યું એમાં સંતોષ માનવો.


Rate this content
Log in